ગાયત્રી શક્તિપીઠોનું નિર્માણ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૫
August 7, 2022 Leave a comment
ગાયત્રી શક્તિપીઠોનું નિર્માણ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૫
ગુરુદેવે એ સમયે જ ૨૪ શક્તિપીઠો બનાવવાની ઘોષણા કરી હતી. એમણે એ પણ કહ્યું કે હું શક્તિપીઠોનું ઉદ્ઘાટન કરવા જઈશ. ગુરુદેવ ક્યાંય બહાર જતા નહોતા, સૂક્ષ્મીકરણમાં જ રહેતા હતા. સૌથી પહેલી શક્તિપીઠ શામળાજી- ગુજરાતમાં બની. ગુજરાતનાં ભાઈઓ-બહેનોએ કહ્યું, અમારી શક્તિપીઠનું ઉદ્ઘાટન કરવા આવવાનું છે. ગુરુદેવ ૬-૭ વર્ષોથી ક્ષેત્રમાં ગયા નહોતા. હું મથુરાની જ વ્યવસ્થા સંભાળતો હતો. એમણે પોતાનો શામળાજીનો કાર્યક્રમ બનાવ્યો અને શાંતિકુંજના ભાઈઓને કહ્યું, મારી સાથે લીલાપતનું રિઝર્વેશન કરાવો. શક્તિપીઠોના ઉદ્ઘાટનમાં એ જ અમારી સાથે જશે. મને હરિદ્વાર બોલાવ્યો. મને કહ્યું, બેટા ! શામળાજીની શક્તિપીઠ બની ગઈ છે. એનું ઉદ્ઘાટન કરવા જવાનું છે. મેં કહ્યું, ગુરુદેવ ! જેવી આપની આજ્ઞા, ગુરુદેવ દિલ્હી સુધી કારમાં તથા દિલ્હીથી ટ્રેનમાં આવ્યા. હું મથુરાથી તેમની સાથે બેસતો હતો. મથુરા સ્ટેશન પર તે વખતે ખૂબ ભીડ હતી. આજુબાજુના કાર્યકર્તાઓ દર્શન કરવા મથુરા આવ્યા હતા. અહીં પણ ગાડી ૧૫ મિનિટ મોડી પડી. ભીડને કારણે સ્ટેશન માસ્તરે ગાડી રોકી લીધી હતી. ભરતપુર ગાડી રોકાતી જ નથી, પરંતુ ત્યાંના ભાઈઓએ એવી વ્યવસ્થા કરી, જેથી ગાડી સ્ટેશન પર રોકાઈ. ત્યાં પણ ખૂબ ભીડ હતી. દરેક સ્ટેશન પર જઈએ ત્યાં ભયંકર ભીડ જોવા મળતી હતી. ગુરુદેવને એક મિનિટનો પણ આરામ નહોતો મળતો. કોટા જ્યારે ગાડી પહોચવાની હતી ત્યારે થોડીક ઊંઘ આવી ગઈ. મેં વિચાર્યું એક-બે મિનિટ ગાડી રોકાશે, દરવાજા પર હું ઊભો હતો, ત્યાંના ભાઈઓને વાત કરીશ ત્યાં સુધીમાં ગાડી ચાલવા માંડશે. કોટા પર ખૂબ ભીડ હતી. હું ભાઈઓ સાથે વાત કરી રહ્યો હતો. એટલામાં પોલીસ ઈન્સ્પેકટર આવી ગયા. તે બોલ્યા, તમે બધા લોકો હટી જાવ, પંડિતજી, મારા જૂના મિત્ર છે, હું એમને સારી રીતે ઓળખું છું. વાતો કરીને સમય કાઢી નાખશે અને ગાડી ચાલવા માંડશે. હું એમને હાથ પકડીને નીચે ઉતારી દઉં છું. પછી ગુરુદેવનાં દર્શન થશે. મેં જેવી ઈન્સ્પેકટરની વાત સાંભળી કે હું એકદમ ગુરુદેવ પાસે પહોંચ્યો અને ગુરુદેવને જગાડીને કહ્યું કે ભારે ભીડ છે. બધા ગાડીમાં ચઢવા માંડ્યા છે. ગુરુદેવે કહ્યું, રોકાઈ જાવ. હું બહાર આવું છું. ગુરુદેવ દરવાજા પર આવી ગયા. બધાંને દર્શન આપ્યાં. ત્યાં ગાડીને ૧૫-૨૦ મિનિટ રોકવાની વ્યવસ્થા પહેલેથી કરી હતી. આરીતે દરેક સ્ટેશન પર ૧૫-૨૦ મિનિટ મોડું થતું હતું. ગુજરાતમાં જ્યારે ગોધરા સ્ટેશને ગાડી પહોંચી તો ભીડનું ઠેકાણું નહોતું. મેં કહ્યું કે ગુરુદેવ આપ જ સંભાળો, મારા કાબૂની વાત નથી. ગુરુદેવ દરવાજા પર ઊભા રહી જતા હતા. લોકો સ્ટેશન પર અસંખ્ય ફૂલોના હાર લાવતા હતા. વડોદરા સ્ટેશને પણ ભારે ભીડ હતી. હું તો ડબ્બામાંથી ઊતરતો જ નહતો. ફળ, ભોજન વગેરે સામાન જે ભાઈઓ લાવતા તે લઈ લેતા હતા. બીજા સ્ટેશને પહેલાં સ્ટેશનનો સામાન, ફળ વગેરે પ્રસાદના રૂપમાં વહેંચી દેતા હતા. ફક્ત એક જ સ્ટેશનનાં ભોજન, ફળ રાખતા હતા. બાકી પ્રસાદમાં આપી દેતા હતા. ગાડી ૬-૭ કલાક મોડી થઈ ગઈ. દરેક સ્ટેશન પર મોડી પડતી હતી. આણંદ સ્ટેશને ગાડી રોકાઈ ત્યારે ભીડ ખૂબ હતી. ગુરુદેવની શક્તિ હતી કે તેઓ એ ભીંડને સમજાવી દેતા હતા, જ્યારે ગાડી અમદાવાદ પહોંચી તો મેં ગુરુદેવને કહ્યું, આપ જ આભીડમાંથી નીકળી શકો છો. હું તો ગાડીમાં જ બેસી રહીશ. સામાન સંભાળીશ. અમદાવાદ છેલ્લું સ્ટેશન હતું. ગાડી રોકાવાની જ હતી. ગુરુદેવ લગભગ એક કલાક દરવાજા પર ઊભા રહ્યા. લગભગ પ૦ પોલીસો અને ૧૦૦કાર્યકર્તા હતા જે વ્યવસ્થા કરતા હતા. ગુરુદેવે પોલીસને કહ્યું કે ઠંડો ન ચલાવશો, ગુરુદેવે ભીંડનાં ભાઈ-બહેનોને ઈશારો કર્યો કે મને ગમે તે રીતે ત્યાં સુધી જવા દો તો બધાંને દર્શન થઈ શકશે. ભીડમાં બધાએ જગ્યા કરી આપી. એક ટેક્સી ઊભી હતી, ત્યાં ગુરુદેવ ઊછળીને છત પર બેસી ગયા. એના ઉપર કેરિયર હતું. ગુરુદેવની સાથે સી.