૨૦. સાધકોને માટે યજ્ઞોપવીત આવશ્યક છે, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
સાધકોને માટે યજ્ઞોપવીત આવશ્યક છે, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
કેટલીક વ્યક્તિઓ વિચારે છે યજ્ઞોપવીત અમને ફાવશે નહીં, અમારાથી એના નિયમોનું પાલન થઈ શકશે નહીં, તેથી અમારે તે ધારણ કરવું ન જોઈએ. એ તો એવી વાત થઈ, જેમ કોઈ કહે મારા મનમાં ઈશ્વર ભક્તિ નથી, તેથી હું પૂજાપાઠ નહીં કરું. પૂજાપાઠ કરવાનું તાત્પર્ય ભક્તિ ઉત્પન્ન કરવી એ જ છે. એ ભક્તિ પહેલેથી જ હોત તો પૂજાપાઠ કરવાની કંઈ જરૂર જ નહોતી. આ જ વાત જનોઈની બાબતમાં છે. જો ધાર્મિક નિયમોનું પાલન એની મેળે જ થઈ જતું હોય તો એને ધારણ કરવાની આવશ્યકતા જ રહે નહીં. કેમ કે આપમેળે નિયમો પળાતા નથી. એને માટે તો યજ્ઞોપવીતનો પ્રતિબંધ મૂકીને એ નિયમો પાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે લોકો નિયમો પાળી શકે એમ ન હોય તેમણે તો જનોઈ અવશ્ય ધારણ કરવું જોઈએ. જે માંદા છે તેને દવા જોઈએ. જે માંદા જ ન હોય તેને દવાની શી જરૂર છે ?
નિયમો શા માટે પાળવા જોઈએ એને માટેની લોકોમાં વિચિત્ર માન્યતાઓ છે. કેટલાક લોકો સમજે છે કે, ભોજન વિષેના નિયમોનું પાલન કરવું એ જ જનોઈનો નિયમ છે. સ્નાન કર્યા વગર, બજાર, વાસી અને પોતાની જાતના નહીં એવા એ બનાવેલું ભોજન ન કરવું એ જ યજ્ઞોપવીતની સાધના છે. આ એક અધૂરી અને ભ્રમપૂર્ણ માન્યતા છે. યજ્ઞોપવીતનું મંતવ્ય માનવ જીવનની સર્વાગપૂર્ણ ઉન્નતિ કરવી એ છે. એ ઉન્નતિઓમાં સ્વાસ્થ્યની ઉન્નતિ પણ એક છે, એને માટે બીજા નિયમોનું પાલન કરવાની સાથે ભોજન સંબંધી સાવધાની રાખવી ઉચિત છે. પરંતુ પ્રત્યેક બ્રાહ્મણ જીવનની સર્વાંગી ઉન્નતિના બધા નિયમોનું પૂર્ણ પણે પાલન કરી શકતો નથી છતાં તે ખભે જનોઈ ધારણ કરે છે અને ભોજન વિષેના કોઈ નિયમમાં ત્રુટિ રહી જાય તો એમ નહીં સમજવું જોઈએ કે એનો જનોઈ ધારણ કરવાનો અધિકાર છિનવાઈ જાય છે. જો જૂઠું બોલવાથી, દુરાચારની દૃષ્ટિ રાખવાથી, બેઈમાની કરવાથી, આળસ, પ્રમાદ કે વ્યસનોમાં ગ્રસ્ત રહેવાથી જનોઈ તૂટતી નથી, તો ન વિષેના નિયમોમાં કોઈવાર સહેજ અપવાદ રહી જવાથી નિયમ તૂટી જાય છે એમ કેવી રીતે કહી શકાય ?
મળમૂત્ર ત્યાગતી વખતે કાન પર જનોઈ ચઢાવવામાં ભૂલ થઈ જવાનો અવશ્ય ભય રહે છે. કેટલાક લોકો આ કારણે યજ્ઞોપવીત નથી પહેરતા અથવા પહેરવું છોડી દે છે. એ તો ઠીક છે કે કોઈ પણ નિયમનું કઠોરતાથી પાલન થવું જોઈએ. પરંતુ એવી ટેવ ન પડે ત્યાં સુધી નવશિખાઉ માટે કંઈક છૂટ રહેવી જોઈએ. તેથી તેને એક દિવસમાં ત્રણ વાર જનોઈ બદલવાની ફરજ નહીં પડે. એને માટે એમ કરવું જોઈએ કે જનોઈનો એક આંટો ગળાની આસપાસ વીંટાળવો જેથી તે કમરથી ઊંચી રહે. કાનમાં ભરાવવાનો મુખ્ય હેતુ એ છે કે મૂત્રની અશુદ્ધતાનો યજ્ઞ સૂત્રને સ્પર્શ ન થઈ જાય. જનોઈ કંઠમાં લપેટી દેવામાં આવે તો તે કમરથી ઉપર રહે છે અને કદી કાન પર ન ચઢાવવાની ભૂલ થઈ જાય તો પણ તેને અશુદ્ધિનો સ્પર્શ થવાનો સંભવ નથી રહેતો. થોડા જ દિવસોમાં એવી આદત પડી જશે અને પછી જનોઈ કઠમાં વીંટાળવાની આવશ્યકતા નહી રહે.
