GG-15 : હવિષ્ય અને સમિધાઓ-૧૫, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 7, 2022 Leave a comment
હવિષ્ય અને સમિધાઓ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
ગુરુદેવે આગળ બતાવ્યું, બેટા યજ્ઞમાં ઉપયોગમાં લેવાતાં હવિષ્ય અને સમિધાઓનું પણ પોતાનું મહત્ત્વ છે. એના ચાર ભાગ કરી શકાય છે. (૧) ઔષધિઓનું પ્રમાણસર મિશ્રણ, (૨) ઘી, (૩) સમિધાઓ, (૪) પૂર્ણાહુતિમાં હોમાનારા વિશિષ્ટ પદાર્થ. આ ચારેયના અલગ-અલગ ગુણ તથા પ્રભાવ છે.
હવિષ્યમાં માત્ર વનસ્પતિઓના પાંદડા, ફળ, ફૂલ જ નથી હોતા, અનેક પ્રકારની ઔષધિઓ પણ મેળવેલી હોય છે. જાયફળ, લવિંગ, કપૂર, ધૂપ, ગુગળ, લોબાન, વગેરે મેળવેલાં હોય છે. વૃક્ષોની લાકડીઓ પણ ફૂટી-ફૂટીને દળીને મેળવવામાં આવે છે. ચંદન, દેવદાર, અગર-નગર વગેરેની લાકડીઓનો ચૂરો પણ હવન સામગ્રીમાં મેળવેલા હોય છે. આમાં મીઠાં-મરચાંવાળા પદાર્થોની મનાઇ છે. કારણ કે મીઠું (સોડિયમ ક્લોરાઇડ) ફાટીને ક્લોરિન ગેસ પેદા કરે છે, જે રોગના કીટાણુઓ માટે જેટલી હાનિકારક છે એટલી જ મનુષ્યો માટે પણ. સમિધાઓમાં પણ ધ્યાન રાખવામાં આવે છે. દરેક વૃક્ષની લાકડી હવનમાં ઉપયોગી નથી હોતી. જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી આંબાની સૂકી લાકડીઓનો ઉપયોગ થાય છે. ધી પણ જો ગાયનું હોય તો અતિ ઉત્તમ છે. ધી સારી રીતે બનાવેલું હોય જેમાં દૂધ, માખણ, ચરબી વગેરેનો બળેલો ભાગ ન આવે. ઘીનો ઉપયોગ આવશ્યક છે. એના બે લાભ છે, પહેલો એ કે અગ્નિને પ્રજ્વલિત કરીને તાપમાન મર્યાદિત કરી દે છે, બીજું તે વાયુરૂપમાં પરિવર્તન પામીને સામગ્રીઓના સૂક્ષ્મ ણોને ચારેય તરફથી ઘેરી લે છે અને તેની ઉપર વિદ્યુત શક્તિનો ઋણાત્મક (નેગેટીવ) પ્રભાવ ઉત્પન્ન કરે છે.
પૂર્ણાહુતિના પણ ત્રણ ભાગ હોય છે. પહેલાં સ્વિષ્ટકૃત માટે ખાંડવાળો ખોરાક જેમકે ખીર, શીરો, મીઠાઇ વગેરેની આહુતિ આપવામાં આવે છે. એના પોષક તત્ત્વો આપણા શરીર માટે લાભદાયક છે. બીજી પૂર્ણાહુતિમાં કાષ્ટ વર્ગના સોપારી, નારિયેળ વગેરેનો ઉપયોગ થાય છે. ત્રીજું વસોધારામાં ઘીની ધાર પાડવામાં આવે છે એટલે કે એનું પ્રમાણ વધારી દેવામાં આવે છે. એનાથી એ લાભ પણ થાય છે કે યજ્ઞકુંડમાં જ્યાં-ત્યાં બચેલી કાચી હવન સામગ્રી તરત જ સળગી ઉઠે છે, એનાથી ચીકાશ અને સ્નિગ્ધતા એટલા પ્રમાણમાં મળી જાય છે જે આપણા સ્વાસ્થ્ય તથા સામાજિક પરિસ્થિતિને અનુરૂપ આવશ્યક હોય.
યજ્ઞ પછી વધેલ યજ્ઞાવશિષ્ઠને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. હવે તો તું યજ્ઞના આધ્યાત્મિક, દાર્શનિક, આયુર્વેદિક, ભૌતિક વગેરે બધા લાભોની બાબતમાં સારી રીતે સમજી ગયો હોઈશ.” ગુરુદેવે વિષય સમાપ્ત કરતાં કહ્યું. ‘હા ગુરુદેવ, અમે આપના અત્યંત આભારી છીએ કે આપે આટલી સુંદર સમજુતી આપીને યજ્ઞના બધાં જ પાસાઓ પર પ્રકાશ નાંખ્યો. અમારા જ્ઞાનચક્ષુ ખુલી ગયા છે.” અમે કહ્યું.
