JS-22. ક્ષુદ્રતા છોડો, મહાનતાના માર્ગે ચાલો – પ્રવચન : ૧
August 3, 2022 Leave a comment
ક્ષુદ્રતા છોડો, મહાનતાના માર્ગે ચાલો (પ્રવચન) -૧, જન્મશતાબ્દી પુસ્તકમાળા – ૨૨
ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો –
ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ |
મિત્રો ! આપણા બધા પરિજનોએ કેટલીક માન્યતાઓને પોતાના મનમાં ઊંડે સુધી ઉતારી લેવી જોઈએ. એક તો એ કે હું અને તમે જે સમયમાં જીવી રહ્યા છીએ તે એક વિશિષ્ટ સમય છે. આ યુગપરિવર્તનનો સમય છે. અત્યારે યુગ બદલાઈ રહ્યો છે. પ્રાતઃકાળનો સમય પણ વિશેષ મહત્ત્વપૂર્ણ હોય છે. એમાં દરેક માણસ સામાન્ય કામકાજ છોડીને વિશેષ કામ કરે છે. તે વખતે પૂજાપાઠથી માંડીને અધ્યયન સુધીનાં ઉચ્ચ કક્ષાનાં કાર્યો કરવામાં આવે છે. અત્યારનો સમય પણ આવો જ છે. તે બે યુગનો સંધિકાળ છે. આ સમયમાં આપણે વિશેષ કર્તવ્યો કરવાનાં છે. દરેક સાધકે એવું માનવું જોઈએ કે મારું વ્યક્તિત્વ વિશિષ્ટ છે. મને ભગવાને કોઈ ખાસ કામ માટે મોકલ્યો છે. જીવજંતુઓ અને બીજાં સામાન્ય પ્રાણીઓની જેમ માત્ર પેટ ભરવા કે સંતાનો પેદા કરવા માટે મોકલ્યો નથી. મોટા ભાગના લોકો નર પામર અને નરકીટક જેવા છે. તેઓ પેટ ભરવા અને સંતાનો પેદા કરવા સિવાય બીજું કોઈ કામ કરી શકતા નથી, પરંતુ કેટલાક વિશિષ્ટ લોકો ઉપર ભગવાન વિશ્વાસ કરે છે અને તેમને એવું માનીને ધરતી પર મોકલે છે કે તે મારું કંઈક કામ કરશે. યુગનિર્માણ પરિવારના દરેક સભ્ય પોતાના વિષયમાં એવી જ માન્યતા રાખવી જોઈએ કે ભગવાને મને વિશેષ કામ માટે મોકલ્યો છે. હું કેટલીક ખાસ જવાબદારીઓ લઈને આવ્યો છું. સમયને બદલવાની તથા યુગની જરૂરિયાતોને પૂરી કરવાની જવાબદારી મારા માથે છે. જો ઉપરની બાબતો પર તમે વિશ્વાસ કરી શકો તો તમારી પ્રગતિ અવશ્ય થશે અને તમે મહામાનવોના માર્ગ પર સફળતાપૂર્વક ચાલી શકશો.
અત્યારનો સમય આપત્તિઓનો સમય છે. અત્યારની જવાબદારીઓ આપત્તિકાલીન સમય જેવી વિશિષ્ટ છે. આપણી ઉપર સમગ્ર યુગની જવાબદારીઓ છે. જે રીતે રીંછવાનર વિશેષ ભૂમિકા નિભાવવા માટે આવ્યાં હતાં, જે રીતે પાંડવો વિશેષ ભૂમિકા નિભાવવા માટે આવ્યા હતા અને ગોવાળિયાઓ શ્રીકૃષ્ણ ભગવાનની સાથે વિશેષ ભૂમિકા નિભાવવા માટે આવ્યા હતા, એ જ રીતે આપણે પણ વિશિષ્ટ કાર્ય માટે જ આવ્યા છીએ. ગાંધીજીની સાથે સત્યાગ્રહીઓ પણ વિશિષ્ટ ભૂમિકા નિભાવવા માટે આવ્યા હતા. બુદ્ધની સાથે ચીવરધારીઓ ભિક્ષુઓ વિશિષ્ટ જવાબદારીઓ નિભાવવા માટે આવ્યા હતા. તમે વિશ્વાસ રાખજો કે તમે પણ મારી સાથે એ જ રીતે જોડાયા છો અને મહાકાળે સોંપેલી વિશિષ્ટ જવાબદારીઓ પૂરી કરવા માટે જ આપણે લોકો આવ્યા છીએ. જો આ વાત તમે માની શકો તો પછી તમારી સામે નવા પ્રશ્નો અને નવી સમસ્યાઓ પેદા થશે.
