૪૨. ષ્ટ્ચક્રોનું વેધન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

ષટ્ચક્રોનું વેધન, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧

કુંડલિની શક્તિના મૂળ સુધી પહોંચવાના માર્ગમાં છ દરવાજા છે અથવા એમ કહેવું જોઈએ કે, છ તાળા મારેલાં છે. એ દરવાજાઓનાં તાળા ઉઘાડ્યા પછી જ જીવ એ શક્તિ કેન્દ્ર સુધી પહોંચી શકે છે. આ છ અવરોધોને આધ્યાત્મિક ભાષામાં ષટ્ચક્ર કહેવામાં આવે છે.

સુષુમ્ણામાં રહેનારી ત્રણ નાડીઓમાં સૌથી અંદર રહેલી બ્રહ્મનાડી સાથે આ ચક્રો સંબંધ ધરાવે છે. માળાના દોરામાં પરોવેલાં કમળ પુષ્પોની તેમને ઉપમા આપવામાં આવે છે. આ પહેલાં આપવામાં આવેલાં ષટ્ચક્રોના ચિત્રમાં વાચકો જોઈ શકશે કે કયું ચક્ર કયે ઠેકાણે છે ? મૂલાધાર ચક્ર યોનિની સામે, સ્વધિષ્ઠાન ચક્ર પેઢા સામે, મણિપૂર ચક્ર નાભિની સામે, અનાહ્રત ચક્ર હ્રદયની સામે, વિશુદ્ધાખ્ય ચક્ર કંઠની સામે અને આજ્ઞાચક્ર ભ્રૂકુટિની મધ્યમાં સ્થિત છે. એ બધાં ઉપર સહસ્ત્રાર કમળ આવેલું છે.

સુષુમ્ણા તથા તેની અંદર રહેનારી ચિત્રણી આદિ નાડીઓ એટલી સૂક્ષ્મ છે કે સાધારણ આંખોથી જોઈ શકાતી નથી. એની સાથે સંબંધિત ચક્ર તો એથીય સૂક્ષ્મ છે કે, શરીરના વાઢકાપ કરતી વખતે આ ચક્રોને નસો-નાડીઓની માફક સ્પષ્ટ રૂપમાં જોઈ શકાતાં નથી કારણ કે આપણાં ચર્મચક્ષુઓની તીક્ષ્ણ શક્તિ બહુ જ સીમિત છે. વાયુના પરમાણુ તથા રોગનાં કીટાણુ આપણી આંખોથી દેખાતાં નથી. છતાં આપણે એમના અસ્તિત્વનો ઈન્કાર કરી શકતા નથી. આ ચક્રો યોગીઓએ પોતાની યોગદષ્ટિથી જોયા છે અને એમનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરીને મહત્ત્વપૂર્ણ લાભ ઊઠાવ્યા છે અને એ સંબંધી વ્યવસ્થિત વિજ્ઞાનનું નિર્માણ કરીને યોગમાર્ગના પ્રવાસીઓને માટે એ તૈયાર કર્યું છે.

ષટ્ચક્ર એક પ્રકારની સૂક્ષ્મ ગ્રંથિઓ છે, જે પદ્મનાડીના માર્ગમાં છે. એ ચક્રગ્રંથિઓમાં સાધક જ્યારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેને ત્યાંની સૂક્ષ્મ સ્થિતિનો ભારે અનુભવ થાય છે, તે ગ્રંથિઓ ગોળ હોતી નથી. એમાં ફૂલની પાંખડીમાં હોય છે એવા ખૂણા નીકળેલા હોય છે. એ ખૂણાઓને યા પાંખડીઓને પદ્મદલ કહેવામાં આવે છે. તે એક પ્રકારના તંતુઓનો ગુચ્છ હોય છે.

આ ચક્રોના રંગો પણ વિવિધ પ્રકારના હોય છે, કેમ કે કોઈ ગ્રંથિમાં અમુક અને કોઈ બીજી ગ્રંથિમાં અમુક તત્ત્વ મુખ્ય હોય છે. એ તત્ત્વની વિશેષતાનો એ સ્થાનના લોહી પર પ્રભાવ પડે છે અને એનો રંગ બદલાઈ જાય છે. પૃથ્વીતત્ત્વોની વિશેષતાનું મિશ્રણ લોહીનો રંગ ગુલાબી, પાણીના મિશ્રણથી સિંદૂરિયો, અગ્નિથી ભૂરો, વાયુથી શુદ્ધ લાલ અને આકાશથી ધુમાડિયો થઈ જાય છે. એવા મિશ્રણથી ચક્રોના રંગ બદલાઈ જાય છે.

