સ્વાસ્થ્ય સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૧
August 7, 2022 Leave a comment
સ્વાસ્થ્ય સંવર્ધન આંદોલન, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૬૧
૧. અસંયમ અને અનુચિત આહાર વિહારને કારણે રોગોનાં મૂળ મજબૂત બનતાં જાય છે અને આરોગ્ય લથડતું જાય છે. લોકોને ખાવાની રીત તથા આરોગ્ય રક્ષણના સિદ્ધાંતો સમજાવવા જોઈએ. પ્રાકૃતિક ઉપચાર દ્વારા સૂર્યપ્રકાશ, હવા, પાણી અને માટી દ્વારા સરળ ઉપચાર શીખવવામાં આવે. પ્રજ્ઞાયોગ, સૂર્યનમસ્કાર, યોગાસન, પ્રાણાયામ, બંધ, મુદ્રા, નેતિ વગેરેનું પ્રચલન શરૂ કરવામાં આવે. આજે રસોડાની ક્રાંતિની જરૂર છે. જેમાં અંકુરિત અનાજ, છાલને ન ફેંકવી, વરાળથી પકાવવું તથા શાકભાજી, ઋતુ મુજબનાં ફળો, સલાડનો ઉપયોગ- જેવી અનેક વાતો શીખવવી તથા વ્યવહારમાં લાવવી જોઈએ. ચુસ્ત ભારે કપડાં, સૌંદર્ય પ્રસાધનો અને આભૂષણો જેવી સજાવટની વસ્તુઓ આરોગ્યની દૃષ્ટિએ કેટલી હાનિકારક છે તેનો પાઠ આપણે નવેસરથી શીખવો પડશે.
૨. અત્યંત સરળ, સુરક્ષિત તેમજ ઉપયોગી વનૌષધિઓનું ચૂર્ણ વિભિન્ન રોગોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે. તેનો વ્યાપક પ્રચાર કરવામાં આવે. જડીબુટ્ટીઓ દ્વારા સ્વાસ્થ્ય સંરક્ષણ પુસ્તકનો સ્વાધ્યાય કરી ઘણા લોકોને લાભ આપી શકાય છે. શાંતિકુંજ, હરિદ્વારથી વનૌષધિઓનાં ચૂર્ણો પ્રાપ્ત કરી શકાય છે.
૩. સ્વાસ્થ્ય સંરક્ષણ પુસ્તકમાળા- યુગ નિર્માણ યોજના, મથુરા દ્વારા આરોગ્યના રક્ષણ માટે દરેક સમસ્યા પર ઉપયોગી એવું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેને મંગાવી ઝોલા પુસ્તકાલય દ્વારા અથવા જ્ઞાનમંદિરની સ્થાપના કરી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ.
૪. માનસિક સ્વાસ્થ્ય – જીવનનું કેન્દ્રબિંદુ મન છે. એને સ્વચ્છ બનાવી રાખવા માટે નિયમિત રૂપે સ્વાધ્યાય તથા સત્સંગ કરવા જોઈએ. જેવી રીતે દરરોજ શરીરની સફાઈ કરવી અનિવાર્ય માનવામાં આવે છે તેવી જ રીતે r માનસિક રૂપથી સ્વસ્થ બની રહેવા માટે સદ્વિચારોની મદદથી મનની સફાઈ કરતા રહેવું પડે છે. ઈષિ, દ્વેષ, ધૃણા, કામ, ક્રોધ, લોભ, મોહ જેવા મનોવિકારોને નિયંત્રિત કરવા માટે સત્સાહિત્યનો સ્વાધ્યાય એ રામબાણ દવા છે. મનોવિકારોથી જ હૃદયરોગ, મધુપ્રમેહ, માનસિક અવસાદ, તણાવ, ગાંડપણ, હિસ્ટીરિયા, લોહીનું દબાણ તથા લકવો વગેરે ઘાતક રોગો જન્મ લે છે. તેથી રોગ પહેલાં મનમાં થાય છે અને પછી તનમાં એ સિદ્ધાંત સુનિશ્ચિત સત્ય છે. એનાથી બચવા માટે પહેલાં મનની સારવાર થવી જોઈએ.
૫. આત્મિક સ્વાસ્થ્ય – ઉપાસનાના માધ્યમથી આપણે આપણું આત્મિક સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. આત્મા એ પરમાત્માનો અંશ હોવાથી નિર્મળ અને પવિત્ર હોય છે. પરંતુ વાતાવરણમાંથી તેના પર મનોવિકારોનો મેલ ચઢી જાય છે. ઉપાસના દ્વારા તેની નિયમિત સફાઈ થતી રહેવી જોઈએ.
પ્રતિભાવો