૧૫૭. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૧૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 2, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૭/૧૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ધાતા દધાતુ નો રયિમીશાનો જગતસ્પતિઃ । સ નઃ પૂર્ણન યચ્છતુ | (અથર્વવેદ ૭/૧૭/૧)
ભાવાર્થ : ગૃહસ્થ લોકો પોતાના પુરુષાર્થ દ્વારા પરમાત્માની કૃપાથી ધન અને બળ મેળવીને સુખ પ્રાપ્ત કરે.
સંદેશ : વેદમાં ધન કમાવાની કોઈ મનાઈ નથી. તેમાં ધનની કમાણી ધર્મ અને ન્યાયપૂર્વક કરવાનું કહેવાયું છે. જે માણસ ઉત્તમ માર્ગે ધર્માનુસાર ધનની કમાણી કરે છે, લોભને વશ થઈને અન્યાય અને અધર્મથી, બીજાઓનું શોષણ કરીને, બીજાઓનો અધિકાર ઝૂંટવીને કદીયે ધન કમાવાનો વિચાર કરતો નથી તે જ આદર્શ પુરુષ કહેવાય છે. ‘અન્ને નય સુપથા રાયે’, હે પ્રભુ ! ધનની પ્રાપ્તિ માટે આપ અમોને સન્માર્ગ પર ચલાવો, આ જ પ્રાર્થના તે હંમેશાં કરતો રહે છે.
અનીતિ અને અન્યાય દ્વારા કમાયેલું ધન આગિયાની જેમ ચમકે છે અને થોડીવાર માટે આપણને ખુશખુશાલ કરી દે છે અને પછી ફરીથી અંધકારનું સામ્રાજ્ય છવાઈ જાય છે. સદ્ગૃહસ્થનું કર્તવ્ય છે કે તે પોતાના પુરુષાર્થમાં કોઈ ઊણપ ન આવવા દે અને વધુમાં વધુ પરિશ્રમ કરીને જે કંઈ કમાણી કરે તેમાં સંતોષ મેળવે, કોઈને પણ દુ:ખી કર્યા સિવાય, દુર્જનોની સામે નમતું જોખ્યા સિવાય અને સન્માર્ગને છોડ્યા વિના જે થોડુંક ધન કમાવામાં આવે છે તે જ ઘણું છે. અનીતિથી કમાયેલું ધન આપણા માટે સુખસગવડોનો ઢગલો ખડકી શકે છે, પરંતુ સાથે જ કુટુંબીજનોને વિલાસી, આળસુ, કામચોર, લોભી, લંપટ અને રોગી પણ બનાવી દે છે . તે ધનથી સુખ ઓછું અને દુઃખ વધુ મળે છે. તેની સાથે અનેક પ્રકારના દુર્ગુણો અને વ્યસનો પણ કુટુંબમાં પ્રવેશે છે. એના ખરાબ પ્રભાવથી કુટુંબના બધા સભ્યોની શારીરિક અને માનસિક પડતી થાય છે તથા તેમનામાં પરસ્પર મનની મલિનતા, શંકા અને દ્વેષનો ભાવ પણ જાગે છે.
આથી આપણાં શાસ્ત્રોમાં ગૃહસ્થોની કમાણીની પવિત્રતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એની સાથે જ તે ધનનો યોગ્ય રીતે સદુપયોગ કરવો પણ જરૂરી છે. ઘરને યોગ્ય રીતે વસાવવા માટે જે વસ્તુઓની જરૂરિયાત હોય છે તેની વ્યવસ્થા કરવા માટે ગૃહસ્થોએ પ્રયત્ન કરવો જોઈએ અને ભોગવિલાસની વસ્તુઓને ઘરમાં દાખલ થવા દેવી જોઈએ નહિ. વેદની આ ભાવનાની સર્વત્ર અવગણના થઈ રહી છે. લાખો કરોડો રૂપિયાનાં સૌંદર્યપ્રસાધનો અને મોજશોખનો સામાન દેવું કરીને વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે. આપણું ખાનપાન, રહેણીકરણી, પહેરવેશ બધું જ કૃત્રિમતા અને આડંબરયુક્ત છે. ભારતીય વાતાવરણ અને રહેણીકરણીની દૃષ્ટિથી તે બધું અયોગ્ય અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ નુકસાનકારક પણ છે.
આ રીતે ધનની પવિત્રતા સાચવી રાખવાનો પુરુષાર્થ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પુરુષમાં પૂરતું આત્મબળ હોય, સાંસારિક પ્રલોભનો પ્રત્યે ઉદાસીનતા બતાવી શકવાનું સાહસ હોય તથા કુટુંબના બધા સભ્યોમાં એકરાગ હોય. સુસંસ્કારી કુટુંબોમાં બાળકોને બાળપણથી જ આવા ત્યાગનું શિક્ષણ આપવું જોઈએ અને શરૂઆતથી જ તેમનામાં આત્મવિશ્વાસપૂર્વક કુરિવાજોનો સામનો કરવાનું સાહસ પણ જગાડવું જોઈએ. આવાં કુટુંબોમાં બધા લોકો સુખ અને સંતોષના સ્વર્ગીય વાતાવરણમાં રહીને આત્માની ઉન્નતિ કરે છે અને એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહાયક બને છે.
પ્રતિભાવો