ગુરુદેવે પેટના ગોળાને બાળક બનાવ્યું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૦
August 7, 2022 Leave a comment
ગુરુદેવે પેટના ગોળાને બાળક બનાવ્યું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૦
ગુરુદેવે હવે હરિદ્વારમાં શિબિર ગોઠવવાનું શરૂ કર્યું, મને કહ્યું તારે હરિદ્વાર શિબિરોમાં રહેવાનું છે અને ગોષ્ઠિ પણ તારે લેવી પડશે તથા સાહિત્ય જેટલું છે તેનો સ્ટોલ રાખવો પડશે. સાહિત્ય લાવવું જરૂરી છે. મુખ્ય તો અમારા વિચારો છે, જેટલું પણ વધારે સાહિત્ય છપાવી શકાય, તેટલું છાપીને લઈ આવવું અને શિબિરોમાં રજા હોય ત્યારે મથુરાની વ્યવસ્થા પણ જોઈને પાછા આવવું. શિબિરોમાં હું ગોષ્ઠિ લેતો, પ્રવચન મારું પણ થતું હતું. એક દિવસ હું ગુરુદેવ વિશે કહેતો હતો. મેં કહ્યું કે વિદેશથી એક બહેને ડોલર મોકલ્યા. આ બહેને કઈ ખુશીમાં આટલા ડોલર મોકલ્યા હશે. એ બહેનને પત્ર લખી ખુલાસો કરવા જણાવ્યું તો બહેનજીનો પત્ર આવ્યો કે ગુરુદેવ વિદેશ આવ્યા હતા ત્યારે મેં મને બાળક નથી તે વાત જણાવેલ. ગુરુદેવના આશીર્વાદથી બાળક આવ્યું છે તે ખુશીમાં ડોલર મોકલ્યા છે. આ વાત હું પ્રવચનમાં કહેતો હતો કે એમના આશીર્વાદ ફળીભૂત થાય છે. જેને પણ આશીર્વાદ આપતા હતા તે ફળીભૂત થત! હતા. એ સમયે શાંતિકુંજમાં વિદેશથી રામસિંહ ટાંક આવ્યા હતા તેઓ પ્રવચન સાંભળ્યા બાદ મારા રૂમ પર આવ્યા. એમણે કહ્યું કે આપને આ બધી વાત ક્યાંથી ખબર પડી ? મેં કહ્યું કે એ બહેનનો પત્ર આવ્યો હતો. ત્યારે એમણે મને કિસ્સો સંભળાવ્યો કે ગુરુદેવ મારા ઘરે રોકાયા હતા. મારી ધર્મપત્ની ખૂબ લાંબા સમયથી બીમાર હતી. એના પેટમાં પથ્થર જેવો ગોળો હતો, તે ફિક્કી પડી ગઈ હતી. ડૉક્ટરોએ જવાબ આપી દીધો હતો કે ગમે તેવું ઓપરેશન કરાવો પણ બચી શકશે નહીં. ઓપરેશન કરાવશો તો તે સમયે જ તેનો સ્વર્ગવાસ થઈ જશે, એ ભયથી અમે ઓપરેશન કરાવ્યું નહીં. જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી ઠીક છે. ગુરુદેવ ચૂપ થઈ ગયા, એની તરફ જોયું ખરું. એક દિવસ એક બહેન મારે ત્યાં આવી અને કહ્યું કે હું ગુરુદેવને મારા ઘેર લઈ જવા માગું છું. મેં ઘણી ના પાડી પરંતુ બહેને જિદ પકડી રાખી. ગુરુદેવને પોતાના ઘેર લઈ ગઈ. ઘેર શું વાતો થઈ તે મને ખબર નહોતી.
