૩૯. સિદ્ધિઓનો દુરુપયોગ ન થવો જોઈએ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
July 29, 2022 Leave a comment
સિદ્ધિઓનો દુરુપયોગ ન થવો જોઈએ, ગાયત્રી મહાવિજ્ઞાન : ભાગ – ૧
ગાયત્રી-સાધના કરનારાઓને અનેક પ્રકારની અલૌકિક શક્તિઓનો આભાસ થાય છે. એનું કારણ એ છે કે એ એક શ્રેષ્ઠ સાધના છે. જે લાભ અન્ય યોગ સાધનાથી થાય છે, જે સિદ્ધિઓ કોઈ પણ બીજા યોગથી મળી શકે છે, તે સર્વ ગાયત્રી-સાધનાથી મળી શકે છે. શ્રદ્ધા, વિશ્વાસ અને કે થોડા દિવસ ઉપાસના કરવાથી આત્મશક્તિની માત્રા દિવસે દિવસે વધતી જ રહે છે. આત્મતેજ પ્રકાશિત થવા લાગે છે, અંતઃકરણ ઉપર ચઢેલો મેલ દૂર થવા લાગે છે. આંતરિક નિર્મળતા વધવા માંડે છે. પરિણામે આત્માની મંદ જ્યોત તેના મૂળ રૂપમાં પ્રકટ થવા માંડે છે.
અંગારા ઉપર રાખનો મોટો ઢગલો જ્યારે જામી જાય છે ત્યારે તેની દાહકશક્તિ જતી રહે છે. તેને અડવાથી કાંઈ વિશેષ અનુભવ થતો નથી. પરંતુ જ્યારે એ અંગારા ઉપરથી રાખનો પડદો દૂર કરી દેવામાં આવે છે, ત્યારે ભભકતો અગ્નિ સળગી ઊઠે છે. આત્માના સંબંધમાં પણ એ જ વાત છે. સામાન્ય રીતે મનુષ્યો માયાગ્રસ્ત હોય છે, તેઓ ભૌતિક જીવનની બહિર્મુખ વૃત્તિઓમાં ડૂબેલા રહે છે. આ એક પ્રકારની ભસ્મનો પડદો છે. એનાથી આત્મજ્યોતની ઉષ્ણતા અને પ્રકાશની ઝાંખી થઈ શકતી નથી. જ્યારે મનુષ્ય પોતાને અન્તર્મુખ બનાવે છે, આત્માની ઝાંખી કરે છે અને સાધનો દ્વારા પોતાનો મેલ દૂર કરીને આંતરિક નિર્મળતા પ્રાપ્ત કરે છે ત્યારે આત્મદર્શનથી સ્થિતિ પ્રાપ્ત થાય છે.
આત્મા પરમાત્માનો અંશ છે. પરમાત્મામાં જે જે તત્ત્વ, ગુણ અને બળ છે, તે સર્વ તેમાં પણ મોજૂદ છે. અગ્નિના બધા જ ગુણ ચિનગારીમાં પણ હયાત હોય છે. જો ચિનગારીને અવસર મળે તો એ દાવાનળનું કાર્ય કરી શકે છે. આત્માની ઉપર ચઢેલ મેલ જો દૂર થઈ શકે તો ત્યાં જ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રતિબિંબ દેખાશે અને પછી પરમાત્માના અંશમાં જે શક્તિઓ દેખાવી જોઈએ તે સર્વ તેમાં દેખાશે.
અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રસિદ્ધ છે. તે સિવાય પણ ઘણી નાની મોટી રિદ્ધિસિદ્ધિઓ હોય છે, જે સાધના પરિપકવ થતાં જ ઊઠે છે, પ્રકટ થાય છે અને વૃદ્ધિ પામે છે. કોઈ વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ માટે ભલેને પ્રયત્ન કરવામાં આવ્યો જ ન હોય, છતાં જેમ યુવાવસ્થા થતાં યૌવનનાં ચિન્હો આપોઆપ જ દેખાવા માંડે છે, તેમ સાધના પરિપકવ થતાંની સાથે જ સિદ્ધિઓ આપોઆપ જ પ્રગટ થાય છે. ગાયત્રીનો સાધક ધીરે ધીરે સિદ્ધાવસ્થા તરફ આગેકૂચ કરતો જાય છે. એનામાં અનેક અલૌકિક શક્તિઓનાં દર્શન થાય છે. એવો અનુભવ છે કે લોકો શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ગાયત્રી સાધનામાં લાંબા સમય સુધી તલ્લીન રહે છે, તેમનામાં આ વિશિષ્ટતાઓ સ્પષ્ટરૂપે માલૂમ પડે છે
(૧) એનું વ્યક્તિત્વ આકર્ષક, નેત્રોમાં ચમક, વાણીમાં બળ, ચહેરા પર પ્રતિભા, ગંભીરતા અને સ્થિરતા હોય છે. એનો બીજાઓ પર ધારેલો પ્રભાવ પડે છે. જે વ્યક્તિ એના સંપર્કમાં આવે છે, તે જરૂર તેનાથી પ્રભાવિત થાય છે તથા એની ઇચ્છા પ્રમાણે આચરણ કરે છે
(૨) સાધકને પોતાનામાં એક દૈવી તેની પ્રતીતિ થાય છે. એના અંતઃકરણમાં કોઈ નવી શક્તિ કામ કરી રહી છે એવો તેને અનુભવ થાય છે.
(૩) ખરાબ કામોમાંથી એની રુચિ ઓછી થતી જાય છે અને સારાં કામોમાં મન લાગે છે. કદાચ કંઈ ખરાબ કામ થઈ જાય તો તેને માટે એને ભારે ખેદ અને પશ્ચાત્તાપ થાય છે. સુખના સમયે વૈભવમાં વધારે આનંદ ન થવો અને દુઃખ આપત્તિમાં “ધીરજ ગુમાવીને કિંકર્તવ્યમૂઢ ન બનવું એ એની વિશેષતા હોય છે.’
(૪) ભવિષ્યમાં જે બનાવો બનવાના હોય છે તેનો એના મનમાં અગાઉથી જ આભાસ થવા લાગે છે. શરૂઆતમાં તો થોડું થોડું અનુમાન કરી શકાય છે પણ ધીમે ધીમે એને ભવિષ્યનું સાચું જ્ઞાન થાય છે.
(૫) એણે આપેલા આશીર્વાદ સફળ થાય છે. જો એનો અંતરાત્મા દુઃખી થઈને કોઈને શાપ આપે તો તે વ્યક્તિ પર ભારે આપત્તિઓ આવે છે, તેનું અકલ્યાણ થઈ જાય છે.
(૬) તે બીજાના મનોભાવ તેનો ચહેરો જોઈને જ જાણી જાય છે. કોઈ વ્યક્તિ ગમે તેટલો છુપાવવાનો પ્રયત્ન કરે તો પણ તેના ભાવો છુપા રહેતા નથી. તે કોઈના પણ ગુણો, દોષો, વિચારો તથા આચરણોને પારદર્શીની જેમ પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ શકે છે.
(૭) તે પોતાના વિચારોને બીજાના હ્રદયમાં દાખલ કરી શકે છે. દૂર રહેતા માણસને તાર કે પત્ર વિના પોતાનો સંદેશ પહોંચાડી શકે છે.
(૮) તે જ્યાં રહે છે તેની આજુબાજુનું વાતાવરણ ખૂબ જ શાંત અને સાત્ત્વિક રહે છે. એની પાસે બેસનારને એ જ્યાં સુધી તેની પાસે રહે છે, ત્યાં સુધી અદ્ભુત શાંતિ, સાત્ત્વિકતાનો અનુભવ થાય છે.
(૯) તે પોતાની તપસ્યા, આયુષ્ય યા શક્તિનો એક ભાગ બીજા કોઈને આપી શકે છે અને એ દ્વારા બીજી વ્યક્તિ વિના પ્રયાસ યા અલ્પ પ્રયાસથી અધિક લાભાન્વિત બની શકે છે. એવી વ્યક્તિ બીજા પર “શક્તિપાત કરી શકે છે.
(૧૦) એને સ્વપ્નમાં, જાગૃતિમાં, ધ્યાનાવસ્થામાં રંગબેરંગી પ્રકાશપૂંજ, દિવ્ય ધ્વનિઓ, દિવ્ય પ્રકાશ અને દિવ્યવાણીઓ સંભળાય છે. કોઈ અલૌકિક શક્તિ તેની સાથે સતત રહેતી હોય એમ તે માને છે. એવા અનેક પ્રકારના દિવ્ય અનુભવો તેને થાય છે. જે અલૌકિક શક્તિના પ્રભાવ વિના થતા નથી.
