આસ્તિકતા સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૦
August 7, 2022 Leave a comment
આસ્તિકતા સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૦
ઈશ્વરની સત્તામાં વિશ્વાસ કરવો તે જ આસ્તિકતા નથી. આજની પરિસ્થિતિઓમાં આસ્તિકતા તથા ઇશ્વરની નવી વ્યાખ્યા કરવાનું અનિવાર્ય બની ગયું છે. વાસ્તવમાં ઈશ્વરીય અનુશાસનને પોતાના ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં ઠાંસી ઠાંસીને સમાવિષ્ટ કરવાનું નામ આસ્તિકતા છે. જે આસ્તિક છે એ ભલે મંદિરોમાં, પૂજાગૃહોમાં ન જતો હોય, પરંતુ પરમાત્મ સત્તાના અનુશાસનને જે જીવનમાં ઉતારતો હોય, સાચા ઢંગથી જીવન જીવતો હોય તથા સૃષ્ટિને એક ઈશ્વરીય ઉદ્યાન માની તેને સીંચતો હોય તો એ સાચા અર્થમાં આસ્તિક છે. નાસ્તિક તો એ છે જે કેટલાય બાહ્યાડંબર રચતો હોય, ધાર્મિક દેખાતો હોય પરંતુ જીવનના કોઈપણ ખૂણામાં આદર્શવાદ, સચ્ચરિત્રતા અને ઉત્કૃષ્ટતાનો એકપણ અંશ દેખાતો ન હોય. ઘેર ઘેર આસ્તિકતાનું વાતાવરણ બનાવવા માટે આંદોલન રૂપે વિભિન્ન કાર્યક્રમો ઝડપથી ચલાવવામાં આવી રહ્યા છે.
૧. ઘરઘરમાં દેવસ્થાપના :- (પંચદેવ ચિત્ર સ્થાપના) ઘરઘરમાં દેવસ્થાપના કરાવીને ગાયત્રી સાધના શરૂ કરાવવાનો પ્રયાસ.
૨. મંત્રજપ કે લેખન :- વિશ્વ કલ્યાણ માટે ગાયત્રી મંત્ર જપ અથવા ભગવાનના નામનો જપ કે પોતાના સમુદાય, ધર્મના મંત્રનો જપ કરવાની પ્રેરણા આપવી. મંત્રલેખન સાધનાની સર્વસુલભ વિધિ બતાવીને પ્રોત્સાહિતકરવું.
૩. બલિવૈશ્વદેવ મંદિરની સ્થાપના :- ભોજન લેતાં પહેલાં ભોજનની પાંચ આહુતિઓ અગ્નિદેવને આપવાની ક્રિયાનો વ્યાપક પ્રચાર તથા પ્રસાર.
૪. જ્ઞાન મંદિરની સ્થાપના :- પરિવારમાં દેવમંદિરની સાથે જ્ઞાનમંદિર (પુસ્તકાલય)નું હોવું જરૂરી બતાવીને સ્વાધ્યાય પ્રત્યે નિષ્ઠા જગાડવી.
૫. શ્રીરામ ઝોલા પુસ્તકાલય :- ઘરઘરમાં પૂજ્ય ગુરુદેવના વિચારો પહોંચાડવા માટે શ્રીરામ ઝોલા પુસ્તકાલય દ્વારા જ્ઞાનનું અમૃત વહેંચવા માટે લોકસેવી કાર્યકર્તાઓને પ્રોત્સાહન.
૬. જ્ઞાનરથ :- ચાર પૈડાંનો પીળા રંગનો સુંદર મંદિર જેવી આકૃતિવાળો જ્ઞાનરથ બનાવીને લોકોને વેચાણ દ્વારા સાહિત્ય ઉપલબ્ધ કરાવવું.
૭. સંસ્કાર પરંપરા :- સંસ્કાર પરંપરાને પુનર્જીવિત કરી પરિવારોમાં સંસ્કારોનું પ્રચલન ચલાવતા રહેવા માટે પરિવ્રાજકોની સક્રિયતા.
૮. યજ્ઞ તથા ધાર્મિક આયોજન :- યજ્ઞ એક સામૂહિક ધર્માનુષ્ઠાન છે. એના માધ્યમથી લોક જાગરણ કરી આસ્તિકતાના વાસ્તવિક અર્થનો બોધ કરાવવો તથા પર્વ આયોજનોના પ્રસંગે આદર્શની દિશામાં લોકોનો ઉત્સાહ નિયોજિત કરવો.
૯. તુલસીનું રોપણ :- દરેક ઘરમાં તુલસીનો છોડ રોપવો તથા – આસ્તિકતા અને સ્વચ્છતાનું વાતાવરણ બનાવવા માટે પ્રેરિત કરવું. તુલસીની રોગનિવારક શક્તિ તથા ઉપયોગિતા સમજાવવી.
૧૦. ભોજન, જળ અને સ્નાન :- દરેક વ્યક્તિને ભોજન કરતાં પહેલાં ત્રણ વાર ગાયત્રી મંત્ર બોલીને ભોજન ગ્રહણ કરવા માટે પ્રેરિત કરવી. જળને ગંગાજળની ભાવના સાથે ગ્રહણ કરવું તથા સ્નાન કરતી વખતે ગંગાજળમાં સ્નાન કરવાની ભાવના સાથે સ્નાન કરવાની અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરો પવિત્ર થવાની ભાવનાનો સંચાર કરવો.
પ્રતિભાવો