૧૬૦. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૫/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 5, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૫/૨૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સ્યોના પૃથિવિ નો ભવાનૃક્ષરા નિવેશની । યચ્છા નઃ શર્મ સપ્રથાઃ, અપ નઃ શોશુચદધમ્ ॥ (યજુર્વેદ ૩૫/૨૧)
ભાવાર્થ : જેનામાં પૃથ્વી જેવો ક્ષમાભાવ હોય, જે ક્રૂરતાથી મુક્ત હોય અને બીજાઓના દોષોનું નિવારણ કરનારી હોય તે સ્ત્રી ઘરસંસારને યોગ્ય છે.
સંદેશ : કુટુંબમાં સ્ત્રી પોતાની લાયકાતના આધારે માન મેળવે છે. તેનામાં જેટલી વધુ લાયકાત હશે તેટલી જ તે સન્માનપાત્ર બનશે. જો તે બધાં કૌટુંબિક કાર્યોમાં પ્રવીણ હશે તો તે બધાની પ્રિય અને સન્માનનીય બનશે. તેનું કર્તવ્ય છે કે તે કુટુંબમાં મહાન આનંદનું વાતાવરણ સર્જ, દેવતાઓ અને વડીલોનું સન્માન કરે. યજ્ઞાદિ કર્મોથી દેવો પ્રસન્ન થાય છે. જે રીતે પિતા પોતાના પુત્રો પ્રત્યે દયાળુ અને કર્તવ્યપરાયણ હોય છે, તે જ રીતે સ્ત્રીએ પણ પોતાના સદ્વ્યવહારથી કુટુંબમાં બધાને પ્રસન્ન રાખવા જોઈએ અને તેમનાં સુખસગવડનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. પ્રેમપૂર્ણ વ્યવહારથી આત્મીયતા, સહયોગ અને વૃદ્ધિ થાય છે તથા કૌટુંબિક સમસ્યાઓની સામે સફળતાપૂર્વક ઝઝૂમવાની શક્તિ મળે છે.
પતિનું કદી અહિત ન વિચારવું અને ન કરવું એ જ પત્નીનું મુખ્ય કર્તવ્ય છે. જીવનપર્યંત તેણે તે નિભાવતા રહેવું જોઈએ. કુટુંબના બધા સભ્યો પ્રત્યે તેનો વ્યવહાર પ્રેમપૂર્ણ હોવો જોઈએ. કોઈની સાથે દ્વેષ કે ખોટો ગુસ્સો કરવો જોઈએ નહિ. ક્ષમા સ્ત્રીનો સર્વશ્રેષ્ઠ ગુણ છે. તેનામાં બધા પ્રત્યે પૃથ્વી જેવો ક્ષમાભાવ હોવો જોઈએ. જો કોઈ તેના પ્રત્યે અહિતની દુર્ભાવના રાખે તો પણ તેને માફ કરીને પ્રેમપૂર્વક પોતાને અનુકૂળ બનાવી લેવાની શક્તિ હોવી જોઈએ. આનો અર્થ એ નથી કે કુટુંબમાં બધાના દોષદુર્ગુણોને માફ કરીને તેમને કુમાર્ગ પર ચાલવા માટે પ્રોત્સાહન આપે. તેની જવાબદારી છે કે બધા પર કઠોર નિયંત્રણ રાખે અને દુર્ગુણોને વધતા પહેલાં જ દૃઢતાપૂર્વક કચડી નાખે. જો કોઈવાર પતિ-પત્ની વચ્ચે કોઈ વાત પર મતભેદ થઈ જાય તો કુટુંબના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને પોતાના મતભેદોને દૂર કરીને સુસંગઠિત કુટુંબના નિર્માણમાં જીવ પરોવીને જોડાઈ રહેવું જોઈએ. પતિ અને પત્ની દાંપત્ય રૂપી રથનાં બે પૈડાં છે. બંનેમાં યોગ્યતા અને સહકાર રહેવાથી જીવન સુખપૂર્વક ચાલે છે અને પરસ્પર પ્રેમભાવની વૃદ્ધિ થાય છે.
પત્નીમાં આધ્યાત્મિકતા, શ્રદ્ધા અને ઈશ્વરભક્તિ પણ હોવાં જોઈએ. ઈશ્વરભક્તિથી સાત્ત્વિકતા, મનોબળ અને આત્મબળ વધે છે. તેનાથી જીવનમાં પ્રગતિ અને વિકાસ થાય છે. ઈશ્વરભક્તિથી સ્ત્રીની તેજસ્વિતા વધે છે. તેના ચારિત્ર્યબળ પર તેજસ્વિતાનો આધાર રહેલો છે. પવિત્ર ચારિત્ર્ય મનુષ્યને દેવતા બનાવી દે છે અને સ્ત્રીને સતી, સાધ્વી અને દેવી બનાવે છે. એનાથી કુટુંબમાં તેની પ્રતિષ્ઠા વધે છે. જો ચારિત્ર્ય બળની સાથોસાથ જ્ઞાનનું બળ પણ હોય તો તે સ્ત્રીને પૂજ્ય અને શ્રદ્ધેય બનાવી દે છે. જે રીતે વિષ્ણુ સર્વત્ર પૂજ્ય અને પ્રતિષ્ઠિત છે, તે જ રીતે તે પણ બધાના આદરને પાત્ર બને છે. આવી ચારિત્ર્યવાન, જ્ઞાનવાન અને પતિવ્રતા સ્ત્રી કુટુંબમાં બધાને સદ્ગુદ્ધિ, સદાચાર અને સદ્ગુણોના માર્ગે લઈ જાય છે, તેમને યશસ્વી અને દીર્ઘજીવી બનાવે છે તથા જીવનલક્ષ્યની પ્રાપ્તિમાં સહાયક બને છે. સુશીલ અને નિપુણ સ્ત્રી જ ઘરની શોભા છે.
પ્રતિભાવો