જમુનાજીમાં ૧૯૭૮ના પૂરમાં વિનાશ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૪
August 7, 2022 Leave a comment
જમુનાજીમાં ૧૯૭૮ના પૂરમાં વિનાશ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૪
એક વખત એટલો બધો વરસાદ થયો કે જમુનાજીનાં પાણીનું સ્તર ખૂબ ઊંચું આવી ગયું. સવારે યજ્ઞ થઈ રહ્યો હતો. હું જમુનાજીનાં પાણી તરફ જોઈ રહ્યો હતો. તપોભૂમિના પાછળના બધા દરવાજા તથા નાળાં બંધ કરાવી દીધાં, પરંતુ પાણીનું સ્તર એટલું વધી ગયું કે પાણી સડક પર થઈને તપોભૂમિની અંદર પ્રવેશવા લાગ્યું. મેં ઝડપથી યજ્ઞ પૂરો કરીને અગ્નિ ઉપર એક ઓરડામાં રખાવી દીધો અને હવન સામગ્રી, સમિધા, ધી, ભોગનો સામાન વગેરે બધું ત્રીજા માળે એક ઓરડામાં રખાવી દીધું. તે સમયે વિદ્યાર્થીઓ પણ હતા. મેં ગાયત્રી તપોભૂમિનાં બધાં ભાઈઓ-બહેનો-બાળકોને કહ્યું, તમે લોકો તાત્કાલિક તપોભૂમિ ખાલી કરો. એક ડંડો હાથમાં લઈને બધાને બહાર કાઢતો જ હતો કે તપોભૂમિમાં કમર સુધી પાણી ભરાઈ ગયું. મેં અખંડજ્યોતિ મૃત્યુંજય શર્માને ફોન કરી દીધો કે તપોભૂમિમાં પાણી આવી ગયું છે અને બધા જ તપોભૂમિવાળાઓને તમારી પાસે મોકલ્યા છે, આપ તે બધાની વ્યવસ્થા કરી દેજો. એમણે તરત જ એક ધર્મશાળા લઈ લીધી અને ભોજન બનાવવાની વ્યવસ્થા કરી દીધી. બધો સામાન બજારમાંથી ખરીદી લીધો. હું ફોન કરીને ઉપર જવા લાગ્યો ત્યારે તપોભૂમિમાં પાણી ગરદન સુધી આવી ગયું હતું. જો હું પંદર મિનિટ વહેલો ઉપર ન ચઢ્યો હોત તો મારું જીવન ભયમાં હતું. હું ત્રીજા માળે જ્યાં સામાન રાખ્યો હતો તે ઓરડામાં ગયો. હું આખી રાત ઊંઘ્યો નહોતો. એક ધોતી ત્યાં હતી, એક બનિયાન પહેરેલું હતું. બસ આટલો જ સામાન મારી પાસે હતો. મને સવારે ચા પીવાની ટેવ હતી. મેં વિચાર્યું હવે ચા મળી જાય તો સારું. મેં કાર્યકર્તાઓના ઓરડામાં જઈને જોયું તો એક ઓરડામાં એક ડોલ ભરીને પાણી હતું જે એક અઠવાડિયા માટે પૂરતું હતું. બીજા ઓરડામાં ગયો તો ત્યાં લગભગ ૪૦૦ ગ્રામ જેટલું દૂધ લોટામાં મળી ગયું અને ચા-ખાંડ પણ મળી આવ્યાં. સામાન મળતાં થોડી શાંતિ થઈ, બીજા એક ઓરડામાં વધારે તપાસ કરી તો એક પેકેટ પાંઉનું પણ મળી આવ્યું. આ ઘટનાને હું ગુરુદેવ ગાયત્રીમાતાનો ચમત્કાર જ માનું છું કે આવી પરિસ્થિતિમાં મને આ બધો સામાન મળ્યો. સ્ટવ ઓરડામાં હતો જ. મે અડધા દૂધની ચા બનાવી પીધી. બીજા દિવસે સવારે શૌચક્રમમાંથી નિવૃત્ત થઈ પગથિયામાં જમુનાજીનું જળ આવી ગયું હતું તેમાં સ્નાન કર્યું. ઓરડામાં પૂજાનો બધો સામાન હતો જ. ત્યાંથી જ ભાવનાપૂર્વક ગાયત્રીમાતાની આરતી કરી, ભોગ લગાવ્યો અને કુંડમાં રાખેલ અગ્નિ વડે યજ્ઞ કર્યો. ત્યાર પછી વધેલા દૂધની ચા બનાવીને પાંઉના બે ટુકડા ચા સાથે ખાધા અને વિચારવા લાગ્યો કે ચા-ખાંડ, પાંઉ તો મારી પાસે છે, ફક્ત દૂધ નથી. હવે દૂધ વગરની ચા બનાવી ભૂખ શાંત કરવી પડશે. પાણીનું સ્તર વધી રહ્યું હતું. હું છત પર ચઢીને જોતો હતો. ઢોર તેમજ ઘણાં માણસો વહેતાં જઈ રહ્યાં હતાં. દશ્ય ખૂબ જ ખતરનાક હતું. આ જોઈને મારું હૃદય પીગળી જતું હતું, પરંતુ હું કરું પણ શું ? આ રીતે ત્રણ દિવસ પાણીની સપાટી એવી જ રહી. હું ગાયત્રીમાતાની આરતી બંને વખત ઊપરથી કરતો અને યજ્ઞ પણ કરતો રહ્યો. રેડિયો મારી પાસે હતો, મેં સાંભળ્યું કે હજુ પાંચ ફૂટ પાણી વધવાનું છે. હવે મેં વિચાર્યું કે જો પાંચ ફૂટ પાણી આવશે તો હું પણ વહી જઈશ, હવે બચી નહીં શકું. પાસેના ટેકરાઓ પર જયસિંહપુરાના ભાઈઓ ચઢી ગયા હતા. એમને ભોજનની વ્યવસ્થા હતી નહીં, મિલિટરી સહાય માટે આવી ગઈ હતી. મને મિલિટરીવાળાઓએ પૂછ્યું, આપને ભોજન પહોંચાડીએ? મેં કહ્યું, મારી પાસે ભોજન કેવી રીતે પહોંચશે ? ચારે તરફ પાણી જ પાણી છે. હું એવી રીતે રહેલો છું જેવી રીતે કોઈ ટાપુમાં રહે છે.
એમણે કહ્યું, અમે હેલિકોપ્ટર વડે ભોજન છત પર નાંખીશું. મેં તેમને ના પાડી દીધી. મારી પાસે ભોજનની વ્યવસ્થામાં વ્યર્થ સમય બગાડો નહીં. મેં કહ્યું, અમારા ઘણા ભાઈઓ સામેવાળા ટેકરા પર છે તેમને ભોજનની વ્યવસ્થા નથી, એમના ભોજનની વ્યવસ્થા કરો. એમણે ત્યાં ટેકરા પર ભોજન પહોચાડ્યું, મેં જે ભાઈઓને મથુરા શહેરમાં મોકલ્યા હતા એમને ચિંતા હતી કે પંડિતજી પાણીમાં ફસાઈ ગયા છે એમની પાસે ભોજન નથી. મૃત્યુંજય શર્માને પણ ચિંતા હતી અને હરિદ્વાર ગુરુદેવને પણ પત્ર લખી દીધો હતો. ફોન વડે પણ જાણ કરી દીધી કે તપોભૂમિને ખૂબ નુકસાન થયું છે, પંડિતજી પાણીમાં ફસાઈ ગયા છે. બપોર પછી મૃત્યુંજય શર્માએ હોડીવાળાઓને વાત કરી. તપોભૂમિની સામેવાળી સડક પરથી ૬-૭ ફૂટ પાણી વહેતું હતું. હોડીવાળા થોડા રૂપિયા લઈને તૈયાર થઈ ગયા. એમાં બે ભાઈઓ જે તરવાનું જાણતા હતા તેઓને હોડીમાં બેસાડી ભોજન, પાણી, દૂધનો ડબ્બો, ચા, કપડાં બધો સામાન મોકલ્યો. હું તપોભૂમિનો મુખ્ય દરવાજો બંધ કરીને તાળું લગાવીને આવ્યો હતો. હોડી જ્યારે દરવાજા પર આવી ત્યારે જે ભાઈ આવ્યા હતા તે દરવાજાની ઉપરથી ચઢીને એક હાથ વડે સામાન લાવતા હતા. મેં કહ્યું, ભાઈ ! તમે આટલું કષ્ટ શું કામ ઉઠાવો છો ? એમણે કહ્યું, અમને ભાઈઓને ચેન પડતું નહોતું. ભોજન પણ ભાવતું નહોતું. કારણકે આપ ફસાયેલા હતા. ત્રણ ચાર દિવસનો સામાન લઈને તે આવ્યા હતા અને સમાચાર લઈને હોડીમાં પાછા ચાલ્યા ગયા. ત્યાં ગુરુદેવને હરિદ્વારમાં સમાચાર મળ્યા ત્યારે તેમણે મને એક પત્ર લખ્યો જે મિલિટરીવાળા લઈને આવ્યા હતા. એમણે દોરડું બાંધીને પત્રને છત પર ફેંક્યો હતો. મેં પત્ર વાંચ્યો, તેમાં ગુરુદેવે લખ્યું હતું કે બેટા ! તપોભૂમિ નષ્ટ થઈ ગઈ, બધો સામાન નષ્ટ થઈ ગયો, મકાન પડી ગયું એની મને જરા પણ ચિંતા નથી.