એક પ્રકારના જંતુ લાકડાને કોતરતાં જાય છે ત્યારે કોતરેલા સ્થાને કેટલીક આકૃતિઓ જણાય છે તેમ આ ચક્રોમાં રહેલો પ્રાણવાયુ આવ-જા કરે છે ત્યારે એનો માર્ગ એ ગ્રંથિઓની સ્થિતિ અનુસાર વાંકોચૂકો થાય છે. એ ગતિની આકૃતિ કેટલાક દેવનાગરી અક્ષરોની આકૃતિ સાથે મળતી આવે છે. આ વાયુ માર્ગને ચક્રોના અક્ષર કહેવામાં આવે છે.

ઝડપથી વહેતી નદીમાં કેટલાંક સ્થળોએ ખાડા પડી જાય છે. એ પાણીના ખાડા ક્યાંક ઊંડા, ક્યાંક છિછરા, ક્યાંક ગોળ, તો કોઈ સ્થાને ચોરસ હોય છે. પ્રાણવાયુનો સુષુમ્ણા પ્રવાહ આ ચક્રોમાંથી પસાર થઈને દઢગતિથી વહે છે તો ત્યાં એક પ્રકારનો સૂક્ષ્મ ભ્રમર પડે છે, જેની આકૃતિ ચતુષ્કોણ, અર્ધચંદ્રાકાર, ત્રિકોણ, ષટકોણ, ગોળાકાર, લિંગાકાર તથા પૂર્ણ ચંદ્રાકાર બને છે. અગ્નિ જ્યારે બળે છે ત્યારે એની જ્વાલા ઉપર જાય છે, જે નીચે જાડી છે અને ઉપર પાતળી હોય છે. એમ અવ્યવસ્થિત ત્રિકોણ જેવી બની જાય છે. એ પ્રકારની વિવિધ આકૃતિઓ વાયુ પ્રવાહમાંથી બને છે. એ આકૃતિઓને ચક્રોનાં યંત્રો કહેવામાં આવે છે.

શરીર પંચતત્ત્વોનું બનેલું છે. એ તત્ત્વોના વત્તાઓછા સંમિશ્રણથી વિવિધ અંગ પ્રત્યાંગોનું નિર્માણ અને તેનું કાર્ય થતું હોય છે. જે સ્થાનમાં જે તત્ત્વની આવશ્યકતા હોય છે, તે વત્તુંઓછું થઈ જવાથી શરીર રોગગ્રસ્ત થઈ જાય છે. તત્ત્વો યથાસ્થાન, યોગ્ય પ્રમાણમાં હોવા એ નીરોગીતાનું ચિહ્ન મનાય છે. ચક્રોમાં પણ એક એક તત્ત્વની વિશેષતા હોય છે. જે ચક્રોમાં જે તત્ત્વ હોય છે તે જ એનું તત્ત્વ કહેવાય છે.

બ્રહ્મનાડીની પોલી નળીમાં થઈને વાયુની આવજા થાય છે ત્યારે ચક્રોના સૂક્ષ્મ આઘાતથી વાંસળીનાં છિદ્રોમાં વાયુ પ્રવેશવાથી થાય છે એવો એક ધ્વનિ નીકળે છે જે દરેક ચક્રના એક સૂક્ષ્મ છિદ્રમાં વાંસળીના સ્વરો જેવી પ્રતિક્રિયા થવાથી સા, રે, ગ, મ જેવા સ્વરોનો એક વિશેષ ધ્વનિપ્રવાહ થાય છે, જે યં, લં, રં, હં ૐ જેવા સ્વરોમાં સંભળાય છે. એને ચક્રોના બીજ અક્ષરો કહેવામાં આવે છે.

