કુરીતિ નાબૂદી આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૪
August 7, 2022 Leave a comment
કુરીતિ નાબૂદી આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૪
સમાજમાં બધા લોકો પોતાનાં કાર્યો વિવેકપૂર્વક નક્કી કરતા નથી. મોટાભાગના લોકો પરંપરાવાદી હોય છે અને પ્રચલિત રીતરિવાજોને તર્કની કસોટી પર કસ્યા વિના અપનાવતા રહે છે. ઘણી કુરીતિઓ સમાજને ખૂબ જ નુકસાનકારક છે. આ કુરીતિઓનો જડમૂળથી નાશ કરવા માટે પ્રાણવાન, લડાયક અને સંઘર્ષશીલ વ્યક્તિઓની જરૂર પડશે. હિંદુ સમાજમાં સામાજિક કુરીતિઓને કારણે એક મોટો માથાનો દુખાવો પેદા થઈ ગયો છે. કેટલીય પ્રથાઓ એવી ચાલી રહી છે કે જે ખૂબ જ ખર્ચ માગી લે છે. મધ્યમવર્ગનો એક મનુષ્ય પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે તેટલું જ માંડ માંડ કમાઈ શકે છે. આ મોંઘવારીના જમાનામાં મોટી બચત કરી રાખવાનું સર્વસાધારણ માટે શક્ય નથી. અવારનવાર વધુ ધન ખર્ચ કરાવતી કુરીતિઓને પણ જો પોષવી હોય તો બેઈમાનીનો રસ્તો અપનાવ્યા સિવાય કોઈ ઉપાય રહેતો નથી. એક રસ્તો એ પણ છે કે પેટ પર પાટો બાંધીને જેમતેમ ગુજરાન ચલાવતાં બાળકોના મોઢામાંથી દૂધ છીનવીને કોડી કોડી ધન બચાવવામાં આવે અને કુરીતિની પિશાચિનીને તૃપ્ત કરવામાં આવે. ત્રીજી એક રીત છે કે ઘરનો સરસામાન વેચીને મિત્રો-સંબંધીઓ પાસેથી કર્જ લઈને તાત્કાલિક વ્યવસ્થા કરી લેવામાં આવે અને પાછળથી ભારે અભાવ અને તિરસ્કારભર્યું જીવન વીતાવવામાં આવે. કર્જનું વ્યાજ માથે ચડતું જાય. આટલું થવા છતાં પણ આપણી માનસિક દુર્બળતા એ વિચારવા દેતી નથી કે શું આ સામાજિક કુરીતિઓ જરૂરી છે ? શું એને સુધારી કે બદલી શકાય નહીં ?
૧. વર્ણ-વ્યવસ્થાનું વિકૃત સ્વરૂપ દૂર થાય – બ્રહ્માજીએ પોતાના ચાર પુત્રોને ચાર કાર્યક્રમો સોંપીને એમને ચાર વર્ણોમાં વહેંચ્યા છે. જ્ઞાન, બળ, ધન અને શ્રમ. આ ચારેય શક્તિઓ માનવસમાજ માટે જરૂરી હતી. એમની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વંશગત પ્રયત્નો ચાલતા રહે અને એમાં કુશળતા તથા વિકાસ થતો રહે એ દૃષ્ટિથી આ ચાર કામોને ચાર પુત્રોમાં વહેંચવામાં આવ્યા. ચારેય સગા ભાઈઓ હતા. તેથી એમનામાં ઊંચનીચનો કોઈ પ્રશ્ન ન હતો. કોઈનું સન્માન, મહત્ત્વ અને સ્તર નહોતું ઓછું કે નહોતું વધુ. વધુ ત્યાગ અને તપને કારણે પોતાની મહાનતા પ્રદર્શિત કરવાથી બ્રાહ્મણની શ્રેષ્ઠતા તો રહી, પરંતુ અન્ય કોઈ વર્ગોને પણ હલકા કે નીચલા સ્તરના માનવામાં આવ્યા નહોતા. આજે સ્થિતિ કંઈક ભિન્ન છે. ચાર વર્ણો અગણિત જાતિઓ અને ઉપજાતિઓમાં વહેંચાઈ ગયા છે અને તેનાથી સમાજમાં ભારે અવ્યવસ્થા અને ફૂટ ફેલાઈ ગઈ છે. એટલે સુધી કે એક જ વર્ણના લોકો પોતાની ઉપજાતિઓમાંથી ઊંચનીચની કલ્પના કરવા લાગ્યા. આ માનવીય એકતાનું પ્રત્યક્ષ અપમાન છે. વ્યવસ્થાઓ અને વિશેષતાઓના આધાર પર જાતિ અને વર્ગ ભલે રહે, પરંતુ ઊંચનીચની માન્યતાને સ્થાન મળવું ન જોઈએ.
