૩૭, સાધકોનાં સ્વપ્ન નિરર્થક હોતાં નથી, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
સાધકોનાં સ્વપ્ન નિરર્થક હોતાં નથી, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
સાધનાથી એક વિશેષ દિશામાં મનોભૂમિનું નિર્માણ થાય છે. શ્રદ્ધા, વિશ્વાસ તથા સાધનાવિધિની કાર્યપ્રણાલિ અનુસાર આંતરિક ક્રિયાઓ એ દિશામાં પ્રવાહિત થવા લાગે છે. તેનાથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું ચતુષ્ટય એવું જ રૂપ ધારણ કરવા માંડે છે. ભાવનાઓના સંસ્કારો અંતર્મનના ઊંડે સુધી પ્રવેશ કરી જાય છે. ગાયત્રી સાધકોની ગતિવિધિમાં આધ્યાત્મિકતા અને સાત્ત્વિકતાનું સ્થાન મુખ્ય બની જાય છે. એમને માટે જાગૃત અવસ્થાની જેમ સ્વપ્નાવસ્થામાં એની ક્રિયાશીલતા સારગર્ભિત જ થઈ જાય છે. એમને પ્રાયઃ સાર્થક જ સ્વપ્ના આવે છે.
ગાયત્રી સાધકોને સાધારણ વ્યક્તિઓની જેમ મોટે ભાગે નિરર્થક સ્વપ્ન આવતાં નથી જેમાં ચાહે તેવાં ઊલટાં સૂલટાં સ્વપ્નોનો ઉદ્ભવ થાય એવી એમની અવ્યવસ્થિત મનોભૂમિ હોતી નથી.
જ્યાં વ્યવસ્થા સ્થાપિત થઈ ચૂકી છે, ત્યાંની ક્રિયાઓ પણ વ્યવસ્થિત હોય છે. ગાયત્રી સાધકોના સ્વપ્નાને અમે ઘણા સમયથી ધ્યાનપૂર્વક સાંભળતા આવ્યા છીએ અને એનાં મૂળ કારણો પર વિચાર કરતા આવ્યા છીએ. તે અનુસાર અમારે એવા નિર્ણય પર આવવું પડયું છે કે, તે લોકોનાં સ્વપ્ન બહુ જ ઓછાં નિરર્થક હોય છે. એમાં સાર્થકતાની માત્રા જ અધિક હોય છે.
નિરર્થક સ્વપ્ન અત્યંત અપૂર્ણ હોય છે. એમાં કેવળ કોઈ વાતની થોડીક ઝાંખી હોય છે અને તરત જ તેનું તાદાત્મ્ય બગડી જાય છે. દૈનિક વ્યવહારની સાધારણ ક્રિયાઓની સામાન્ય સ્મૃતિ મગજમાં જાગૃત થતી રહે છે અને ભોજન, સ્નાન, વાયુ સેવન જેવી દૈનિક સ્મૃતિનાં અસ્તવ્યસ્ત સ્વપ્નો દેખાય છે. એ સ્વપ્નોને નિરર્થક જ કહી શકાય. સાર્થક સ્વપ્નો કોઈ વિશેષતા માટેનાં હોય છે. એમાં કોઈ વિચિત્રતા, નવીનતા, ઘટનાક્રમ અને પ્રભાવોત્પાદન ક્ષમતા હોય છે. એમને જોઈને મનમાં ભય, શોક, ચિંતા, ક્રોધ, વિષાદ, લોભ, મોહ આદિના ભાવો ઉત્પન્ન થાય છે. નિદ્રાત્યાગ કર્યા પછી પણ એની છાપ મન પર કાયમ રહેવા પામે છે અને ચિત્તમાં વારંવાર એ જાણવાની ઇચ્છા જાગે છે કે એ સ્વપ્નનો અર્થ શું હશે ?
સાધકોના સાર્થક સ્વપ્નોના ચાર ભાગ પાડી શકાય. (૧) પૂર્વસંચિત કુકર્મોનું નિષ્કાસન (૨) શ્રેષ્ઠ તત્ત્વોની સ્થાપનાનું પ્રકટીકરણ (૩) ભવિષ્યની કોઈ પણ સંભાવનાનો પૂર્વાભાસ અને (૪) દિવ્ય દર્શન. આ ચાર શ્રેણીમાં વિવિધ પ્રકારનાં બધાં સાર્થક સ્વપ્નો સમાઈ જાય છે.
