૩૮. સફળતાનાં કેટલાંક લક્ષણો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
સફળતાનાં કેટલાંક લક્ષણો, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
ગાયત્રી સાધકમાં એક સૂક્ષ્મ દેવી ચેતનાનો આવિર્ભાવ થાય છે. પ્રત્યક્ષ રૂપમાં એના શરીર યા એની આકૃતિમાં કંઈ વિશેષ અંતર પડતું નથી. પણ અંદરખાને ભારે હેરફેર થઈ જાય છે. આધ્યાત્મિક તત્ત્વોની વૃદ્ધિથી પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને મનોમય કોષમાં જે પરિવર્તન થાય છે તેની છાયા અન્નમય કોષ પર જરા પણ ન પડે એવું બનતું નથી. એ સાચું છે કે, શરીરનું માળખું બદલાતું નથી છતાં એ પણ એટલું જ સાચું છે કે, આંતરિક ફેરફારોનાં લક્ષણ પ્રગટ થયા વિના રહેતાં નથી.
સર્પના માંસકોષમાં જ્યારે એક નવી ચામડી તૈયાર થાય છે, ત્યારે તેનું લક્ષણ સર્પના શરીર પર નજરે પડે છે, એનું શરીર ભારે થઈ જાય છે. વેગથી એનાથી દોડાતું નથી. એનાં સ્ફૂર્તિ અને ઉત્સાહ ઓછો થઈ જાય છે અને તે એક જગ્યાએ પડી રહે છે. જ્યારે એ ચામડી પાકી જાય છે, ત્યારે તે બહારની ચામડી જેને આપણે કાંચળી કહીએ છીએ તે ઉતારી નાખે છે. કાંચળી ઉતાર્યા પછી સર્પમાં એક નવો ઉત્સાહ આવે છે. એની બધી ચેષ્ટા બદલાઈ જાય છે. એની નવી ચામડી પર ચીકાશ, ચમક અને કોમળતા સ્પષ્ટ રૂપમાં નજરે પડે છે, એવો જ ફેરફાર સાધકમાં થાય છે. જ્યારે એની સાધના ગર્ભમાં પાકે છે ત્યારે એનામાં ઉદાસી, ભારેપણું, અનુત્સાહ અને શિથિલતાનાં લક્ષણો જોવામાં આવે છે. પરંતુ જ્યારે સાધના પૂર્ણ થઈ જાય છે ત્યારે બીજા જ લક્ષણો પ્રગટ થવા માંડે છે. માતાના ઉદરમાં જ્યારે ગર્ભ પાકે છે ત્યાં સુધી માતાનું શરીર ભારે રહે છે. તેનામાં ઉત્સાહ દેખાતો નથી, પણ જ્યારે પ્રસૂતિથી નિવૃત્ત થઈ જાય છે ત્યારે તેને એક પ્રકારનું હલકાપણું, ઉત્સાહ અને ચૈતન્યનો અનુભવ થાય છે.
