૨૭. ગાયત્રીનું સર્વશ્રેષ્ઠ અને સર્વસુલભ ધ્યાન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
ગાયત્રીનું સર્વશ્રેષ્ઠ અને સર્વસુલભ ધ્યાન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
માનવીનું મગજ બહુ જ આશ્ચર્યજનક, શક્તિશાળી અને ચુંબક ગુણવાળું યંત્ર છે. એનો એક એક પરમાણુ એટલો વિલક્ષણ છે કે તેની ગતિવિધિ, સામર્થ્ય અને ક્રિયાશીલતાને જોઈને મોટા મોટા વૈજ્ઞાનિકો નવાઈ પામે છે. એ અણુઓને જ્યારે કોઈ વિશેષ દિશામાં નિયોજિત કરવામાં આવે છે, ત્યારે એ દિશામાં એક ઝળહળતી અગ્નિશિખા પ્રગટ થાય છે. જે દિશામાં તે ઇચ્છા, આકાંક્ષા અને લાલસા કરે છે તે જ દિશામાં, એ જ રંગમાં, એ જ લાલસામાં શરીરની બીજી શક્તિઓ પણ જોડાઈ જાય છે.
પહેલાં ભાવનાઓ મનમાં આવે છે, પછી જ્યારે એ ભાવનાઓ પર ચિત્ત એકાગ્ર થાય છે ત્યારે એ એકાગ્રતા, એક ચુંબકશક્તિ આકર્ષણ તત્ત્વના રૂપમાં પ્રકટ થાય છે અને તેનાં યોગ્ય તત્ત્વોને અખિલ આકાશમાંથી નીચે ખેંચી લાવે છે. ધ્યાનનું આ જ વિજ્ઞાન છે. વિજ્ઞાનના આધાર પર પ્રકૃતિના અંતરાળમાં નિવાસ કરનારી સૂક્ષ્મ આદ્યશક્તિ, બ્રહ્મસ્ફુરણા, ગાયત્રીને પોતાના તરફ આકર્ષિત કરી શકે છે. એના શક્તિભંડારને મોટા પ્રમાણમાં પોતાની અંદર ધારણ કરી શકે છે.
જપ કરતી વખતે અથવા કોઈ બીજી સુવિધાના સમયે નિત્ય ગાયત્રીનું ધ્યાન કરવું જોઈએ. એકાંત, કોલાહલરહિત, શાંત વાતાવરણવાળા સ્થાનમાં સ્થિર ચિત્ત થઈને ધ્યાન કરવા બેસવું જોઈએ. શરીર શિથિલ રાખવું. જો જપકાળમાં ધ્યાન કરવામાં આવે તો પલાંઠી વાળીને, મેરુદંડ સીધો રાખીને ધ્યાન કરવું ઉચિત છે. જો બીજા સમયમાં કરવું હોય તો આરામ ખુરશીમાં આડા પડીને, દીવાલ, વૃક્ષ આદિનો ટેકો લઈને સાધના કરવી જોઈએ. શરીર એટલું બધું શિથિલ કરી નાખવું કે તે જાણે નિર્જીવ થઈ ગયું હોય. એવી હાલતમાં આંખો બંધ કરીને બંને હાથ ખોળામાં રાખીને એવું ધ્યાન કરવું જોઈએ કે – આ જગતમાં બધે નીલ આકાશ છે. એમાં ક્યાંય બીજી વસ્તુ નથી. પ્રલયકાળની સ્થિતિની માફક આકાશ વિના બીજું કંઈ રહેતું નથી, તેવી સ્થિતિનું કલ્પના ચિત્ર મનમાં સારી રીતે અંકિત કરવું જોઈએ. જ્યારે એ કલ્પના ચિત્ર ભાવના લોકમાં સારી રીતે અંકિત થઈ જાય ત્યારે સુંદર આકાશમાં એક નાના જ્યોતિપિંડને સૂક્ષ્મ નેત્રોથી જોવો જોઈએ. સૂર્યસમાન પ્રકાશવાન એક નાના નક્ષત્રના રૂપમાં ગાયત્રીનું ધ્યાન કરવું જોઈએ, એ જ્યોતપિંડ વધારે વાર ધ્યાનમાં રાખવાથી સમીપ આવતો જાય છે, મોટો થતો જાય છે અને તેનું તેજ અધિક પ્રખર થઈ જાય છે.