“અરે આભાર અમારી નહીં યજ્ઞ ભગવાનનો માનો જેમની કૃપાથી આ ચર્ચાનો અવસર ઉત્પન્ન થયો છે. સારું યજ્ઞ ભગવાનની જે પ્રાર્થના રોજ યજ્ઞ પછી કરો છો તે ગાઓ તો.”
ગુરુદેવના આદેશ પ્રમાણે અમે પ્રાર્થના બોલવી શરૂ કરી દીધી. ત્યાં ઉપસ્થિત બધા લોકો પણ તન્મય થઈને ગાવા લાગ્યા. ગુરુદેવે પણ ભાવિવભોર થઈ સાથ આપ્યો.
યજ્ઞ રૂપ પ્રભો તમારે ભાવ ઉજ્જવલ કિજિયો, છોડ દેવે છલ કપટકો, માનસિક બલ દિજિયે.
વેદ કી બોલે ઋંચાએં સત્યકો ધારણ કરેં, હર્ષમેં હો મગ્ન સારે, શોક સાગર સે તરેં.
અશ્વમેઘાદિક રચાયેં, યજ્ઞ પર ઉપકારકો, ધર્મ મર્યાદા ચલાકર, લાભ દેં સંસાર કો.
નિત્ય શ્રદ્ધા ભક્તિસે યજ્ઞાદિ હમ કરતે રહેં, રોગ પીડિત વિશ્વ કે સંતાપ સબ હરતે રહેં.
ભાવના મિટ જાયે મનસે પાપ અત્યાચારકી, કામનાએં પૂર્ણ હોવેં યજ્ઞ સે નર નારીકી.
લાભકારીહો હવન હર જીવધારી કે લીયે, વાયુ જલ સર્વત્ર હોં શુભ ગંધ કો ધારણ કીયે.
સ્વાર્થ ભાવ મિટે હમારા, પ્રેમ પથ વિસ્તાર હો, ઇદં ન મમ કા સાર્થક પ્રત્યેક મેં વ્યવહાર હો.
હાથ જોડ ઝુકાયેં મસ્તક, વંદના હમ કર રહેં, નાથ કરુણા રૂપ વરૂણા, આપકી સબ પર રહેં.
યજ્ઞ રૂપ પ્રભો હમારે ભાવ ઉજ્જવળ કિજિયે, છોદ દેવેં છલ કપટ કો માનસિક બલ દિજિયે.
પ્રાર્થના પૂરી થયા પછી પણ ગુરુદેવ ઘણા લાંબા સમય સુધી આંખો બંધ કરી કશું ગણગણતાં રહ્યાં, પછી ધીરે-ધીરે ચેતનાવસ્થામાં આવીને જાણે પોતાને કહેવા લાગ્યાં, ‘અહા ! કેટલી સુંદર રચના છે. પક્ષનું સંપૂર્ણ દર્શન, આખું અધ્યાત્મ એમાં ભરેલું છે. એક-એક શબ્દ અમૃત સમાન છે, જરા ધ્યાન આપો. આપણે આ પ્રાર્થનામાં શું કહીએ છીએ ? યજ્ઞ દેવતા સમક્ષ શું નિવેદન કરીએ છીએ ? એમની પાસે શું માગીએ છીએ ? આપણા માટે ફક્ત માનસિક બળ, જેનાથી આપણા ભાવ ઉજ્જવળ થાય અને આપણે છળ-કપટને છોડવા માટે સમર્થ બનીએ. બસ, બીજું કાંઈ નહીં. અરે દેવતા તો બધું જ આપી શકે છે. આપણે યજ્ઞ કર્યો છે, ઘી, સામગ્રી, મીઠાઈ વગેરે શું-શું ખર્ચ કર્યા છે. અરે માગો-માર્ગો, હા, યજ્ઞ દેવતા ! આજે અમારી લોટરી કાઢી આપજે ઓછામાં ઓછી એક લાખની, છોકરાની નોકરી નથી લાગતી. એ ભણેલ-ગણેલ નથી. નાલાયક છે, તો શું થયું, તું તો લાયક છે, જલ્દીથી એની નોકરી લગાવી દો. પગાર ભલે ઓછો હોય પરંતુ ઉપરની (ખોટા રસ્તાની) આવક સારી હોય. પછી જ્યારે હવન કરીશું ત્યારે દેશી ધીના લાડુથી સ્વિકૃત આહુતિ આપીશું.’’