સાધક જ્યારે સાધના કરવા બેસે છે ત્યારે તે પોતાની અંદર એક પ્રકારનો આધ્યાત્મિક ગર્ભ ધારણ કરે છે. તંત્રશાસ્ત્રમાં સાધનાને મૈથુન કહેવામાં આવી છે. જેવી રીતે મૈથુનને ગુપ્ત રાખવામાં આવે છે, તેવી જ રીતે સાધનાને પણ ગુપ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આત્મા જ્યારે પરમાત્મા સાથે લપેટાય છે, એને આલિંગન કરે છે, ત્યારે તેને એક જાતનો અવર્ણનીય આનંદ થાય છે. તેને ભક્તિની તન્મયતા કહેવામાં આવે છે. જ્યારે બંનેનું પ્રગાઢ મિલન થાય છે ,બન્ને એકબીજામાં આત્મવત્ થાય છે ત્યારે એ સ્ખલનને “સમાધિ” કહેવામાં આવે છે. આધ્યાત્મિક મૈથુનનું સમાધિ સુખ એ અંતિમ અલન છે. ગાયત્રી ઉપનિષદ અને સાવિત્રી ઉપનિષદ માં અનેક મૈથુનોનાં વર્ણન કરવામાં આવ્યાં છે. ત્યાં બતાવવામાં આવ્યું છે કે સવિતા અને સાવિત્રીનું મૈથુન છે. સાવિત્રીની–ગાયત્રીની આરાધના કરવાથી સાધક પોતાના આત્માને એક યોનિ બનાવી લે છે, જેમાં સવિતાનો તેજપુંજ, પરમાત્માનું તેજ-વીર્ય પડે છે. એને શક્તિપાત પણ કહેવામાં આવે છે. આ શક્તિપાત વિજ્ઞાન અનુસાર અમૈથુની સૃષ્ટિ ઉત્પન્ન થઈ શકે છે. કુંતીથી કર્ણનું-મરિયમથી ઈસુનું ઉત્પન્ન થવું અસંભવિત નથી. દેવ-શક્તિઓની ઉત્પત્તિ આ પ્રકારનાં સૂક્ષ્મ મૈથુનોથી થાય છે. સમુદ્રમંથન એક મૈથુન હતું. જેના ફલસ્વરૂપ ચૌદ રત્નોનો પ્રસવ થયો. ઋણ અને ધન (નેગેટિવ પોઝીટવ)ના આલિંગનથી વિદ્યુતપ્રવાહનો રસ ઉત્પન્ન થાય છે. તંત્ર શાસ્ત્રમાં અનેક સ્થળે જે મૈથુનની પ્રશસ્તિ કરવામાં આવી છે, તે આ જ સાધના મૈથુન છે.
“સાધના’નો અર્થ છે, પોતાની અંદર શ્રદ્ધા અને અભ્યાસ (તપ)ની એકત્ર શક્તિઓને વધારીને એક નવી શક્તિનો આવિર્ભાવ થવા દેવો. એને દેવી વરદાન કે ચમત્કાર પણ કહી શકાય. આ જાતના ઉદેશની પ્રાપ્તિને માટે સાધના કરતા પહેલાં પણ કેટલાંક સાધનો એકઠાં કરવા જરૂરી છે. દાખલા તરીકે કોઈ ખાસ સ્થળે પહોંચવા માટે ગમે તે રસ્તે આપણે જઈએ છતાં પણ પૈસા, વસ્ત્ર, ભોજન વગેરેની જરૂર તો પડે જ છે. એ જ રીતે દૈવી શક્તિઓની સાધના કરવા માટે પહેલાં સદ્ગુણો, સદ્વિચારો અને સત્કર્મોની પણ આવશ્યકતા છે. જેનું જીવન પહેલેથી જ કલુષિત, પાપપૂર્ણ અને દોષોથી ભરેલું હોય તો તે સાધના પણ કેવી રીતે કરી શકવાનો છે ? આથી, જે લોકો ખરા દિલથી સાધના કરવા માંગે છે એ દ્વારા કંઈક ઉચ્ચ લક્ષ્ય પર પહોંચવા માટે ઇચ્છુક છે તેમણે પહેલાં મન, વચન અને શરીરની શુદ્ધિ માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ રીતે જ કોઈ પ્રકારની સિદ્ધિ મેળવવાની આશા રાખી શકાય. તે વિના સિદ્ધિ મેળવવી લગભગ અશક્ય જ છે.