સૂર્ય અથવા ચંદ્રના મધ્યભાગમાં ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એમાં કાળા ધાબાં નજરે પડે છે. તેવી જ રીતે ગાયત્રીના તેજપિંડમાં ધ્યાનપૂર્વક જોવાથી આરંભમાં ગાયત્રીની ઝાંખી પ્રતિમા દૃષ્ટિગોચર થાય છે. ધીરે ધીરે ધ્યાન કરવાવાળાને એ મૂર્તિ અધિક સ્પષ્ટ, સ્વચ્છ, અધિક ચેતન, હસતી બોલતી, ચેષ્ટા કરતી, સંકેત કરતી તથા ભાવ પ્રગટ કરતી નજરે પડે છે. ભગવતી ગાયત્રીની પ્રતિમાનું ધ્યાન આરંભ કરતાં પહેલાં થોડી વાર સુધી ભારે પ્રેમથી શ્રદ્ધાથી ઉત્તમ રીતે અંગપ્રત્યાંગોનું નિરીક્ષણ કરીને એ મૂર્તિને મન ક્ષેત્રમાં એવી બેસાડવી જોઈએ કે જ્યોતિપિંડમાં બરાબર એવી જ પ્રતિમા દેખાવા માંડે. પછી થોડા જ દિવસોમાં આ તેજોમંડલમાં અધિષ્ઠિત ભગવતી ગાયત્રીની છબી અત્યંત સુંદર, અત્યંત હૃદયગ્રાહી રૂપમાં ધ્યાનાવસ્થામાં દૃષ્ટિગોચર થવા લાગશે.
જેમ સૂર્યનાં કિરણો તડકામાં બેઠેલા મનુષ્ય ઉપર પડે છે અને તે કિરણોની ઉષ્ણતાનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. તેવી જ રીતે આ જ્યોતિપિંડ જ્યારે પાસે આવવા લાગે છે ત્યારે અનુભવ થાય છે કે જાણે કોઈ દિવ્ય પ્રકાશ આપણા મગજમાં અંતઃકરણ અને શરીરમાં રોમેરોમમાં પ્રવેશ કરીને પોતાનો અધિકાર જમાવી રહ્યો છે. જેમ અગ્નિમાં પડવાથી લોઢું પણ ધીમે ધીમે ગરમ અને લાલ રંગનું, અગ્નિ વર્ણનું થઈ જાય છે, તે જ રીતે ગાયત્રી તેજને ધ્યાનાવસ્થામાં સાધક પોતાની અંદર ધારણ કરે છે ત્યારે તે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ, ઋષિ તૂલ્ય થઈને બ્રહ્મતેજથી ઝળહળવા લાગે છે એને પોતાનું આખું શરીર તપ્ત વર્ણના જેવું થઈ ગયાનો અનુભવ થાય છે અને અંતઃકરણમાં એક અલૌકિક દિવ્ય રૂપનો પ્રકાશ સૂર્યની માફક પ્રકાશિત થયેલો દેખાય છે. એ તેજથી આત્મા ઉપર ચડેલાં મળરૂપી પાપ બળી જઈને ભસ્મ થઈ જાય છે અને સાધક પોતાને બ્રહ્મસ્વરૂપ, નિર્ભય, નિર્ભય, નિષ્પાપ અને અનાસક્ત થયેલો જુએ છે.
