GG-15 : યજ્ઞ પિતા અને ગાયત્રી માતા – ભૂમિકા – ૦૧
August 7, 2022 Leave a comment
યજ્ઞ પિતા અને ગાયત્રી માતા – ભૂમિકા
યજ્ઞ અને ગાયત્રી દેવસંસ્કૃતિના બે મૂળ આધાર છે. એટલા માટે જ પક્ષને ભારતીય સંસ્કૃતિના પિતા અને ગાયત્રીને એની માતા કહેવામાં આવે છે. એમના વિના તો પછી આપણું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે. ચારે તરફ વ્યાપ્ત આસુરી શક્તિઓને, લોભ લાલચ-લિપ્સાની પશુપ્રવૃત્તિઓને, પારિવારિક, સામાજિક તથા રાષ્ટ્રીય અરાજકતાઓને તથા અપરાધિક અનિચ્છનીયતાઓને સમૂળગી નષ્ટ કરવા માટે યજ્ઞ અને ગાયત્રી જ અમોઘ બ્રહ્માસ્ત્ર છે. એ બંનેને ભૂલી જવાને કારણે જ ભારતીય સમાજની આજે આટલી દુર્દશા થઈ રહી છે.
પરમપૂજ્ય ગુરુદેવે પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી આ તથ્યને બહુ પહેલા સમજી લીધું હતું. પશુતાની ભાવનાઓ અને દુષ્પ્રવૃત્તિઓના દુર્ગંધયુક્ત વાતાવરણમાં ગળાડૂબ મનુષ્યને જોઈને પણ એમણે ક્યારેય નિરાશા કે હતાશાનો અનુભવ નથી કર્યો. એમણે સ્પષ્ટરૂપથી એ ઘોષણા કરી હતી કે મનુષ્ય પરમેશ્વરનો રાજકુમાર છે, દિવ્ય ક્ષમતાઓથી પરિપૂર્ણ છે, દેવતા છે. એ ફક્ત પરિસ્થિતિ વશ પોતાના લક્ષ્યથી ભટકી ગયો છે. સબુદ્ધિનું જાગરણ થવાથી એ સ્વયં આ સમસ્યાઓ સામે સફળતાપૂર્વક લડી શકે છે. તેથી જ યજ્ઞ અને ગાયત્રીને તેમણે પુનર્પ્રતિષ્ઠિત કર્યા. દેશના ખૂણે-ખૂણામાં અને વિદેશોમાં પણ લોકોની શ્રદ્ધા-ભાવનાને જાગ્રત કરી. આજે કરોડો વ્યક્તિ યજ્ઞ અને ગાયત્રીના મહત્ત્વને સમજીને પોતાની આત્મિક પ્રગતિ કરી રહ્યાં છે અને લોક-મંગળના કાર્યોમાં રુચિ પણ લઈ રહ્યાં છે.
પૂજ્ય ગુરુદેવ કાયમ અનેક વિષયો પર અમારી શંકાઓ અને જિજ્ઞાસાઓનું સમાધાન કરતા રહેતા હતા. યજ્ઞ અને ગાયત્રીના આધ્યાત્મિક, દાર્શનિક, ભૌતિક, વૈજ્ઞાનિક વગેરે અનેક પક્ષો પર પણ એમની સાથે સમય-સમય પર અમારી ચર્ચા થતી હતી . એનાથી અનેક પ્રચલિત આશંકાઓ તથા ભ્રાંતિઓનું સહજતાથી નિવારણ થઈ શકતું હતું. વિદેશી સભ્યતાની માયા જાળમાં ભટકતી નવી પેઢી તો આ વિચારોથી વિશેષ રૂપે લાભાન્વિત થઈ શકશે. આ પુસ્તકમાં વ્યક્ત વિચાર પૂજ્ય ગુરુદેવના જ છે. જે રીતે પણ તૈયાર કરી શકાયું છે તે આ પુસ્તક “તારું તને અર્પણ”ની ભાવનાથી શ્રીચરણોમાં શ્રદ્ધાપૂર્વક સાદર-સમર્પિત છે.
૫૨મ પૂજ્ય ગુરુદેવ જ્યારે દસ-અગિયાર વર્ષના હતા, ત્યારે એમના પિતા તેઓના સહઅભ્યાસી મહામના માલવીયજીની પાસે લઈ ગયા હતા. એમની ઇચ્છા હતી કે યજ્ઞોપવિત સંસ્કાર અને ગાયત્રી મંત્ર દીક્ષા મહામના માલવીયજી દ્વારા કરાવવામાં આવે. ગુરુદેવે લખ્યું છે ‘‘માલવીયજીના મુખેથી જે વાણી સાંભળી હતી તે હજુ સુધી મારા કાનોમાં ગૂંજે છે. હૃદયના પડદા પર અને મસ્તિષ્કમાં એ ક્યારેય ભૂંસાઈ ન શકે એવા જાણે લોખંડના અક્ષરોથી લખાઈ ગઈ છે.” માલવીયજીએ કહ્યું હતું.
“ભારતીય સંસ્કૃતિની માતા ગાયત્રી છે. યજ્ઞ ભારતીય ધર્મના પિતા છે. આ માતા-પિતાની આપણે બધાએ શ્રવણકુમારની જેમ ખભા પર ઉપાડીને સેવા કરવી જોઈએ.”
પ્રતિભાવો