માતાજીએ મારી ઉંમર વધારી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૮
August 7, 2022 Leave a comment
માતાજીએ મારી ઉંમર વધારી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૮
ધીમે ધીમે મારું સ્વાસ્થ્ય ઢળવા લાગ્યું. પથારીમાં પડ્યો રહેતો હતો. ડૉક્ટરો કહેતા કે હવે ચાર છ મહિનાના મહેમાન છો. હવે વિચાર્યું કે માતાજીનાં દર્શન માટે હરિદ્વાર જવું જોઈએ અને હું કારમાં સૂતો સૂતો હરિદ્વાર ગયો. મારા શાંતિકુંજ પહોંચવાની સૂચના માતાજીને મળી ગઈ હતી. હું બહુ મુશ્કેલીથી સીડીઓ ચઢીને માતાજીનાં દર્શન કરવા ગયો. માતાજીનાં ચરણસ્પર્શ કર્યાં. હું એમનાં ચરણો પાસે બેસી ગયો. મને માતાજીએ કહ્યું, બેટા ! તમારા માટે બે રોટલી બનાવીને રાખી છે, ભોજન કરી લો. હવે અમારું સ્વાસ્થ્ય પણ ઠીક રહેતું નથી.” હું રડી પડ્યો અને કહ્યું, આપણું બંનેનું સ્વાસ્થ્ય સાથ આપી રહ્યું નથી. માતાજી બોલ્યાં, બેટા ! તું મથુરા ચાલ્યો જા અને તને હર્નિયાની જે તકલીફ છે તેનું ઓપરેશન કરાવી લે. મેં કહ્યું, માતાજી ! મારા ઓપરેશન માટે કોઈ ડૉક્ટર તૈયાર નથી કેમ કે મને બે વાર હાર્ટએટેક આવી ગયો છે. માતાજી બોલ્યાં, બેટા ! તું ચિંતા ન કર. તારુંઓપરેશન સફળ થશે. માતાજીના કહેવાથી હું ગાયત્રી તપોભૂમિ પાછો આવી ગયો.
એક દિવસ આગ્રાનિવાસી ડૉક્ટર આર. એસ. પારીકના પુત્ર ડૉ. રાજુ મને જોવા આવ્યા. પહેલાં જ્યારે જોવા આવ્યા હતા ત્યારે ઓપરેશન કરવાની તેમણે ના પાડી હતી. આ વખતે એમણે કહ્યું કે હું થોડા દિવસ માટે બહાર જઈ રહ્યો છું. પાછો આવું ત્યારે મારી સાથે આગ્રા આવશે. જ્યારે તેઓ પાછા આવ્યા તો મૃત્યુંજયને સાથે લઈને હું ડૉ. પારીક પાસે આગ્રા ગયો. ત્યાં મારા શરીરને બધી રીતે ચકાસી લીધા પછી ઓપરેશન કરવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો. મારું સફળતાપૂર્વક ઓપરેશન થયું. ઓપરેશનના બીજા જ દિવસે અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો મૃત્યુંજય શર્મા ગભરાઈ ગયા. તેઓએ ડૉક્ટરો બોલાવ્યા. કેટલાય ડૉક્ટરો આવ્યા. ઘણા વખત પછી મને ભાન આવ્યું.સવાર થતાં જ ડૉ. પ્રણવ પંડ્યા અને રામસહાય શુક્લાજી હરિદ્વારથી મારી પાસે આવ્યા. એમને જોઈ મેં તથા મૃત્યુંજય શર્માએ પણ પૂછ્યું કે તમે વહેલી સવારે કેવી રીતે આવ્યા ? તેમણે કહ્યું, માતાજીએ રાત્રે જ અમને બોલાવીને કહ્યું કે તમારે અત્યારે જ આગ્રા જવાનું છે. લીલાપતની તબિયત ખરાબ છે. તેથી અમે અહીં આવ્યા. મૃત્યુંજય શર્માએ એમને બધી વાત કરી. મને જોઈને તેઓ પાછા હરિદ્વાર જતા રહ્યા. માતાજીને બધી વિગત કહી સંભળાવી. એના ત્રણ દિવસ પછી ડૉક્ટર પ્રણવજી મને જોવા આગ્રા આવ્યા અને ડૉક્ટર રાજુ સાથે વાતો કરતા રહ્યા. તેઓ પૂછી રહ્યા હતા કે પંડિતજીને હોસ્પિટલમાંથી ક્યારે રજા મળશે અને મારા સ્વાસ્થ્ય વિશે પણ બધી વાતો પૂછી લીધી.
પ્રતિભાવો