૨. નારીના સહયોગ વિના નર અપૂર્ણ રહે છે, ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા
August 1, 2022 Leave a comment
નારીના સહયોગ વિના નર અપૂર્ણ રહે છે
પ્રત્યેક જીવના જીવનમાં યૌવનના ઉભરાટ સમયે એક એવો અવસર આવે છે, કે જ્યારે તે ધીરેધીરે એક વાતનો અનુભવ કરવા લાગે છે કે તેની પાસે અમુક વસ્તુઓ, ગુણો તથા સ્વાભાવિક વિશેષતાઓની ખામી છે. પુરુષમાં યૌવનનો ઉભરાટ આવતાં જ તેનું પુરુષત્વ વિકસિત થાય છે તેના અંતરમનમાં કામાવેશ ઉત્પન્ન થાય છે. તેથી તે કોઈની ઉપર અધિકાર જમાવવા માટે પ્રેમોપાસના કરવા લાગે છે. પુરુષ સહજ ભાવથી સ્ત્રીની બાબતમાં રસ લેવા લાગે છે, તેનામાં તેને કંઈક વિશેષ આકર્ષણનો અનુભવ થાય છે, તેના હાવભાવ તેને આકર્ષક લાગે છે. તેવી રીતે નારીના જીવનમાં પણ પ્રણયની ગુપ્ત ઈચ્છાઓ ધીરેધીરે વિકસિત થવા લાગે છે. તેની કોમળતા, સહનશીલતા, લા વગેરેના કારણે તે મનોભાવો તથા આત્મસમર્પણ માટે ઉત્સુક બને છે. તે પોતાના ભાવો છુપાવવામાં કુશળ હોય છે, પરંતુ તેનું સહજ જ્ઞાન ક્રમશઃ પ્રગટ થવા લાગે છે. નરનારીની આ સ્વભાવગત વિશેષતાઓ છે, જે સમાજનું નિર્માણ કરે છે.
સ્ત્રી અને પુરુષ એકબીજા વિના અધૂરાં છે,અપૂર્ણ છે. જો સ્ત્રી પુરુષ જુદાં રહેશે તો તેઓ સમાજ માટે બિનઉપયોગી, અપરિપકવ તથા અવિકસિત રહેશે. સ્ત્રી અને પુરુષ બંનેના મિલનથી જ પરસ્પરની સ્વાભાવિક અપૂર્ણતાઓ દૂર થાય છે. જીવનસાથી પ્રાપ્ત થવાથી એકબીજાનું અધૂરાપણું દૂર થાય છે. જેવી રીતે ધન તેમજ ઋણ તત્ત્વોના સંયોગથી વિશ્વ બને છે, તેવી રીતે સ્ત્રી અને પુરુષના સહયોગથી ‘‘મનુષ્ય’” બને છે. તે પૂર્ણ મનુષ્ય જ સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી શકે છે.
પ્રતિભાવો