આ તેજ ધારણ-ધ્યાનમાં કેટલીક વાર રંગબેરંગી પ્રકાશ નજરે પડે છે. કેટલીક વાર પ્રકાશમાં નાના મોટા રંગબેરંગી તારા પ્રગટ થતા, ઝગમગાતા અને છુપાતા નજરે પડે છે. તે એક દિશામાંથી બીજી દિશામાં જતા જણાય છે. કોઈ વાર વાંકા ચાલે છે અને પાછાં મૂળ સ્થાને આવી જાય છે. કેટલીક વાર ચક્રાકાર અને બાણની માફક તેજીથી ચાલતા નાના નાના પ્રકાશ ખંડ જોવામાં આવે છે. એ બધાં પ્રસન્નતા આપનારા ચિહ્નો છે. અંતરાત્મામાં ગાયત્રી શક્તિની વૃદ્ધિ થવાથી નાની નાની અનેક શક્તિઓ અને ગુણો વિકસિત થાય છે. તે ગુણ શક્તિઓ જ એવા નાના નાના રંગબેરંગી પ્રકાશપિંડોના રૂપમાં દેખાવા લાગે છે.
જ્યારે સાધના અધિક પ્રગાઢ, સશક્ત અને પરિપકવ થઈ જાય છે ત્યારે મસ્તકના મધ્યભાગમાં કે હ્રદયમાં એ જ ગાયત્રી તેજ સ્થિર થઈ જાય છે. એનું જ નામ સિદ્ધાવસ્થા છે. જ્યારે એ તેજ આકાશમાંથી ખેંચાઈને આપણી અંદર સ્થિર થઈ જાય છે ત્યારે એવી સ્થિતિ થઈ જાય છે કે જાણે આપણે શરીર અને ગાયત્રીનો પ્રાણ એક જ સ્થાને સંમિલિત થઈ ગયાં હોય. જ્યારે શરીરમાં ભૂતપ્રેતનો આવેશ થઈ જાય છે ત્યારે જેમ મનુષ્ય પ્રેતાત્માની ઇચ્છાનુસાર કામ કરે છે, તે જ રીતે ગાયત્રી શક્તિનું સ્થાપન આપણામાં થઈ જવાથી સાધકના વિચાર, કાર્ય, આચરણ, મનોભાવ, રુચિ, ઇચ્છા, આકાંક્ષા અને ધ્યેયમાં પરમાર્થ મુખ્ય બની જાય છે. એના મનુષ્યત્વમાં પશુતા ઓછી થતી જઈને દેવત્વનું પ્રમાણ વધતું જાય છે.
ઉપરોક્ત ધ્યાન ગાયત્રીનું સર્વોત્તમ ધ્યાન છે જ્યારે ગાયત્રી તેજપિંડનાં કિરણો આપણા પર પડતાં હોવાથી ધ્યાનભાવના કરાતી હોય ત્યારે એવો પણ અનુભવ કરવો જોઈએ કે, જેમ સૂર્યનાં કિરણ ગરમી, પ્રકાશ તથા ગતિશીલતાનું પ્રદાન કરે છે તેમ એ કિરણો બુદ્ધિ, સાત્ત્વિકતા અને સશક્તતાને એ જ પ્રકારે આપણા ઉપર ઠાલવી રહ્યાં છે. આ ધ્યાનમાંથી ઉઠ્યા પછી સાધકને અનુભવ થયા વિના રહેતો નથી કે, એના મગજમાં બુદ્ધિ, અંતઃકરણમાં સાત્ત્વિકતા અને શરીરમાં સૂક્ષ્મતાની માત્રા વધી ગઈ છે કે વૃદ્ધિ થોડી થોડી પણ નિત્ય થયા કરતી હોય તો ધીરે ધીરે મોટા પ્રમાણમાં તે એકત્રિત થઈ જાય છે. જેનાથી સાધક બ્રહ્મતેજનો એક મોટો ભંડાર બની જાય છે. બ્રહ્મતેજ તો બેરર ચેક છે, જે શ્રેય ને પ્રેમ એ બન્ને પૈકી કોઈ પણ બેંકમાં વટાવી શકાય છે અને બદલામાં દૈવી કે સાંસારિક સુખ ગમે તે મેળવી શકાય છે.
પ્રતિભાવો