બી.આઈ. ઈન્સ્પેકટર પાંડેજી હતા. ગુરુદેવે તેમને કહ્યું કે ઝડપથી ગાડી ભગાવીને લઈ લો. પાંડેજીએ ડ્રાઈવરને કહ્યું અને કાર ત્યાંથી એકદમ ચાલી ગઈ. ત્યાં હજારો વ્યક્તિઓના હાથમાં ફુલહાર હતા, લગભગ ૧૦૦ બહેનો કળશ લઈને ઊભી હતી. એક ચાંદીની બગી હતી. ત્યાં બધા ઊભા રહી ગયા. જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે હું ગાડીમાંથી સામાન લઈને બહાર આવ્યો. ગુરુદેવને બળવંતભાઈને ત્યાં રોકાવાનું હતું. મેં વિચાર્યું ત્યાં જ ગયા હશે. ભાઈઓને પૂછ્યું તો બધાએ બળવંતભાઈના ઘરે જ વ્યવસ્થા છે એમ જણાવ્યું. બધી જ ભીડ બળવંતભાઈના ઘરે પહોંચી ગઈ. ઉપર એક ઓરડામાં ગુરુદેવ પહોંચી ગયા. નીચેનો દરવાજો બંધ કરી દીધો. હું બળવંતભાઈના ઘરે પાછળના રસ્તેથી ગયો. બળવંતભાઈએ ખૂબ તૈયારી કરી રાખી હતી, પરંતુ ભીડને કારણે પડદા ફાટી ગયા, મકાનમાં ચારે તરફ ધૂળ ભરાઈ ગઈ અને બધી સજાવટ નકામી ગઈ. હું અંદર ગુરુદેવ પાસે ગયો અને કહ્યું કે જ્યાં સુધી આપ દર્શન નહીં આપો ત્યાં સુધી ભીડ જવાની નથી. મે ઉપર રહીને બધાને સમજાવ્યા. ત્યાં મેદાનમાં બધાને બેસાડ્યા. પાટ મુકાવી દીધી. ગુરુદેવને લઈને ગયો. તેમણે બધાને દર્શન આપ્યાં. ત્યાં ભીડમાં બુધાભાઈ ઊભેલા હતા. શામળાજી શક્તિપીઠનું ઉદ્ઘાટન કર્યા પછી ગુરુદેવ છીપડી જવાના હતા. મેં બુધાભાઈને બોલાવી પૂછ્યું કે ત્યાંની તૈયારી કેવી છે? તે મને જોઈને રડી પડ્યા. મેં પૂછ્યું, શું વાત છે ? તેમની સાથે ત્રણ ચાર ભાઈઓ હતા, એમણે જણાવ્યું કે એમના છોકરાને અકસ્માત થયો છે અને હોસ્પિટલમાં બોલવાનું બંધ થઈ ગયું છે. ડૉક્ટરોએ જવાબ આપ્યો કે એને ઘેર લઈ જવો હોય તો લઈ જાવ, બચવાની આશા નથી. મેં ગુરુદેવને કહ્યું કે જ્યાં ઉદ્ઘાટન માટે જવાનું છે ત્યાંના બુધાભાઈના છોકરાની હાલત ખરાબ છે, એ બચી નહીં શકે. ગુરુદેવ તરત છોકરાની હોસ્પિટલ પર પહોંચી ગયા. હોસ્પિટલના ડૉક્ટરો બધા આવી ગયા. ગુરુદેવે તેના માથા પર ત્રણ વખત હાથ ફેરવ્યો અને બૂમ પાડી તો તે આંખો ખોલીને બોલવા લાગ્યો. જ્યારે ડૉક્ટરોએ જોયું તો બધાને ખૂબ આશ્ચર્ય થયું, બધા ગુરુદેવનાં ચરણોમાં પડ્યા. અધ્યાત્મની શક્તિ મોટી છે. ત્યાંથી શામળાજી આવ્યા. ત્યાં હજારો ભાઈ બહેનોની ભીડ હતી. તે સમયની ભીડ જોઈને મને લાગ્યું હવે યુગ નિર્માણ ચોક્કસ થઈ જશે. હું ખૂબ પ્રસન્ન હતો. મારા પગ જમીનથી ઊંચા ચાલી રહ્યા હતા. ગુરુદેવે મને કહ્યું, બેટા! તું અત્યારે ખૂબ ખુશ જણાય છે. મેં કહ્યું, હા, ગુરુદેવ ! અત્યાર સુધી મને ભ્રમ હતો કે યુગ નિર્માણ થશે જ નહીં, હવે વિશ્વાસ થઈ ગયો કે યુગ નિર્માણ થશે. ગુરુદેવ બોલ્યા, બેટા ! હવે વિશ્વાસ કેવી રીતે થયો ? મેં કહ્યું જ્યારથી ગાડીમાં બેઠા છીએ ત્યારથી સ્ટેશનો પરની ભીડ અને શામળાજીમાં તો હજારો માણસોની ભીડ છે. ગુરુદેવ હસીને બોલ્યા, બેટા ! આ ભારે ભીડમાંથી એક-બે વ્યક્તિ મળી જાય તો પોતાને ભાગ્યશાળી માનો. તું જ ો, તું અમને મળી ગયો તો કેટલો વિસ્તાર થઈ ગયો. ભીડને દર્શન કરવામાં, ફરવામાં અને આશીર્વાદ લેવામાં સ્વાર્થ હોય છે. એમને આપણા વિચારો સાથે સંબંધ નથી. જ્યાં ભીડ હોય છે ત્યાં ગંદકી હોય છે. ભીડ જોઈને તું પ્રસન્ન ન થઈશ. ભીડ પર મને વિશ્વાસ નથી. શક્તિપીઠોના ઉદ્ઘાટનમાં તું કાર્યકર્તાઓની ગોષ્ઠિ લીધા કર, એમાંથી કાર્યકર્તા શોધી કાઢ, ભીડ પર ધ્યાન ન આપીશ. ત્યારથી આજ સુધી મારું ધ્યાન કાર્યકર્તાઓ પર જ રહે છે.
