પૂજનીય તાઈજીનો સ્વર્ગવાસ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૧
August 7, 2022 Leave a comment
પૂજનીય તાઈજીનો સ્વર્ગવાસ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૫૧
હરિદ્વારમાં જેટલી પણ શિબિરો થતી હતી, તેમાં ગુરુદેવ સાહિત્ય પ્રચાર પર વિશેષ ભાર મૂકતા હતા અને ગાયત્રી તપોભૂમિમાં સૌથી પહેલાં સાહિત્ય સ્ટોલ લગાવવા માટે મને કહેતા હતા. જ્યારે શિબિરોમાંથી રજા મળે ત્યારે હું મથુરા આવી વ્યવસ્થા જોઈ જતો હતો.
ગુરુદેવે એક દિવસ મને બોલાવીને કહ્યું કે બેટા આખા દેશમાં યજ્ઞ ઘણા થઈ ચૂક્યા છે. ૧૦૮ કુંડીય ચાર સ્થાનો પર તથા ૨૪, ૫૧, ૫ કુંડીય યજ્ઞો તો અસંખ્ય થયા છે. જ્યારે મથુરામાં હતો ત્યારે હું અને તું બંને મોટેભાગે યજ્ઞોમાં રહેતા હતા. બે માસ સુધી સતત ક્ષેત્રોમાં રહીને મથુરા આવતા હતા. બે-બે મહિના યજ્ઞોમાં બહાર રહેવું પડતું હતું. એમણે કહ્યું, જો તાઈ (ગુરુદેવનાં માતાજી) નો સ્વર્ગવાસ થયો ત્યારે તેમને સમાચાર આપ્યા હતા, પરંતુ હું થશ છોડીને નહોતો ગયો.
અમને તાઈના સ્વર્ગવાસી થયાનો તાર રૂરકેલામાં મળ્યો હતો. એ સમયે હું ગુરુદેવની સાથે હતો. અમારે રૂરકેલાથી દુર્ગ આવવાનું હતું તેથી રાત્રે ગુરુદેવને આ વાત જણાવી નહીં. સવારે ઊઠતાં જ ગુરુદેવને જાણ કરી કે તાઈજીનો સ્વર્ગવાસ થઈ ગયો છે. આગળના કાર્યક્રમોનું શું કરવું છે ? ગુરુદેવ થોડીવાર ચૂપ રહ્યા પછી કહ્યું, કાર્યક્રમો યથાવત્ ચાલતા રહેશે. મેં કહ્યું, મથુરા નથી જવું ? ગુરુદેવે ના પાડી દીધી. સ્વર્ગવાસનો તાર મથુરાથી એક રૂરકેલાને, બીજો દુર્ગને અને ત્રીજો બાલાઘાટને મોકલવામાં આવ્યો હતો. ત્યાંના ભાઈઓને ખબર પડી જ ગઈ હતી, પરંતુ તેમને એ ખબર નહોતી કે રૂરકેલામાં પંડિતજીને પણ તાર મળી ગયો છે. દુર્ગં સ્ટેશન પર ભારે ભીડ હતી. બાલાઘાટના ભાઈઓ પણ આવી ગયા હતા, બધા ચિંતિત હત: કે હવે યજ્ઞોના કાર્યક્રમનું શું કરવું પડશે ? જેવા અમે ગાડીમાંથી ઊતર્યા કે ત્યાંના કાર્યકર્તાઓ અમને મળવા આવ્યા અને કહ્યું કે અમારી પાસે તમારા નામે તાર આવ્યો છે, ગુરુદેવના માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો છે. મેં અગાઉ તાર મળી ગયાની જાણ કરી. ગુરુદેવે કહ્યું કે જેટલા પણ કાર્યક્રમ બની ચૂક્યા છે તે યથાવત્ ચાલતા રહેશે. અમે મથુરા જવાના નથી. તમે ચિંતા ન કરો. પોતપોતાના યજ્ઞોની તૈયારીઓ ચાલુ રાખો. દુર્ગમાં ગુરુદેવનું પ્રવચન થયું. ત્યાંથી બાલાઘાટ ગયા. જ્યારે બાલાઘાટ પહોંચ્યા ત્યારે