GG-15 : યજ્ઞીય ભાવના જ દેવપૂજન છે દાન છે-૦૬, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
યજ્ઞીય ભાવના જ દેવપૂજન છે દાન છે, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
‘‘ગુરુદેવ આ તો ઠીક છે અમે કહ્યું, “પરંતુ એક વાત સમજમાં ન આવી. યજ્ઞની અગ્નિમાં જે કાંઈ હોમીએ છીએ તે બધુ બળીને ભસ્મ થઈ જાય છે અને તમે કહો છો કે યજ્ઞથી જ સૃષ્ટિની રચના થઈ છે. આ કેવી રીતે સંભવ છે ? જો બેટા ! એ તો તને કેટલીય વાર સમજાવી ચૂક્યો છું કે પૂજા-પાઠ, કર્મકાંડ બધામાં ક્રિયાની સાથે ભાવના પણ આવશ્યક છે. યજ્ઞમાં પણ એ જ વાત છે. એની સાથે પણ ભાવના, શ્રદ્ધા તથા સક્રિયતા ત્રણેનો સમન્વય જોઈએ ત્યારે જ તેનાથી પુરો લાભ મળે છે. નહીં તો ફક્ત અગ્નિ સંસ્કારથી જે પ્રભાવ અન્ય પદાર્થો પર પડે છે તે આપણા બધા પર પણ પડશે. યજ્ઞનું તાત્પર્ય છે દેવ પૂજન, દાન, ત્યાગ, બલિદાન તથા સંગઠન. યજ્ઞમાં આપણે પોતાને પ્રિય ખાઘ પદાર્થ તથા મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્ય અર્પણ કરીએ છીએ. આ રીતે આપણે કાંઈને કાંઈ દાન કરીએ છીએ. ત્યાગ અને બલિદાન કરીએ છીએ. આ જ યજ્ઞની મૂળ ભાવના છે જે સંસારના બધા જ વિવિધ કાર્યોમાં સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે.
‘’બાળકનુ નિર્માણ કઈ રીતે થાય છે ? માતા જ તો પોતાના લોહી -માંસનો એક ભાગનો ત્યાગ તેના માટે કરે છે. અસીમ કષ્ટ સહન કરે છે, પોતાનું શરીર નિચોવીને એને દૂધ પિવડાવે છે. કેટલા નિઃસ્વાર્થ ભાવથી એનું પાલન-પોષણ કરે છે. બાળકને સૂકામાં સુવાડે છે અને પોતે આખી રાત ભીનામાં પડી રહે છે, જો મા આ બધો ત્યાગ અને બલિદાન ન કરે તો શું બાળકનો જન્મ અને જીવન ધારણ સંભવ બની શકે ખરું ? અને જુઓ પિતા પણ એમાં કેટલો ત્યાગ કરે છે પોતાની કમાણીનો મોટો ભાગ બાળકના પાલન માટે, એની શિક્ષા-દીક્ષા માટે ખર્ચ કરે છે. એની ઉન્નતિ તથા પ્રગતિ માટે દરેક પ્રકારે ત્યાગ તથા બલિદાન માટે સદા તત્પર રહે છે. હવે બોલો મનુષ્યનો જન્મ ભાવનાથી જ થાય છે કે નહીં ? આ રીતે જ આ સૃષ્ટિની રચના થઈ છે.
યજ્ઞને ‘ભુવનસ્ય નાભિ. (બ્રહ્માંડની નાભિ) કહેવામાં આવે છે. પહેલો પક્ષીય પુરુષાર્થ સૃષ્ટિ રચનાના સમયે જ થયો તો. કથા સર્વવિદિત છે વિષ્ણુની નાભિમાંથી કમળની દાંડી પ્રગટી એના વિકાસથી કમળ ખિલ્યું, એ કમળમાં સૃષ્ટિકર્તા બ્રહ્મા પ્રગટ થયા અને સૃષ્ટિક્રમ ચાલવા માંડ્યો. આ એક અલંકારિક વર્ણન છે જેમાં પ્રથમ યજ્ઞીય પુરુષાર્થનો આભાસ કરાવવામાં આવ્યો છે.