આ માટે તમારે પહેલું કદમ એ ભરવું પડશે કે તમારે તમારી જીવનપદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. તમે સામાન્ય લોકોની જેમ જીવવાનો ઇન્કાર કરી દો અને કહો કે હું તો વિશિષ્ટ વ્યક્તિઓ અને મહામાનવોની જેમ જીવીશ. જો માત્ર પેટ જ ભરવાનું હોય તો શ્રેષ્ઠ રીતે શા માટે ના ભરું? પેટ ભરવા ઉપરાંત જે કાર્યો હું કરી શકે એમ છું તે શા માટે ના કરું? જ્યારે આ પ્રશ્નો તમારી સામે જ્વલંત રૂપે ઊભા થશે ત્યારે તમને લાગશે કે મારે મારી મનઃસ્થિતિમાં ફેરફાર કરવો જ પડશે. હું લૌકિક આકર્ષણોનો ત્યાગ કરીને ભગવાનનો પાલવ શા માટે ના પકડું? ભૌતિક આકર્ષણો પાછળ ભટકવાના બદલે ભગવાન સાથે જોડાવું તથા તેમના સહયોગી બની જવું વધારે લાભદાયક છે. સંસારનો ઇતિહાસ બતાવે છે કે ભગવાનનો પાલવ પકડનાર અને તેમના સહયોગી બનનાર કોઈ દિવસ ખોટમાં રહ્યા નથી. જે આ વાત પર વિશ્વાસ કરી શકો તો તમે મોટો પ્રકાશ પ્રાપ્ત કરી લીધો છે એમ માનવું જોઈએ. જીવનમાં આગળ આવવા માટે અને ઉન્નતિ કરવા માટે મનઃસ્થિતિને બદલવી તથા સંસારના બદલે ભગવાનના શરણમાં જવું વધારે જરૂરી છે. આ આપણું બીજું પગલું હોવું જોઈએ.
આત્મિક ઉન્નતિ માટે ત્રીજું પગલું ભરવું પડશે કે આપણે મોટાઈ મેળવવાની મહત્ત્વાકાંક્ષાઓ, કામનાઓ તથા ઇચ્છાઓનો ત્યાગ કરીને મહાનતાની સાથે જોડાઈ જવું જોઈએ. આપણે જિંદગીભર વાસનાઓ તથા તૃષ્ણાઓ પૂરી કરવા માટે આપણા સમય અને બુદ્ધિનો ઉપયોગ કરતા રહીએ છીએ. મોટાઈ, અહંકાર, ઠાઠમાઠ તથા લોકો પર રોફ જમાવવા માટે જાતજાતના તાણાવાણા વણતા રહીએ છીએ. જો આપણને લાગે કે આ બધી સાવ તુચ્છ અને છીછરી બાબતો છે, જો આપણે આ ક્ષુદ્રતાનો ત્યાગ કરી શકીએ, તો પછી આપણે મહાનતાનો સ્વીકાર કરવો જોઈએ. મહાપુરુષોએ જેવું ચિંતન અને આચરણ કર્યું હતું એવું જ ચિંતન અને આચરણ આપણે કરવું જોઈએ. એમણે જેવાં કાર્યો કર્યા હતાં તેવાં જ કાર્યો આપણે કરવા જોઈએ. આવો વિશ્વાસ દઢ કર્યા પછી આપણે આપણી માન્યતાઓમાં, આકાંક્ષાઓમાં, દૃષ્ટિકોણમાં તથા ક્રિયા પદ્ધતિમાં ફેરફાર કરીને વ્યાવહારિક જીવનમાં એ પ્રમાણે આચરણ કરવું પડશે.
