૧૫૯. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧૫/૫૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧૫/૫૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
લોકં પૂણ છિદ્રં પૃણાયો સીદ ધ્રુવા ત્વમ્ । ઇન્દ્રાગ્ની ત્વા બૃહસ્પતિરસ્મિન યોનાવસીષદન્ ॥ (યજુર્વેદ ૧૫/૫૯)
ભાવાર્થ : ભલી સ્ત્રીઓ ઘરનું પ્રત્યેક કાર્ય રસપૂર્વક પૂરું કરે છે. કોઈ પણ કાર્યમાં આળસ રાખતી નથી. પ્રત્યેક વિદ્વાન અને શ્રેષ્ઠ નારીનો ગૃહસ્થધર્મનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેનું શિક્ષણ તેઓ બીજી સ્ત્રીઓને પણ આપે છે.
સંદેશ : ગૃહસ્થીનો આધાર શો છે ? તેનું મૂળ શું છે ? ગૃહસ્થીનો આધાર પત્ની છે. ઘરની સુરક્ષા, વ્યવસ્થા, સંચાલન, નિરીક્ષણ અને પ્રગતિની બધી જવાબદારી પત્ની પર હોય છે. આથી જ કહેવાય છે કે પત્ની જ ઘર છે. મકાનને ઘર કહેવાતું નથી, પરંતુ ગૃહિણીને જ ઘર કહેવાય છે. કહેવત પણ છે કે ‘ગૃહિણી વિનાનું ઘર ભૂતનો પડાવ.’ ગૃહિણી સિવાયનું ઘર ભૂતોના નિવાસની માફક સૂમસામ અને ઉદાસ જણાય છે. સ્ત્રીથી ઘરમાં શ્રી અને ઐશ્વર્યમાં વધારો થાય છે. કૌટુંબિક શ્રીવૃદ્ધિ માટે સ્ત્રીમાં આત્મબળ, સાત્ત્વિકતા, પવિત્રતા, સુશીલતા વિવેક વગેરે સૌમ્ય ગુણો હોવા જરૂરી છે. આવી સરળ, સુશીલ અને પ્રવીણ સ્ત્રી જ કુટુંબ માટે કલ્યાણકારી હોય છે. જે રીતે પાણીનું સિંચન થવાથી વૃક્ષો ફૂલેફાલે છે, તેવી રીતે સુશીલ અને વિદ્વાન સ્ત્રી દ્વારા કુટુંબની ચારે દિશામાં પ્રગતિ થાય છે. સુશીલ સ્ત્રી કુટુંબ માટે લક્ષ્મી હોય છે, ગૃહલક્ષ્મી હોય છે.
જે પતિને સુંદર, સુશીલ, મધુરભાષિણી તથા પતિવ્રતા પત્ની મળે છે તેનું જીવન ધન્ય છે. ધર્માનુસાર આચરણ કરવાથી અને પતિ તથા કુટુંબની સાથે ધાર્મિક ભાગીદારી કરતી હોવાથી તેને ધર્મપત્ની પણ કહેવામાં આવે છે. લગ્નજીવનના સુખનો આધાર પતિપત્નીનો એકસરખો વ્યવહાર છે. જો બંને એકરૂપ થઈને તાદાત્મ્યની અનુભૂતિ કરતાં રહીને એકબીજાનું સન્માન કરે અને ઘરની વ્યવસ્થામાં સહયોગ આપે, તો બંનેનું જીવન મધુર બને છે.
ઘરસંસારની જવાબદારી પત્ની પર હોય છે. પતિ તો ધનની કમાણી કરીને તેને સોંપી દે છે, પછી બધી વ્યવસ્થા તેણે જ કરવી પડે છે. જે સ્ત્રી પ્રસન્નતાપૂર્વક પરિશ્રમ કરીને કુટુંબની શ્રીવૃદ્ધિનો પુરુષાર્થ કરે છે તે જ સર્વપ્રિય બને છે. જીવનમાં સરસતા, સૌંદર્ય, પુરુષાર્થ અને પતિપરાયણ હોવું તે સ્ત્રીના સૌભાગ્યનું ચિહ્ન છે. પોતાના પતિને સર્વશ્રેષ્ઠ માનવાથી સ્ત્રીનું ગૌ૨વ વધે છે અને જીવનમાં કદી હીનતાની ભાવના આવતી નથી. જે સ્ત્રીમાં સરળતા, કોમળતા, વિનમ્રતા વગેરે ગુણો હશે ત્યાં દાંપત્યજીવન સ્વયં સુખમય બનશે.
પરિશ્રમી અને કર્તવ્યનિષ્ઠ સ્ત્રી જ કુટુંબને સુખમય બનાવી શકે છે. તેણે કુટુંબના બધા માણસોના હિતનું ચિંતન કરતા રહેવું જોઈએ. સાસુ સસરાની સેવા કરવી, પતિની સેવા કરવી, કુટુંબીજનો પ્રત્યે સ્નેહયુક્ત વ્યવહાર કરવો અને બધા માટે રસોઈ વગેરેની વ્યવસ્થા કરવી તે પત્નીનું કર્તવ્ય છે. તે બધાને પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જુએ એ પણ તેનું કર્તવ્ય છે. તેની દૃષ્ટિમાં કોઈ કડવાશ અને ક્રૂરતા ન હોવી જોઈએ. જો તે કડવાશભર્યું વાતાવરણ પેદા કરશે, તો કુટુંબની શાંતિ નષ્ટ થઈ જશે. તે સ્વયં દુઃખી રહેશે અને બીજાઓ માટે પણ તે એક સમસ્યા બની જશે. સમગ્ર કુટુંબના સુખ માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવાની જવાબદારી તેની છે. આ જ શ્રેષ્ઠ નારીઓનો ગૃહસ્થધર્મ છે.
પ્રતિભાવો