• કુસંસ્કારોને દૂર કરવાની પ્રક્રિયા
કુસંસ્કારોને નષ્ટ કરનારા સ્વપ્નો પૂર્વસંચિત કુસંસ્કારોના નિષ્કાસનમાં એટલાં માટે આવે છે કે, ગાયત્રી સાધના દ્વારા નવાં આધ્યાત્મિક તત્ત્વોની વૃદ્ધિ સાધકના અંતઃકરણમાં થઈ જાય છે. જ્યાં એક વસ્તુ મૂકવામાં આવે ત્યાંથી બીજી વસ્તુને ખસી જવું પડે છે. પ્યાલામાં પાણી ભરવામાં આવે તો પહેલેથી તેમાં રહેલી હવાને ખસી જવું પડે છે. રેલના ડબામાં નવા ઉતારૂઓને સ્થાન મળે એટલાં ખાતર એમાં બેઠેલા મુસાફરો ઊતરી જાય એ આવશ્યક છે. દિવસનો પ્રકાશ આવ્યા પછી અંધકારને નાસી જવાની ફરજ પડે છે. એ જ પ્રકારે ગાયત્રી સાધનાના અંતર્જગતમાં જે દિવ્ય તત્ત્વોની વૃદ્ધિ થાય છે તેથી આગલાં કુસંસ્કારોનો નાશ થાય એ સ્વાભાવિક છે. આ નિષ્કાસન જાગૃત અવસ્થામાં પણ થયા કરે છે અને સ્વપ્નાવસ્થામાં પણ. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે વિસ્ફોટ દ્વારા ઉષ્ણવીર્યના પદાર્થો સ્થાનભ્રષ્ટ થતાંની સાથે જ એક ઝટકો મારે છે. બંદૂક જ્યારે ફોડવામાં આવે છે, ત્યારે એક વાર પાછળ ધસે છે, દારૂ જ્યારે સળગે છે ત્યારે એક ધડાકાનો અવાજ થાય છે. દીવો બુઝાતાં એક વાર જોરથી ભભકી ઊઠે છે. આ જ પ્રકારે કુસંસ્કારો માનસલોકમાંથી પ્રયાણ કરતી વખતે મગજના તંતુઓ પર આધાત કરે છે અને એ આઘાતોની પ્રતિક્રિયા સ્વરૂપે જે વિક્ષોભ ઉત્પન્ન થાય છે તે એ સ્વપ્નાવસ્થામાં ભયંકર અસ્વાભાવિક અને ઉપદ્રવના રૂપમાં જોવામાં આવે છે.
ભયાનક હિંસક પશુ, સર્પ, સિંહ, વાઘ, પિશાચ, ચોર, ડાકુ આદિનું આક્રમણ થવું; સૂનસાન, એકાંત, ભયજનક જંગલ, કોઈ પ્રિયજનનું મૃત્યુ, આગ લાગવી, રેલ, ભૂકંપ, યુદ્ધ આદિનાં ભયંકર દૃશ્યો નજરે પડવા, અપહરણ, અન્યાય, શોષણ, વિશ્વાસઘાત દ્વારા આપણો શિકાર થાય; કોઈ વિપત્તિ આવવી, અનિષ્ટની આશંકાથી ચિત્તનું ગભરાઈ ઊઠવું આદિ સ્વપ્ના, જેને કારણે મનમાં ચિંતા, બેચેની, પીડા, ભય, ઘૃણા આદિના ભાવો ઉત્પન્ન થાય છે તે પૂર્વસંચિત કુસંસ્કારોની અંતિમ ઝાંખીનું દર્શન કરાવે છે. એ સ્વપ્નો બતાવે છે કે જન્મ- જન્માંતરોની સંચિત એ કુપ્રવૃત્તિઓ હવે છેવટની વિદાય લઈ રહી છે.