ગુજરાત પછી અમારું ભ્રમણ મધ્યપ્રદેશમાં હતું. એક દિવસમાં બે-ત્રણ શક્તિપીઠોનું ઉદ્ઘાટન કરવું પડતું હતું. મુસાફરી પણ ખૂબ લાંબી થતી હતી. દક્ષીરાજહરાના ઉદ્દઘાટનમાં લગભગ બે વાગે પહોંચ્યા. ત્યાં ભાઈ કાલીચરણજી મુખ્ય કાર્યકર્તા હતા. રસ્તામાં મોડું થઈ ગયું હતું, ભોજન કર્યું નહોતું. ત્યાં જનતા બેઠી હતી. ગુરુદેવે ઉદ્ઘાટન કરીને પ્રવચન શરૂ કર્યું. ભૂખ લાગી હતી. ગુરુદેવનું પ્રવચન ચાલી રહ્યું હતું. મેં સાથેના ભાઈઓને કહ્યું, ચાલો ભોજન કરીએ. ભોજનની વ્યવસ્થા ક્યાં છે તે ખબર નહોતી. મે કાલીચરણજીના કવાર્ટરનો નંબર પૂછી લીધો અને ત્યાં પહોંચ્યા. અમારી પાસે ચાવી નહોતી તેથી દરેક જણની ચાવીઓથી પ્રયત્ન કરતાં તાળું ખૂલી ગયું. અંદર પાંચ-સાત વ્યક્તિઓનું ભોજન બનાવીને રાખ્યું હતું. શાક ઠંડું હતું તેમાં ઘી નાખી ગરમ કરી લીધું. બધાએ ભોજન કર્યું અને પ્રવચન સ્થળ પર આવી ગયા. પ્રવચન સમાપ્ત થયું. કાલીચરણજી બોલ્યા, પંડિતજી ! ભોજન કરવા જવાનું છે. મેં કહ્યું, અમે તો ભોજન કરીને હમણાં જ આવ્યા. એમણે પૂછ્યું, ભોજન ક્યાં કર્યું ? મેં કહ્યું- તમારા ઘરે જ. તાળું અમારી ચાવીથી ખૂલી ગયું હતું. કાલીચરણજી બોલ્યા, ગુરુદેવને ભોજન કરાવવાનું છે. મેં કહ્યું, એમણે તો આજે પાણી પણ નથી પીધું, કારણકે સમય નથી મળતો. હજુ એક શક્તિપીઠનું ઉદ્ઘાટન કરવા જવાનું બાકી છે. કાલીચરણજીએ પૂછ્યું તો ગુરુદેવે ભોજન માટે ના પાડી દીધી. એમણે કહ્યું, મોડું થાય છે. કાલીચરણજી એક કપ ચા લઈ આવ્યા, તે પીને જ ગુરુદેવ ચાલી નીકળ્યા. રાત્રે ૧૧ વાગ્યે ભોજન મળ્યું. શક્તિપીઠોના કાર્યક્રમમાં સવારથી સાંજ સુધી સમય નહોતો મળતો. આ રીતે મધ્ય પ્રદેશની શક્તિપીઠોનો કાર્યક્રમ ચાલતો રહ્યો. બસ્તરની શક્તિપીઠનું ઉદ્ઘાટન કરવા ગયા.
