૧૫૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૨/૧૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 31, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૨/૧૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અઘોરચક્ષુરપતિઘ્ની સ્યોના શગ્મા સુશેવા સુયસા ગૃહેભ્યઃ । વીર સૂર્દેવૃકામા સં ત્વયૈધિષીમહિ સુમનસ્યમાના ॥ (અથર્વવેદ ૧૪/૨/૧૭)
ભાવાર્થ : હે વધૂ ! તું પ્રિયદર્શિની બનીને શુદ્ધ અંતઃકરણથી કુટુંબીજનોનું ભલું કર. એનાથી ઘરમાં સુખસંપત્તિની વૃદ્ધિ થશે.
સંદેશઃ જો ઘરને સુખદ અને મંગળકારી બનાવવું હોય તો કુટુંબનું વાતાવરણ શાંત અને સૌમ્ય હોવું જોઈએ. પશુપક્ષીઓ પણ શાંત અને રમણીય સ્થાનોમાં રહે છે. જેવી રીતે પશુપક્ષીઓને શાંત અને સુરક્ષિત સ્થાન ગમે છે, તે જ રીતે મનુષ્ય પણ પ્રસન્ન રહેવા માટે કુટુંબમાં શાંત વાતાવરણ ઇચ્છે છે. ઘરને સ્વર્ગ બનાવવાની જવાબદારી પતિ અને પત્ની બંનેની હોય છે. પતિવ્રત ધર્મ અને પત્નીવ્રત ધર્મની અંતર્ગત બંને ઉ૫૨ જે કર્તવ્યોની જવાબદારીનો ભાર આવે છે તેને ઉત્સાહપૂર્વક ઉઠાવવો જોઈએ અને એવો પ્રયત્ન કરવો જોઈએ કે સાથીદારની તુલનામાં પોતાની ભૂમિકા વધુ ઊંચી બની રહે.
નવવધૂની પાસે આ રીતના વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે. તે કુટુંબની પ્રતિષ્ઠા છે. કુળ કે વંશનું ગૌરવ તેના ચારિત્ર્ય અને વર્તન પર જ આધારિત છે. તે કુળની પરંપરાઓની પાલક છે અને કુળને જ્યોતિર્મય બનાવવા માટે સુયોગ્ય સંતાનોને જન્મ આપનારી છે. કુળની સ્થિતિને મજબૂત કરવાની જવાબદારી તેના પર હોય છે. ફક્ત ઘરની જવાબદારીનું પાલન કરવું એટલું જ તેનું કર્ત્તવ્ય નથી, બલ્કે કુળની પ્રતિષ્ઠામાં વધારો કરવો, પ્રાચીન શ્રેષ્ઠ પરંપરાઓનું પાલન કરવું, કુટુંબના સભ્યોને યોગ્ય સન્માન આપવું, અતિથિઓનું સ્વાગત કરવું, કુળને દૂષિત કરનારા દુર્ગુણોને છોડવા અને કુળને માટે જ્ઞાનવિજ્ઞાન, વૈભવ વગેરેથી પરિપૂર્ણ સંતાનોને જન્મ આપવો, તેમને ઉચ્ચ આચારવિચારનું શિક્ષણ આપવું વગેરે પત્નીનાં મહત્ત્વપૂર્ણ કર્તવ્યો છે. કુટુંબની પ્રસન્નતામાં જ તેની પ્રસન્નતા હોય તથા સમગ્ર કુટુંબના સુખ માટે હંમેશાં પ્રયત્નશીલ રહે એવી નારી જ કુટુંબમાં બધાંને પ્રિય હોય છે.
નારીમાં લજ્જા, ચારિત્ર્ય, સ્નેહ, મમતા વગેરે એવા ગુણો છે, અનાયાસ મનુષ્યને આકર્ષે છે. તેનામાં સહજ આકર્ષણ હોય છે, જે મોટેભાગે સૌંદર્યલક્ષી હોય છે. શારીરિક સૌંદર્ય, ગુણ, જ્ઞાન, ગૌરવ, કલાપ્રિયતા વગેરે અનેક તત્ત્વો તેના વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવે છે. આકર્ષણના મૂળમાં તો તેના હૃદયની શુદ્ધતા, સરળતા અને નિષ્કપટતા રહે છે, જે સમાન ગુણવાળા માણસને સહજ રીતે આકર્ષી લે છે. સ્ત્રીના રૂપસૌંદર્યમાં માદકતા હોય છે. તે પોતાના ચુંબકીય આકર્ષણ દ્વારા કોઈ સુગંધિત ફૂલની માફક કુટુંબના બધા સભ્યોને આકર્ષી લે છે. બહારના સૌંદર્યના બદલે આંતરિક સૌંદર્ય, ભાવશુદ્ધિ, વિચારશુદ્ધિ વગેરેને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. સહૃદયતા, સંવેદના, સહયોગિતા વગેરેની ભાવનાથી જે સ્ત્રી કુટુંબના બધા સભ્યોના હિતનો વિચાર કરે છે અને તે જ દિશામાં પુરુષાર્થ કરે છે તે ઘર સુખશાંતિથી ભરપૂર રહે છે. પરિશ્રમી અને કર્મનિષ્ઠ સ્ત્રી જ કુટુંબને સુખમય બનાવી શકે છે.
સુદર અને નિપુણ પત્ની જ કુટુંબનાં કષ્ટોને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. બધાનું હિત વિચારતા રહીને તે પોતાનું જીવન પણ સુખદાયી બનાવે છે અને કુટુંબને પણ સુખી તથા ખુશખુશાલ રાખે છે.
પ્રતિભાવો