ચક્રોમાં વાયુની ગતિમાં પણ અંતર હોય છે.વાત, પિત્ત, કફની નાડી, કબૂતર, દેડકો, સર્પ, કૂકડો આદિની ગતિએ ચાલે છે. એ ચાલને ઓળખીને વૈદ્ય લોકો પોતાનું કાર્ય કરે છે. તત્ત્વોનું મિશ્રણ વાંકોચૂકો માર્ગ, ભ્રમર, બીજ આદિના સમન્વયથી પ્રત્યેક ચક્રમાં રક્તાભિસરણ અને વાયુની આવજાના સંયોગથી એક વિશેષ ગતિ ત્યાં વરતાય છે. એ ચાલ કોઈ ચક્રમાં હાથીના જેવી મંદગામી, કોઈમાં મગરના જેવી ડૂબકી મારવાવાળી, કોઈમાં હરણના જેવી ફાળ મારનારી, કોઈમાં દેડકાના જેવી કૂદકા મારનારી હોય છે. એ ગતિઓને ચક્રોનાં વાહન કહેવામાં આવે છે.

આ ચક્રોમાં વિવિધ દૈવી શક્તિઓ રહેલી છે. ઉત્પાદન, પોષણ, સંહાર, જ્ઞાન, સમૃદ્ધિ, બળ આદિ શક્તિઓને દેવતા વિશેષની શક્તિ માનવામાં આવે છે અથવા એમ કહોને કે એ શક્તિઓ જ દેવતા છે. પ્રત્યેક ચક્રમાં એક પુરુષ વર્ગની ઉષ્મવીર્ય અને એક સ્ત્રી વર્ગની શીતવીર્ય શક્તિ રહે છે કેમ કે ઋણ અને ધન, અગ્નિ અને સોમ બંને તત્ત્વો મળ્યા વગર ગતિ અને જીવનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એ શક્તિઓ જ ચક્રોના દેવીદેવતા છે.

પંચ-તત્ત્વોના પોતપોતાના ગુણો હોય છે. પૃથ્વીનો ગંધ, જલનો રસ, અગ્નિનું રૂપ, વાયુનો સ્પર્શ અને આકાશનો શબ્દ ગુણ હોય છે. ચક્રોમાં તત્ત્વોની વિશેષતા પ્રમાણે એના ગુણમાં પણ વિશેષતા હોય છે. એ જ ચક્રોના ગુણ છે.

આ ચક્રો પોતાની સૂક્ષ્મ શક્તિને આખા શરીરમાં પ્રવાહિત તો કરે છે, પણ એક જ્ઞાનેન્દ્રિય અને એક કર્મેન્દ્રિય સાથે એમનો સંબંધ વિશેષ રૂપમાં હોય છે. સંબંધિત ઇન્દ્રિયોને તે વધારે પ્રભાવિત કરે છે. ચક્રોના જાગરણનાં ચિહ્ન ઇન્દ્રિયો પર તરત જોવામાં આવે છે. એ સંબંધ વિશેષને લીધે તે ઇન્દ્રિયો ચક્રોની ઇન્દ્રિયો કહેવાય છે.

દેવશક્તિઓમાં ડાકિની, રાકિની, શાકિની, હાકિની વગેરે વિચિત્ર નામો સાંભળીને એ ભૂતડી, ચૂડલ, મસાણી જેવી કોઈ વસ્તુ હોવાનો ભ્રમ થાય છે. વસ્તુતઃ વાત એવી નથી. મુખથી માંડીને નાભિ સુધી ચક્રાકાર “અ” થી “હ” સુધીના બધા અક્ષરોની એક ગ્રંથિમાલા છે. એ માળાના મણકાઓને ““માતૃકાઓ’ કહે છે. આ માતૃકાઓના યોગદર્શન દ્વારા જ ઋષિઓએ દેવનાગરી વર્ણમાલાના અક્ષરોની રચના કરી છે. ચક્રોના દેવ જે માતૃકાઓથી ઝંકૃત થાય છે, સંબદ્ધ થાય છે તેને તે દેવોની દેવશક્તિ કહેવામાં આવે છે. ડ, ર, લ, શ ની આગળ આદિમાતૃકાઓના બોધક કિની શબ્દની જોડીને રાકિની, ડાકિની આદિ નામો બનાવવામાં આવ્યાં છે, એ જ દેવશક્તિઓ છે.