સાધકોએ મન અને ઇન્દ્રિયોની ગુલામી કરવાનું છોડી દેવું જોઈએ. તેમની ગુલામી કરવાના બદલે આપણે તેમના સ્વામી બનવું જોઈએ. અત્યાર સુધી આપણે લાચાર બનીને, દીન દુર્બળ બનીને ઇન્દ્રિયોના કોરડા સહન કરતા રહ્યા છીએ અને તેમની ઇચ્છા પ્રમાણે જીવીએ છીએ. મન પોતે ધારે ત્યાં આપણને ખેંચી જાય છે. ક્યારેક ખાડામાં પાડે છે, તો ક્યારેક બીજે ક્યાંક લઈ જાય છે. ઈન્દ્રિયો પણ આપણને પોતાની ઇચ્છા મુજબ નચાવે છે. આપણે લાચાર બનીને ગુલામની જેમ તેમનું કહેલું માનીએ છીએ. આપણે હવે આ પરિસ્થિતિઓને બદલી નાખવી જોઈએ. મારી તમને વિનંતી છે કે તમે એમના સ્વામી બનો. સ્વામીએ પોતાની લાલસાઓને છોડી દેવી જોઈએ. ઇન્દ્રિયોને નોકરાણીની જેમ અને મનને નોકરની જેમ રાખો. મનને હુકમ કરો કે તારે મારું કહેલું જ માનવું પડશે. ઇન્દ્રિયોને કહો કે તમે મારી આજ્ઞા વગર મનફાવે તેમ નહિ કરી શકો. આ રીતે જો આપણે ઈન્દ્રિયો ઉપર આપણી સત્તા સ્થાપી દઈશું તો ગુલામીના બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈશું. આપણા મન અને ઇન્દ્રિયોની ગુલામીનું નામ જ ભવબંધન છે. આપણે જો એમાંથી મુક્ત થઈ જઈએ તો સ્વાભાવિક રીતે જ આપણે જીવનમુક્ત થઈ જઈશું. જો એ માટે આપણે સાહસ કરી શકીશું તો આપણને મોક્ષ મળી શકશે.
સંસારમાં રહીને આપણે આપણાં કર્તવ્યો પૂરાં કરવા જોઈએ, હસીખુશીથી સારી રીતે રહેવું જોઈએ, પરંતુ એમાં એવા કસાઈ ન જવું જોઈએ કે આપણે આપણા જીવનના મૂળ ઉદ્દેશ્યને ભૂલી જઈએ. જો આપણે તેમાં ફસાઈ ગયા તો મરીશું. માખી ચાસણી ખાવા માટે વાસણની ધાર પર બેસે તે બરાબર છે. તે તેનો સ્વાદ પણ માણી શકે છે અને પોતાને સુરક્ષિત પણ રાખી શકે છે, પરંતુ જો તે ચાસણી ઉપર તૂટી પડે તો તેની પાંખો ચોંટી જશે અને તે કમોતે મરશે. આપણે આવી મૂર્ખાઈથી બચવું જોઈએ. તમે આફ્રિકાના વાંદરાઓ વિશે સાંભળ્યું હશે. એવું કહેવાય છે કે વાંદરાને ફસાવવા માટે શિકારી લોખંડના સાંકડા મોંવાળા ઘડામાં થોડાક ચણા મૂકે છે. ગિબન જાતિના વાંદરા એ ચણા ખાવા માટે આવે છે. તે ઘડામાં હાથ નાખીને ચણાની મૂઠી ભરે છે અને પછી હાથ બહાર કાઢવા કોશિશ કરે છે, પરંતુ ઘડાનું મોં સાંકડું હોવાથી તેનો હાથ બહાર નીકળી