આત્મા અને પરમાત્માનું, સવિતા અને સાવિત્રીનું મૈથુન જ્યારે પ્રગાઢ આલિંગનમાં આબદ્ધ થાય છે, ત્યારે તેનાથી એક આધ્યાત્મિક ગર્ભ ધારણ થાય છે, અને તેને આધ્યાત્મિક ભાષામાં ભર્ગ કહે છે. ભર્ગને સાધક જેટલા પ્રમાણમાં ધારણ કરે છે તેટલા પ્રમાણમાં પોતાની અંદર એ નવા તત્ત્વને સ્થાન આપવાનું હોય છે. નવા તત્ત્વની સ્થાપના માટે પુરાણાં તત્ત્વોને ખસી જવું પડે છે. આ સંક્રાંતિને લીધે સ્વાભાવિક ક્રિયાવિધિમાં અંતર પડી જાય છે અને એ અંતરનાં લક્ષણો ગર્ભવતી સ્ત્રીઓને હેડ જેવા પ્રગટ થયા છે. જેમ ગર્ભવતી સ્ત્રીમાં અરુચિ, કબજિયાત, આળસ અને ઊબકા આદિ નજરે પડે છે, એવા જ લક્ષણો સાધકમાં પણ જણાય છે. કાંચળીવાળા સર્પની માફક તેને પોતાનું શરીર ભારે અને ઉત્સાહ વગરનું લાગે છે. અધ્યાત્મવિદ્યાના આચાર્યો જાણે છે કે સાધકને સાધનાવસ્થામાં કેવી વિષમ સ્થિતિમાં રહેવું પડે છે, તેથી તેઓ અનુયાયીઓને સાધનાકાળમાં ભારે આચાર-વિચારથી રહેવાનો આદેશ આપે છે. રજસ્વલા સ્ત્રીને બીજાઓ સાથે હળવા-મળવાના તેમજ આહાર-વિહારના નિયમો પાળવા પડે છે, તેવા જ કડક નિયમો સાધકે પાળવાના હોય છે. એ પાળવાથી જ સાધક સારી રીતે સંક્રાંતિમાંથી પસાર થઈ શકે છે.
મનુષ્ય ગમે તે મહાન કાર્ય કરવા ચાહે, તેમાં કોઈને કોઈ પ્રકારનાં વિઘ્ન, ભય, પ્રલોભન વગેરે આવે જ અને જે માણસો એ બધાંનો સફળતાપૂર્વક સામનો કરે છે તેઓ જ સફળતાના દ્વાર સુધી પહોંચી શકે છે. આહારદોષ, આળસ, અધીરતા, અસંયમ, તિરસ્કાર, દ્વેષ, વિલાસ, કુસંગ તથા અભિમાન વગેરેને કારણે પણ સાધક પોતાના માર્ગમાંથી ભ્રષ્ટ થાય છે અને તેને માટે સિદ્ધિની શક્યતાઓ રહેતી નથી. ભ્રષ્ટાચાર, ચોરીની કમાણી, બીજાઓના અધિકારો છીનવી લેવા, અત્યન્ત સ્વાર્થપરાયણતા વગેરે જેવા દોષોનું પ્રમાણ આજે પુષ્કળ વધી ગયું છે. એ દોષો પણ મનુષ્યને દૈવી સફળતાઓને માટે અયોગ્ય બનાવી દે છે. આથી જે વ્યકિત ખરેખર સાધનાને પૂર્ણ કરીને સફળતા તેમજ સિદ્ધિ મેળવવા ઇચ્છે તેણે તે માટે બધા પ્રકારનો ત્યાગ, બલિદાન તેમજ કષ્ટો સહન કરવા માટે સર્વદા તૈયાર રહેવું જોઈએ. આમ કરવામાં આવે તો જ સાધના પરિપકવ થાય અને ઇચ્છિત ફળ પ્રદાન કરે.
ઈંડામાંથી બચ્યું બહાર નીકળે છે. ગર્ભમાંથી સંતાન પેદા થાય છે. સાધકને પણ સાધનાના ફળ તરીકે એક સંતાન પ્રાપ્ત થાય છે, જેને શક્તિ યા સિદ્ધિ કહેવામાં આવે છે. મુક્તિ, સમાધિ, બ્રાહ્મીસ્થિતિ, તુરીયાવસ્થા આદિ પણ એનાં બીજાં નામો છે. આ સંતાન આરંભમાં બહુ જ નિર્બળ અને નાના આકારનું હોય છે. જેમ માતાના ગર્ભમાંથી પ્રગટેલું બાળક બહુ જ કોમળ હોય છે, તેમજ સાધના પૂર્ણ થયા પછી જન્મેલી નવજાત સિદ્ધિ પણ ભારે કોમળ હોય છે. જેવી રીતે કુશળ માતા પોતાના સંતાનને અનિષ્ટોથી બચાવે છે અને પૌષ્ટિક પોષણ આપીને ઉછેરે છે, તેવી રીતે બુદ્ધિમાન સાધક એને પાળીપોષીને મોટી કરે છે.