‘યજ્ઞો વૈ વિષ્ણુ: – યજ્ઞ જ વિષ્ણુ છે તથા યજ્ઞને “ભુવનસ્ય નાભિઃ’ કહેવાનું તાત્પર્ય એ જ છે કે કમળ તથા સૃષ્ટિકર્તા બ્રહ્માની ઉત્પન્ન થઈ તે દિવ્ય નાભિ યજ્ઞ જ છે. પક્ષીય પુરુષાર્થની કર્મ પરંપરા આગળ વધી એના અંગ-ઉપાંગ કમળના રૂપમાં વિકસિત થયા. એની વિકાસ પ્રક્રિયાથી જે કલ્યાણકારી યજ્ઞીય સર્જન શક્તિ બહાર આવી એને જ સૃષ્ટા બ્રહ્માના રૂપમાં ઓળખવામાં આવી. આ પ્રકારે પ્રકટ થયેલી સૃષ્ટિના સંતુલન અને વિકાસ માટે યજ્ઞીય અનુશાસન તથા પુરુષાર્થને જાગૃત-વિકસિત બનાવી રાખવાની વાત કહેવામાં આવી.
વિશાળ બ્રહ્માંડમાંથી જ એક ભાગ તૂટીને પૃથ્વી બની છે એ તો વૈજ્ઞાનિકો તથા ખગોળશાસ્ત્રીઓએ સાબિત કરી દીધું છે. બ્રહ્માંડમાં આખી વ્યવસ્થા યજ્ઞ વૃત્તિ પર જ આધારિત છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધા જ પક્ષીય કર્મ અપનાવીને સૃષ્ટિનું પોષણ, રક્ષણ અને વિકાસ કરી રહ્યાં છે. સમુદ્ર, મેઘ, પર્વત, નદીઓ, વનસ્પતિઓ, વૃક્ષો વગેરે બધા જ યજ્ઞીય અનુશાસનમાં બંધાયેલા છે. પશુ-પક્ષી, જીવડાં-પતંગિયા પણ પોત-પોતાની ક્ષમતા અનુસાર પ્રકૃતિના સહયોગમાં લાગેલા રહે છે. સમુદ્રમાં પાર વગરનું પાણી ભરેલું છે પરંતુ શું તે તેનો ઉપયોગ ફક્ત પોતાના માટે જ કરે છે. ના ! ઉદારતાપૂર્વક એ વાદળોને આપી દે છે. વાદળો પણ પોતે જ ક્યાં પી જાય છે. દૂર દૂર સુધી ઉંચકી જવાનો અને વરસાવવાનો શ્રમ કરે છે. નદી-નાળા પ્રવાહીત થઈને ભૂમિનું સિંચન અને પ્રાણીઓની તરસ બુઝાવવાનું કામ કરે છે. વૃક્ષ તથા વનસ્પતિઓ પોતાના અસ્તિત્વનો લાભ બીજાઓને જ આપતા રહે છે. ફળ, ફૂલ બીજાઓ માટે જ પેદા થાય છે. પશુઓના દૂધ, ચામડું અને બાળ-બચ્ચાઓનો લાભ મનુષ્યને મળે છે. જીવધારીઓના શરીરનું પ્રત્યેક અવયવ પોતાના માટે નહીં પરંતુ સમગ્ર શરીરને લાભ પહોંચાડવા માટે કાર્ય કરે છે. હાથ મહેનત કરીને જે પણ ખાવા યોગ્ય પદાર્થ મોઢામાં મૂકે છે, મુખ તે ભોજનને શું પોતાની પાસે રાખી લે છે. તે તેને પેટમાં પહોંચાડી દે છે. પેટ આંતરડા પણ પોતાનો શ્રમ લગાવીને એમાંથી પોષકત્તત્ત્વો કાઢી લઈને લોહીમાં ભેળવી દે છે. લોહી હૃદયમાં પહોંચે છે તો તે તેને આખા શરીરમાં પ્રવાહીત કરી દે છે. એમાં હ્રદયને કેટલો શ્રમ પહોંચે છે ? જીવનકાળ દરમ્યાન કરોડો વાર ધડકે છે, અનવરત ગતિથી, એક ક્ષણનો પણ વિશ્રામ નહીં. જો હ્રદય પોતાના આ શ્રમનો ત્યાગ રોકી દે તો પછી આ શરીરનું શું થાય ? ત્યાગ અને બલિદાનની આ પક્ષીય ભાવના ન હોય તો આ સંસારનું શું થાય ? બધી પ્રગતિ વિનાશમાં બદલાઈ જાય. ત્યારે તો ઉપનિષદમાં કહ્યું છે કે “યજ્ઞ જ સંસાર ચક્રની ધરી છે.” ધરી તૂટી જવાથી ગાડી આગળ કેવી રીતે વધી શકશે.