ઉપરોક્ત પરિભાષાઓને સમજી લેવા ઉપરાંત પ્રત્યેક ચક્ર વિષે નીચે જણાવેલી વિગતો બરાબર સમજી લેવી વાચકોને સુગમ થઈ પડશે. હવે એ ચક્રોનો પરિચય નીચે આપવામાં આવે છે

*  મૂલાકારક ચક્ર

સ્થાન-યોનિ (ગુદાની પાસે. વર્ણ-લાલ, લોક-ભૂલોક, દલોના અક્ષરો-બં, શ, ષ, સં, તત્ત્વ પૃથ્વી. તત્ત્વબીજ-લં, વાહન-ઐરાવત-હાથી. ગુણ-ગંધ દેવ-બ્રહ્મા, દેવશક્તિ-ડાકિની. યંત્ર-ચતુષ્કોણ. જ્ઞાનેન્દ્રિય-નાસિકા. કર્મેન્દ્રિય-ગુદા. ધ્યાનનું ફળ-વકતાપણું, મનષ્યોમાં શ્રેષ્ઠતા, સર્વ વિદ્યા વિનોદ, આરોગ્ય, આનંદમય ચિત્ત કાવ્ય અને લેખનનું સામર્થ્ય.

*  સ્વાધિષ્ઠાન ચક્ર

સ્થાન-પેઢૂ (શિશ્નની સામે. દલ-છ. વર્ણ-સિંદુરિયો. લોક ભુવઃ દલોના અક્ષરો-બં, મં, રં, લં, તત્ત્વ-જલ તત્ત્વ બીજ-બં. બીજનું વાહન-મગર. ગુણ-રસ. દેવ-વિષ્ણુ દેવ-શક્તિ-ડાકિન, યંત્ર ચંદ્રાકાર. જ્ઞાનેન્દ્રિય-રસાના. કર્મેન્દ્રિય-લિંગ. ધ્યાનનું ફળ-અહંકારાદિ વિકારોનો નાશ, શ્રેષ્ઠ યોગ, મોહ-નિવૃત્તિ, રચનાશક્તિ.

*  મણિપર ચક્ર

સ્થાન-નાભિ, દલ-દસ, વર્ણ-નીલ. લોક-સ્વઃ દલોના અક્ષરો ડં, ઢં, ધં, પં. ફં તત્ત્વબીજ-રં. બીજનું વાહન-ઘેટું. ગુણ-રૂપ, દેવ-વૃદ્ધ રુદ્ર. દેવશક્તિ-શાકિની. યંત્ર-ત્રિકોણ, જ્ઞાનેન્દ્રિય-ચક્ષુ, કર્મેન્દ્રિય ચરણ. ધ્યાનનું ફળ-સંહાર અને પાલનનું સામર્થ્ય વચન સિદ્ધિ.

* અનાહત ચક્ર

સ્થાન-હૃદય, દલ-બાર. વર્ણ-લાલ, લોક-મહઃ, દલોના અક્ષરો-કં ખં, ગં, ઘં, ડં, ચં, છં, જં, ઝં, ટં, ઠં, તત્ત્વ-વાયુ. દેવ શક્તિ-શાકિની. યંત્ર ષટ્કોણ. જ્ઞાનેન્દ્રિય-ત્વચા, કમેન્દ્રિય-હાથ. ફળ-સ્વામિત્વ, યોગસિદ્ધ, જ્ઞાન, જાગૃતિ, ઇન્દ્રિય વિજય, પરકાયા પ્રવેશ.

• વિશુદ્ધાખ્ય ચક્ર

સ્થાન-કંઠ. દલ-સોળ. વર્ણ-ધૂમ્ર. લોક-જન, દલોના અક્ષરો “અ” થી માડીને “અ:” સુધીના સોળ અક્ષરો, તત્ત્વ-આકાશ તત્ત્વ બીજ-હં. વાહન-હાથી. ગુણ-શબ્દ. દેવ-પંચમુખી સદાશિવ. દેવ શક્તિ-શાકિની. યંત્ર-શૂન્ય (ગોળાકાર). જ્ઞાનેન્દ્રિય-કાન. કર્મેન્દ્રિય-વાણી. ધ્યાન-ફળ-ચિત્ત શાંતિ, ત્રિકાળ દર્શિત્વ દીર્ઘ જીવન, તેજસ્વિતા, સર્વહિત પરાયણતા.

* આજ્ઞા ચક્ર

સ્થાન-ભૂમધ્ય. દલ-બે. વર્ણ-ધોળો.. દલોના અક્ષરો-હં. ક્ષં. તત્ત્વ-મહઃ, તત્ત્વબીજ-ઊં, બીજનું દેવ વાહન-નાદ. જ્યોતિર્લિંગ, દેવશકિત-હાકિની, યંત્ર-લિંગાકાર. લોક-તપઃ ધ્યાન ફળ-સર્વાર્થ સાધન.

