૧૬૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૬૪/૪૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૬૪/૪૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સૂયવસાદ્ભગવતી હિ ભૂયા અથો વયં ભગવન્તઃ સ્યામ | અદ્ધિ તૃણમધ્ન્યે વિશ્વદાનીં પિબ શુદ્ધમુદકમાચરન્તી I (ઋગ્વેદ ૧/૧૬૪/૪૦)
ભાવાર્થ : સંતાનો સુશિક્ષિત બને એટલા માટે માતાઓ જ્ઞાનવાન બને. જે સ્ત્રીઓ સદાચારી પુરુષોની સાથે લગ્ન કરીને સંતાનો પેદા કરે છે અને તેમને સંસ્કા૨વાન બનાવે છે તેનાથી સમાજનું ગૌરવ વધે છે. તેમની સહાય ગાયોની માફક પવિત્ર હોય છે.
સંદેશ : નારી પોતાનાં વિવિધ રૂપોમાં માનવજાતિ માટે ત્યાગ, બલિદાન, ધૈર્ય, સહિષ્ણુતા, સ્નેહ અને શ્રદ્ધાનું જીવન વિતાવે છે. તેની આંખોમાં કરુણા, સરસતા અને આનંદનાં દર્શન થાય છે. તેની વાણી જીવન માટે અમૃતનો સ્રોત છે. તેના મધુર હાસ્યમાં સંસારની તમામ નિરાશા અને કડવાશ દૂર કરવાની અપૂર્વ ક્ષમતા છે. પત્નીના રૂપમાં તે પતિની અર્ધાંગિની છે, સહધર્મચારિણી છે. પત્નીની કોમળ કુશળતા પતિને ઉદ્ધતાઈ અને પશુતાથી બચાવીને કુટુંબના વ્યવસ્થિત વાતાવરણમાં જોડી દઈને સદ્ગૃહસ્થનું ગૌરવ અપાવે છે. વિદ્યા, વૈભવ, વીરતા, સરસતા, મમતા, કરુણા વગેરે ગુણોથી પરિપૂર્ણ સ્ત્રી જ્યારે સુસંસ્કારી, સદાચારી અને ચારિત્ર્યવાન પુરુષ સાથે લગ્ન કરે છે ત્યારે કુટુંબ અને સમાજમાં સર્વત્ર તેમના સદ્ગુણોની સુગંધથી યશ અને કીર્તિ ફેલાય છે.
પત્નીનું સર્વોત્તમ રૂપ તેના માતૃત્વમાં રહેલું છે અને એનાથી તેનું વ્યક્તિત્વ પૂર્ણ બને છે. સંતાનને જન્મ આપવો તે શારીરિક મનોરંજનનું પરિણામ નથી, બલ્કે એક મહાન જવાબદારી છે, જેનાં પરિણામો દૂરગામી હોય છે. ગર્ભાવસ્થામાં તેનો વિકાસ, જન્મ આપવાની કષ્ટદાયક પીડા પછી તેનું લાલનપાલન, આહારવિહાર, શિક્ષણ, સંસ્કાર વગેરે અનેકવિધ સમસ્યાઓ એની સાથે જોડાયેલી હોય છે. માતાપિતાએ જ એમના સમાધાનની યોગ્ય વ્યવસ્થા કરવી પડે છે. આ બધી જવાબદારીઓ ઉપાડી શકવાની ક્ષમતા માતાપિતામાં હોય તો જ સંસારમાં એક નવા જીવને જન્મ આપવાનો તેઓ પુરુષાર્થ કરે. પહેલેથી જ પોતાના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક પૃષ્ઠભૂમિ અને કૌટુબિક વાતાવરણને એટલું શ્રેષ્ઠ બનાવી લે કે જન્મ લેનાર સંતાન દરેક દૃષ્ટિથી શુદ્ધ અને સુસંસ્કારી બને. જે રીતે બીજા બધાં કાર્યો માટે પહેલેથી તૈયારી કરી લઈએ છીએ, તે જ રીતે આ અતિ મહત્ત્વપૂર્ણ કાર્યની તૈયારીમાં કોઈપણ પ્રકારની ભૂલ કરવી જોઈએ નહિ. માતાપિતાના સંસ્કારોનો પ્રભાવ બાળકમાં ગર્ભના સમયથી જ આવી જાય છે અને તે તેનામાં જીવનપર્યંત રહે છે.
યોગ્ય તૈયારી વિનાનાં કુસંસ્કારી અને અવિકસિત સંતાનોને જન્મ આપવો તે પોતાના માટે તો પરેશાની પેદા કરે જ છે, સાથે સાથે એ સમાજ અને દેશ સાથે પણ ઘણો મોટો વિશ્વાસઘાત છે. કુસંસ્કારી, દુર્ગુણી તથા વ્યસની નાગરિકોથી ભરેલો સમાજ સામૂહિક રૂપથી પતનની ખાઈમાં ધકેલાઈ જાય છે. આવાં સંતાનો સ્ત્રીના માતૃત્વને કલંકિત કરે છે. સમાજમાં પ્રતિભાશાળી તથા શ્રેષ્ઠ માણસોની સંખ્યા ત્યારે વધી શકે છે, જ્યારે સુયોગ્ય સદ્ગુણી, સુવિકસિત અને સુસંસ્કારી સંતાનને જન્મ આપવાનું પવિત્ર કર્મ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવામાં આવે.
પ્રતિભાવો