નાની ઉંમરવાળા બાળકોને માટે તેમજ ભૂલકણા માણસોને માટે એક તૃતીયાંશ યજ્ઞોપવીતની વ્યવસ્થા કરવામાં આવે છે અને તે કંઠમાં પહેરાવવામાં આવે છે. તેનું કંઠી’ શબ્દથી આચાર્યોએ સંબોધન કર્યું છે. નાનાં બાળકોને જ્યારે ઉપનયન થતું ત્યારે એને દીક્ષાની સાથે કંઠી પહેરાવવામાં આવતી. આજે પણ ગુરુ નામધારી પંડિતજી ગળામાં કંઠી પહેરાવીને અને કાનમાં ગુરુમંત્ર કહીને ગુરુદીક્ષા આપે છે.
પૂરું ધ્યાન રાખવામાં પણ મોટે ભાગે ભૂલ કરે છે. આથી શરીરનો પરસેવો તેમાં ઊતરે છે અને જનોઈ ગંધાય છે. પરિણામે તેમાં રોગના જંતુઓ પડે છે. આવી સ્થિતિમાં એવો ઉપાય શોધાયો જેથી કંઠમાં પડેલી ઉપવીત કંઠીનો શરીર સાથે ઓછો સ્પર્શ થાય. આ નિમિત્તે તુલસી, રુદ્રાક્ષ અથવા બીજી કોઈ પવિત્ર વસ્તુના મણકાને સૂત્રમાં પરોવીને કંઠી પહેરવામાં આવે છે, એથી મણકાઓનો જ શરીરને સ્પર્શ થાય અને સૂત્ર અલગ રહી જતું હોવાથી પરસેવાનો જમાવ ન થાય. તેથી મણકાવાળી કંઠીઓ પહેરવાનો રિવાજ ચાલુ થયો.
ગાયત્રીના ઉપાસકે છેવટે આંશિક રૂપમાં પણ યજ્ઞોપવીત અવશ્ય ધારણ કરવું જોઈએ, કારણ કે યજ્ઞોપવીત ગાયત્રીનું મૂર્તિમાન પ્રતીક છે. એને ધારણ કર્યા વગર ભગવતીની સાધનાનો ધાર્મિક અધિકાર મળતો નથી. આજકાલ નવી ફૅશનથી ઘરેણાનો રિવાજ ઓછો થતો જાય છે, છતાં પણ ગળામાં કંઠી માળા કોઈને કોઈ રૂપમાં સ્ત્રી પુરુષો ધારણ કરે છે. ગરીબ સ્ત્રીઓ કાચના મણકાની માળા પહેરે છે અને સાધન સંપન્ન ઘરની સ્ત્રીઓ ચાંદી, સોનું, મોતી આદિની માળાઓ પહેરે છે. એ આભૂષણોનાં નામ હાર, નેકલેસ, માળા આદિ રખાય છે. પણ ખરી રીતે તો તે કંઠીઓનો જ એક પ્રકાર છે. ભલે સ્ત્રીની પાસે કંઈ આભૂષણ હોય કે ન હોય પરંતુ એટલું તો નિશ્ચિત છે કે કંઠી તો ગરીબમાં ગરીબ સ્ત્રી કોઈને કોઈ રૂપમાં ધારણ કરે છે જ. આ વસ્તુ સિદ્ધ કરે છે કે ભારતીય નારીઓએ પોતાના સહજ ધર્મને કોઈને કોઈ રૂપમાં જીવતો રાખ્યો છે અને તેઓ યજ્ઞોપવીત કોઈ પ્રકારે ધારણ તો કરે જ છે.
જે લોકોને યજ્ઞોપવીત ધારણ કરવાના અધિકારી ગણવામાં આવતા નથી, જેમને કોઈ દીક્ષા આપતું નથી, તેઓ પણ ગળામાં ત્રણ તારનો અથવા નવ તારનો દોરો ગાંઠો લગાવીને પહેલી લે છે. આ પ્રકારે ચિહ્ન પૂજા થઈ જાય છે. યજ્ઞોપવીતનું એક તૃતીયાંશ લાંબું યજ્ઞોપવીત ગળામાં પહેરવાનો પણ કેટલીક જગ્યાએ રિવાજ છે.
પ્રતિભાવો