છ ચક્રોમાં ઉપરોક્ત છ ચક્ર આવી જાય છે, પરંતુ સહસ્ત્રાર કમળ યા સહસ્ત્રદલને પણ કેટલાક સાતમું શૂન્ય ચક્ર માને છે એનું વર્ણન નીચે આપવામાં આવે છે.

* શૂન્ય ચક્ર

સ્થાન-મસ્તક. દલ-સહસ્ત્ર. દલોના અક્ષરો અં થી ક્ષં સુધીની પુનરાવૃત્તિઓ. લોક-સત્ય. તત્ત્વ-તત્વોથી અતીત. બીજતત્ત્વ-નિસર્ગ (:) બીજનું વાહન-બિન્દુ. દેવ-પરબ્રહ્મ દેવશક્તિ-મહાશક્તિ. યંત્ર-પૂર્ણચંદ્રવત્. પ્રકાશ-નિરાકાર. ધ્યાનનું ફળ-ભક્તિ, અમરતા, સમાધિ સમસ્ત રિદ્ધિ-સિદ્ધિઓનું હાથમાં આવી જવું.

વાચકો જાણે છે કે કુંડલિની શક્તિનો સ્ત્રોત છે. એ આપણા શરીરનો સૌથી નજીકનો સ્ફલ્લિગ છે. એમાં બીજરૂપે એટલી રહસ્યમય શક્તિઓ રહેલી છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. કુંડલિની શક્તિનાં આ છ કેન્દ્રોમાં એ ચક્રોમાં પણ એનો પૂરતો પ્રકાશ છે. સૌરમંડલમાં નવ ગ્રહો છે. તેમાં સૂર્ય એનું કેન્દ્ર છે અને ચંદ્રમા, મંગલ આદિનો એની સાથે સંબંધ હોવાથી એની પરિક્રમા કરે છે. તે બધા સૂર્યના ઉષ્મા, આકર્ષણ, વિલાયની આદિ શક્તિઓથી પ્રભાવિત અને ઓતપ્રોત રહે છે. એવી જ રીતે કુંડલિનીની શકિતઓ ચક્રોમાં પ્રસારિત થતી રહે. એક મોટી તિજોરીમાં જેમ નાનાં નાનાં ખાનાં હોય છે, જેમ મધપૂડાના નાનાં નાનાં અનેક છિદ્રો હોય છે અને તેમાં થોડું થોડું મધ ભરેલું હોય છે, તેમ કુંડલિનીની શક્તિઓ પ્રકાશ ચક્રોમાં પણ હોય છે. ચક્રોના જાગરણની સાથે જ એમાં રહેલી અનેક રહસ્યમયી શક્તિઓ પણ જાગી ઊઠે છે. એ શક્તિઓ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે.

૦ ષટ્ચક્રોનું વેધન

ષટ્ચક્રોનું વેધન કરતાં કરતાં કુંડલિની સુધી પહોંચવું અને એને જાગૃત કરીને આત્મોન્નતિના માર્ગે લગાવી દેવું એક મહાવિજ્ઞાન છે. એવું જ મહાવિજ્ઞાન જેવું કે પરમાણુ બૉમ્બનું નિર્માણ અને તેનો વિસ્ફોટ કરવો એક અત્યંત જવાબદારી ભરેલું કાર્ય છે. કેવળ પુસ્તક વાંચીને પોતે જ એનો આંરભ કરી દેવો ન જોઈએ. એ માટે પણ કોઈ અનુભવીનું માર્ગદર્શન મેળવવું જોઈએ.

ચક્રોનું વેધન ધ્યાન-શક્તિથી કરવામાં આવે છે. એ તો બધા જાણે છે કે આપણું મગજ એક વીજળી ઘર છે અને વીજળી ઘરની મુખ્ય ધારાનું નામ “મન” છે. મનની ગતિ ચંચલ અને બહુમુખી હોય છે. એ હરઘડી ચંચલતામાં મગ્ન અને નાગકૂદ કરતું રહે છે. એ ઉથલપાથલને લીધે એ વિધુતપૂજનું એક સ્થાને કેન્દ્રીકરણ નથી થતું, કે જેથી કંઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપાદન અભાવથી જીવન અસ્તવ્યસ્ત થઈને નકામું થઈ જાય છે. જ્યારે એ શકિતનું એકત્રીકરણ થઈ જાય છે ને એને એક સ્થાને સંચિત કરવામાં આવે છે, ત્યારે બિલોરી કાચથી સૂર્યકિરણો દ્વારા અગ્નિ પેદા થાય છે, તેમ “ધ્યાન’ એક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે, જેના દ્વારા મનની વેરાયેલી બહુમુખી શક્તિઓ એક સ્થાને એકત્રિત થઈને કાર્ય કરવા લાગી જાય છે. પરિણામે ત્યાં આ સાધારણ શક્તિનો સ્રોત પ્રવાહિત થઈ જાય છે. ષટ્ચક્રોની કેન્દ્રીભૂત આ વીજળીનું સાધક ધ્યાનથી વેધન કરી શકે છે.