જગદલપુરમાં શક્તિપીઠનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં પહાડો હતા. પહાડો પર કાર ચઢી અને ગુરુદેવ જે કારમાં બેઠા હતા. તે ખરાબ થઈ ગઈ. મેં ગુરુદેવને કહ્યું, આપ અમારી ગાડીમાં ચાલો અને કપિલજી આપની સાથે આવશે. હું અહીં રોકાઈશ અને કોઈ વ્યવસ્થા કરી ગાડી લઈને આવું છું. આગળના કાર્યક્રમમાં ત્યાંના ભાઈઓને રાહ જોવી ન પડે. ગુરુદેવને અમારી ગાડીમાં બેસાડી દીધા અને હું તથા ડ્રાઈવર રોકાઈ ગયા. પહાડ પર ગાઢ જંગલ હતું. અમે ગાડીમાં બેઠા હતા ત્યાં એક ભાઈ ત્યાંથી પસાર થયા. એણે કહ્યું, તમે લોકો અહીં કેમ બેઠા છો, શું તમારું મોત આવી ગયું છે ? મેં કહ્યું, કેવી રીતે ? એણે કહ્યું, અહીં જંગલમાં એક માણસખાઉ વાઘ છે તેણે માણસનું લોહી ચાખ્યું છે. અહીં આવશે તો તમને મારી નાંખશે. મેં ડ્રાઈવરને કહ્યું, ભાઈ ગાડીમાં ચાલો ત્યાં ચા-બિસ્કિટ રાખ્યાં છે. અમે જ્યારે દૂર જતા ત્યારે સાથે ચા અને બિસ્કિટ લઈ જતા હતા. મેં કહ્યું, ચાલો, બિસ્કિટ અને ચા લઈ લઈએ. ગાડીમાં બેસી ચા-બિસ્કિટ ખાધું. અમે બચપણમાં સાંભળતા હતા કે આગ પાસે વાઘ આવતો નથી તેથી કારની આગળ લાકડીઓ એકઠી કરી સળગાવી અને ગાડીના દરવાજા બંધ કરી બેસી ગયા. સાંજ પડી ગઈ, પરંતુ કોઈ વ્યવસ્થા થઈ નહીં. અમે ગભરાયા. એટલામાં સાહિત્ય લઈને પાછળ આવતી અમારી ગાડી દેખાઈ. તેને હાથ કરી ઊભી રાખી અને કારને પાછળ બાંધી દીધી. ઘણો સમય વીતી ગયો હતો. રાત્રે લગભગ ૧૦ વાગ્યે એક નાના ગામ પાસે પહોંચ્યા. ઠંડી જોરદાર પડતી હતી. અમને બધાને સખત ભૂખ લાગી હતી. મેં કહ્યું, રાત અહીં જ રોકાઈશું અને સવારે નીકળીશું. મેં એક ભાઈને પૂછીને ગાડીઓ મુકાવી દીધી અને વાહનોમાં જ સૂઈ જવા જણાવ્યું. બધા કહેવા લાગ્યા કે ભૂખને કારણે ઊંઘ નહીં આવે. બધાને સમજાવ્યા કે જંગલનું જીવન છે, અહીં કશું જ મળતું નથી અને રાત જ પસાર કરવાની છે. એટલામાં મકાનની અંદરથી એક બહેન આવી. એણે અમને પૂછ્યું- આપ લોકોએ ભોજન કર્યું કે નહીં. મેં કહ્યું, બહેનજી ! અહીં અમારે કોઈ ઓળખાણ નથી. એટલે રાતના ભોજનનો પ્રશ્ન જ નથી રહેતો. તે બોલી, મારા ઘર પાસે રોકાયા છો એટલે ભૂખ્યા નહીં સૂવા દઉં. એણે ભોજન બનાવવાનું શરૂ કર્યું. મેં કહ્યું, બહેનજી! જાડી જાડી રોટલી બનાવજો, અમે એવી જ ખાઈએ છીએ. મેં વિચાર્યું પાતળી રોટી ક્યાં સુધી બનાવતી રહેશે. એણે દાળ-રોટી બનાવ્યાં ગભગ સાડા અગિયાર વાગ્યે ભોજન કર્યું. મેં ગુરુદેવને મનોમન પ્રણામ દેવ ! આપે જંગલમાં જ અમારી વ્યવસ્થા કરી દીધી, સવારે ઊમો ધોઈને તૈયાર થયા. મેં ના પાડી છતાં બહેનજી ચા બનાવવા માંડ્યાં અને કહેવા લાગ્યાં અમારે ક્યાં બજારમાંથી દૂધ લાવવું છે, ઘરમાં જ ચાર-પાંચ ભેંસો દૂધ આપે છે. બધાને એક એક ગ્લાસ ચા પીવડાવી. મને વિશ્વાસ બેસી ગયો કે ગુરુદેવ સાથે છે ત્યારે કોઈ અમારું બગાડી શકે નહીં. ગાડી રિપેર કરાવી, સાંજે જગદલપુર પહોંચ્યા. ગુરુદેવ સમયસર જ પહોચી ગયા હતા. ઉદ્ઘાટન બરાબર સમયસર થયું, એક વખત ખોખરકળા ગામની પ્રજ્ઞાપીઠનું ઉદ્ઘાટન કરવા ગુરુદેવ સાથે ગયો. આજુબાજુ આંબાનાં ઝાડ હતાં. ત્યાં ગુરુદેવનો કાર્યક્રમ હતો. એમાં ભોપાલ શાખાના ત્રણસો ચારસો ભાઈ ગુરુદેવનાં દર્શન માટે આવી ગયા. ત્યાં મંડપ નહોતો. આંબાના ઝાડ નીચે જ રોકાઈ ગયા. ગરમીના દિવસો હતા. પ્રજ્ઞાપીઠનું ઉદ્ઘાટન મોડેથી થયું. ભોપાલ શાખાના ભાઈઓને રાત્રે રોકાવું પડ્યું. ભોજન વ્યવસ્થા ત્યાં હતી નહીં. કારણકે ગામ લોકોને ભોપાલની શાખાના ભાઈઓની જાણકારી નહોતી. ગુરુદેવે મને બોલાવ્યો અને એકદમ નારાજ થઈ ગયા કે અહીં ભોજનની વ્યવસ્થા નથી તો મને લાવ્યો શા માટે ? મેં કહ્યું, હમણાં જ વ્યવસ્થા કરી દઉં છું. મેં ગામમાં જઈને લોકોને ભેગા કર્યા અને કહ્યું, બધાના ઘેરથી લોટ ભેગો કરી લાવો, એક ભાઈ બોલ્યા, પંડિતજી ! મારે ત્યાં લગ્ન છે તેના માટે લોટ રાખ્યો છે. ઘી-તેલનાં પીપ પણ છે. અત્યારે અમારી પાસેથી લઈ લો. અમારી વ્યવસ્થા અમે કરી લઈશું, ત્યાંથી મેં ચાર બોરી લોટ અને તેલનાં પીપ લીધાં અને જાતે લોટ ગૂંદવા બેઠો. પૂરી તળવા માટેની કઢાઈ ધોઈનાંખી. એટલામાં ગામમાંથી ભાઈઓ-બહેનો મદદમાં આવ્યાં અને બધાને ભોજન કરાવ્યું. ગુરુદેવ પાસે બધા ભોજન કર્યા પછી ગયા ત્યારે કહ્યું કે, પંડિતજી જાતે પૂરી વણતા હતા. ગુરુદેવ બોલ્યા, હા, બેટા ! મને વિશ્વાસ છે હવે તે બધાને જમાડ્યા પછી જ આવશે. રાત્રે એક વાગ્યે હું ગુરુદેવ પાસે પહોચ્યો. ગુરુદેવ હસીને બોલ્યા, બેટા ! અમે તો વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી, તારી હિંમત જોવી હતી. ભોપાલના ભાઈઓને ગુરુદેવે કહ્યું કે આ કારણે એને હું સાથે લઈને ચાલું છું અને ગાયત્રી તપોભૂમિના વ્યવસ્થાપક બનાવ્યા છે. ઉદ્ઘાટનોમાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડ્યો. એક વર્ષ સુધી શક્તિપીઠોના ઉદ્ઘાટનમાં તેમની સાથે રહ્યો.