કાર્યક્રમ ચાલી જ રહ્યો હતો. ભાઈ વિરેશ્વરજી મથુરાથી પહોંચ્યા અને કહ્યું – ગુરુદેવે મથુરા આવવાનું છે, માતાજીએ મને મોકલ્યો છે. મેં કહ્યું, ગુરુદેવ સાથે મેં વાત કરી લીધી છે. તાર રૂરકેલામાં મળી ગયો હતો. તેઓ કાર્યક્રમ છોડીને નહીં આવે. ગુરુદેવે કહ્યું છે કે આપણે કાર્યક્રમ નક્કી કર્યો છે ત્યારથી અત્યાર સુધી આ કાર્યકર્તાઓએ જે શ્રમ કર્યો છે એનું શું થશે ? મેં
કહ્યું, વિરેશ્વરજી ! તમે જ વાત કરી લો. અમે જેટલા ભાઈઓ છીએ તેમાં વિરેશ્વરજી કોઈ પણ વાત સમજાવવા સૌથી વધુ હોશિયાર છે. એમણે ગુરુદેવને દરેક પ્રકારે કહ્યું, પરંતુ ગુરુદેવે ના પાડી દીધી. એમણે પછી ગુરુદેવને સાથે આવવા આગ્રહ કર્યો તો ગુરુદેવ તેમના પર ખૂબ નારાજ થયા અને એમને મથુરા પાછા મોકલી દીધા. ગુરુદેવ બોલ્યા; ગાયત્રી તપોભૂમિમાં બાળકો છે, ઓમપ્રકાશ આવી ગયો, સતીશ છે, હું શું કરીશ ? માતાજી વ્યવસ્થા કરી દેશે. ગુરુદેવે ધરાર ના પાડી દીધી. અમે એક મહિના પછી પાછા આવ્યા. અમારો બે મહિનાનો કાર્યક્રમ પૂર્ણ કરીને જ મથુરા આવ્યા. રસ્તામાં મેં વાત કરી, માતાજી મારા પર પણ નારાજ હશે કે તું ગુરુદેવને મથુરા લાવ્યો નહીં. ગુરુદેવે કહ્યું, માતાજીને હું કહી દઈશ. માતાજી જાણે છે કર્તવ્ય જ ધર્મ છે. ત્યાંના કાર્યકર્તાઓના શા હાલ હશે ? કેટલા યજ્ઞોનો ખર્ચ થઈ ચૂક્યો હતો. ગુરુદેવ હમેશાં કર્તવ્યપરાયણતાને જ ધર્મ માનતા હતા. શરીર પ્રત્યેના ધર્મની બાબતમાં સમજાવતા કે એને દોષ-દુર્ગુણોથી દૂર રાખવું જોઈએ, આળસ, અસંયમ ન રાખવાં જોઈએ. શ્રમ કરવો એ જ ધર્મ છે, પરિવારોને સંસ્કારવાન બનાવવા એ જ ધર્મ છે. સમાજમાં સામાજિક કુરીતિઓ ફેલાયેલી છે એને છોડાવવી એ જ ધર્મ છે, કર્તવ્યને જ ગુરુદેવ ધર્મ કહેતા હતા. પૂજાપાઠ, કર્મકાંડ, યજ્ઞ, તીર્થયાત્રા એ ધર્મને જીવનમાં ધારણ કરવા માટેની સીડી છે. ગુરુદેવ કહ્યા કરતા કે રામાયણમાં બધા કર્તવ્યપરાયણ હતા તેથી રામાયણ આટલું ઘેર-ઘેર પહોંચ્યું છે. ગુરુદેવ બોલ્યા, બેટા ! યજ્ઞ કેટલાય કરી ચૂક્યા છીએ, મોટા ભાગના યજ્ઞો મોટી મોટી જગ્યાઓએ થયા છે. હવે આપણે ગામડાંઓમાં જવાનું છે. ગામડાંઓનું નિર્માણ કરવાનું છે. હવે તું ગોષ્ઠિમાં કહેજે કે ગામેગામ ટોળી બનાવીને જવાનું છે. ત્યાં દિવસે દીવાલલેખન કરવાનું છે. કોઈ ઘર બાકી ન રહે જેની દીવાલો પર સાક્ય ન લખેલું ન હોય. ભોજનનો સામાન સાથે રાખવાનો છે કારણકે નવાં ગામોમાં વ્યવસ્થા નથી થઈ શકતી. ચાર-ચાર દિવસના સાયકલોના કાર્યક્રમ બનાવવામાં આવે.
પ્રતિભાવો