પૂજ્યવરે કહ્યું, “તને એક દૃષ્ટાંત સંભળાવું છું. એક ફકીર હતો. જંગલમાં એક ઝુંપડીમાં રહેતો હતો. ઝુંપડી એટલી નાની હતી કે તે એકલો જ તેમાં સૂઈ શક્યો હતો. એક રાત્રે ઘનઘોર વરસાદ વરસી રહ્યો હતો. એક વ્યક્તિ ભીનો થયેલો ત્યાં આવ્યો અને બોલ્યો, ‘બાબા શું મને પણ આ વરસાદમાં અહીં આશ્રય મળી શકે છે ?” ફકીર બોલ્યા “કેમ નહીં ભાઈ, હું આ ઝુંપડીમાં એકલો સૂઈ શકું છું, પરંતુ હવે આપણે બંને બેઠાં બેઠા આરામથી રાત વિતાવી દઈશું.” થોડીવાર પછી બીજી એક વધુ વ્યક્તિ આવી ગઈ અને તેણે પણ વરસાદથી બચવા જેટલી જગ્યા માંગી. ફકીરે કહ્યું “આવો ભાઈ આવો ! હમણાં અમે બે જ અહીં બેસી શકતા હતા પરંતુ હવે આપણે ત્રણેય ઊભા ઊભા આરામથી રાત વિતાવી લઈશું.’ બેટા આ જ યજ્ઞનું સાચું દર્શન છે. પોતે કષ્ટ ઉઠાવીને પણ બીજાના સુખમાં જ પોતાનું સુખ જોવું. સર્વે ભવન્તુ સુખિનઃ”
‘ગુરુદેવ ! આવા કિસ્સા તો કાલ્પનિક પણ હોઈ શકે છે. કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ હોય તો બતાવો.” અમે પોતાની શંકા પ્રગટ કરી.
“અરે તો પછી દૂર શું કામ જાવ છો. વૃંદાવનના રાજા મહેન્દ્ર પ્રતાપને તો તમે જાણો જ છો.”
‘હા ગુરુદેવ ! તેઓ આપની પાસે પણ આવતા હતા અને ત્યારે અમે એમના દર્શન પણ કર્યા હતા.
“હા, એજ ! બેટા રાજા મહેન્દ્ર પ્રતાપને કોઈ સંતાન ન હતું. એમના રાજ્યના તાબામાં સૌ ગામ હતા, અપાર સંપત્તિ હતી પણ ફક્ત પતિ-પત્ની જ એનો ઉપભોગ કરવાવાળા હતા. રાણી બહુ જ દુ:ખી રહેતી હતી. એમણે સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે શક્ય તેટલા બધા પ્રયત્નો કર્યા પરંતુ ઇશ્વરની કૃપાથી વંચિત જ રહ્યાં. એક દિવસ રાજા મહેન્દ્ર પ્રતાપને આ સમસ્યાનો અનોખો ઉપાય સૂઝ્યો અને એમણે ઘોષણા કરાવી દીધી કે ‘રાણીએ પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળતા જ નગરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. લોકો મંગળગીત ગાવાં લાગ્યા અને ચારે બાજુ હર્ષ તથા ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. રાણીએ સાંભળ્યું તો દંગ રહી ગઈ. રાજાને કહ્યું, “આ તમે શું કર્યું ? મને પુત્ર થયો અને મને જ કશી ખબર નથી. ક્યાંક તમે પાગલ તો નથી થઈ ગયાને ? રાજા મહેન્દ્ર પ્રતાપે સાંત્વના આપી કહ્યું, ‘‘રાણી ! તમે ચિંતા ન કરો. અમે બહુ સમજી વિચારીને આ ઘોષણા કરી છે. આપ બસ જોતા જ રહો.” આ બાજુ રાજાએ રાજ્યના પ્રમુખ નાગરિકોને બોલાવીને નગરવાસીઓના ભોજનની વ્યવસ્થા કરવા અને બધા જ રાજાઓને આમંત્રિત કરવાના આદેશ આપ્યા. એમણે આ જાહેરાત પણ કરી કે ભોજનના દિવસે જ નામકરણ સંસ્કાર સંપન્ન થશે અને એના માટે મહામના મદનમોહન માલવીયજીને આગ્રહ સહિત નિયંત્રિત કર્યા. આ બધું જાણીને નગરવાસી પ્રસન્નતાથી નાચવા લાગ્યા. જોર-શોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ અને નિયત દિવસ પર ભવ્ય ભોજનનું આયોજન થયું. દૂર-દૂરથી લોકો આવીને સામેલ થયા અને અત્યંત સુંદર વ્યવસ્થા તથા સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત થઈને અભિનંદન આપતા રહ્યાં, ભોજન પછી વિશાળ મંડપમાં નામકરણ સંસ્કાર માટે બધા એકત્રિત થયા. સમસ્ત પ્રજા અને આમંત્રિત રાજાઓ પોતાના સ્થાન પર બેસી ગયા. રાણીએ ગભરાઈને કહ્યું, “મહારાજ આપ કરી શું રહ્યા છો ? શું કામ બધાની સામને મને દુઃખીયારીની હંસી મજાક ઉડાવવા માંગો છો.” મહેન્દ્ર પ્રતાપે રાણીની વાત પર કશું ધ્યાન ન આપ્યું અને પોતે જ પોતાના ખભા ઉપર મૂકેલા દુપટ્ટા વડે રાણીની સાડીમાં ગાંઠ બાંધીને અને રાણીને સાથે લઈ મંડપમાં આવી ગયા. આ જોઈને સમસ્ત પ્રજા જય-જયકાર કરવા લાગી. પરંતુ ત્યાં તો રાણીની કોખમાં બાળક તો છે નહીં એ જાણીને લોકો દંગ રહી ગયા. કોઈએ દબાયેલા અવાજે કહ્યું કે ‘રાણી બાળક કોખમાં શું કામ લાવે, નોકરાણી લાવતી હશે ! ત્યારે રાજા મહેન્દ્ર પ્રતાપે ઊભા થઈને બધાનું અભિવાદન કર્યું અને બોલ્યા, ‘ભાઈઓ અમારી પાસે સો ગામની જાગીર છે. એની બધી આવક અમે બે જણા જ ખર્ચીએ છીએ. હવે અમે નિર્ણય કર્યો છે કે ફક્ત એક જ ગામની આવક અમારા ઉપયોગમાં લઈશું, બાકીની નવ્વાણું ગામોની આવક વડે અહીંયા વિદ્યાલય ખોલવામાં આવશે. જેમાં ગરીબ બાળકોની ભણવાની વ્યવસ્થા થશે. એમના રહેવાની, ખાવાની, પુસ્તકોની બધી જ વ્યવસ્થા થશે. એ બધા અમારા બાળકો હશે.’ રાજાની આવી જાહેરાત સાંભળીને બધા જ ઉપસ્થિત લોકોની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. રાજાએ માલવીયજીને નામકરણ કરવાનો અનુરોધ કર્યો. માલવીયજી પણ આંસુ રોકી નહોતા શકતા. તેઓ બોલ્યા, ‘રાજન! જે ગરીબ બાળકો માટે આપનો આટલો અનહદ પ્રેમ છે. એમના આ વિદ્યાલયનું નામ અમે પ્રેમ વિદ્યાલય રાખીએ છીએ. એ વિદ્યાલયમાં જે બાળકો ભણતા હતા, રાજા-રાણીના ત્યાં પહોંચવા પર સગા બાળકોની જેમ તેમને વળગી પડતા હતા. આજે પણ એ પ્રેમ મહાવિદ્યાલય મથુરા-વૃંદાવન માર્ગ પર આવેલ છે જે રાજા મહેન્દ્રપ્રતાપના ત્યાગ તથા બલિદાનની પક્ષીય ભાવનાનું સ્વર્ણિમ ઉદાહરણ છે.’
ગુરુદેવે આગળ બતાવ્યું. જમુનાલાલ બજાજનું નામ તો તમે સાંભળ્યું છે ને ! એમણે દેશની સ્વતંત્રતા આંદોલનમાં ઉપયોગ કરવા માટે પોતાનું બધું જ ધન મહાત્મા ગાંધીને સમર્પિત કરી દીધું હતું. અને કહ્યું હતું કે હું પણ આપનો જ દિકરો છું. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરને જ જુઓ. એ સોંઘવારીના જમાનામાં પણ એમને પગારના ૪૫૦ રૂ।. મળતા હતા. તેઓ ૫૦ રૂ।.માં પોતાનું ખર્ચ ચલાવતા હતા અને બાકીના ચારસો રૂપિયા ગરીબ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કરી દેતા હતા. તેઓ કોઈની ફી ભરતા, કોઈના પુસ્તકો લાવતા તો કોઈના કપડા સિવડાવતા.”