બરવાળા બાઈથી ગુજરાતના ભ્રમણ વખતે શક્તિપીઠોનું ઉદ્ઘાટન કરવા ગુરુદેવ ગયા. ગુરુદેવ પ્રત્યેક જગ્યાએ મારો પરિચય કરાવતા હતા. પરિવ્રાજક માટે અંબાપુરમાં ઓરડો નહોતો બન્યો. ગુરુદેવે પોતાના પ્રવચનોમાં કહ્યું, પ્રજ્ઞાપીઠ તો ખૂબ સરસ બની છે, પરંતુ તેમાં પરિવ્રાજકને રહેવાનો ઓરડો બની જાત તો અહીંનું કાર્ય શરૂ થઈ જાત. મિશનની ગતિવિધિ તેજ બની જાત. શ્રોતાઓમાંથી એક વૃદ્ધ માતા ઊભી થઈને બોલી, આ પ્રજ્ઞાપીઠની પાસે જ મારું એક નાનું કાચું મકાન છે તેમાં બે ઓરડા છે. ગુરુદેવે એ માતાનું સમર્પણ જોઈ એ મકાનને સોના હીરા જેવું બતાવ્યું. માતાજીને પૂછ્યું, તમારી પાસે બીજું કોઈ મકાન છે ? તો તેમણે કહ્યું, આખા ગામનાં મકાન મારાં જ છે. એમને કોઈ છોકરો નહોતો. ગુરુદેવે કહ્યું, ગામના બધા પરિજનો માતાજીના રહેવા, ભોજનની વ્યવસ્થા કરો. માતાજીએ કહ્યું, બીજા પાસેથી હું મદદ શું કામ લઉં? હું જાતે જ કમાઈશ, પોતાનું ગુજરાન ચલાવીશ. ગુરુદેવની આંખોમાં શ્રદ્ધાનાં આંસુ આવી ગયાં. ગુરુદેવે કહ્યું, આવા વિચારોવાળી માતાઓ જો મળી જાય તો ધરતી પર સ્વર્ગ જલદી આવી જાય. જૂનાગઢની શક્તિપીઠ પહાડ પર ખૂબ જ સુન્દર છે. ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ, અત્યંત સોહામણું લાગ્યું. ઓરિસ્સા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત બધા જપ્રાંતોમાં હું ગુરુદેવ સાથે ઉદ્ઘાટનમાં ગયો હતો.
હવે ભિલાઈ શક્તિપીઠનું ઉદ્ઘાટન કરવાનું હતું. મથુરાથી સીધા ભિલાઈ જવાનું હતું. રસ્તામાં સ્ટેશન પર એટલી ભીડ હતી કે ગુરુદેવ આખી રાતમાં એક મિનિટ પણ સૂઈ ન શકયા. નાગપુર પહોંચ્યા ત્યાં ગાડી ઘણી મોડી પડી હતી. દુર્ગ સ્ટેશન આવ્યું, ત્યાં સિગ્નલ નહોતું પડ્યું, ગાડી જંગલમાં જ ઊભી રહી ગઈ. અમારી સાથે ભાઈ રમેશચંદ્ર શુકલાજી હતા. શુક્લાજીએ ગુરુદેવને સમજાવ્યા કેમ કે ગુરુદેવ નીચે ઊતરી રહ્યા હતા. મને રોકશો નહીં એમ કહી ગુરુદેવે હાથ ઉઠાવ્યો. હું ડરી ગયો કે ક્યાંક લાફો ન મારી દે. હું ચૂપચાપ દરવાજા પર ઊભો રહી ગયો. ગુરુદેવ ગાડીમાંથી ઊતરીને જંગલમાં એક મોટું વડનું ઝાડ હતું. તેના જાડાં જાડાં મૂળિયાં પર બેસી ગયા. સિગ્નલ થઈ ગયું. ગાડીએ સીટી મારી. ગાડી ચાલી. દુર્ગ સ્ટેશન પર રોકાઈ. ત્યાં હજારો ભાઈઓ લહાર લઈને ઊભા રહી ગાયત્રી માતાના જયકાર બોલાવી રહ્યા હતા. મારી સાથે એક બે બીજા ભાઈઓ હતા. સામાન ઉતારીને ડમાંથી ઊતર્યા. ભીડ ચારે બાજુથી આવી ગઈ. સાકુરેજીએ કહ્યું, પંડિતજી! ગુરુદેવ ક્યાં છે ? મેં કહ્યું, ભિલાઈ ચાલ્યા ગયા છે. કેવી રીતે ગયા ? મેં કહ્યું, હેલિકોપ્ટર વડે. ગુસ્સે થયેલા ભાઈઓ સીધા કેમ મોકલી દીધા એમ કહી હાર અમારી ઊપર જોર-જોરથી ફેંકવા લાગ્યા. એટલા જોરથી હાર ફેંક્યા કે શરીરમાં દુઃખવા લાગ્યું, કેટલીક જગ્યાએ સોજા આવી ગયા. મારો સામાન પણ કોઈએ ન ઉઠાવ્યો. વાહન લાવ્યા છે તે પણ મને ન જણાવ્યું. મેં કુલી બોલાવીને સામાન ઉપડાવ્યો, બહાર આવ્યો અને ભાડાની ટેક્સી કરી. ટેક્સી દ્વારા હું ભિલાઈ જ્યાં યજ્ઞશાળા હતી ત્યાં પહોંચી ગયો. ડૉ. ચૌબેએ કહ્યું, ગુરુદેવ ક્યાં છે ? મેં