શકતો નથી. તેનામાં એટલી હિંમત અને બુદ્ધિ હોતી નથી કે મૂઠી ખોલીને ચણા નાખી દે અને પોતાનો હાથ બહાર કાઢી લે. તે મૂઠી ખોલવા ઇચ્છતો જ નથી. એનું પરિણામ એ આવે છે કે તેનો હાથ નીકળતો નથી અને શિકારી આવીને તેને મારી નાખે છે અને તેનું ચામડું કાઢી લે છે. આપણી પણ આ ગિબન જેવી જ સ્થિતિ છે. આપણે લાલસાઓ તથા લિપ્સાઓ માટે, વાસના માટે, તૃષ્ણા માટે તથા અહંકારની પૂર્તિ માટે મૂઠી બંધ કરીને ફસાઈ રહીએ છીએ અને આપણા જીવનરૂપી સંપત્તિનો વિનાશ કરી દઈએ છીએ. તેનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આપણે આપણી ક્ષુદ્રતાનો ત્યાગ કરવો જ પડશે. ક્ષુદ્રતાનો ત્યાગ કરવાથી આપણે ખોતા કશું નથી, પરંતુ ઘણું મેળવીએ છીએ. કાર્લ માર્ક્સ મજૂરોને કહેતા હતા, “હે મજૂરો ! તમે એક બનો, તમારે ગરીબી સિવાય બીજું કાંઈ ગુમાવવાનું નથી.” હું તમને કહું છું કે અધ્યાત્મ માર્ગ પર ચાલનારા છે વિદ્યાર્થીઓ ! તમારે ક્ષુદ્રતા સિવાય બીજું કાંઈ ગુમાવવાનું નથી, મેળવવાનું જ છે. આધ્યાત્મિકતાના માર્ગમાં માત્ર મેળવવાનું જ છે. એમાં માત્ર એક જ બાબત છોડવી પડે છે, જેનું નામ છે – સુદ્રતા અને સંકીર્ણતા. એમનો ત્યાગ કરવામાં જો તમને કોઈ તકલીફના હોય તો તમે અવશ્ય તેમનો ત્યાગ કરો અને મહાનતાના માર્ગે ચાલો. જીવનમાં ભગવાનને તમારા ભાગીદાર બનાવી દો. તમે ભગવાનની સાથે જોડાઈ જાઓ. જો તેમની સાથે જોડાઈ જશો તો એ સંબંધ તમને ખૂબ કામ લાગશે. ગંગાએ પોતાને હિમાલયની સાથે જોડી રાખી છે. આથી તે ગમે તેટલું પાણી લોકોને આપે છે, છતાં તેમાં કદાપિ પાણી ખૂટતું નથી. એ જ રીતે આપણે પણ જો ભગવાનની સાથે આપણો સંબંધ જોડીશું તો આપણે જીવનમાં કદાપિ અભાવ અને સંકટોનો સામનો નહિ કરવો પડે. ઝરણાનું પાણી સુકાઈ જાય છે, પણ ગંગાનું પાણી કદાપિ સુકાતું નથી, કારણ કે તેણે એક મહાન સત્તા સાથે પોતાનો સંબંધ જોડી દીધો છે, જ્યારે ઝરણાએ જોડ્યો નથી. વરસાદ પડે ત્યારે નાનાં કોતરો પાણીથી ઊભરાય છે, પરંતુ પછીથી નવદસ મહિના સૂકા પડી રહે છે, પરંતુ ગંગા યુગોથી વહી રહી છે, છતાં એ કદાપિ સુકાઈ નથી. આપણે પણ જો ભગવાનની સાથે જોડાવાની હિંમત કરીશું તો આપણે પણ કદાપિ સુકાવું નહિ પડે.