કામવાસના બીજી બધી મનોપ્રવૃત્તિઓથી અધિક પ્રબળ છે. કામભોગની જે અનિયંત્રિત ઇચ્છાઓ મનમાં ઊઠે છે, એ બધીનું સફળ થવું અસંભવિત છે. પરંતુ એ કચડાયેલી અતૃપ્ત અને અસંતુષ્ટ ઇચ્છાઓ કોપભવનમાં કોઈ નિરાશ પ્રેમિકાની જેમ પડી રહે છે. પરંતુ તે ચૂપચાપ પડી રહેતી નથી અને તક મળતાં જ નિદ્રાવસ્થામાં પોતાના મનસૂબાઓને ચરિતાર્થ કરવા માટે સ્વપ્નનો અભિનય રચે છે. દિવસે ઘરના માણસો જાગતા હોવાથી ઊંદરો ડરે છે અને પોતાના દરમાં બેસી રહે છે, પરંતુ જ્યારે બધા માણસો ઊંઘી જાય ત્યારે તે પોતાના દરમાંથી બહાર નીકળી પડીને કૂદાકૂદ મચાવી મૂકે છે. કચડાયેલી કામવાસના પણ એવું જ કરે છે. એ વિચારની રોટી ખાઈને કોઈ પ્રકારે પોતાની ભૂખ શમાવે છે. સ્વપ્નાવસ્થામાં સુંદર સુંદર વસ્તુઓને જોવી, સુંદર સ્ત્રીઓને જોવી, એમની સાથે રમવું, એમની નિકટતામાં આવવું, મનોહર નદી, સરોવર, વન, ઉપવન, પુષ્પ, ફળ, નૃત્ય, ગીત, વાઘ, ઉત્સવ, સમારોહ જેવાં દૃશ્યોને જઈને કચડાયેલી વાસનાઓ એમાંથી કોઈક પ્રકારે પોતાને તૃપ્ત કરે છે. ધનની, પદની, મહત્ત્વ પ્રાપ્તિની અતૃપ્ત આકાંક્ષાઓ પણ પોતાની તૃપ્તિને માટે જૂઠા અભિનયો કરે છે. કદી કદી એવું બને છે કે પોતાની અતૃપ્તિના દર્દનો, ઘાનો, પીડાનો વધારે રૂપમાં અનુભવ કરવાને માટે આવા સ્વપ્નો દેખા દે છે, એટલે અતૃપ્તિમાં ઓર વધારો થાય છે. જે થોડું ઘણું સુખ હતું તે પણ હાથમાંથી ચાલ્યું જાય અથવા મનોકામના પૂરી થતાં પહેલાં જ કોઈ આકસ્મિક કારણથી વિઘ્ન ઊભું થયું હોય એમ લાગે છે.
તૃપ્તિઓને અમુક અંશે યા અન્ય કોઈ બીજા પ્રકારે તૃપ્ત કરવાને માટે અતૃપ્તિનો વધારે ઉગ્રરૂપે અનુભવ કરવા માટે ઉપર જણાવ્યા જેવાં સ્વપ્નમાં આવ્યા કરે છે. એ દેખાઈ રહેલી વૃત્તિઓ ગાયત્રીની સાધનાથી ઊંડી જઈને પોતાનું સ્થાન ખાલી કરે છે. તેથી પરિવર્તનકાળમાં તે પોતાનાં ગુપ્ત રૂપોને પ્રગટ કરીને વિદાય થાય છે. તદ્દનુસાર સાધનાકાળમાં પ્રાયઃ આ પ્રકારનાં સ્વપ્ના આવે છે. કોઈ મૃતપ્રેમીનું દર્શન, સુંદર દૃશ્યોનું અવલોકન, સ્ત્રીઓ સાથે હળવું-મળવું, મનોવાંછનાઓ પૂરી થયા પછી પણ ઇચ્છિત વસ્તુઓનો અગાઉના કરતાં અધિક અભાવ જણાય આદિ ઘટનાઓ સ્વપ્નમાં વિશેષ પ્રમાણમાં દેખા દે છે. એનો અર્થ એ છે કે અનેક દબાઈ રહેલી અતૃપ્ત તૃષ્ણાઓ ધીરે ધીરે પોતાની વિદાયની તૈયારી કરી રહી છે. આત્મિક તત્ત્વોની વૃદ્ધિ થવાને લીધે એવું થવું સ્વાભાવિક પણ છે.
* દિવ્ય તત્ત્વોનાં વૃદ્ધિસૂચક સ્વપ્ન
બીજી શ્રેણીનાં સ્વપ્નો એવા હોય છે, જેમાં સાત્ત્વિક વૃત્તિની વૃદ્ધિ નિરંતર થતી હોય છે. સત્ત્વગુણી કાર્યો પોતે કરનારને અથવા કોઈ બીજા પાસે કરાવનારને એવા સ્વપ્નોનો પરિચય થાય છે. પીડિતોની સેવા, અભાવગ્રસ્તોને સહાયતા, દાન, જપ, તપ, યજ્ઞ, ઉપવાસ, તીર્થ, મંદિર, પૂજા, ધાર્મિક કર્મકાંડ, કથા, કીર્તન, પ્રવચન-ઉપદેશ, માતા, પિતા, સાધુ મહાત્મા, નેતા, વિદ્વાન, સજ્જનોનો સહવાસ, સ્વાધ્યાય, અધ્યયન, આકાશવાણી, દેવીદેવતાઓનાં દર્શન, ભવ્ય પ્રકાશ આદિ આધ્યાત્મિક સત્ત્વગુણી શુભ સ્વપ્નોમાં સાધક પોતાની અંદર દાખલ થયેલાં શુભ તત્ત્વોને જુએ છે અને એ દૃશ્યોથી શાંતિનો લાભ મેળવે છે.