ગુરુદેવે આંખો ખોલીને અમારી સામે જોયું અને બોલ્યા “ક્રમ ઠીક છે કે નહીં ? આજે દરેક વ્યક્તિ આવું બધું જ માગે છે. યજ્ઞની પ્રાર્થના તો કરે છે પરંતુ તેના ભાવ એની સમજમાં નથી આવતા. અરે માગવા યોગ્ય તો ફક્ત માનસિક બળ’ જ છે. જ્યારે આત્મબળ મળી ગયું તો બધું જ મળી ગયું. કેટલી સુંદર પ્રાર્થના છે. પોતાના માટે ફક્ત આત્મબળ અને સાથે એ બંધન પણ ખરું કે અમે સદાય વેદની ભાષા જ બોલીએ અને સત્યનું આચરણ કરીએ, વાહ-વાહ. આજે ચારેય તરફ જૂઠ, છેતરપિંડી, ચાલબાજીનું રાજ છે અને આપણે ફક્ત સત્યનું આચરણ કરીએ. કેટલું કઠોર બંધન છે. એક બીજું બંધન પણ છે કે અમે નિત્ય પક્ષ કરતાં રહીએ. ફક્ત દેખાવ માટે નહીં, પ્રશંસા માટે નહીં, પરંતુ પૂરી શ્રદ્ધા-ભક્તિની સાથે યજ્ઞ કરીએ. શ્રદ્ધા નહીં હોય, ભાવના નહીં હોય, વિશ્વાસ નહીં હોય તો યજ્ઞ કરવાથી શું લાભ ? ક્રિયાની સાથે ભાવના પણ જોઈએ. એ તો અત્યંત આવશ્યક છે. આપણે ભક્તિપૂર્વક નિત્ય પક્ષ પણ કરીએ, અશ્વમેધ જેવા યજ્ઞોનું આયોજન પણ કરીએ. માગ્યું તો કશું નહીં, ઊલટાના પોતાની ઉપર બીજા કઠોર બંધન લગાવ્યા.
પરંતુ આ યજ્ઞ આપણે શું કામ કરીએ. વેદ અને સત્યનું આચરણ શું કામ કરીએ ? આ પ્રાર્થનામાં એ પણ બતાવી દીધું છે. આ બધું બીજા પર ઉપકાર માટે” કરીએ. સંસારમાં જેટલાં પણ જીવધારી છે એ બધાં જ હર્ષમાં મગ્ન હોય અને એમના શોક-સંતાપ દૂર થઈ જાય. ચારેય તરફ ધાર્મિક મર્યાદાઓનું પાલન થાય જેનાથી સંસારમાં બધાને લાભ થાય. વિશ્વમાં કોઈપણ રોગ પીડિત ન રહે. કોઈના પણ મનમાં એક બીજા પ્રત્યે પાપ કે અત્યાચારની ભાવના ન આવે. બધી દુર્ભાવનાઓ મટી જાય. બધાં નર-નારીઓની કામનાઓ પૂર્ણ થઈ જાય. આપણા બધા વચ્ચે પ્રેમનો પ્રભાવ હોય, એક બીજા પ્રત્યે સહયોગ, સદ્ભાવની ભાવના હોય. પરસ્પર કોઈપણ પ્રકારનો સ્વાર્થ ભાવ ન રહે.
એટલું જ નહીં, આ યજ્ઞ આપણે ફક્ત મનુષ્યોના ભલા માટે જ નથી કરી રહ્યાં. એ બધા જ જીવધારીઓને લાભ પહોંચાડે. પશુ-પક્ષી, કીટક-પતંગિયા, છોડ-વૃક્ષ વગેરે બધાને આ પક્ષનો લાભ મળે. વાયુ અને જળ પણ શુદ્ધ તથા પવિત્ર, સુગંધિત થાય. ચારેય તરફ ઉત્તમ વાતાવરણ થાય, આપણે એટલા માટે જ ભગવાનની સમક્ષ નમન-વંદન કરીએ છીએ કે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાનની કરુણા બધા પર રહો. ભગવાનની કૃપા કરુણા ફક્ત આપણા ઉપર જ ન રહે પરંતુ બધાને એનો લાભ મળે. બધામાં આપણે પણ તો આવી જઈએ છીએ.આ જ સાચું યજ્ઞનું તત્ત્વદર્શન છે. આ પ્રાર્થનાને સમજો, મનના ઊંડાણમાં ઉતારો અને એ જ ભાવનાથી પક્ષીય જીવનનો આનંદ લો. “સર્વે ભવન્તુ સુખીનઃ (બધા જ સુખી રહો).”
પ્રતિભાવો