પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મીકરણ સાધના તથા મહાનિર્વાણ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૬
August 7, 2022 Leave a comment
પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મીકરણ સાધના તથા મહાનિર્વાણ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૬
પછી તેઓ સૂક્ષ્મીકરણમાં જતા રહ્યા. સૂક્ષ્મીકરણમાં કોઈને પણ મળતા ન હતા અને દર્શન પણ આપતા ન હતા. જે લોકો શિબિરમાં જતા તેમની એક જ ઈચ્છા રહેતી હતી કે ગુરુદેવનાં દર્શન થવાં જોઈએ. બારીમાંથી ગુરુદેવનાં દર્શન કરવાની માતાજીએ બધાને સ્વીકૃતિ આપી હતી, પરંતુ એટલાથી લોકોને સંતોષ થતો ન હતો. બધાને ચરણસ્પર્શ કરવાની ઈચ્છા રહેતી હતી. ગુરુદેવે કહી દીધું હતું કે અમારું સ્થૂળ શરીર અમે પ્રખર પ્રશાના રૂપમાં બનાવીને તૈયાર કરી દીધું છે. તેનાં દર્શન કરો, ચરણસ્પર્શ કરો અને જે વાત કહેવાની હોય તેની પાસે બેસીને કહો. હવે બધાં પ્રખર પ્રશાનાં દર્શન કરતા અને પોતાના મનની વાત કહેતા. તેનો જવાબ અંત:કરણમાં મળી જતો હતો. પછી ગુરુદેવે કહ્યું કે મારે બધાંને મળવું છે. શાંતિકુંજનાં નાનાંમોટાં સૌને તથા ગાયત્રી તપોભૂમિનાં બધાં જ બાળકોને બોલાવી લીધાં. કોઈ બાકી ન રહ્યું. ગુરુદેવ બધાંને મળતા અને ઘર પરિવારની મુશ્કેલીઓ ન વિશે પૂછતા. સૌને બધી વાતો પૂછતા. એક દિવસ હું વંદનીય માતાજી પાસે બેઠો હતો. માતાજીએ કહ્યું, બેટા ! હું ગુરુદેવ પાસે ગઈ ત્યારે ગુરુદેવે મને એક પુસ્તક આપ્યું અને કહ્યું કે આને વાંચો. એમણે એ પુસ્તિકામાં નિશાનીઓ કરી રાખી હતી. માતાજીએ કહ્યું, પુસ્તક વાંચીને ગુરુદેવને કહ્યું કે પુસ્તક વાંચી લીધું છે. ગુરુદેવે કહ્યું, સ્વામી રામકૃષ્ણની પત્નીએ તેમના મહાપ્રયાણ પછી ૨૦-૨૫ વર્ષ સુધી મિશનનું કાર્ય સંભાળ્યું હતું. માતાજીએ કહ્યું અને હું સાંભળતો રહ્યો. આટલું કહીને માતાજી ચૂપ થઈ ગયાં અને બીજી વાતો કરવા લાગ્યાં. મને કશું સમજાયું નહીં.
થોડા સમય પછી હું ગુરુદેવનાં દર્શન કરવા ગયો. ગુરુદેવનાં દર્શન કર્યા બાદ માતાજી પાસે બેઠો તો માતાજીએ મને કહ્યું, બેટા ! તમારા ગુરુજી મને કહી રહ્યા હતા કે પોતાનું સ્વરૂપ બગાડશો નહિ. આવું કહીને પછી બીજી વાતો કરવા લાગ્યાં. ફરીવાર મને ન સમજાયું કે માતાજી મને શું કહી રહ્યાં છે. ગુરુદેવ પાસે જતો ત્યારે ગુરુદેવ મને એ જ કહેતા કે હરિદ્વારમાં જ રહીશ. તપોભૂમિ અને અખંડજયોતિમાં નહીં રહું. આવું તો મને ઘણી વખત કહ્યું. મેં કહ્યું, ‘‘તમારી ઈચ્છા હોય ત્યાં જ રહેજો.” મને કશું જ સમજાતું ન હતું. થોડા સમય પછી ગુરુદેવે બોલાવી પોતાની પાસે બેસાડીને સમજાવ્યું, બેટા! આ શરીરથી જેટલું કામ લેવાનું હતું તેટલું લઈ લીધું. હવે આ કાર્ય તો સૂક્ષ્મ અને કારણ શરીરથી કરીશું. મારી આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. ગુરુદેવે કહ્યું, ‘“ બેટા ! કેમ રડે છે ? આજ સુધી જે હિંમતથી કાર્ય કર્યું તેમ કરતા રહો. હવે પછી અમે સૂક્ષ્મ શરીરથી સદૈવ કાર્ય કરતા રહીશું.” રડતો રડતો હું માતાજી પાસે ગયો અને ગુરુદેવની વાતો કહી. માતાજીએ કહ્યું કે મને આ વાત એક મહિના પહેલાં જ રામકૃષ્ણ પરમહંસનો કિસ્સો સંભળાવીને કહી દીધી હતી. ગુરુદેવે કહ્યું હતું કે પોતાનું સ્વરૂપ ન બગાડશો એ વાત તો અમે પહેલાં જ કહી દીધી છે. દુ:ખી કેમ થાય છે? એમને એમનું પોતાનું કાર્ય કરવા દો, આપણે અહીંનું કાર્ય કરીશું. માતાજી સહજ ભાવથી વાત કહી રહ્યાં હતાં. સાંભળીને મારી હિંમત વધી ગઈ. ગુરુદેવ મહાપ્રયાણ કરવાના હતા તેના ત્રણ ચાર દિવસ પહેલાં હું તેમની પાસે ગયો. જેવાં દર્શન કર્યાં કે તરત જ કહેવા લાગ્યા, તમે મને મથુરા લઈ જાવ, હું ચૂપ રહ્યો. અમે મથુરા જવા માંગીએ છીએ. માતાજીને આ કહ્યું તો માતાજી બોલ્યાં, ‘“ આવી સ્થિતિમાં કેવી રીતે લઈ જવાય ? થોડીવાર રહીને હું ફરી ગુરુદેવ પાસે ગયો. ગુરુદેવ બોલ્યા કે મને મથુરા નથી લઈ જતા તો તપોભૂમિ લઈ ચાલો. થોડા દિવસો પછી ગુરુદેવનું મહાપ્રયાણ થયું. એ વખતે મારી સ્થિતિ ખૂબ જ દયાજનક હતી, પરંતુ માતાજીના સાહસે મારું સાહસ વધાર્યું. ફરી હું મથુરા આવી ગયો.
પ્રતિભાવો