ષટ્ચક્રવેધન સાધના કરવા માટે અનેક ગ્રંથોમાં અનેક માર્ગ બતાવવામાં આવ્યા છે. એ પ્રકારે ગુરુપરંપરાથી ચાલી આવેલી સાધનાઓ પણ વિવિધ પ્રકારની છે. એ બધા માર્ગોથી ઉદ્દેશની પૂર્તિ થઈ શકે છે. સફળતા મળી શકે છે પરંતુ તેની શરત એ છે કે, એ પૂર્ણ વિશ્વાસ, નિષ્ઠા અને ઉચિત પથપ્રદર્શકની સૂચના સલાહ પ્રમાણે કરવું જોઈએ.

અન્ય સાધનાઓની ચર્ચા અને તુલના કરીને એની આલોચના પ્રત્યાલોચના અમે અહીં કરતા નથી. અહીં તો આપણે એક એવી સુલભ સાધના વાચકો આગળ રજૂ કરીએ છીએ કે, જે દ્વારા ગાયત્રી શક્તિથી, ષટ્ચક્રોનું જાગરણ ભારે સુવિધાપૂર્વક થઈ શકે છે અને બીજી સાધનાઓમાં આવનાર અસાધારણ મુશ્કેલીઓ અને ખતરાઓમાંથી બચી જવાય છે.

સવારે શુદ્ધ અને સ્વસ્થ તથા સાવધાન થઈને પદ્માસન વાળીને બેસવું, અગાઉ વર્ણવેલી બ્રહ્મસંધ્યાના આરંભિક પંચકોષની ક્રિયા કરવી. આસન, શિખાબંધન, પ્રાણાયામ, અઘમર્ષણ અને ન્યાસ કર્યા પછી ગાયત્રીના એકસો આઠ મંત્રોની માળા કરવી.

બ્રહ્મસંધ્યા કર્યા પછી મસ્તકના મધ્ય ભાગ-ત્રિકુટીમાં એક કાનથી બીજા કાન સુધી રેખા દોરવામાં આવે અને બંને ભ્રમરોના મધ્યમાંથી મસ્તકના મધ્ય ભાગ સુધી બીજી રેખા દોરવામાં આવે અને જ્યાં એ બન્નેનું મિલન થાય તે જગ્યાને ત્રિકુટી કહેવામાં આવે છે. તેમાં વેદમાતા ગાયત્રીના જ્યોતિ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. મનને એ જ્યોતિલિંગના મધ્યમાં એ પ્રકારે અવસ્થિત કરવું. જેમ લુહાર પોતાના લોખંડને તપાવવા ભઠ્ઠીમાં નાખી દે છે અને જ્યારે તે લાલ થઈ જાય ત્યારે એને બહાર કાઢે છે અને ટીપીને જોઈતી વસ્તુ બનાવે છે. ત્રિકુટી સ્થિત ગાયત્રી-જ્યોતિમાં મનને થોડીવાર સુધી અવ્યવસ્થિત રાખવાથી મન પોતે પણ તેજસ્વરૂપ થઈ જાય છે ત્યારે એને આજ્ઞાચક્ર સ્થાનમાં લાવવું જોઈએ. બ્રહ્મનાડી મેરૂદંડથી આગળ વધીને ત્રિકુટીમાં થઈને સહસ્ત્રદલ સુધી ગઈ છે. એ બ્રહ્મનાડીની પોલી નળીમાં દીપ્તિમા મનને પ્રવેશ કરાવીને આજ્ઞાચક્રમાં લઈ જવામાં આવે છે. મનને ત્યાં સ્થિર કરવાથી ચક્રનાં લક્ષણોમાં વર્ણવ્યા મુજબ બધા અનુભવો થાય છે. મનને ચક્રના દલોનો, અક્ષરોનો, તત્ત્વનો, બીજનો, દેવશક્તિનો, યંત્રનો, લોકનો, વાહનનો, ગુણનો, રંગનો અનુભવ થાય છે. શરૂઆતમાં બહુ જ અધૂરા અનુભવો થાય છે. ચક્રમાં કેટલાંક લક્ષણો સ્પષ્ટ કેટલાંક અસ્પષ્ટ અને કેટલાંક વિકૃત જોવામાં આવે છે. ધીરે ધીરે તે સ્પષ્ટ થતાં જાય છે. કદી કદી કોઈ વ્યક્તિઓમાં ચક્રોમાં કઈ લક્ષણ ભેદ પણ નજરે પડે છે. એને પોતાની અંદરના ચક્રની અનુભવ થાય છે.

