લગ્નજીવનની જવાબદારી | GP-7. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા | ગાયત્રી વિદ્યા
August 1, 2022 Leave a comment
લગ્નજીવનની જવાબદારી
સાંસારિક કાર્યોમાં લગ્ન સૌથી વધારે જવાબદારીનું કાર્ય છે. લગ્નજીવનમાં પ્રવૃત્ત થતાં પહેલાં જેટલું બને તેટલું વધારે સમજી વિચારીને નિર્ણય કરવો અતિ ઉત્તમ છે. આજકાલ દરેક રીતે સંતુષ્ટ, સંતુલિત તથા સુખી લગ્નજોડાં ઘણાં જ ઓછાં દેખાય છે. તેનું કારણ એ હોય છે કે મોટાભાગના લોકો અજ્ઞાનમાં અથવા આવેશમાં લગ્નસંબંધ કરી નાખે છે. આજકાલના અનેક નવયુવકો લગ્ન પહેલાં પોતાની પત્નીના વિષયમાં સિનેમાની પ્રેમલીલા જેવી સુમધુર કલ્પનાઓ કરીને ગગનવિહાર કરતા હોય છે. તેમને લગ્નજીવનમાં ભારે નિરાશાનો સામનો કરવો પડે છે. પશ્ચિમના દેશોમાં છૂટાછેડાની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે, તેનું આ જ કારણ છે.
આવી મનોવૃત્તિ ધરાવતો શિક્ષિત યુવક જ્યારે લગ્ન કરે છે ત્યારે તેના મનમાં પોતાની પત્નીનું એક આદર્શરૂપ ઉપસ્થિત રહે છે.તે તેને પુષ્પ જેવી કોમળ, ચંદ્રમા જેવી સુંદર, વિદ્યામાં ચતુર, સંગીત નૃત્યકળામાં નિપુણ, દરેક રીતે સરળ અને મીઠા સ્વભાવની હોવાની કલ્પનાઓ કરે છે. તે સિનેમામાં કામ કરતી નર્તકીઓને જોઈને એક એવો આદર્શ મનમાં બનાવી લે છે, જે ક્યારેય પૂર્ણ થતો નથી. તે મોટી આશાઓ, સ્વપ્નોના મહેલ, કપોળ -કલ્પનાઓ, રોમાંસ તથા મનોરંજનની આશાઓ સાથે લગ્નજીવનમાં પ્રવેશ કરે છે. માનસશાસ્ત્રનો એ અચળ નિયમ છે કે દૂરથી સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી આકર્ષક જણાય છે. લગ્નના કેટલાક માસ એક પ્રકારના ઉન્માદમાં પસાર થઈ જાય છે. ત્યારબાદ તેમનાં મન અકળાવા લાગે છે. પુરુષ સ્વભાવે નવીનતાનો ઉપાસક છે. નજીક રહેલી વસ્તુ તેને જૂની, નીરસ તથા આકર્ષણ વગરની ફીકી લાગવા માંડે છે. આ જ દાંપત્યજીવનના અસંતોષનું કારણ છે. જેના કારણે છૂટાછેડા જેવી અપ્રિય વાતો બને છે. આ વૃત્તિઓ સામે સંધર્ષ કરીને તેના પર વિજય મેળવવો આવશ્યક છે.
લગ્ન પહેલાં સ્ત્રીને પુરુષ તથા પુરુષને સ્ત્રી જોઈ લેવાની, પસંદ કરવાની, બીજાની સલાહ લેવાની, જો શક્ય હોય તો કસોટી કરવાની દરેક પ્રકારની સર્તકતા તથા દૂરદર્શિતાનો ઉપયોગ કરવાની તક હોય છે. વરકન્યાએ ખોટી શરમનો ત્યાગ કરી એકબીજાના ગુણ, કર્મ તથા સ્વભાવની જાણકારી મેળવી લેવી જોઈએ. દરેક રીતે સમોવડિયા ન હોય તો પરસ્પર તેનું સંતુલન કરવાનું હોય છે. એકસરખી જ રુચિવાળી બંને વ્યક્તિ સરળતાથી જીવન વ્યતીત કરી શકે છે. એક શિક્ષિત અને બીજી અશિક્ષિત હોવાના કારણે અનેકવાર દષ્ટિકોણમાં ભિન્નતા તેમજ કડવાશ ઉત્પન્ન થઈ દાંપત્યજીવનના માધુર્યને નષ્ટ કરી દે છે. એટલે જ વરકન્યાએ આરંભમાં જ ઘણી સાવધાની તેમજ સતર્કતા રાખવાની જરૂર છે.
પોતાના સાથીનું શરીર, વિચારસરણી તથા સ્વભાવની માહિતી પ્રાપ્ત કરી. તે નીરસ પ્રકૃતિ ધરાવે છે કે ટીખળી ? તે ગંભીર અભ્યાસી છે કે કાયમ ઉતાવળ કરનાર અથવા તીવ્ર ભાવનાઓમાં ખેંચાઈ જવાના સ્વભાવવાળો છે ? તે ઉદાર છે કે સંકુચિત, જિદ્દી,નિશ્ચયી, પુરુષાર્થી, ઘમંડી કે સ્ફૂર્તિવાળો ? તે કોઈપણ કાર્યને ખંતથી કરવાવાળો છે કે વચ્ચેથી છોડી દઈને ભાગવામાં પારંગત છે? પ્રેમની બાબતમાં તેના વિચાર કેવા છે ? તેની આર્થિક સ્થિતિ તેમજ જરૂરિયાતો કેવી છે ? આ તથા આ પ્રકારના બીજી અનેક પ્રશ્નો પર લગ્ન પૂર્વે ખૂબ ખાત્રી કરી સંભાળ વિચારવિનિમય કરવો અત્યંત આવશ્યક છે.
પ્રતિભાવો