આવા ચિહ્નો તો પ્રત્યક્ષ પ્રગટ થાય છે. અપ્રત્યક્ષરૂપે અણિમા, લઘિમા, મહિમા આદિ યોગશાસ્ત્રમાં વર્ણિત બીજી સિદ્ધિઓનો આભાસ થાય છે. તે કદી કદી બહુ જ અદ્ભુત, અલૌકિક અને આશ્ચર્યજનક કાર્યો કરવા સમર્થ થાય છે. જે સમયે સિદ્ધિઓના ઉત્પાદન અને વિકાસનું કાર્ય થઈ રહ્યું હોય છે તે સમય બહુ જ નાજુક અને સાવધાનીનો છે. જ્યારે કિશોરાવસ્થાનો અંત અને નવયૌવનનો પ્રારંભ થાય છે તે સમયે શરીરમાં નવીન વીર્યનો ઉદ્ભવ થાય છે. એ ઉદ્દભવકાળમાં મન ઘણું જ ઉત્સાહિત, કામક્રીડા માટે ઉત્સુક અને ચંચલ રહે છે. જો એ મનોદશા પર નિયંત્રણ ન રાખવામાં આવે તો કાચા વીર્યનો અપવ્યય થવા માંડે છે અને એ યુવક થોડા જ દિવસમાં શક્તિહીન, વીર્યહીન, યૌવનહીન થઈને સદાને માટે નકામો બની જાય છે. સાધનામાં પણ સિદ્ધિનો પ્રારંભ એવી જ અવસ્થામાં છે. ત્યારે સાધક એક નવીન આત્મિક ચેતનાનો અનુભવ કરે છે અને ઉત્સાહિત થઈને પ્રદર્શન દ્વારા બીજાઓ પર પોતાની મહત્તાની છાપ બેસાડવા ચાહે છે. એ કામ ચાલુ થાય તો એ કાચું વીર્ય-પ્રારંભિક સિદ્ધિતત્ત્વ-અલ્પકાળમાં જ અપવ્યય થઈને સમાપ્ત થઈ જાય છે અને સાધક હંમેશને માટે નકામો થઈ જાય છે.
જગતમાં જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તે કર્મફળના આધારે ચાલે છે. ઈશ્વરીય સુનિશ્ચિત નિયમોના આધારે કર્મબંધનથી બંધાયેલ પ્રાણી પોતાનો જીવનક્રમ ચલાવે છે. પ્રાણી સાચો માર્ગ એ છે કે એમને સન્માર્ગમાં પ્રેરવા, આપત્તિઓમાં સહન કરવાનું શીખવવું. એ આત્મિક સહાયતા થઈ. તાત્કાલિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ભૌતિક મદદની જરૂર છે. આત્મશક્તિ ખર્ચીને કર્તવ્યહીન વ્યક્તિઓને પરિપૂર્ણ બનાવવામાં આવે તો તેઓ વધારે નકામા બની જશે. તેથી બીજાની સેવાને માટે સદ્ગુણો અને વિવેકનું દાન કરવું એ જ શ્રેષ્ઠ છે. દાન આપવું હોય તો ધન આદિ જે હોય તેનું દાન કરવું જોઈએ. બીજાનો વૈભવ વધારવાને માટે આત્મશક્તિ સીધી વાપરવી એ તો પોતાની શક્તિઓ ખલાસ કરી દેવા જેવું છે. બીજાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દેવા અથવા તેમની આગળ પોતાની અલૌકિક સિદ્ધિ પ્રગટ કરવા જેવી તુચ્છ વાતોમાં એક કષ્ટસાધ્ય આત્મબળનો નકામો વ્યય કરી દેવા જેવું કહેવાય. હોળી રમવા માટે કોઈ પોતાના શરીરમાંથી લોહી કાઢીને બીજાને રંગે એના જેવી તે મૂર્ખતા છે. આધ્યાત્મવાદી દૂરદર્શી હોય છે. તે જગતની માનમોટાઈની રતિભાર પણ પરવા કરતો નથી.