જો આપણે ભગવાનની આગળ આપણી જાતને સમર્પિત કરી દઈશું, તો જ ભગવાનને મેળવી શકીશું. કઠપૂતળી બાજીગરને પોતાનું જીવન સોંપી દે છે, તો બાજીગરની કલાને કારણે તે નાચ બતાવી શકે છે. આ જ રીતે આપણે પણ જો આપણી મહત્ત્વાકાંક્ષાઓનો ત્યાગ કરીને આપણી જાતને ભગવાનને સોંપી દઈએ, તો ભગવાનની સંપૂર્ણ કળાનો લાભ આપણને મળી શકે છે. પતંગ એક દોરાથી બાળકની સાથે જોડાય છે ત્યારે તે આસમાનમાં પહોંચી જાય છે. એમાં તે કશું ગુમાવતી નથી. જો તેણે એટલી હિંમત અને બહાદુરી ન બતાવી હોત તો તે ઊડી ન શક્ત, જમીન ઉપર જ પડી રહેત. વાંસળી પોતાની જાતને કોઈ ગાયકને સોંપી દે છે. ગાયક તેમાં ફૂંક મારે છે અને ચારેય બાજુ મધુર સંગીત રેલાવે છે. આપણે પણ ભગવાનની સાથે કઠપૂતળી, પતંગ અને વાંસળીની જેમ જોડાઈ જવું જોઈએ. ભગવાન પર પોતાની સત્તા ચલાવવી ના જોઈએ અને તેમની આગળ પોતાની મનોકામનાઓ રજૂ ના કરવી જોઈએ. એ ભક્તિની નિશાની નથી. આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. ભગવાનની આગળ અનેક જાતની ઇચ્છાઓ અને ફરમાઈશો કરતા રહેવું તે તો એક પ્રકારની વેશ્યાવૃત્તિ છે. આપણે કોઈ લૌકિક કામનાથી ભગવાનની ઉપાસના ન કરવી જોઈએ, પરંતુ ભગવાનની સાથે ભાગીદાર બનવા માટે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવા માટે અને તેમને પોતાનું સંપૂર્ણ સમર્પણ કરવાની ભાવનાથી કરવી જોઈએ. જો તમે એવી ઉપાસના કરશો તો હું તમને ખાતરી આપું છું કે તમારી ઉપાસના અવશ્ય સફળ થશે. તમને આંતરિક સંતોષ મળશે, એટલું જ નહિ તમારા વ્યક્તિત્વનો વિકાસ પણ થશે. વ્યક્તિત્વનો વિકાસ થવાથી માણસ ભૌતિક અને આત્મિક બંને પ્રકારની સફળતાઓ ભરપૂર પ્રમાણમાં મેળવે છે.
મારો તમને અનુરોધ છે કે તમે હસતી હસાવતી જિંદગી જીવો, ફૂલની જેમ ખીલેલા રહો. જો તમે હળવાશ ભરી જિંદગી જીવશો તો તમને જીવનનો સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થશે. જો તમે વાસના, તૃષ્ણા, લોભ અને લાલચમાં ફસાશો, તો નુકસાન સહન કરવું પડશે. તમે તમારા કર્તવ્યો પૂરાં કરવા માટે જિંદગી જીવો અને આનંદપૂર્વક જીવો. કોઈ બાબતને વધારે પડતું મહત્ત્વ ન આપો. તમારા કોઈ કર્તવ્યની ઉપેક્ષા ન કરો. તમારાં લૌકિક કાર્યોને વધારે પડતું મહત્ત્વ ના આપશો, નહિ તો મનની શાંતિ ખોઈ બેસશો.