* ભવિષ્યનો આભાસ અને દેવી આગાહીને લગતાં સ્વપ્ન
ત્રીજા પ્રકારનાં સ્વપ્નો ભવિષ્યમાં બનનાર ઘટનાઓનો સંકેત કરે છે. સવારે સૂર્યોદય પહેલાં એક બે કલાક દરમિયાન આવેલા સ્વપ્નમાં સચ્ચાઈનો ઘણો અંશ હોય છે. બ્રાહ્મમુહૂર્તમાં એક તો સાધકનું મન નિર્મળ હોય છે બીજું પ્રકૃતિના વાતાવરણનો કોલાહલ પણ રાતની નિઃસ્તબ્ધતાને લીધે મોટે ભાગે શાંત થઈ ગયેલો હોય છે. એ સમયે સત તત્ત્વની પ્રધાનતાને કારણે વાતાવરણ સ્વચ્છ હોય છે અને સૂક્ષ્મ જગતમાં વિચરણ કરતા ભવિષ્યનો, ભાવી વિધાનોનો થોડોઘણો આભાસ થવા માંડે છે.
કદી કદી અસ્પષ્ટ દૃશ્યો જોવામાં આવે છે, જેથી માલૂમ પડે છે કે એ ભવિષ્યમાં થનાર કોઈ લાભ કે હાનિનો સંકેત છે. પરંતુ વાસ્તવિક સ્વરૂપમાં જણાતું નથી કે એનું તાત્પર્ય શું છે ? એવા સ્વપ્નોનો આ કારણો હોય છે- (૧) ભવિષ્યનું વિધાન પ્રારબ્ધ કર્મોથી બને છે પરંતુ વર્તમાન કર્મોથી એ વિધાનમાં પૂરો હેરફેર થઈ શકે છે. વિધિનાં કોઈ પૂર્વનિર્ધારિત વિધાન સાધકનાં વર્તમાન કર્મોને લીધે થોડાઘણા પરિવર્તિત થઈ જાય છે, ત્યારે એનું નિશ્ચિત અને સ્પષ્ટ રૂપ બગડી જઈ અનિશ્ચિત અને અસ્પષ્ટ થઈ જાય છે. તદ્દનુસાર એ વાત તેને સ્વપ્નમાં દેખાય છે. (૨) કેટલાંક ભાવિ વિધાનો એવા હોય છે જે નવાં કર્મોના, કંઈક પરિસ્થિતિ અનુસાર બને છે અને પરિવર્તિત થતાં રહે છે. તેજી, મંદી, સટ્ટો, લોટરી આદિની બાબતમાં જ્યાં સુધી ભવિષ્ય તૈયાર થતું હોય છે અને એની સંપૂર્ણ રીતે સ્પષ્ટતા જણાતી નથી ત્યાં સુધી એનો પૂર્વાભાસ સાધકને સ્વપ્નમાં મળે તો પણ તે એકાંગી અને અપૂર્ણ હોય છે. (૩) અહંકારની સીમા જેટલાં ક્ષેત્રોમાં હોય છે, તે વ્યક્તિના અહંનું એક આધ્યાત્મિક એકમ હોય છે, આટલાં વિસ્તૃત ક્ષેત્રનું ભવિષ્ય એનું પોતાનું ભવિષ્ય બની જાય છે. ભવિષ્યસૂચક સ્વપ્ન આ “અહં”ની સીમાક્ષેત્ર સુધી આપણને દેખાય છે. તેથી એવું પણ બને છે કે, જે સંદેશ સ્વપ્નમાં મળે છે, તે અહંકારની મર્યાદામાં આવનાર કોઈ કુટુંબી, પાડોશી, મિત્ર અથવા સગાને લગતા હોય છે. (૪) સાધકની મનોભૂમિ સંપૂર્ણ રીતે નિર્મળ ન થઈ હોય તો આકાશના સૂક્ષ્મ અંતરાળમાં વહેતાં તથ્થો અધૂરાં અથવા તો રૂપાંતરિત થયેલા દેખાય છે જેમાં કે કોઈ માણસ પોતાને ઘેરથી આપણને મળવા નીકળી ગયો હોય તો એ માણસને બદલે કોઈ બીજો જ માણસ આવ્યાનો આભાસ થાય ત્યારે બને એમ છે કે સાધકની દિવ્ય દૃષ્ટિ ઝાંખી થઈ જાય છે અને દૂરથી જનાર માણસ “પૂતળા’ જેવો દેખાય છે પણ તેનો ચહેરો પરખાતો નથી. હવે આ ઝાંખાં અસ્પષ્ટ આભાસ ઉપર આપણી સ્વપ્નમાયા એક કલ્પિત આવરણ ચઢાવીને કોઈ જૂઠી આકૃતિને જોડી દે છે અને દોરડાને સર્પ બનાવી દે છે. એવા સ્વપ્ના અડધાં સત્ય અને અડધાં અસત્ય હોય છે, પરંતુ જેમ જેમ સાધકની મનોભૂમિ વધારે નિર્મળ થતી જાય છે, તેમ તેમ તેની દિવ્ય દૃષ્ટિ સ્વચ્છ થતી જાય છે અને એનાં સ્વપ્નો અધિક સાર્થકતાયુક્ત થવા માંડે છે.