સાધના જ્યાં સુધી સાધકના ગર્ભમાં પાકતી હોય છે, કાચી હોય છે ત્યાં સુધી એના શરીરમાં આળસ અને વિષાદનાં ચિહ્નો જણાય છે, સ્વાસ્થ્ય ઉતરી જાય છે અને ચહેરો ફિકકો પડી જાય છે. પણ જ્યારે પાકી થાય છે અને સિદ્ધિની સુકોમળ સંતતિનો પ્રસવ થયો છે ત્યારે સાધકમાં તેજ, ઓજ, હળવાશ, ચૈતન્ય તેમજ ઉત્સાહ આવી જાય છે. સિદ્ધિનો પ્રસવ થયો છે કે નહિ એની પરીક્ષા નીચેનાં લક્ષણો ઉપરથી થાય છે. એ દસ લક્ષણો આ પ્રમાણે છે
(૧) શરીરમાં હલકાપણું અને મનમાં ઉત્સાહ રહે છે.
(૨) શરીરમાંથી એક વિશેષ પ્રકારની સુગંધ નીકળવા માંડે છે.
(૩) ચામડી પર ચીકાશ અને કોમળતાનો અંશ વધી જાય છે.
(૪) તામસિક આહાર-વિહાર પ્રત્યે ઘૃણા વધી જાય છે અને સાત્ત્વિકતા તરફ મન વળે છે.
(૫) સ્વાર્થ કરતાં પરમાર્થ તરફ ચિત્ત વધારે લાગેલું રહે છે.
(૬) નેત્રોની ચમક વધે છે.
(૭) કોઈ વ્યક્તિ અથવા કાર્ય વિષે એ જરા પણ સરખો વિચાર કરે તો પણ એના સંબંધમાં એવી ઘણી વાતો પોતાની મેળે પ્રતિભાસિત થાય છે જે પરીક્ષા કર્યાથી સાચી જ નીકળે છે.
(૮) બીજાના મનના ભાવ જાણી લેવામાં વાર નથી લાગતી.
(૯) ભવિષ્યમાં બનનારા પ્રસંગોનો પૂર્વાભાસ થવા લાગે છે,
(૧૦) શાપ કે આશીર્વાદ સફળ થવા માંડે છે, પોતાની ગુપ્ત શક્તિઓથી એ બીજાઓને લાભ કે હાનિ કરી શકે છે.
આ દસ લક્ષણો સાધકનો ગર્ભ પાકી ગયો છે અને સિદ્ધિનો પ્રસવ થઈ ગયો એ જાણવાનાં પ્રમાણ છે. આ શક્તિ સંતતિને જે સાધક સાવધાનીપૂર્વક પાળે-પોષે છે અને પુષ્ટ કરે છે, તે ભવિષ્યમાં આજ્ઞાકારી સંતાનવાળા વૃદ્ધોની માફક આનંદમાં જીવન ગુજારે છે પરંતુ જે અજ્ઞાન સાધકો સિદ્ધિનો તુરત જ દુરુપયોગ કરે છે, પોતાની સ્વલ્પશક્તિનો વિચાર ન કરતાં એના પર વધારે ભાર મૂકે છે, તેમનો ખોળો ખાલી થઈ જાય છે અને મૃતવત્સલા માતાની જેમ એમને પશ્ચાત્તાપ કરવો પડે છે.
પ્રતિભાવો