AA-20 : ઓઢેલી શાનદાર ગરીબી, આત્મચિંતન અને આધ્યાત્મવાદ
August 4, 2022 Leave a comment
ઓઢેલી શાનદાર ગરીબી
પરિષ્કૃત અધ્યાત્મ આપણા જીવનમાં ઊતરે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે – ૐ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
મિત્રો ! નાલંદા વિશ્વવિદ્યાલયનું ખર્ચ કોણ ભોગવતું હતું ? એક જ માણસ ભોગવતો હતો અને એનું નામ હતું ચાણક્ય. મહારાજજી ! ચાણક્ય તો બહુ ગરીબ હતો. હા બેટા ! તે એટલો ગરીબ હતો કે જ્યાં રાજધાની હતી અને જેનો તે પ્રધાનમંત્રી હતો તે ત્યાંથી ત્રણ માઈલ દૂર પોતાની ઝૂંપડી બનાવીને રહેતો હતો અને રોજ પગપાળા જતો હતો. પગપાળા જઈને પોતાનાં રોટલી-શાક બનાવતો હતો. રાત્રે ત્યાં જ વિશ્રામ કરતો હતો, સંધ્યા કરતો હતો. વહેલી સવારે ઊઠતો હતો, ઉપાસના કરતો અને પછી રોટલી બનાવતો, ખાતો અને પાછો પગપાળા આવતો હતો. તથા ગુપ્ત સામ્રાજ્યના પ્રધાનમંત્રીનું કામ પણ કરતો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયના ડીનનું કામ પણ કરતો હતો અને ઉપાસના પણ કરતો હતો. ગરીબ હતો ? હા બેટા, બહુ ગરીબ હતો. સંત લોકો ગરીબ કેમ રહે છે ?
બેટા, ગરીબી એમની શાન છે. ગરીબીનું ગૌરવ અને મહત્ત્વ વધારવા માટે, અપરિગ્રહનું મહત્ત્વ વધારવા માટે અને સંપન્નતાનું ગૌરવ અને મહત્તા ઘટાડવા માટે સંતો ગરીબ રહે છે. લોકોને કહે છે કે આપની જે એમ દલીલ છે કે અમારી પાસે પૈસા હશે તો અમે ખુશખુશાલ રહીશું. પૈસા હશે તો સન્માન મળશે, પૈસા હશે તો અમારી તબિયત સારી રહેશે. પૈસા વિના મુસીબત આવશે અને પૈસા વિના અમે દુઃખી રહીશું. આ લોકમાન્યતાનું ખંડન કરવા માટે તેનો નાશ કરવા માટે સંતો ગરીબીનું જીવન જીવે છે. સંત કહે છે કે જુઓ અમારી પાસે સામાન ઓછો છે, પણ અમારા સન્માનમાં કોઈ ઓટ આવી નથી. જુઓ, અમારી પાસે પૈસા ઓછા છે, પણ અમારા સ્વાસ્થ્યમાં, અમારી પ્રસન્નતામાં, અમારી ખુશીમાં કોઈ ઓટ નથી આવી. એટલે મનુષ્યને એ મત તરફથી પાછા વાળવા માટે સંત ગરીબીનું જીવન જીવે છે અને પોતાની અંદર તપસ્યાની શક્તિને કાયમ રાખવા માટે ગરીબીનું જીવન અપનાવે છે.
પ્રતિભાવો