કહ્યું, મને જ્યાં રહેવાનું હોય ત્યાં લઈ ચાલો પછી જણાવીશ. એમણે કહ્યું, શું ગુરુદેવ નથી આવવાના ? મેં કહ્યું, જરૂરથી આવશે. ડૉક્ટર ચૌબેને કહ્યું કે ત્રણ ચાર ડોલ ગરમ પાણી કરાવડાવો. મારું શરીર દુઃખે છે. ડૉક્ટર ચૌબેએ કહ્યું એ બધી વ્યવસ્થા થઈ જશે, બહેનો મિશનની છે તે તો આપ જાણો છો. એ બતાવો કે ગુરુદેવ ક્યાં છે ? મેં કહ્યું, દુર્ગ સ્ટેશનથી સિગ્નલ તરફ ચાલ્યા જજો. ત્યાં એક મોટું વડનું ઝાડ આવશે તેની નીચે બેઠા છે. એમણે કહ્યું, એવી શું વાત બની ગઈ કે તેઓ ત્યાં એકલા બેઠા છે અને તમે એમને છોડી અહીં આવી ગયા. મેં કહ્યું, એ બધું પછી બતાવીશ. પહેલાં આપ એમને લઈ આવો. ચૌબેજી કાર લઈને ગયા, દુર્ગ સ્ટેશન તરફ તપાસ કરતાં વડના ઝાડ નીચે એકલા બેઠા હતા. ચૌબેજીએ મને જણાવ્યું કે મેં ચરણસ્પર્શ કર્યાં ત્યારે ખૂબ નારાજ બેઠા હતા. મેં ગુરુદેવને કહ્યું, ગુરુદેવ કારમાં બેસીને ચાલો, ભિલાઈ જવાનું છે. હું દુર્ગ રાજનાંદ ગામ થઈને આવ્યો છું, ત્યાંના કાર્યકર્તાઓને પણ ખબર પડી ગઈ છે કે ચૌબેજી ગુરુદેવને લાવી રહ્યા છે, બધા ઊભા હશે. ગુરુદેવ ચૌબેજી પર તાડૂકી ઊઠ્યા, તે બધાને કેમ કહી દીધું? ચૌબેજી ચૂપ રહ્યા, કારમાં બેસાડીને દુર્ગ લાવ્યા. ત્યાં રસ્તામાં ભીડ ઊભી હતી, એ ભીડ પર પણ એવા નારાજ થયા કે બધા ગુસ્સો જોઈને ભાગી ગયા. બધા ડરી ગયા. ત્યાંથી રાજનાંદ ગામ આવ્યા. ત્યાં પણ જયકાર બોલાતા હતા. ત્યાં પણ ગુસ્સામાં વરસી પડ્યા તે બધા ડરના માર્યા ભાગી ગયા. મેં સ્નાન કર્યું. શરીર ફૂલહારના મારથી દુઃખતું હતું. તેલ લગાવડાવ્યું, મેં અને મારા સાથીઓએ ભોજન કર્યું અને વિશ્રામ કરવા ઓરડામાં ચાલ્યા ગયા. ભાઈઓએ કહ્યું, પંડિતજી ! ક્યાંક અમને ઊંઘ આવી જાય અને ગુરુદેવ આવશે તો નારાજ થશે. મેં કહ્યું, આરામથી ઊંધી જાવ. ગુરુદેવ ત્રણ-ચાર કલાક પહેલાં નથી આવવાના. ત્રણ ચાર કલાક અમે આરામ કર્યો. બહેનોને કહ્યું, ચા બનાવી આપો. બધા ભાઈઓએ ચા પીધી. સાંજના પાંચ વાગી ગયા. ભાઈઓએ કહ્યું, યજ્ઞશાળા પર ચાલો, ગુરુદેવ આવવાના છે. ત્યાં ગયા તો ભારે ભીડ હતી. સાંજે ગુરુદેવનું પ્રવચન પણ હતું. મેં ભીડને કહ્યું, બેસી જાઓ. સંગીત શરૂ કરાવડાવ્યું. ૭ વાગ્યે ગુરુદેવ કાર દ્વારા આવ્યા. મેં બધા ભાઈઓને માઈક વડે કીધું કે ગુરુદેવનાં દર્શન મંચ પર જ કરશો. ગુરુદેવને સ્ટેજ પર લઈ ગયા. પ્રવચન રાત્રે નવ લાગ્યે પૂરું થયું. મેં કહ્યું, ભાઈઓ ! સૂક્ષ્મનું મહત્ત્વ અધિક છે. પાણીની વરાળ કેટલી તાકાતવાન હોય છે ? કોઈ ભાઈ-બહેન ચરણસ્પર્શનો આગ્રહ નહીં રાખે, ભાવનાથી ચરણસ્પર્શ કરશે. એમાં ત્રણ ચાર ભાઈ ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, અમને સ્થૂળ સાથે જ મતલબ છે, આપ ભાવનાથી ચરણસ્પર્શ કર્યા કરો. અમને પ્રવચન ન આપો. હું ચૂપ થઈ ગયો. સમગ્ર ભીડ પણ એમની સાથે એમ જ કહેવા લાગી. આખરે ચરણસ્પર્શની વ્યવસ્થા કરવી પડી. રાતના ૧૦ વાગી ગયા. વધારે સમય થઈ જવાના કારણે ગુરુદેવે ભોજન માટે ના પાડી દીધી. રાત્રે હું એકલો જ ગુરુદેવ પાસે ગયો હતો, બીજા બધા ડરીને તેમની પાસે ગયા નહીં, હું દરરોજ સવારની માફક તેમની પાસે