પરંતુ આજકાલ સમાજમાં આથી ઊલટી ધારા વહેતી દેખાય છે. લોકોએ ઈશ્વરોપાસના, પૂજાપાઠ, વ્રતતપ વગેરેને સાંસારિક પ્રલોભનો માટેનાં જ સાધન માન્યાં છે. તેઓ જુગાર, લોટરી વગેરેમાં સફળતા મેળવવા માટે ભજન, તપ વગેરે કરે છે અને બાધાઓ ચઢાવે છે. તેઓનો હેતુ કોઈ પ્રકારે ધન પ્રાપ્ત કરવું એ જ હોય છે. પછી તે ચોરી, કાળાબજાર કે છેતરપિંડી પૈકી ગમે તે માર્ગ મળે કે ઈશ્વર ભજનથી મળે.
આવા માણસોને ઉપાસના દ્વારા સફળતા મળતી નથી અને જો કદાચ કોઈ કારણે તે થોડી ઘણી મળી જાય તો તેટલાથી જ તેઓ એવા તો ફુલાઈ જાય છે કે જાતજાતનાં અયોગ્ય કાર્યોમાં ધનનો દુર્વ્યય કરે છે ને તેથી તે સમૂળગી નષ્ટ થઈ જાય છે અને સુખનો માર્ગ તદ્દન બંધ થઈ જાય છે. દૈવી શક્તિઓ કદી પણ કોઈ અયોગ્ય વ્યક્તિને એવી સમર્થતા આપતી જ નથી, જેથી કરીને તે બીજાઓનું અનિષ્ટ કરવા લાગે.
તાંત્રિક પદ્ધતિથી કોઈનું મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ કરવું, સટ્ટો, લોટરી, ભવિષ્ય આદિ બતાવવું, ધન, ચોરીમાં ગયેલી વસ્તુ બતાવવી, કોઈના ગુપ્ત આચરણ યા મનોભાવોને જાણીને એને પ્રગટ કરી દેવા અને તેની પ્રતિષ્ઠા ઘટાડવી આદિ કાર્યો આધ્યાત્મિક સાધકોને માટે સર્વથા નિષિદ્ધ છે. એવું કંઈ અદ્ભુત કાર્ય કરી બતાવવું જેથી લોકો સમજે કે આ કોઈ સિદ્ધ પુરુષ છે, એ પણ ગાયત્રી સાધકોને માટે તદ્દન વજર્ય છે. જો તેઓ આ ચક્કરમાં સપડાયા તો જરૂર જાણી લેવાનું કે તેમની શક્તિનો પ્રવાહ સુકાઈ જવાનો અને પોતાની આધ્યાત્મિક કમાણી તેઓ ખોઈ બેસવાના. સદ્જ્ઞાનનું દાન કરવાનું કાર્ય એમને માટે એટલું મહત્ત્વનું છે, કે જે કરવાથી જનસાધારણનાં આંતરિક, બાહ્ય અને સામાજિક કષ્ટોને સારી રીતે દૂર કરી શકાય અને ઓછી સાધનાથી સ્વર્ગીય સુખોનો આસ્વાદ કરીને લોકોનું જીવન સફળ કરી શકાય. આ દિશામાં કાર્ય કરવાથી એની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. પણ એનાથી ઊલટું ચમત્કારોથી લોકોને ચકિત કરી દેવાના પ્રયત્નો થાય તો પોતાની તેમ જ બીજાની ભારે કુસેવા કરેલી ગણાય.
આ બધી વાતો ધ્યાનમાં રાખીને અમે આ પુસ્તકના વાંચકો અને અનુયાયીઓને સાવધાન કરીએ છીએ અને કડક શબ્દોમાં આદેશ આપીએ છીએ કે તેઓ પોતાની સિદ્ધિઓને ગુપ્ત રાખે, કોઈ પાસે જાહેર ન કરે. કોઈની સામે તેનું પ્રદર્શન ન કરે. જે દૈવી ચમત્કાર પોતાને દૃષ્ટિગોચર થાય, એને વિશ્વાસુ, અભિન્ન-હૃદય મિત્રો વિના બીજા કોઈને ન કહે. ગાયત્રી સાધકોની એ જવાબદારી છે કે તેમણે પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનો જરા પણ દુરુપયોગ કરવો નહીં. અમે સાવધાન કરીએ છીએ કે કોઈ સાધકે આ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં.
પ્રતિભાવો