૧૬૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૮/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પુનન્તુ મા દેવજનાઃ પુનન્તુ મનસા ધિયઃ । પુનન્તુ વિશ્વા ભૂતાનિ જાતવેદઃ પુનીહિ મા II (યજુર્વેદ ૧૯/૩૯)
ભાવાર્થ : પોતાના પુત્ર અને પુત્રીઓને બ્રહ્મચર્ય, સદાચાર અને વિદ્યા દ્વારા વિદ્વાન, સુંદર અને ચારિત્ર્યવાન બનાવવાનું પવિત્ર કર્તવ્ય દરેક સગૃહસ્થ નિભાવે.
સંદેશ : કુટુંબની પાઠશાળામાં માણસને સુસંસ્કારોનું શિક્ષણ મળે છે. સમાજને ગૌરવશાળી બનાવનારાં મોતી પણ આ જ ખાણમાંથી નીકળે છે. વ્યક્તિ અને સમાજરૂપી બે પૈડાંના સુસંચાલનની ધરી કુટુંબને જ માનવામાં આવે છે. આ હકીકતને સમજી શકાય તો માણસને સમર્થ અને સમાજને શુદ્ધ બનાવવાની માફક કુટુંબોને પણ સુસંસ્કારી બનાવવાની જરૂરિયાત સમજી શકાશે. સુસંસ્કારી કુટુંબનો દરેક સભ્ય ઘરરૂપી માળામાં સ્વર્ગીય સુખશાંતિ અને પ્રગતિની ચેતનાત્મક સંપત્તિ મેળવે છે.
સંતાનના જન્મ પછી તેનું યોગ્ય પાલનપોષણ, ભોજન, કપડાં, શિક્ષણ વગેરેની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સગૃહસ્થ પર જ રહેલી છે. એટલું જ નહિ, બાળકોના ચારિત્ર્યનું નિર્માણ કરવાનું કર્તવ્ય વડીલોનું જ છે. જો તેને યોગ્ય રીતે ન નિભાવવામાં આવે તો બાળકો અનેક દુર્ગુણોનો શિકાર બને છે અને પોતાના માટે, કુટુંબ માટે તથા સમાજ માટે શાપરૂપ સાબિત થાય છે. તેમને દુર્ગુણોથી બચાવીને સદ્ગુણોની ટેવ પાડવી તે પણ તેમનું કર્તવ્ય છે. બાળકો વારસાગત સારા કે ખોટા સંસ્કાર લઈને જન્મે છે, પરંતુ તેમના વિકાસ કે વિનાશનો આધાર મોટાભાગે પરિસ્થિતિઓ પર રહેલો છે. બાળકોના માનસિક વિકાસનો મુખ્ય આધાર માતાપિતાની મનોદશા અને ઘરનું વાતાવરણ જ હોય છે. એ પણ એક રહસ્યમય હકીકત છે કે બાળક ગર્ભમાં આવતાંની સાથે જ શીખવાનું શરૂ કરે છે અને પાંચ વર્ષની ઉંમર સુધીમાં પોતાના માનસિક નિર્માણનું લગભગ ત્રણ ચતુર્થાંશ કાર્ય પૂર્ણ કરી લે છે. આ સમયગાળામાં બાળક ઘણું જ સંવેદનશીલ હોય છે. જ્ઞાનવિજ્ઞાન, લોકવ્યવહાર વગેરેનું શિક્ષણ તો પછીથી મળે છે, પરંતુ સ્વભાવ, સંસ્કાર, ચારિત્ર્ય, શ્રદ્ધા વગેરે જે ઉંમરમાં શીખવામાં આવે છે તે ગર્ભમાં પ્રવેશ થવાના દિવસથી લઈને પાંચ વર્ષ સુધીની જ છે.
આથી આપણાં શાસ્ત્રોમાં ગર્ભાધાન સંસ્કારને સોળ સંસ્કારો પૈકીનો પહેલો સંસ્કાર માનવામાં આવે છે અને તેથી ગર્ભસ્થાપનાની પૂર્વતૈયારીનું વિધાન કર્યું છે. પતિપત્ની બંનેએ પહેલેથી જ પોતાના દોષદુર્ગુણોને સુધારી લઈને આચરણ, વ્યવહાર અને વાતચીતની બધી પ્રવૃત્તિઓ સુધારી લેવી જોઈએ. સંતાનરૂપી બાગના નિર્માણમાં પિતાનું બીજ અને માતાની જમીન બંનેનું એકસરખું મહત્ત્વ છે. હોનહાર બાળકોના જન્મનો મૂળ આધાર અહીંથી શરૂ થાય છે. આ માટે અભિમન્યુનું ઉદાહરણ પ્રચલિત છે.
બાળકોને જન્મ આપવો તે નાનાં બાળકોનો ખેલ નથી. એક નવા માણસના જન્મ અને વ્યક્તિત્વનું નિર્માણ કરવાની આ મહાન જવાબદારી છે. જો આપણે આ કર્તવ્યને ભૂલી જઈએ તો પોતે ઉદ્વિગ્નમાં રહેનારા, કુટુંબને દુઃખી કરનારા અને સમાજમાં દુષ્પ્રવૃત્તિઓ વધારનારા રાક્ષસોને જ ઉત્પન્ન કરીશું અને પોતાના પાપથી પોતાના અને બધાના માટે નરકનું સર્જન કરીશું.
પ્રતિભાવો