જો તારું સાહસ જતું રહેશે તો અમે કશું નહીં કરી શકીએ. તપોભૂમિ નષ્ટ થઈ જાય તો પણ તું તારું સાહસ ટકાવી રાખજે, બાકીનું કાર્ય અમે કરી લઈશું. મેં કેટલીય વાર પત્ર વાંચ્યો અને એ પત્ર વાંચવાથી મારામાં હજાર ગણું સાહસ આવી ગયું. હું સવાર-સાંજ ઉપર ઓરડામાં જ ગાયત્રીમાતાની આરતી કરતો હતો, થાળ ધરાવતો અને યજ્ઞ કરતો. અખંડ અગ્નિમાં કાષ્ઠ મૂકતાં રહેવાનું મારું નિત્યનું કામ હતું. ચોથા દિવસે સવારે પાણી ઓછું થયું અને બે ક્લાક પછી એકદમ ઝડપથી પાણી ખાલી થઈ ગયું. હું નીચે ગાયત્રી માતાના મંદિરે ગયો, પાણી ગાયત્રી માતાની ગરદન સુધી હતું, મોં સુધી નહોતું. સાવરણો લઈ મંદિરમાં સફાઈ કરવાની શરૂઆત કરી. એટલામાં શહેરમાં શોરબકોર થઈ ગયો કે જમુનાજીમાં પાણી ઊતરી ગયું છે. સમાચાર મળતાં જ ભાઈઓ તથા વિદ્યાલયનાં બાળકો આવી ગયાં, મને ઝાડુ લઈને સફાઈ કરતો જોઈ બધા સફાઈમાં લાગી ગયા. કાગળ સડી રહ્યા હતા. મશીન ખરાબ થઈ ગર્યાં હતાં. ટાઈપ નષ્ટ થઈ ગયા હતા. દીવાલો પણ ફાટી ગઈ હતી. તપોભૂમિનાં બધાં ભાઈ-બહેનો, બાળકો મને જોઈને સફાઈમાં લાગી ગયાં. ગંદકી એટલી હતી કે અમે એક મહિનામાં પણ સફાઈ ન કરી શકીએ, નગરપાલિકાના સભ્ય મારી પાસે આવ્યા, એમણે કહ્યું, આપ ચિંતા ન કરો, અમે આપને સહયોગ આપીશું. એમનો સ્ટાફ સફાઈમાં આવી ગયો. પેલા કાગળ જે ભીના થયા હતા તેને ઉપાડીને છત પર સૂકવવા માટે લઈ ગયા. મથુરામાં પ્રેસ ઘણાં બધાં છે. બધા જ પ્રેસના માલિક આવી ગયા અને એક ધારાસભ્ય આવ્યા એમણે કહ્યું, અમે બધી વ્યવસ્થા કરી દઈશું, પંડિતજી ! આપ ગભરાશો નહીં. આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ કે હવે તપોભૂમિ સો વર્ષમાં પણ નહીં બની શકે, એને ભારે નુકસાન થયું છે. આખા શહેરે ખૂબ મદદ કરી. જે કોઈ પણ આવતું. તે એમ જ કહેતું કે તપોભૂમિ નષ્ટ ન થવી જોઈએ. બધા જ સફાઈમાં લાગેલા રહ્યા. લગભગ ન એક અઠવાડિયું સફાઈ કરવામાં લાગ્યું. આખા દેશના ભાઈઓએ અમને પૂરી મદદ કરી. સિમેન્ટની વ્યવસ્થા માટે જિલ્લાધીશે મદદ કરવાનું આશ્વાસન આપ્યું. મેં ક્ષેત્રોમાં મુલાકાતનો કાર્યક્રમ બનાવ્યો. એ વખતે વિદ્યાલયના છોકરાઓએ કહ્યું, એક વર્ષ અમે નહીં ભણી શકીએ તો વાંધો નથી. અમારી સાથે ટોળી બનાવીને ચાલતા હતા. અહીં જે મકાનો ખરાબ થઈ ગયાં હતાં, તેને ઠીક કર્યાં, મશીનોને ઠીક કર્યાં.
પ્રતિભાવો