ગુરુદેવ મારા ઘેર આવીને બેસી ગયા. મારી પત્નીને બોલાવી, પોતાની પાસે બેસાડીને કહ્યું કે બેટી ! તું એક વાત બતાવ કે જે તારા પેટના પથ્થરને હું બાળક બનાવી દઉં અને આ બાળક કોઈ બહેન માગે તો તું તેને આપી દઈશ ? પત્નીએ કહ્યું કે ગુરુદેવ હું વચન આપું છું કે તે સમયે જ બાળકને આપી દઈશ. ગુરુદેવે કહ્યું- તને એક વર્ષમાં બાળક થશે. ગુરુદેવે પેલી બહેનને બોલાવી કહ્યું કે આ બહેનને જે દિવસે બાળક આવે તે સમયે જ તેને લઈ લેજે. તારી સમક્ષ એ વચન આપે છે. તે બહેન પ્રસન્ન થયાં. રામસિંહ ટાંકે કહ્યું કે હું તે સમયે ત્યાં જ ઊભો હતો, બધી વાતો સાંભળતો હતો. એ બહેનને બાજુ પર બોલાવીને પૂછ્યું તો તેણે કહ્યું કે ગુરુદેવને ઘેર લઈ ગયા પછી જણાવ્યું કે મારી પાસે ખૂબ પૈસા છે, કારોબાર છે, પરંતુ બાળક નથી. આપ આશીર્વાદ આપો કે અમારે ત્યાં બાળક થાય. ગુરુદેવે કહ્યું કે બેટી ! તારા ભાગ્યમાં બાળક નથી, હું ક્યાંથી તને બાળક લાવી દઉં? એ બહેને ગુરુદેવને કહ્યું, આપ ભારતના સૌથી મોટા સંત છે, હું આપની પાસેથી બાળક લીધા પછી જ જવા દઈશ. ગુરુદેવે ફરીથી કહ્યું, બેટી ! તારા ભાગ્યમાં બાળક છે જ નહીં, પછી હું ક્યાંથી આપું? બહેન બોલી કે આપ આશીર્વાદ આપી દો કે મને બાળક થઈ જાય. આપ ગાયત્રીના ઉપાસક છો. આપે આજ સુધી જેને પણ આશીર્વાદ આપ્યા છે તે ફળીભૂત થયા છે. ગુરુદેવે કહ્યું કે બેટી ! તું કોઈનું બાળક જે સમયે જન્મે તે સમયે જ લઈ લે અને એને એ ભાવનાથી ઉછેર કે મારા પેટે જ બાળક જન્મ્યું છે. જે તું આ ભાવનાથી બાળકને ઉછેરીશ તો કદાચ તને બાળક પ્રાપ્ત થશે. બહેન બોલી, ગુરુદેવ બાળક જન્મતાં જ થોડું કોઈ આપી દે ? પશુ પણ પોતાનાં બાળકને અડકવાં દેતાં નથી. કૂતરાંનાં ગલુડિયાંને કોઈ અડકે તો પણ કરડવા દોડે છે. આપ જ બાળક અપાવી દો.
આટલું કહેતાં ગુરુદેવ મારે ઘેરથી નીકળી તમારે ઘેર આવ્યા અને અહીં મને કહી રહ્યા છે આ બહેનને બાળક થશે. આ બહેન તને બાળક આપશે. રામસિંહ ટાંકે કહ્યું, આ વાત સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું કે ગુરુદેવ પાસે એટલું તપ છે કે એ પેટમાં પથ્થર જેવા ગોળાને બાળક બનાવી શકે છે. ગુરુદેવ ત્યાંનો કાર્યક્રમ કરીને ભારત આવી ગયા. નવ મહિના પછી જ્યારે મારી પત્નીને પ્રસવ પીડા થવા લાગી તો અમે એને દવાખાને લઈ ગયા. પેલાં બહેન પણ કાર લઈને અમારી સાથે જ આવી ગયાં. જ્યારે છોકરો જન્મ્યો તો મારી પત્નીએ બાળક પેલાં બહેનને તરત જ આપી દીધું, તે બાળકને લઈને ઘરે જતાં રહ્યાં. એમણે છોકરાને એવી રીતે જ ઉછેર્યો જાણે પોતાનું જ બાળક હોય. છોકરો જ્યારે ત્રણ વર્ષનો થઈ ગયો ત્યારે તે બહેન પણ ગર્ભવતી બન્યાં અને નવ મહિના પછી છોકરાને જન્મ આપ્યો. છોકરો મોટો થઈ ગયો તો એણે બંને છોકરાઓને સરખા જ સમજ્યા કેમ કે ગુરુદેવે એની પાસેથી વચન લીધું હતું કે પહેલા બાળકને પોતાના બાળક કરતા વધારે પ્રેમ આપજે અને એવી ભાવનાથી રાખજે કે એ મોટો દીકરો છે. રામસિંહ પાસેથી આ કિસ્સો સાંભળીને મારી ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા હજાર ગણી વધી ગઈ અને મેં કહ્યું, ગુરુદેવ સાક્ષાત્ ભગવાન છે, હું કેટલો ભાગ્યશાળી છું કે મને ગુરુદેવની સાથે રહેવાનો મોકો મળ્યો છે. મેં રામસિંહ ટાંકને કહ્યું કે કાલે સવારે ગોષ્ઠિમાં તમે બધાને આ આખી ઘટના સંભળાવો. રામસિંહનું પ્રવચન સાંભળીને બધા ભાઈઓએ માગણી કરી અને એમને ક્ષેત્રમાં લઈ ગયા. એમનું પ્રવચન ઘણી બધી જગ્યાએ થયું. મને તે સમયે મગનલાલ ગાંધીની યાદ આવી કે ગુરુદેવમાં એ શક્તિ છે કે તેઓ મરેલાંને જીવતાં કરી શકે છે અને પથ્થરને બાળક બનાવી જન્મ અપાવી શકે છે. મેં ગુરુદેવને પૂછ્યું તો એમણે કહ્યું, બેટા ! એ શક્તિ મારી નહીં મારા ગુરુદેવની છે. આવા ગુરુદેવ મેળવીને આપણે બધા આપણને ધન્ય માનીએ છીએ.
પ્રતિભાવો