* જાગૃત સ્વપ્ન અથવા દિવ્ય દર્શન
સ્વપ્ન ફકત રાતના વખતે નિદ્રાગ્રસ્ત હોઈએ ત્યારે જ આવતાં નથી, એ જાગૃત અવસ્થામાં પણ આવે છે. ધ્યાનને એક પ્રકારનું જાગૃત સ્વપ્ન સમજવું જોઈએ. કલ્પનાને ઘોડે ચડીને આપણે દૂર દૂરનાં સ્થાનોનાં વિવિધ પ્રકારનાં સંભવ અને અસંભવ દૃશ્ય જોયા કરીએ છીએ, એ એક પ્રકારનું સ્વપ્ન જ છે. નિદ્રાગ્રસ્ત સ્વપ્નોમાં અંતર્મનની ક્રિયાઓ મુખ્ય હોય છે. જ્યારે જાગૃત સ્વપ્નોમાં બહિર્મનની ક્રિયાઓ મુખ્ય હોય છે. આટલું અંતર તો અવશ્ય છે, પરંતુ એ નિદ્રા અને જાગૃત સ્વપ્નની પ્રણાલી એક જ છે. જાગૃતાવસ્થામાં સાધકના મનોલોકમાં નાના પ્રકારની વિચારધારાઓ અને કલ્પનાઓ દોડાદોડ મચાવે છે. એ પણ ત્રણ પ્રકારની હોય છે. પૂર્વસંસ્કારોનું નિષ્કાસન, શ્રેષ્ઠ તત્ત્વોનું પ્રગટીકરણ તથા ભવિષ્યના પૂર્વાભાસની સૂચના આપવા માટે મગજમાં વિવિધ પ્રકારના વિચાર, ભાવો અને કલ્પનાઓનાં ચિત્રો રજૂ થાય છે. નિદ્રા અને જાગૃતિમાં આવતાં સ્વપ્નો એ બંનેનાં ફળ એકસરખાં જ હોય છે.
કદી કદી જાગૃત અવસ્થામાં પણ સૂક્ષ્મ, ચમત્કારિક, દેવી, અલૌકિક દૃશ્ય કોઈ કોઈના જોવામાં આવે છે. કોઈકને ઇષ્ટદેવનું દર્શન થાય છે, કોઈકને ભૂતપ્રેત પ્રત્યક્ષ દેખાય છે, કોઈને બીજાના ચહેરા પર તેજોવલય અને મનોગત ભાવોના આકારો નજરે પડે છે. એના આધારે તે બીજાની આંતરિક સ્થિતિને જાણી લે છે. રોગ સારો થવો કે ન થવો, સંઘર્ષમાં હારવું કે જીતવું, ચોરાઈ ગયેલી વસ્તુ, આગામી લાભ-હાનિ, વિપત્તિ સંપત્તિ આદિ વિષે કેટલાક મનુષ્યોના અંતઃકરણમાં એક પ્રકારની આકાશવાણી જેવું સંભળાય છે અને તે કેટલીક વાર તો એટલી સાચી નિવડે છે કે આપણે આશ્ચર્યથી દંગ થઈ જઈએ.
પ્રતિભાવો