૧૫૬. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૮/૬૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 1, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૮/૬૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
આ પવસ્વ હિરણ્યવદશ્વવત્સોમ વીરવત્ । વાજં ગોમાન્તમા ભર સ્વાહા || (યજુર્વેદ ૮/૬૩)
ભાવાર્થ: ઘરસંસારને યોગ્ય રીતે ચલાવવા માટે મનુષ્યોએ પોતાના પુરુષાર્થ દ્વારા સોનું, પશુઓ અને ધન કમાવાં જોઈએ. એના સિવાય ઘરસંસાર પરિપૂર્ણ થતો નથી. ગૃહસ્થાશ્રમની ઉન્નતિ પુરુષાર્થમાં સમાયેલી છે.
સંદેશઃ સંસારનું કોઈ પણ કાર્ય ધન સિવાય ચાલી શકતું નથી, તો પછી ઘરસંસારની ગાડી એના સિવાય કેવી રીતે ચાલે ? વાસ્તવિકતા તો એ છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને જ માણસ ધનની કમાણી કરે છે. તે પોતાની સાથોસાથ બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમવાળાઓની પણ આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે, તેમનું ભરણપોષણ અને લાલનપાલન કરે છે. ઘરસંસાર માટે ધન કમાવું અને તેનો સદુપયોગ કરવો એ બંને મહત્ત્વપૂર્ણ છે. તેના વગર ઘરસંસાર સારી રીતે ચલાવવો અશક્ય બનશે. ઘરસંસાર માટે તે ધન કમાય એ જરૂરી છે, પરંતુ તેની કમાણીનાં સાધનો પવિત્ર હોવાં જોઈએ.
ધન કમાવાનાં ચાર માધ્યમો છે : ખેતી, વેપાર, નોકરી અને મજૂરી. ખેતીના કાર્યમાં અર્થ(ધન)ની કમાણી પવિત્ર ત્યારે કહેવાય છે કે જ્યારે તેના મજૂરોનું શોષણ થતું ન હોય અને તેમને યોગ્ય મહેનતાણું મળે. વેપારીની આર્થિક પવિત્રતા એ છે કે તે વસ્તુઓમાં ભેળસેળ ન કરે, બનાવટી તંગી સર્જીને વસ્તુઓ મોંઘા ભાવે ન વેચે. યોગ્ય દરે જ વ્યાજ લે અને સરકારને પૂરો કર ભરે. નોકરી કરનારા નાના કે મોટા કર્મચારીએ પૂરા મનોયોગથી પોતાની ફરજનું પાલન કરવું જોઈએ. તે લાંચ ન લે અને સરકારી કે સંસ્થાની ધનસંપત્તિનો દુરુપયોગ ન કરે. મજૂર કામચોરી ન કરે અને પૂરી નિષ્ઠાથી કામ કરે. ગરીબો અને અનાથો પાસેથી ઝૂંટવેલું, કોઈનું શોષણ કરીને એકઠું કરેલું તથા અયોગ્ય સાધનોથી કમાયેલું ધન અપવિત્ર હોય છે. ગૃહસ્થાશ્રમની સુખસમૃદ્ધિ માટે આર્થિક પવિત્રતા ઘણી જરૂરી છે.
જેમ ઘ૨સંસા૨ની કમાણીનાં સાધનો પ્રત્યે સજાગ રહેવું જોઈએ તેમ ધનનો સદુપયોગ કરવામાં પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પતિ અને પત્ની ઘરસંસારરૂપી ગાડીનાં બે પૈડાં છે. પતિનું કાર્ય ધન કમાવવાનું છે તો પત્નીનું કર્તવ્ય ઘરનાં કાર્યો કરવાનું છે. જો પતિ ગેરમાર્ગે ચાલશે, વ્યસની કે રોગી હશે તો કુટુંબની અર્થવ્યવસ્થા તૂટી પડશે અને તેથી બધાંને કષ્ટ વેઠવું પડશે.
શાસ્ત્રોમાં ધનના સદુપયોગ વિશે સુંદર વર્ણન કરેલું છે. ધર્માય યશસેડર્થાય આત્મને સ્વજનાય ચ’, કમાયેલ ધનને પાંચ ભાગમાં વહેંચવું જોઈએ. એક ભાગ ધર્મના માટે અને એક કીર્તિ માટે દાનમાં આપવો જોઈએ. એનાથી જ વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમની પ્રવૃત્તિઓ ચાલે છે અને એનાથી બ્રહ્મચારીઓને માટે શાળા વગેરેની વ્યવસ્થા થાય છે. એક ભાગ પોતાના ધનની વૃદ્ધિ માટે ફરીથી વેપારમાં ખર્ચવો કે ભવિષ્ય માટે જમા રાખવો. બાકીનું ધન પોતાના માટે અને સ્વજનો માટે ઉપયોગમાં લેવું જોઈએ.
જે ગૃહસ્થો ધનની કમાણીમાં પવિત્રતાનો અને તેના ઉપયોગમાં વિવેકશીલતાનો પાલવ ચુસ્ત રીતે પકડી રાખે છે તેઓ હંમેશાં સુખી, સંતુષ્ટ અને સમૃદ્ધ રહે છે.
પ્રતિભાવો