સ્વસ્થ ચિત્તથી, સાવધાન થઈને, એક માસ સુધી એકની એક સાધના કરવાથી તે પ્રફુટિત થઈ જાય છે. ધ્યાનમાં એનાં લક્ષણો વધુ સ્પષ્ટ થવા માંડે છે અને ચક્રના સ્થાન પર એની સાથે સંબંધ ધરાવતી માતૃકાઓ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોમાં અચાનક કંપન, રોમાંચ, પ્રસ્ફુરણ ઉત્તેજના, ખુજલી જેવા અનુભવો થાય છે. ચક્રોના જાગરણનાં એ લક્ષણો છે. એક માસમાં અગર એથી ઓછાવત્તા વખતમાં આ પ્રકારનાં ચિહ્નો પ્રકટ થવા લાગે, ધ્યાનમાં ચક્રનું રૂપ સ્પષ્ટ થવા લાગે ત્યારે એનાથી આગળ વધીને એનાથી નીચેના બીજા ચક્રમાં પ્રવેશ કરવો જોઈએ. વિધિ એ જ છે-માર્ગ એ જ છે, ગાયત્રી જ્યોતિમાં મનને તપાવીને બ્રહ્મનાડીમાં પ્રવેશ કરવો. અને એમાંથી પહેલા ચક્રમો જવું-એ પ્રકારે પ્રત્યેક ચક્રમાં લગભગ એક માસનો સમય લાગે છે. જ્યારે સાધના પાકી જાય છે ત્યારે એક ચક્રમાંથી બીજા ચક્રમાં જવાનું દ્વાર ખુલી જાય છે. જ્યાં સુધી સાધના કાચી હોય છે-ત્યાં સુધી દ્વાર બંધ હોય છે. સાધકનું મન આગળ ચાલવા માગે તો પણ બારણું મળતું નથી અને એ ચક્રની તંતુકાળની ભૂલભુલામણીમાં અટવાયા કરે છે.

જ્યારે સાધના લાંબા સમય સુધી પાકતી નથી અને સાધકને આગળનો માર્ગ મળતો નથી ત્યારે એને અનુભવી ગુરુની સહાયની જરૂર પડે છે અને તે જે ઉપાય બતાવે તે પ્રમાણે ચાલવું પડે છે. આ પ્રકારે ધીરે-ધીરે ક્રમશઃ છએ ચક્રો પાર કરીને સાધક મૂલાધારમાં સ્થિત કુંડલિની સુધી પહોચે છે અને ત્યાં એ જ્વાળામુખી કરાલ સ્વરૂપ, મહાશક્તિ સર્પિણીના વિકરાળ સ્વરૂપનું દર્શન કરે છે. મહાકાળનું પ્રચંડ સ્વરૂપ અહીં નજરે પડે છે. કેટલાક સાધકો સૂતેલા સિંહને જગાડવાનું સાહસ કરતાં ધ્રુજી ઊઠે છે.

કુંડલિનીને જગાડવામાં એને પીડિત કરવી પડે છે. છેડવી પડે છે. જેવી રીતે પરમાણનો સ્ફોટ કરવાને માટે એને વચ્ચેથી તોડવો પડે છે. તેવી જ રીતે સુખ કુંડલિનીને ગતિશીલ બનાવવાને માટે એના પર આઘાત કરવો પડે છે. એને આધ્યાત્મિક ભાષામાં કુંડલિની પીડન કહેવામાં આવે છે. એનાથી પીડિત થઈને ક્ષુબ્ધ કુંડલિની ફુંફાડા મારતી જાગી જાય છે અને એનું સહુથી પહેલું આક્રમણ મનને લાગેલા જન્મજન્માંતરોના સંસ્કારો પર થાય છે. એ સંસ્કારોને ચાવી જાય છે અને એની સ્થૂલતા, માયાપરાયણતાનો નાશ કરીને બ્રહ્મભાવમાં પરિણિત કરી દે છે.

