૧૫૮. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૧/૨૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 3, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૪/૧/૨૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અશ્લીલા તનૂર્ભવતિ રુશતિ પાપયામુયા । પતિર્યદ્ વધ્વો: વાસસઃ સ્વમદ્ગંમભ્યુર્ણુતે ॥ (અથર્વવેદ ૧૪/૧/૨૭)
ભાવાર્થ : જે પુરુષ સ્ત્રીએ લાવેલા દ્રવ્યનો ઉપયોગ કરે છે તે અપવિત્ર થઈ જાય છે, અર્થાત્ દહેજ લેવું મહાન પાપ છે.
સંદેશ : અગ્નિ સંસારનો પાલક અને પોષક છે, આથી પૃથ્વી પર તેનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તેના સિવાય કોઈ કાર્ય થઈ શકતું નથી. જે માણસ અગ્નિની જેમ પ્રખર અને તેજસ્વી હોય છે તે જ સંસારમાં પ્રતિષ્ઠા અને પ્રેમ મેળવે છે. જે માણસો સૂર્ય, રાજા અને વીર જેવા હોય છે તેઓ પણ માન, સન્માન અને યશ મેળવે છે. સૂર્ય સંસારને પ્રકાશ આપે છે, અંધકારનો નાશ કરે છે અને સંસારનું પાલન કરે છે. શ્રેષ્ઠ માણસો પોતાના ગુણોના પ્રકાશ અને શક્તિથી સંસારના અજ્ઞાન અને દુર્ગુણોનો નાશ કરીને બધાની ભલાઈ કરે છે. રાજા રાષ્ટ્રનું રક્ષણ કરે છે. બધાનું હિત જાળવે છે અને બધાની સાથે હિતકારી મિત્રના જેવો વ્યવહાર કરે છે, આથી તે લોકપ્રિય હોય છે. રાજા જેવો પુરુષ પણ કુટુંબ અને સમાજના હિતનું ચિંતન કરતો રહે છે અને આત્મવત્ સર્વભૂતેષુની ભાવનાથી તેમનું રક્ષણ તેમ જ સેવા કરે છે. વીર પુરુષો જાનની પરવા કર્યા વગર દેશ અને સમાજનું રક્ષણ કરે છે.
આવા ગુણવાન પુરુષો માટે શાસ્ત્રોએ સંમતિ આપી છે કે તેઓ લગ્નબંધનથી જોડાઈને દાંપત્યજીવનનું સુખ ભોગવે. જેઓ જ્ઞાનવાન હોય, શરીરથી હૃષ્ટપુષ્ટ તથા પુરુષાર્થી હોય તેઓ જ સુંદર, સુશીલ અને ગુણવાન સ્ત્રીની જોડે લગ્ન કરીને ગૃહસ્થાશ્રમની જવાબદારી નિભાવે. અગ્નિ, સૂર્ય અને રાજાની જેમ કુટુંબના પાલનપોષણની વ્યવસ્થા કરે. પત્નીને સુંદર વસ્ત્રાભૂષણ, ધનધાન્ય વગેરેથી પ્રસન્ન રાખે. સમૃદ્ધ અને પ્રસન્નચિત્ત પતિ જ પત્નીની બધી ઇચ્છાઓ પૂરી કરી શકે છે. પતિ સૂર્યની માફક હંમેશાં કર્મશીલ અને ગતિશીલ રહે, કુટુંબની જરૂરિયાત જેટલું ધન કમાય અને રાજાની માફક પોતાની પત્ની અને કુટુંબને સંતોષી, સુખી અને સુરક્ષિત રાખે એમાં જ સદ્ગૃહસ્થનું ગૌરવ છે.
લગ્ન હંમેશાં યોગ્ય અને સુસંસ્કારી સ્ત્રીપુરુષનાં જ થવાં જોઈએ. આળસુ અને અજ્ઞાની માણસ હંમેશાં ગરીબ અને દુ:ખી રહે છે અને તે હંમેશાં મફતનો માલ શોધતો ફરે છે. આવા માણસો લગ્નને પણ પૈસા કમાવાનો ધંધો બનાવી દે છે અને જબરદસ્તી દહેજ વસૂલ કરવાનું નીચતાપૂર્ણ દુસ્સાહસ પણ કરે છે. આનાથી વધુ નીચ વર્તન બીજું કયું હોઈ શકે ? લગ્ન સમયે સ્ત્રીને પિતા તરફથી જે કંઈ દ્રવ્ય આપવામાં આવે છે તે તેનું સ્ત્રીધન ગણાય છે. પતિને આવા ધનનો ઉપયોગ કરવાનો અધિકાર હોતો જ નથી. માતાપિતા દ્વારા પોતાની પુત્રીને સ્વેચ્છાએ આપેલ ભેટ અને જબરદસ્તી વસૂલ કરવામાં આવેલ દહેજમાં આકાશપાતાળ અને સ્વર્ગનર્ક જેટલો તફાવત છે. દહેજની માગણી કરવી અને તેને મેળવવા માટે જાતજાતના કીમિયા અજમાવવા તે મનુષ્યના ચારિત્ર્યની સૌથી નીચ કક્ષાની નિશાની છે. કાયદાની દૃષ્ટિએ દહેજ લેવું એ ગુનો બને છે. વધુમાં એ આત્માનું પતન કરીને પુરુષના માન, સન્માન, યશ, ગૌરવ બધાને ધૂળ ભેગું કરે છે. પત્નીના ધનથી જે લોકો પોતાનો ઘરસંસાર ચલાવવાની યોજના બનાવે છે એમનાથી વધુ નીચ, બદમાશ અને દુષ્ટ બીજું કોઈ ન હોઈ શકે.
પોતાના પુરુષાર્થમાં જ પુરુષની મર્યાદા છે.
પ્રતિભાવો