ગયો. એમના માટે ગરમ પાણીની વ્યવસ્થા કરી દીધી. મેં એમને ચા પીવડાવી. કોઈ એમની પાસે ન ગયું. ભાઈ શુક્લાજી મારી સાથે હતા તેમને યજ્ઞ કરાવવા જવાનું હતું. મેં શુક્લાજીને કહ્યું, આટલું મોડું થયું છે ને હજુ તમે ભજન જ કરો છો ? શુક્લાજી બોલ્યા – આજ ગાયત્રી માતાને વિશેષ પ્રાર્થના કરું છું. મેં પૂછ્યું, શું પ્રાર્થના કરો છો ? મને ક્યારેય પણ ગુરુજી ન બનાવીશ. ત્યાં જેટલા ભાઈઓ ઊભા હતા તે બધા હસી પડ્યા. શુક્લાજીને યજ્ઞ કરાવવા મેં મોકલી દીધા. ગુરુદેવ એકલા જ બેઠા હતા, કોઈ ભાઈ એમની પાસે ન ગયા. લગભગ નવ વાગ્યે મેં ગુરુદેવને કહ્યું, યજ્ઞશાળા જવું છે? તેઓ તૈયાર થઈ ગયા. હું તેમને સાથે લઈને યજ્ઞશાળા પર પહોંઓ. ત્યાં ગુરુદેવની બેઠકનું સ્થાન હતું. મેં તેમને બેસાડી દીધા. સાકુરેજી અને એમની સાથે એક ભાઈ આવ્યા હતા, તેમને ગુરુદેવ પાસે મેકલ્યા તો કહેવા લાગ્યા કે પંડિતજી ! અમે આપનાં દર્શન કરી લીધાં. બસ, ગુરુદેવનાં દર્શન કરી લીધાં. ગુરુદેવની નારાજગી તેઓ જેઈ ચૂક્યા હતા. બધા ડરી ગયા હતા. ગુરુદેવે કહ્યું, આજે અમારી પાસે કોઈ આવ્યું નહીં, શું વાત છે ? મેં કહ્યું, ગઈકાલનું મહાકાળનું સ્વરૂપ જોઈને બધા ડરી ગયા છે, મે યજ્ઞશાળામાં પણ ભાઈઓને પૂછ્યું, એમણે પણ આ જ ઉત્તર આપ્યો. ગુરુદેવ બોલ્યા, બેટા ! હવે શું કરવું જોઈએ ? મેં કહ્યું, હું કહું તેમ કરો ! આપ મારી સાથે ચાલો, ત્યારે અહીંના ભાઈઓનો ભય નીકળી જશે. એમણે કહ્યું, તું જેમ કહીશ એમ જ કરીશ, મેં કહ્યું, ભોજન કરીને આપ સ્નાન કરો. હું વ્યવસ્થા કરું છું. મેં રાજનાંદ ગામ તથા દુર્ગાના પરિજનોને કહ્યું કે આજે યજ્ઞશાળામાં ગુરુદેવના પ્રવચનની વ્યવસ્થા કરો. એમનાથી ડરશો નહીં, હું તમને બધાને મેળવી આપીશ. સાકુરેજી બોલ્યા, પંડિતજી ! ગુરુદેવને અહીં મહાકાળના સ્વરૂપમાં ન લાવશો. મેં કહ્યું, આપ ચિંતા ન કરશો. આપ વ્યવસ્થા કરી લેજો. હું યજ્ઞશાળામાંથી આવ્યો. ગુરુદેવ વિશ્રામ કરી ઊઠ્યા. મેં કહ્યું, આપને પેલા ઝાડ નીચે લઈ જવાના છે, જ્યાં આપ બેઠા હતા. ગુરુદેવ બોલ્યા, તું કહીશ એમ કરીશ. મેં કહ્યું, ગુરુદેવ ! કાલે આપ જેટલા નારાજ હતા એટલા જ આજે પ્રવચનમાં ત્યાંના ભાઈઓને હસાવો જેથી તેમનો ડર દૂર થઈ જાય. અમે ગુરુદેવને કારમાં બેસાડી પેલા ઝાડ નીચે લઈ ગયા. ત્યાંથી દુર્ગ શક્તિપીઠ પર લાવ્યા. ત્યાં ગુરુદેવે પ્રવચનમાં એટલા હસાવ્યા કે હસતાં-હસતાં બધાંનાં પેટ દુ:ખવા લાગ્યાં. દુર્ગથી રાજનાંદ ગામ આવ્યા, ત્યાં પણ ગુરુદેવે પ્રવચનમાં બધાને હસાવ્યા. ઘર પરિવાર બાળકોની બાબતમાં બધાંને પૂછ્યું. ત્યાંથી ભિલાઈ આવ્યા. બીજા દિવસથી એમની પાસે ભારે ભીડ થવા માંડી. જ્યાં રોકાયા હતા ત્યાં તથા યજ્ઞશાળામાં સવારથી સાંજ અને સાંજથી સૂતાં સુધી અપાર ભીડ લાગવા માંડી. ગુરુદેવે મને કહ્યું, બેટા ! તે દિવસે મારા મગજમાં દિવસ-રાતના ઉજાગરાને કારણે ગરમી ચઢી ગઈ હતી. તને પણ મેં કહ્યું હતું કે આ સ્ટેશને-સ્ટેશને ભીડ ગાડીમાં ચઢી જાય છે તેને રોક, પરંતુ તે પણ વ્યવસ્થા ન કરી. મેં કહ્યું, ગુરદેવ ! આપે એટલાં બધાં બાળકો પેદા કર્યાં છે કે હવે