આ કુંડલિનીને જગાડવાનું અને એ જાગ્યા પછી આક્રમણ થવાની ક્રિયાનું પુરાણોમાં બહુ જ અલંકારિક અને હૃદયગ્રાહી રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે.

મહિષાસુર અને દુર્ગાનું યુદ્ધ આ આધ્યાત્મિક રહસ્યનું પ્રતીક છે. પોતાની મુક્તિની કામના રાખતો, દેવીના હાથે મરવાની કામનાથી ઉત્સાહિત બનેલો મહિષાસુર (મહિ-પૃથ્વી આદિ પંચભૂતોનું બનેલું મન) ચંડી સાથે, કુંડલિની સાથે લડવા જાય છે. એ ચૂપચાપ બેઠી હોય ત્યારે એના પર આક્રમણ કરે છે. દેવી ગુસ્સે થઈને એની સાથે યુદ્ધ કરે છે. એના પર આક્રમણ કરે છે. એને એના વાહન મહિષને, સંસ્કારો સમૂહને ચાવી નાખે છે. મનના ભૌતિક આચરણને, મહિષાસુરના શરીરને દશે ભુજાઓથી, દશે દિશાઓથી, બધી બાજુથી વિદીર્ણ કરી નાખે છે અને છેવટે મહિષાસુર (સાધારણ જીવ) ચંડીની જ્યોતિમાં મળી જાય છે. મહાશક્તિનો અંશ બનીને જીનલાભને પ્રાપ્ત કરે છે. ભક્તિમયી સાધનાનું આ રૌદ્રરૂપ અત્યંત વિચિત્ર છે. એને સાધના-સમર કહેવામાં આવે છે.

જ્યાં અનેક ભક્તો, પ્રેમ અને ભક્તિ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરે છે ત્યાં એવા પણ અનેક ભક્તો છે જે “સાધના-સમર’માં બ્રહ્મ સાથે લડીને એને પ્રાપ્ત કરે છે. ભગવાન તો નિષ્ઠાના ભૂખ્યા છે. તે સાચા પ્રેમીને પણ મળે છે અને સાચા શત્રુને પણ મળે છે. ભક્તિયોગી પણ એને પામી શકે છે અને “સાધન-સમર’માં પોતાનું બળ બતાવનાર હઠયોગી, તંત્રમાર્ગી પણ એને પામી શકે છે. કુંડલિની જાગરણ એવું જ હઠતંત્ર છે જેને આધારે આત્મા તુચ્છમાંથી મહાન અને અણુમાંથી વિભુ બનીને સર્વ ઈશ્વરીય શક્તિઓથી પરિપૂર્ણ થઈ જાય છે.

ષટ્ચક્રોની સાધના કરતી વખતે સાધક પ્રતિદિન બ્રહ્મનાડીમાં પ્રવેશ કરીને ચક્રોનું ધ્યાન કરે છે. એ ધ્યાન પાંચ મિનિટથી આરંભ કરીને ત્રીસ મિનિટ સુધી લંબાવી શકાય. એકીસાથે એથી વધારે ધ્યાન કરવું હાનિકારક છે. કેમ કે વધારે ધ્યાનથી વધારે ગરમીને સહન કરવાનું કઠણ બને છે. ધ્યાન સમાપ્ત કરતી વખતે એ માર્ગ પર પાછું વાળીને મનને ત્રિકુટીમાં લાવવામાં આવે છે અને પછી ધ્યાનને પૂરું કરવામાં આવે છે.

સાધનાના કાળમાં સાધકે બ્રહ્મચર્ય પાળવું, એક વાર જમવું, સાત્ત્વિક પદાર્થો ખાવા, એકાંતસેવન કરવું, સ્વસ્થ વાતાવરણમાં રહેવું અને દિનચર્ચા સારી રાખવી અનિવાર્ય છે, કેમ કે એ સાધનાની પ્રારંભિક શરતો ગણાય છે.

ષટ્ચક્રોના વેધનની અને કુંડલિનીના જાગરણથી બ્રહ્મરંધમાં ઈશ્વરીય દિવ્ય જ્યોતિનું દર્શન થાય છે. અનેક ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: