૨૩. આ સાધનાઓમાં અનિષ્ટનો કોઈ ભય નથી, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
આ સાધનાઓમાં અનિષ્ટનો કોઈ ભય નથી, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
મંત્રોની સાધનાની એક વિધિ વ્યવસ્થા હોય છે. નિત્ય સાધના પદ્ધતિથી નિર્ધારિત કર્મકાંડ અનુસાર મંત્રોનું અનુષ્ઠાન, સાધના, પુરશ્ચરણ કરવાનાં હોય છે. વિધિપૂર્વક નહીં કરાયેલું અનુષ્ઠાન, સાધકને હાનિકારક થાય છે અને લાભને બદલે નુકસાન થવાનો સંભવ રહે છે.
એવા અનેક ઉદાહરણો મળે છે કે કોઈ વ્યક્તિએ અમુક મંત્રની યા દેવતાની સાધના કરી અથવા કોઈ યોગાભ્યાસ યા તાંત્રિક અનુષ્ઠાન કર્યું અને સાધનાની નિયત રીતમાં કંઈ ભૂલ થઈ ગઈ અથવા કોઈ પ્રકારે અનુષ્ઠાન ખંડિત થઈ ગયું તો તેને કારણે સાધકને ભારે વિપત્તિમાં પડવું પડ્યું હોય અને કેટલાક માણસો તો ગાંડા થયેલા પણ જોવામાં આવ્યા છે. કેટલાકને રોગ, મૃત્યુ, ધન નાશ આદિનું અનિષ્ટ સહન કરવું પડ્યું છે. એવા પ્રમાણો ઇતિહાસ પુરાણોમાં પણ છે. વૃત અને ઇંદ્રની કથા એ પ્રકારની છે. વેદમંત્રોનું અશુદ્ધ ઉચ્ચારણ કરવાથી એમને ઘાતક સંકટ વેઠવા પડ્યાં હતાં.
બીજા વેદમંત્રોની માફક જ ગાયત્રીનું પણ શુદ્ધ સસ્વર ઉચ્ચારણ થવું જોઈએ. એની વિધિપૂર્વક સાધના કરવી જરૂરી છે. વિધિપૂર્વક કરાયેલ સાધના થોડા વખતમાં જ સિદ્ધ થાય છે અને ઉત્તમ લાભ આપે છે. આમ હોવા છતાં પણ વેદમાતા ગાયત્રીમાં એક વિશેષતા છે કે, કંઈ ભૂલ થાય તો પણ તેનું નુકસાનકારક પરિણામ આવતું નથી. જે પ્રકારે દયાળુ, સ્વસ્થ અને બુદ્ધિમાન માતા પોતાના બાળકનું સદા હિતચિંતન કર્યા જ કરે છે. તે પ્રકારે ગાયત્રી શક્તિ દ્વારા પણ સાધકનું હિતચિંતન થયા કરે છે. માતા પ્રત્યે બાળક કંઈક ભૂલ પણ કરે છે, કદીક તેના સન્માન અને પૂજ્યભાવમાં ખામી રાખે છે, કોઈ વાર ઊલટું આચરણ કરી બેસે છે, છતાં એના પ્રત્યે માતા દુર્ભાવ રાખતી નથી તેમજ તેને કોઈ પ્રકારની હાનિ પહોંચાડતી નથી, જ્યારે સાધારણ માતાએ આટલી દયાળુતા અને ક્ષમા પ્રદર્શિત કરે તો જગતજનની વેદમાતા સત્ત્વગુણની દિવ્ય ગંગા ગાયત્રી પાસેથી એનાથી પણ વધારે આશા રાખી શકાય. પોતાનાં બાળકોની પોતાના પ્રત્યેની ભક્તિભાવના જોઈને માતાનું હૃદય પુલકિત થઈ જાય છે. એના વાત્સલ્યની નિઝરણી ફૂટી નીકળે છે. એના દિવ્ય પ્રવાહમાં સાધનાની નાની નાની ભૂલો અને કર્મકાંડમાં અજ્ઞાનથી રહી ગયેલી ત્રુટિઓ તણખલાની જેમ વહી જાય છે.
સત્ત્વગુણી સાધનાનું વિપરીત ફળ ન થવાનો વિશ્વાસ ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં દર્શાવ્યો છે
‘નેહાભિકમનાશોડસ્તિ પ્રત્યવાહી ન વિદ્યતે | સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ||
અર્થાત્ સતકાર્યના આરંભનો નાશ થતો નથી-એ પડતું આખડતું આગળ વધ્યા કરે છે. એમાંથી ઊલટું ફળ કદી નીકળતું નથી. એવું કદી પણ બનતું નથી કે, સત્ ઇચ્છાથી કરાયેલું કાર્ય અસત થઈ જાય અને તેનું પરિણામ અશુભ થાય. થોડું ઘણું ધર્મ કાર્ય પણ, મોટા ભયથી આપણું રક્ષણ કરે છે.
ગાયત્રી-સાધના એવું જ સાત્વિક સત્કર્મ છે, જેનો એકવાર આરંભ કરી દેવામાં આવે તો મનની પ્રવૃત્તિઓ તરફ અવશ્ય જ આકર્ષિત થાય છે અને વચમાં કોઈવાર છૂટી જાય તો પણ ફરી ફરીથી સાધનાનો પ્રારંભ કરવાની ઇચ્છા થયા કરે છે. કોઈ સ્વાદિષ્ટ પદાર્થનો એકવાર સ્વાદ ચાખવા મળે તો તેને વારંવાર પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. ગાયત્રી એવો જે અમૃત તુલ્ય સ્વાદિષ્ટ આધ્યાત્મિક આહાર છે. એની સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આત્મા નિરંતર લલચાય છે. એની ગાયત્રી સાધનામાં કોઈવાર કંઈ ભૂલ રહી જાય તો પણ કશું થતું નથી. એનું કદાચ ઓછું ફળ મળે એમ બને. આ સાધનાનો થોડા પ્રમાણમાં પણ આરંભ કરવામાં આવે તો એનું ફળ દરેક રીતે ઉત્તમ જ મળે છે. એ ફળને કારણે ભયમુક્ત થવાય છે અને મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે.
