૧૫૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૧/૪૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 30, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૧/૪૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યથા સિન્ધુર્નદીનાં સામ્રાજ્યં સુષુવે વૃષા । એવા ત્વં સામ્રાજ્ઞ્યેધિ પત્યરસ્તં પરેત્ય ॥ (અથર્વવેદ ૧૪/૧/૪૩)
ભાવાર્થ: સમુદ્ર વાદળો દ્વારા જળ વરસાવે છે ત્યારે નદીઓને જળ પ્રાપ્ત થાય છે અર્થાત્ નદીઓનું નિયંત્રણ સમુદ્ર કરે છે. તેવી જ રીતે, હે વધૂ ! તું પણ પોતાના ઘરની માલિકણ બનીને સમગ્ર કુટુંબને સુખી બનાવ.
સંદેશ : ગૃહસ્થાશ્રમ ઘણો જ જવાબદારીપૂર્ણ આશ્રમ છે. એમાં ઘણી સૂઝબૂઝવાળા અને વ્યવહારકુશળ માણસો જ સફળ થઈ શકે છે. અભણ માણસો તો ઠીક, પરંતુ ભણેલાગણેલા માણસો પણ પોતાની વ્યવહારકુશળતાના અભાવમાં કેટલીય ભૂલો કરી બેસે છે. અનુભવી માણસોની સાથે રહેવાથી વ્યવહારકુશળતા આવે છે. માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવી લેવાથી આ શક્ય બનતું નથી. ઘરસંસારમાં દાખલ થયા પછી માતા, પિતા, સાસુ, સસરા, ભાઈ, બહેન વગેરે કુટુંબીજનોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એનું જ્ઞાન અનુભવી માણસો પાસેથી અવશ્ય મેળવી લેવું જોઈએ.
આપણા દેશમાં સંયુક્ત કુટુંબપ્રથા એક આશીર્વાદ છે. તેમાં બાળપણથી જ ઘરસંસારની જવાબદારીઓનો પરિચય મળી જાય છે. આધ્યાત્મિક અને ભાવનાત્મક વિકાસની દૃષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વ છે. માતાપિતાની સેવા, ભાઈબહેનની સહાયતા અને કુટુંબીજનોની સમસ્યાઓને પોતાની માનીને તેમને ઉકેલવામાં જોડાયેલો રહીને માણસ પોતાની સ્વાર્થપરાયણતાને ઘટાડે છે અને ઉદારતા વધારે છે. પોતાના શરીર અને પત્ની સુધીની વાત વિચારનારા વધતી ઉંમરમાં કેટલીક સગવડો ભલે મેળવી લે, પરંતુ બાકીના જીવનમાં તેમને પોતાની આ સંકુચિતતાનો દંડ ભોગવવો પડે છે. બીમારી, અશક્તિ, દુર્ઘટના, લડાઈ ઝઘડા વગેરે પ્રસંગોમાં સંયુક્ત કુટુંબની ઉપયોગિતાની ખબર પડે છે. તે વખતે કુટુંબના બીજા સભ્યો પોતપોતાની રીતે સહાય કરીને કુટુંબનો ભાર હળવો કરે છે. સંયુક્ત કુટુંબપ્રથામાં અયોગ્ય, અસમર્થ, પાગલ, દુર્ગુણી બધાનો સમાવેશ થઈ જાય છે. એકલા હોત તો તેમને ભીખ માગવાનું અને જીવતા રહેવાનું પણ મુશ્કેલ થઈ પડત.
નવવધૂ કુટુંબનું કેન્દ્રબિંદુ હોય છે અને બધા કુટુંબીજનો તેની પાસે કંઈક ને કંઈક આશાઓ અને ઇચ્છાઓ રાખે છે. કુટુંબના બધા સભ્યોની પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ તથા મધુરતાની ભાવના ટકાવી રાખવી તેનો આધાર નવવધૂની વ્યવહારકુશળતા પર રહેલો છે. પરસ્પર સજ્જનતા, સ્નેહ, શિષ્ટાચાર, સન્માન અને સહયોગની ભાવના ટકી રહે તો કદી પણ અસંતોષ અને મનની મલિનતા ઉત્પન્ન થતી નથી. દરેક વ્યક્તિએ પોતાનાં કર્તવ્યો અને અધિકારોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. કુટુંબમાં એવું ન બનવું જોઈએ કે કેટલાક લોકો મોટા હોવાના બહાને મોજમજા કરતા રહે અને નાના સભ્યોને ઘાણીના બળદની જેમ રાતદિવસ ફરવું પડે. આનાથી કુટુંબોનું વિભાજન થાય છે.
જેવી રીતે સમુદ્ર અને નદીઓનો પરસ્પરનો સંબંધ હોય છે તેવી રીતે કુટુંબનું સંચાલન થવું જોઈએ. સમુદ્ર સંસારના તમામ જળનો સ્વામી છે. નદીઓનું પાણી પણ વહીને તેમાં આવી જાય છે,પરંતુ તે પાણી પર તે પોતાનો એકલાનો અધિકાર સમજતો નથી. વાદળો મારફત સંસારના ખૂણેખૂણામાં પહોંચીને પાણી વરસાવી દે છે અને તે પાણી સમગ્ર જીવજંતુઓના પાલનપોષણનો આધાર બને છે. વધૂની પાસે એ જ અપેક્ષા રાખવામાં આવે છે કે તે ઘરના બધા સભ્યોના સુખ અને સગવડોની માલિકણ બનીને, બધાનો સ્નેહ તથા સન્માન મેળવીને સમુદ્રની માફક ધીરગંભીરભાવથી કુટુંબના બધા સભ્યોના હિતચિંતનને પરમ સૌભાગ્ય સમજે.
પ્રતિભાવો