૨. બાળલગ્નો-કોડાં લગ્નો – બાળલગ્નોની નિંદા કરવામાં આવે અને તેનાથી થતું નુકસાન જનતાને સમજાવવામાં આવે. સ્વાસ્થ્ય, માનસિક સંતુલન, આગામી પેઢી તથા જીવન વિકાસના દરેક ક્ષેત્ર પર એનો ખરાબ પ્રભાવ પડે છે. કોડાં લગ્નોને પણ રોકવાં જરૂરી છે.
૩. ભિન્ના વ્યવસાયની નિંદા – સમર્થ વ્યક્તિ માટે ભિક્ષા માગવી તેના આત્મગૌરવ અને સ્વાભિમાનથી સર્વથા વિરુદ્ધ છે. આત્મગૌરવ ખોઈને મનુષ્ય પતન તરફ જ ચાલે છે. ભારતમાં આ વૃત્તિ ખૂબ જ વધી ગઈ છે તે ખેદજનક છે. જે લોકો બધી રીતે અપંગ અને અસમર્થ છે તથા જેમનાં કોઈ સંબંધી કે સહાયક નથી તેમની આજીવિકાનો પ્રબંધ સરકારે કે સમાજના દાનથી સંસ્થાઓએ કરવો જોઈએ. જેથી આ અપંગ લોકોએ વારંવાર હાથ ફેલાવી પોતાનું સ્વાભિમાન છોડવું ન પડે અને બચેલા સમયમાં કોઈ ઉપયોગી કાર્ય કરી શકે. આવી સેવાભાવી સંસ્થાઓ દરેક સ્થળે ખોલવામાં આવે અને ઉદાર લોકો એમનાં જ માધ્યમથી વાસ્તવિક દીનદુઃખીઓને સહાયતા કરે.
૪. મૃત્યુભોજનની વ્યર્થતા – કોઈના મરણ બાદ એ ઘરમાં બે અઠવાડિયાની અંદર લગ્નો જેવી દાવતનું આયોજન થવું તે દિવંગત વ્યક્તિનું અપમાન છે. મિજબાની તો ખુશીમાં કરવામાં આવે છે. મૃત્યુને શોકનું ચિહ્ન માનવામાં આવે છે તો મિજબાનીઓનું આયોજન શા માટે ? મૃતકના મિત્રો અને સંબંધીઓ માટે પણ એ જ ઉચિત છે કે આ ક્ષતિગ્રસ્ત પરિવારની કોઈ સહાયતા ન કરી શકતા હોય તો ઓછામાં ઓછું મિજબાનીની સલાહ આપીને તેનું આર્થિક અહિત તો ન જ કરે. મૃતકના આત્માને શાંતિ આપવા માટે ધાર્મિક કાર્ય કરાવવામાં આવે. આવાં શુભ કાર્યોમાં જેમણે માનવતાની સહાયતા કરવી હોય તો શ્રદ્ધાના ઉદ્દેશથી ગમે તેટલું મોટું દાન કરી શકાય છે. એ જ સાચી શ્રદ્ધાનું પ્રતીક હોવાથી સાચું શ્રાદ્ધ કહી શકાય છે.
૫. વસતિ વધારા પર નિયંત્રણ – વિચાર્યા વગર બાળકો પેદા કરવાં અને કુટુંબ વધારવાનાં સામૂહિક દુષ્પરિણામ આજે બધાની સામે છે. સ્વાસ્થ્યની સમસ્યા, શિક્ષણની સમસ્યા અને મકાનની સમસ્યાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર બધાં અસંખ્ય સમસ્યાઓથી ઘેરાયેલાં છે. પોતાના વ્યક્તિગત, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વહિતની દૃષ્ટિએ વસતિને સીમિત તથા નિયંત્રિત રાખવી જરૂરી છે. ભૂખમરો, દુકાળ, મોંધવારી અને ભ્રષ્ટાચાર વગેરે અભિશાપ ભોગવી રહ્યા છીએ. સંસારને નિયમિત રાખવા માટે પ્રકૃતિ જોર કરે છે ત્યારે વિનાશનાં જ લક્ષણો દેખાય છે. આથી મનુષ્ય પોતે એ સમસ્યાને સુધારવાનો પ્રયત્ન કરે. આ સૌથી સારી અને ફાયદાની વાત હોઈ શકે છે.
૬. બલિપ્રથા – ધર્મગ્રંથોમાં જે દેવી દેવતાઓનું વર્ણન છે તેમની સંખ્યા પણ ઘણી છે, પરંતુ એટલાથી પણ સંતોષ ન માની લોકોએ જાતિ મુજબના, વંશ મુજબના, ગામના એટલા બધા દેવતા ઘડી લીધા છે કે આશ્ચર્ય થાય છે. તેમના પર કૂકડા, અંડા, ભેંસો, બકરાં, સુવર વગેરે ચઢાવે છે. આ કેવી વિડંબના છે કે દયા અને પ્રેમ માટે બનેલા દેવતાઓ પોતાના જ પુત્રો તથા પશુપંખીઓનું લોહી પીએ.