આપણે એક માળીની જેમ જીવન જીવવું જોઈએ, માલિકની જેમ નહિ. માલિકની જિંદગીમાં બહુ ભારેપણું છે અને અનેક કષ્ટો છે. જો માળીની જેમ, રખેવાળની જેમ, એક ચોકીદારની જેમ આપણે જીવન જીવીશું, તો આપણને લાગશે કે આપણે જે કાંઈ કર્યું તે માત્ર આપણું કર્તવ્ય હતું. માલિકને ચિંતા રહે છે કે સફળતા મળી કે નહિ, જ્યારે માળીને એટલી જ ચિંતા રહે છે કે મેં મારું કર્તવ્ય અને ફરજ પૂરાં કર્યા કે નહિ. આપણે ભલે દુનિયામાં રહીએ, કામ કરીએ, પણ આપણું મન ભગવાનમાં રાખવું જોઈએ અર્થાત્ ઉચ્ચ ઉદ્દેશ્યો અને ઉચ્ચ આદર્શોની સાથે આપણા જીવનને જોડી રાખવું જોઈએ. કમળનું પાન પાણી પર તરે છે, ડૂબતું નથી. એ જ રીતે આપણે પણ દુનિયામાં ક્યાંક ડૂબી ના જઈએ. આપણે ખેલાડીની જેમ જીવવું જોઈએ. હારજીતની બાબતમાં વધારે પડતી ચિંતા ના કરો. આપણે એક અભિનેતાની જેમ પોતાનો રોલ અદા કર્યો કે નહિ એ જોવું જોઈએ. ઘણી બાબતોનો આધાર પરિસ્થિતિઓ પર હોય છે. જો પરિસ્થિતિઓ અનુકૂળ ન હોવાના કારણે સફળતા ન મળે, તો આપણે શું કરી શકીએ? આપણે આપણું કર્તવ્ય પૂરું કર્યું તેટલું પૂરતું છે. જો તમે આ દષ્ટિને ધ્યાનમાં રાખીને જીવશો, તો કોઈ તમારા આનંદને છીનવી નહિ શકે. તમને સફળતા નહિ મળે, છતાં પણ તમે પ્રસન્ન રહેશો. તમે ચોવીસેય કલાક ખુશ રહી શકશો. જીવનની સાર્થકતા અને સફળતાની આ જ રીત છે.
તમે મુનીમની જેમ જીવો, માલિકની જેમ નહિ. જેલના કેદીની સાથે તમારી તુલના કરો. તેનું ઘરતો બીજે જ છે, જે તેનું ઘર નથી. તે જેલમાં રહે છે, છતાં પણ પોતાનાં ઘરવાળાને યાદ કરતો રહે છે. સૈનિક સૈન્યમાં કામ તો કરે છે, પણ સાથે સાથે ઘરવાળાઓનું પણ ધ્યાન રાખે છે. એ જ રીતે આપણે પણ આપણું જે મૂળ ઘર છે તે પરમાત્માનું પણ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવમાં આપણે જે લોકના નિવાસી છીએ, મર્યા પછી જે લોકમાં જવાનું છે તેનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આપણે આ ધરતી પર આવ્યા છીએ, તેથી અહીંની કેટલીક જવાબદારીઓ હોય છે. જો આપણે તેમની ચિંતામાં ડૂબી ના જઈએ તો આપણું જીવન સાર્થક બની શકે છે.