આ વિષયને વધારે સ્પષ્ટ કરવાને માટે શ્રીમદ્ ભાગવતના બારમા સ્કન્ધમાં નારદજીએ ભગવાન નારાયણને આ વિશે જ પ્રશ્ન પૂછેલો કે “મને એવો કોઈ ઉપાય બતાવો કે જે અલ્પશક્તિવાળા મનુષ્યો પણ સરળતાથી કરી શકે અને જે કર્યાથી માતા પ્રસન્ન થાય ને એમનું કલ્યાણ કરે, કારણ કે બીજા બધા દેવતાઓની સાધનામાં મોટે ભાગે આચાર, વિચાર, વિધિવિધાન, ત્યાગ-તપસ્યા વગેરેના કઠણ નિયમો બતાવવામાં આવે છે અને એ બધાનું વિધિપૂર્વક પાલન આચરણ સામાન્ય બુદ્ધિ અને જ્ઞાનવાળા લોકોથી થઈ શકતું નથી.’ આ સાંભળીને ભગવાને જવાબમાં કહ્યું “હે નારદ ! મનુષ્યો બીજા કોઈ અનુષ્ઠાન કરે કે ન કરે પણ ફક્ત ગાયત્રીમાં દૃઢ નિષ્ઠા રાખે તો તેઓ પોતાના જીવનને ધન્ય બનાવી શકે. હે મહામુનિ ! જેઓ સંધ્યા સમયે અર્ઘ્ય આપે છે અને રોજ ત્રણ હજાર ગાયત્રી જપ કરે છે, તેઓ દેવતાઓ દ્વારા પણ પૂજાય છે, જપ કરતાં પહેલાં તેમણે ન્યાસ કરવો પડે છે, કારણ કે શાસ્ત્રકારો કહે છે, દેવ બનીને દેવનું ભજન પૂજન કરવું જોઈએ.” કદાચ કોઈ મુશ્કેલી અથવા પ્રમાદથી ન્યાસ ન કરે અને સચ્ચિદાનંદ ગાયત્રીનું ધ્યાન કરીને ફક્ત એના જ જપ કર્યા કરે તો પણ તે પૂરતું ગણાય. ગાયત્રી મંત્રનો એક અક્ષર પણ સિદ્ધ થઈ ગયાથી ઉત્તમ બ્રાહ્મણ વિષ્ણુ, શિવ, બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર તેમજ અગ્નિ સાથે પણ સ્પર્ધા કરી શકે છે. જે સાધક નિયમપૂર્વક ગાયત્રી ઉપાસના કરે છે તેને તેના દ્વારા જ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. એ વાતમાં જરા પણ સંદેહ કે શંકા રાખવા જેવી નથી.
આ પ્રસંગ દ્વારા એમ જાણી શકાય છે કે આ યુગમાં ગાયત્રીની સાત્ત્વિક અને નિષ્કામ સાધના જ સર્વશ્રેષ્ઠ છે. એના દ્વારા નિશ્ચિત રીતે આત્મકલ્યાણ થાય છે.
આ બધી વાતોનો વિચાર કરીને સાધકે નિર્ભય અને આશંકા કે ભયને છોડીને ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. આ સાધારણ હથિયાર નથી કે જેને માટે નિયત ભૂમિકા બાંધ્યા વિના કામ ન ચાલે. મનુષ્ય જો છૂટાં વનચર પ્રાણીઓ પકડવા માગે તો તે માટે ચતુરાઈથી ઉપાયો યોજવા પડે. પરંતુ વાછરડું પોતાની માને પકડવા ઇચ્છે તો “મા’ના પોકાર માત્રથી કામ થઈ જાય છે. ગાય તેની આગળ ખડી થઈ જાય છે અને વાત્સલ્યની સાથે વાછરડાને ચાટવા માંડે છે અને તેને ધવરાવે છે. આવો, આપણે પણ વેદમાતાને સાચા અંતઃકરણની ભક્તિ ભાવનાથી પોકારીએ અને એના અંતરમાંથી નીકળતા અમૃતનું પાન કરીએ.
આપણે શાસ્ત્રીય સાધના પદ્ધતિથી એની સાધના કરવાની શક્તિશાળી પ્રયત્ન કરવો જોઈએ. અકારણ ભૂલ કરવાનું શું પ્રયોજન ? આપણી માતા અનુચિત વ્યવહાર બદલ પણ માફી આપે છે. પરંતુ એનું તાત્પર્ય એવું નથી કે એના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિમાં કંઈ ઢીલ કે ઉપેક્ષા કરવામાં આ પૂરેપૂરી સાધના કરવી જોઈએ અને કઈ ભૂલ થઈ જશે તો ખરાબ થઈ જશે એવી આશંકાને પણ સાથે સાથે મનમાંથી કાઢી નાંખવી જોઈએ. આ ભયને લીધે ગાયત્રી-સાધનાથી વંચિત રહેવાની જરૂર નથી. સ્પષ્ટ જ છે કે, વેદમાતા પોતાના ભક્તોની ભક્તિ ભાવનાનું ધ્યાન રાખે છે અને અજાણતાં થઈ ગયેલી નાની મોટી ભૂલોને માફ કરે છે.
પ્રતિભાવો