“બેટા, આ બધું શું છે ? ત્યાગ, બલિદાનની ભાવના જ યજ્ઞની અસલી પ્રેરણા છે. પોતાના માટે નહીં બીજાના માટે પણ પોતાની પ્રતિભા અને ક્ષમતાનો ઉપયોગ કરીએ. આ જ દેવપૂજન છે, આ જ દાન છે.
દેવપૂજનનું તાત્પર્ય દેવતાઓની મૂર્તિઓની પૂજા કરવી, એમના આગળ આળોટી પડવું એ નથી. મૂળ વાત તો એ છે કે આપણે દેવતાઓના ગુણોને આપણી અંદર ધારણ કરીએ, એમના જેવું શ્રેષ્ઠ આચરણ રાખીએ. દેવતા એને કહેવાય જે આપે છે. જે કાયમ લેવાની વાત કરે છે એ તો લેવતા થયો, અસુર થયો. આજે ચારેય તરફ શું થઈ રહ્યું છે ? દરેક વ્યક્તિ લેવાની વાત કરે છે. સંસારમાં જેટલી પણ ધનસંપત્તિ છે, સુખ-સુવિધાના સાધન છે, બધું જ તે પોતાના માટે જ ઈચ્છે છે. આજે તો મનુષ્ય એટલો હલકાસ્તર પર ઉતરી ગયો છે કે દિકરાના લગ્નમાં દહેજ માટે લાળ ટપકાવે છે, ભીખ માગે છે. એને ભણાવવા માટે કરેલ ખર્ચ છોકરીવાળાઓ પાસે માગે છે. એને શરમ પણ નથી આવતી. એટલું જ નહીં, દહેજમાં થોડું ઓછું મળે તો પોતાની પુત્રી સમાન વહુને સળગાવીને મારી નાખતા પણ ખચકાતો નથી. શું આ દેવતાઓના લક્ષણ છે ? ક્યારેક આપણા દેશમાં તેત્રીસ કરોડ દેવતા હતા, પ્રત્યેક નાગરિક દેવતા સમાન આચરણ કરતો હતો.
યજ્ઞનો અર્થ દેવપૂજન એટલા માટે છે કે પક્ષ દેવતાને આપણે જે પણ આપીએ છીએ તેને તે વાયુભૂત બનાવીને આખા વાયુમંડળમાં વિખેરી દે છે. એને હજારો ગણું કરીને પાછું આપી દે છે. આપણે પણ આ જ ગુણ અપનાવવો જોઈએ. સમાજ પાસેથી આપણને જે મળ્યું છે, મળતું રહ્યું છે અને આગળ પણ મળતું રહેવાનું છે, એમાં જેટલું સંભવ હોય તેટલું વધારીને સમાજને પાછું આપી દેવાની વાત વિચારવી જોઈએ. આ આપણું કર્તવ્ય છે. આમ કરીને આપણે કોઈની પર ઉપકાર નથી કરતા. કોઈ આ બધું કરીને તો જુએ. દેવતાઓની અનુદાન-વરદાનની એના પર કેટલી વર્ષા થાય છે. ન્યાલ થઈ જશે એ ન્યાલ !
સમાજમાં ખૂબ વાવો, એનું પોષણ કરો અને કાપો. વાવો અને કાપોની એ જ પક્ષીય મંત્ર હોવો જોઈએ. એમ નહીં કે ‘લૂંટો અને ખાઓ.’ અમને જુઓ, અમે પણ આ જ કરીએ છીએ. જે કાંઈપણ છે તે સમાજમાં વાવી દીધું. આ પક્ષીય ભાવનાથી તો આજે આટલું વિશાળ સંગઠન ઊભું થઈ શક્યું છે અને ચારેય તરફ વિચારક્રાંતિનો શંખનાદ ગૂંજી રહ્યો છે. હવે બહુ સમય થઈ ગયો બાકીની વાતો પછીથી કરીશું.”
પ્રતિભાવો