કેટલાક સાધકો મને પૂછે છે કે અમે શું કરીએ? હું તેમને કહું છું કે તમે આવું ના પૂછશો. એના બદલે એવું પૂછો કે અમે કેવા બનીએ? જો તમે કંઈક બની જાઓ, તો તે કંઈક કરવા કરતાં પણ વધારે મહત્ત્વનું છે. પછી તમે જે કાંઈ કરશો તે ખૂબ મહત્ત્વનું અને યોગ્ય જ હશે. તમે બીબું બનવાનો પ્રયત્ન કરો. જો તમે બીબું બનશો તો જે ભીની માટી તમારા સંપર્કમાં આવશે તે તમારા જેવા આકારમાં બદલાઈ જશે. જો તમે સૂર્ય જેવા બનશો, તો તમે પ્રકાશવાન બની શકશો અને સૂર્યની જેમ નિરંતર ચાલતા રહેશો. એના લીધે જે લોકો તમારા સંપર્કમાં આવશે તેઓ પણ પ્રકાશવાન બનશે અને તમારી સાથે ચાલશે. સૂર્યની સાથે નવ ગ્રહો અને બત્રીસ ઉપગ્રહો છે તે બધા પ્રકાશે છે અને તેની સાથેસાથે ચાલે છે. જો તમે ચાલશો અને પ્રકાશવાન બનશો, તો જનતા પણ તમારી અનુગામી બનશે અને તે પણ તમારા જેવું જ કરશે. જો તમે પોતે નહિ ચાલો અને બીજાઓ પાસે એવી અપેક્ષા રાખશો કે તેઓ મારું કહેવું માને, તો એ મુશ્કેલ છે. તમે બીજ બનીને પહેલાં ઓગળો, વૃક્ષ બનો. પછી તમારા દરેક ફળમાં સેંકડો બીજ પેદા થશે.
મિત્રો, જે લોકોએ પોતાનું નિર્માણ કર્યું છે તેમને અમે શું કરીએ” એવું પૂછવાની જરૂર પડી નથી. તેમનું દરેક કાર્ય જ બધું કરાવવામાં સમર્થ બની ગયું. તેમનું વ્યક્તિત્વ એટલું આકર્ષક બની ગયું કે તેનાથી તેઓ સફળતા અને મહાનતા મેળવી શક્યા. શીખોના ગુરુ રામદાસના શિષ્ય અર્જુનદેવ વાસણો માંજવાનું કામ કરતા હતા. તેમણે અનુશાસનમાં રહેવાનો પ્રયત્ન કર્યો. ગુરુ પોતાના વારસદાર તરીકે કોને નમવો તે વિચારતા હતા. બીજા વિદ્વાન શિષ્યોના બદલે તેમણે અર્જુનદેવને એ માટે પસંદ કર્યા. એનું કારણ એ હતું કે તેમણે પોતાનું નિર્માણ કર્યું હતું. ગુરુએ માન્યું કે આ સૌથી સારો શિષ્ય છે. સપ્તઋષિઓએ પણ પોતાનું નિર્માણ કર્યું હતું. તેમનામાં તપની શક્તિ હતી. તેઓ જ્યાં પણ ગયા અને રહ્યા, તેમણે જે કોઈ કામ કર્યા તે મહાન અને ઉચ્ચકક્ષાનાં કામ ગણાયા. જો તેમનું વ્યક્તિત્વ હલકું અને તુચ્છ હોત, તો પછી તેઓ એટલાં મહાન ન બની શક્યા હોત.