તેને સંભાળી નથી શકાતાં. આટલા પરિવારને હવે હું નથી સંભાળી શકતો. ત્યારે હસતાં-હસતાં બોલ્યા, તે’ આ વાત પહેલાં કેમ ન જણાવી ? હું મારું ઓપરેશન કરાવી નાંખત. એમણે આવું કહ્યું ત્યારે હું પણ ખૂબ જોરથી હસી પડ્યો અને એ પણ હસવા માંડ્યા. એમનો સ્વભાવ હમેશાં હસવાનો હતો. જે પણ ભાઈ બહેન એમની પાસે બેસતા હતા તેમને હસાવતા હતા. જ્યાં પણ ગુરુદેવ બેસતા હતા ત્યાંથી હસવાનો અવાજ આવતો હતો અને જ્યારે નારાજ થતા ત્યારે એમનું મહાકાળનું રૌદ્ર રૂપ જોવા મળતું હતું. હું તેમની પાસેથી હસવું-હસાવવું- નો ગુણ શીખ્યો. દરેક ભાઈ-બહેને આ ગુણ ગ્રહણ કરવો જોઈએ. ભિલાઈ, રાજનાંદ ગામ, દુર્ગના ભાઈઓએ કહ્યું, પંડિતજી ! આપ જો ગુરુદેવને પાછા ન લાવત તો અમે તો એમની પાસે જઈ જ ન શકત એટલો ડર અમને લાગ્યો હતો. મેં કહ્યું, એમને ક્ષણિક ગુસ્સો આવે છે રાત દિવસ જાગવાથી ગરમી ચઢી હતી.
શક્તિપીઠોના ઉદ્ઘાટનમાં એટલી ભીડ થવા લાગી કે અમે તેની વ્યવસ્થા નહોતા કરી શકતા. ગુરુદેવને રાત-દિવસ સૂવા પણ નહોતું મળતું. મેં એક દિવસ ગુરદેવને કહ્યું, હું ઉદ્ઘાટનોમાં નહીં આવું. તો તે બોલ્યા, શું વાત છે? મેં કહ્યું, ગાયત્રી તપોભૂમિ પર કામ વધી ગયું છે, મારે અહીંની વ્યવસ્થા સંભાળવી છે. કોઈ બીજા ભાઈને લઈ જાવ. ત્યાર પછી એમનો એક વધુ પ્રવાસ કાર્યક્રમ બન્યો. મારું રિઝર્વેશન એમની સાથે હતું . જ્યારે મથુરા સ્ટેશન પર પહોંચ્યા ત્યારે મેં તપોભૂમિના બધા ભાઈઓને સમજાવી રાખેલ કે આપ સૌ એક જ વાત કરજો કે પંડિતજી નહીં આવીં શકે, અહીં ખૂબ કામ છે. મે પણ સ્પષ્ટ ના પાડી દીધી. તે વખતે મેં શરણજીને બેસાડી દીધા હતા. દિલ્હી સ્ટેશને જ્યારે ગુરુદેવ આવ્યા તો ત્યાંના કોઈ ભાઈ ભોજન નહોતા લાવ્યા. એમણે વિચાર્યું કે મથુરાથી મૃત્યુંજય શર્મા અથવા પંડિતજી ભોજન લાવશે. અમે બંને પણ ભોજન લીધા વગર ગયા. કપિલજી ગુરુદેવની સાથે હતા. એમણે મને પૂછ્યું, પંડિતજી ! ભોજન લાવ્યા છો કે નહીં ? મેં કહ્યું, હું તો સમજતો હતો કે દિલ્હીવાળાઓએ ભોજન મૂકી દીધું હશે. હું જ્યારે એમની સાથે જતો ત્યારે પ્રત્યેક સ્ટેશન પર ફળ, ચા, ભોજન એટલાં આવતાં કે બીજા સ્ટેશન પર પ્રસાદરૂપે આપી દેવાં પડતાં હતાં. એ વખતે જ એવું થયું કે ભોજન ન આવ્યું. સવારના ૭ વાગ્યે હરિદ્વારથી દિલ્હી કાર દ્વારા આવ્યા હતા. ત્યાંથી રેલવેમાં બેસી ગયા. જબલપુર જવાનું હતું. રસ્તામાં ક્યાંય ભોજન ન મળ્યું. જબલપુર પહોંચ્યા તો સીધા સરઘસમાં જોડાયા, રાત્રે ભોજન મળ્યું. ફરીને આવ્યા ત્યારે મને પૂછ્યું, હવેના કાર્યક્રમમાં આવીશ કે નહીં ? મેં કહ્યું, ગુરુદેવ ! મેં તો નિશ્ચય કરી લીધો છે, હું મુસાફરીમાં નહીં આવું. હવે એટલી ભીડ થાય છે કે આપને વિશ્રામ તથા ભોજન સમયસર નથી મળતાં. મને ખૂબ સમજાવ્યો. મેં ચોખ્ખી ના પાડી દીધી. ગુરુદેવ બોલ્યા, જો તું મારી સાથે નહીં આવે તો હવે હું પણ ઉદ્ઘાટનોમાં નહીં જાઉં. એક દિવસ હરિદ્વારથી અનુષ્ઠાન કરાવીને બે ભાઈઓને ઉદ્ઘાટન માટે મોકલી દીધા, એમણે શક્તિપીઠોનું ઉદ્ઘાટન કર્યું. ગુરુદેવ ક્ષેત્રોમાં મારા વગર ન ગયા. હરિદ્વાર જ રહેતા હતા.
પ્રતિભાવો