૭. ભૂતપલીત અને જાદુટોના – ભૂતપલીતોનો માનસિક ભ્રમ પેદા કરીને શાણા, અને પાગલ લોકો ભોળી જનતાનું માનસિક અને આર્થિક શોષણ ખૂબ કરે છે. માનસિક રોગો, શારીરિક કષ્ટો અને રોજિંદા જીવનમાં આવતી સાધારણ જેવી વાતોને ભૂતનાં કરતૂત બનાવીને અકારણ જ ભોળા લોકોને ભ્રમિત કરે છે. એ ભ્રમનો એટલો ઘાતક પ્રભાવ પડે છે કે કેટલીક વાર તો જીવનનું સંકટ ઊભું થઈ જાય છે.
૮. નિરક્ષરતા નિવારણ – રાષ્ટ્રીય પ્રગતિ માટે નિરક્ષરતાનું નિવારણ ખૂબ જ જરૂરી છે. આ પ્રયોજનને પૂર્ણ કરવામાં સરકારી અને બિનસરકારી એકો પૂર્ણપણે જોડાઈ જાય, એકબીજાનો પૂરો સહયોગ કરે તો પણ સમયની અતિ મહત્ત્વપૂર્ણ જરૂરિયાતને સરળતાથી પૂર્ણ કરી શકાય છે. પ્રૌઢ અશિક્ષિતોમાંથી મોટાભાગના આજીવિકા મેળવવામાં વ્યસ્ત હોય છે તેથી તેમને સમય હોય ત્યારે જ શિક્ષણની વ્યવસ્થાની વાત વિચારી શકાય છે. પુરુષો માટેનો સમય રાત્રિનો હોઈ શકે છે. તેમને માટે પ્રૌઢ રાત્રિ પાઠશાળાઓનો પ્રબંધ હોવો જોઈએ. મહિલાઓને ત્રીજા પહોરે ભોજન બનાવવામાંથી અને ગૃહકાર્યોમાંથી ફુરસદ મળી શકે છે. તેમના માટેની પ્રૌઢ મહિલા પાઠશાળાઓ બપોરે બેથી પાંચ વચ્ચે ત્રણ કલાક ચલાવી શકાય છે.
૯. પરદા પ્રથા – આપણા દેશમાં પરદા પ્રથા ક્યારેય પ્રચલિત રહી નથી. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ બધાં ક્ષેત્રોમાં કામ કરતી હતી અને તેમને શિક્ષણ, પોતાની યોગ્યતા વધારવી અને પ્રતિભાથી સમાજને લાભ આપવાની ખુલ્લી છૂટ હતી. એમને ક્યાંય કોઈપણ જાતના પ્રતિબંધમાં રહેવું પડતું નહોતું. આ ઘાતક પરંપરાને પૂરેપૂરી નષ્ટ કરવા માટે કોઈ સ્રીને ધૂંઘટમાંથી મુક્ત કરાવી દેવી કે પરદો ન રાખવા માટે તૈયાર કરાવી લેવી એ પૂરતું નથી. વાસ્તવમાં એ માટે તો સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ જાગૃત કરવાના વ્યાવહારિક પ્રયત્નો કરવા જોઈએ, જેથી તેઓ પોતાને આશ્રિતા, સંરક્ષિતા કે અબળા નહીં, પરંતુ સમર્થ, સ્વાવલંબી અને પરિસ્થિતિઓનો પડકાર ઝીલી શકે તેવી અનુભવવા લાગે. જ્યારે ધવન લોકો વહુ અને દીકરીઓ પર કુદૃષ્ટિ નાંખતા અને અપહરણ કરતા હતા ત્યારે પરદા પ્રથા શરૂ થઈ હતી. હવે એવી પરિસ્થિતિઓ રહી નથી, ત્યારે પરદા પ્રથા પણ બિનજરૂરી બની ગઈ છે.
૧૦. અશ્લીલતાનો પ્રતિકાર – અશ્લીલતાની અંદર અશ્લીલ સાહિત્ય, અર્ધનગ્ન યુવતીઓનાં વિકારોત્તેજક ચિત્રો, ગંદી નવલકથાઓ, કામુકતા ભરેલી ફિલ્મો, ગંદાં ગીતો, અમર્યાદિત કામચેષ્ટાઓ, નારીમાં રહેલાં શીલ, સંકોચ અને મર્યાદાઓનું ઉલ્લંધન તથા દુરાચારોની ખરાબ રીતે ચર્ચા, વગેરે આવે છે. એનાથી દાંપત્યજીવન પર ખરાબ પ્રભાવ પડે છે અને શરીર તથા મગજ નબળાં થાય છે. એવાં ચિત્રો, કેલેન્ડરો, પુસ્તકો, મૂર્તિઓ તથા અન્ય સાધનો આપણાં ઘરોમાં રહેવાં ન જોઈએ, જે અપરિપક્વ મગજોમાં વિકાર પેદા કરે. અશ્લીલતાનો વિરોધ કરવા માટે જનમત તૈયાર કરી તેનું સરઘસ કાઢી હોળી કરવામાં આવે.
પ્રતિભાવો