ગાંધીજીએ પોતાનું નિર્માણ કર્યું હતું, તેથી જ હજારો લોકો તેમની પાછળ પાછળ ચાલ્યા. બુદ્ધ પોતાનું નિર્માણ કર્યું, તો હજારો લોકો તેમના અનુગામી બન્યા. તમે પણ તમારામાં ચુંબકત્વ પેદા કરો. ખાણોમાં લોખંડ કે બીજી ધાતુઓના કણ એક સ્થળે ભેગાં થાય છે એનું કારણ એ છે કે જ્યાં ખાણ હોય છે ત્યાં ચુંબકત્વ હોય છે. તે નાના કણોને પોતાના તરફ ખેંચે છે. આપણે પણ આપણી ક્વૉલિટી, આપણું ચુંબકત્વ વધારીએ, આપણા વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવીએ. આ જ સૌથી મોટું કામ છે. સમાજની સેવા પણ કરવી જોઈએ, પરંતુ સમાજસેવા કરતા પહેલાં મહત્ત્વનું કામ પોતાની ક્વૉલિટીને ઉત્તમ બનાવવાનું છે. કોલસા અને હીરામાં તાત્ત્વિક રીતે કોઈ ફેર નથી. કોલસાનું જ શુદ્ધ રૂપ હીરો છે. ખાણમાંથી જે ધાતુઓ નીકળે છે તે કાચી હોય છે, પરંતુ જ્યારે તેમને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે અને શુદ્ધ કરવામાં આવે છે ત્યારે તે ધાતુઓ મૂલ્યવાન બની જાય છે. તે પોલાદ બની જાય છે. આપણે આપણી જાતને પોલાદ જેવી બનાવીએ. પોતાની આંતરિક સફાઈ કરીએ. પોતાની જાતને તપાવીએ, ધોઈએ. પોતાની જાતને શુદ્ધ બનાવીએ. જો આટલું કરી શકીએ તો તમારા સવાલનો જવાબ મળી જશે કે અમે શું કરીએ? શું ના કરીએ? તમે સારા બનો. સમાજસેવા કરતા પહેલાં એ જરૂરી છે કે આપણે તેને લાયક બનીએ, આપણી પોતાની સફાઈ કરીએ.
મિત્રો, એક બીજી વાત કહીને હું મારી વાત પૂરી કરીશ. મારી એક બીજી વિનંતીનો તમે સ્વીકાર કરી શકો, તો ખૂબ આનંદની વાત છે. તમે મારી દુકાનમાં ભાગીદાર બની જાઓ. એનાથી ખૂબ ફાયદો થશે. એનાથી દરેક માણસને ખૂબ મલાઈદાર હિસ્સો મળશે. માગવાથી તો હું થોડુંક જ આપી શકીશ. ભીખ માગનારને વધારે ક્યાંથી મળે? લોકો તેમને થોડુંક જ આપે છે. તમે મારી સાથે જોડાઈ જશો તો આંધળા અને લંગડાની જોડી બની જશે. મેં મારા ગુરુની સાથે ભાગીદારી કરી છે. શંકરાચાર્ય અને માંધાતાએ ભાગીદારી કરી હતી. સમ્રાટ અશોક અને ભગવાન બુદ્ધ ભાગીદારી કરી હતી. સમર્થ ગુરુ રામદાસ અને શિવાજીએ ભાગીદારી કરી હતી. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદે ભાગીદારી કરી હતી, તો શું તમે પણ એવું ના કરી શકો? તમે અને હું ભેગાં મળીને એક મોટું કામ કરીશું. એમાંથી જે નફો થશે તે વહેંચી લઈશું. જો તમને મારામાં એટલો વિશ્વાસ હોય કે હું પ્રામાણિક માણસ છું અને મેં મારા ગુરુની દુકાનમાં ભાગીદારી કરી છે, તો તમે પણ આવો અને મારા ભાગીદાર બનો. તમારી મૂડી એમાં રોકો. સમયની મૂડી તથા બુદ્ધિની મૂડી મારી દુકાનમાં જમા કરો અને એટલો બધો નફો કમાઓ કે જેનાથી તમે ન્યાલ થઈ જાઓ. મેં મારી તમામ મૂડી મારા ગુરુદેવની સાથે જોડી દીધી છે. હું મારા ગુરુદેવ, મારા ભગવાનની કંપનીમાં જોડાઈ ગયો છું. હું તમને બધાને પણ આહ્વાન કરું છું કે જો તમારામાં હિંમત હોય તો આવો અને મારી સાથે જોડાઈ જાઓ. આપણે જે કાંઈ ભૌતિક કે આધ્યાત્મિક લાભ મેળવીશું તેનો એક ભાગ તમને પણ મળશે અને તમે ધન્ય બની જશો. હું પણ ધન્ય બની ગયો છું. આ વિષમ સમયમાં તમામ સાધકોને મારો આટલો જ આગ્રહભર્યો અનુરોધ છે.
ૐ શાંતિ
પ્રતિભાવો