આધ્યાત્મિક ચિકિત્સા એક સમગ્ર ઉપચાર પદ્ધતિ લેખક તરફથી..
August 8, 2022 Leave a comment
આધ્યાત્મિક ચિકિત્સા એક સમગ્ર ઉપચાર પદ્ધતિ લેખક તરફથી..
જીવન રોગોના ભાર અને મારથી ખરાબ રીતે તૂટી ગયું છે. જ્યારે તનની સાથે મન પણ રોગી થઈ ગયું હોય, તો આ બંનેના યોગફળ રૂપે જીવનનો આ ખરાબ હાલ કેમ ન થઈ જાય? એવું નથી કે ચિકિત્સાની કોશિશો નથી થઈ રહી. ચિકિત્સાતંત્રનો વિસ્તાર પણ ખૂબ છે અને ચિકિત્સકોની પણ ભારે ભીડ છે. પણ સમજ સાચી નથી. જે તમને સમજે છે, તે મનના દર્દને અવગણે છે અને જે મનની વાત સાંભળે છે, તેને તનની પીડા સમજાતી નથી. ચિકિત્સકોના દ્વંદ્વને કારણે તન અને મનને જોડનાર પ્રાણની દોરી નબળી પડી ગઈ છે.
પીડા વધી રહી છે, પણ કારગત દવા મળી નથી રહી. જે દવા શોધવામાં આવે છે, તે નવું દર્દ વધારી દે છે. પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓમાંથી ઘણુંખરું પ્રત્યેકની આ જ હાલત છે. આ જ કારણે ચિકિત્સાની વૈકલ્પિક વિધિઓ તરફ સૌનું ધ્યાન ગયું છે. પરંતુ ચિકિત્સા વિશેષજ્ઞાએ એક વાત સમજવી જોઈએ, તે સમજવામાં આવી નથી. સમજદારોની આ અણસમજ તમામ આફતો મુસીબતોનું મૂળ છે. આ અણસમજની વાત ફક્ત એટલી જ છે કે જ્યાં સુધી જિંદગીને સાચી રીતે સમજવામાં નથી આવતી, ત્યાં સુધી તેની સંપૂર્ણ ચિકિત્સા પણ કરી શકાતી નથી.
જીવન – તન અને મનના જોડાણથી કંઈક વધારે છે. તેમાં અંતર્ભાવના, અંતર્ચેતના અને અંતરાત્મા જેવા અદૃશ્ય આયામ પણ છે. શારીરિક અંગોના જોડાણને બાયોલોજી પર આધારિત મેડિકલ સાયન્સથી સમજી શકાય છે. મનનાં ચેતન – અચેતન પડો સાઈકલોજી દ્વારા વાંચી શકાય છે. પણ અતિચેતનની લિપિ કોણ વાંચે? પ્રારબ્ધ અને સંસ્કારોનાં લેખાંજોખાં કોણ સંભાળે? આ ગહન વાતો તો અધ્યાત્મ વિદ્યાથી જ જાણી – સમજી શકાય છે.
આધ્યાત્મિક દૃષ્ટિથી જ જીવનની યથાર્થતા અને સંપૂર્ણતાની જાણ થાય છે. આ સંપૂર્ણતાના આધારે જ સંપૂર્ણ ચિકિત્સાનું વિધાન શક્ય છે.
આ જ કારણે અધ્યાત્મ વિદ્યા, આધ્યાત્મિક દૃષ્ટિ અને આધ્યાત્મિક ચિકિત્સાની જરૂરનો અનુભવ આજે સૌ કરી રહ્યા છે. આ પુસ્તકના લેખકરૂપે હું આ આધ્યાત્મિક સત્યોને જીવ્યો છું, તે મેં અનુભવ્યાં છે. યુગઋષિ પરમપૂજ્ય ગુરુદેવના સાંનિધ્ય, સાહચર્ય અને સેવામાં જીવનની જે પળ વીતી છે, તે અનિર્વચનીય અનુભૂતિઓ અને ઉપલબ્ધિઓથી ભરેલી રહી છે. ગુરુદેવ અધ્યાત્મવિદ્યા અને અધ્યાત્મ ચિકિત્સાના પરમ વિશેષજ્ઞ હતા. તેમની આ વિશેષતાની ક્ષિતિજમાં આધ્યાત્મિક ચિકિત્સાની નિતનવી આભા વિખરાતી મેં મારી આ જ આંખે જોઈ છે.
અનેક પ્રસંગોએ તેમણે પોતે મને પોતાની પાસે બેસાડીને આધ્યાત્મિક ચિકિત્સાની સચ્ચાઈ બતાવી અને સમજાવી. એમના શ્રીમુખમાંથી જે સૂત્ર, એમનાં શ્રી ચરણોમાં બેસીને શીખ્યો, તે જ બતાવવાની ચેષ્ટા આ પુસ્તકમાં કરવામાં આવી છે. આ પુસ્તકમાં જે કહેવામાં આવ્યું છે, તે નથી કોઈ ગ્રંથના અધ્યયનનો સાર, નથી શબ્દોની ઈન્દ્રજાળની ગોઠવણ. આમાં તો બસ પોતાની અનુભૂતિઓ અને ઉપલબ્ધિઓને ઉદારતાપૂર્વક પોતાનાં પરિજનોમાં વહેંચવાની ચેષ્ટા કરવામાં આવી છે. આને વાંચનાર પુસ્તકની પ્રત્યેક પંક્તિ, શબ્દમાં આ સચ્ચાઈનો અનુભવ કરશે. વાંચનારની આ અનુભૂતિઓમાં તેમના સંપૂર્ણ સ્વાસ્થ્ય જીવનની ઉપલબ્ધિ પણ જોડાય, એ જ ગુરુસત્તાને પ્રાર્થના છે.
| ડૉ. પ્રણવ પંડ્યા
પ્રતિભાવો