GG-15 : ધિયો યો નઃ પ્રચોદયાત્ -૨૩ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
ધિયો યો નઃ પ્રચોદયાત્, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
હવે ગાયત્રી મંત્રના અંતિમ પદને પણ જુઓ. કે ઇશ્વર, અમારી બુદ્ધિને પ્રેરણા આપો. આ બુદ્ધિ શું છે ? ‘ધી’ નો અર્થ છે બુદ્ધિ, જ્ઞાન, સમજ અને વિચાર. પરંતુ શું ફક્ત આ બુદ્ધિને જ ‘ઘી’ કહેવાય છે ? ચાલો ભગવાને તમારી વાત માની લીધી, બુદ્ધિને, જ્ઞાનને પ્રેરણા આપી, બહુ જ વિદ્વાન બનાવી દીધા. બહુ મહાન વૈજ્ઞાનિક બનાવી દીધા. તે એ બુદ્ધિથી એટમબૉબ બનાવ્યો, હાઇડ્રોજન બૉંબ બનાવ્યો. ચાલો થઈ ગયો સંસારનો સત્યાનાશ. શું એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે તે આપણી બુદ્ધિને પ્રેરાણા આપે. અરે જુઠ્ઠાપણું, છેતરપીંડી, ચોરી, બનાવટી, છળકપટ, બદમાશગીરી બધુ શિખવાડવા માટે તો ચારેય બાજુ અસંખ્ય વ્યક્તિ હાજર છે. એના માટે ભગવાનને શું કામ યાદ કરીએ ? એ તો પોતે જ આવું બધું નથી જાણતો, તો આપણને કેવી રીતે શિખવાડશે ? પ્રેરણા કેવી રીતે આપશે ? ગોપથ બ્રાહ્મણમાં ‘ધી’ નો અર્થ બતાવ્યો છે – બુદ્ધિ, કર્મ, મેધા. જે વાત બુદ્ધિમાં આવે એને કર્મમાં લાવીએ, આચરણમાં ઉતારીએ. એનો વાસ્તવિક અર્થ છે કે જો આપણે પરમાત્માને ભૂઃ ભુવઃ સ્વઃ કહીએ છીએ તો પોતે પણ પ્રયત્ન કરીએ કે બીજાના પ્રાણોની રક્ષા થાય, એમના દુઃખ દૂર કરીએ, એમને સુખ આપવાનો પ્રયત્ન કરીએ.
આપણી આત્માને જે વસ્તુની સૌથી વધારે આવશ્યક્તા છે તે છે ‘સદ્ગુદ્ધિ’- એને જ ધિયઃ કહેવાય છે. ગાયત્રી સત્બુદ્ધિની દેવી છે. આપણે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપણને સબુદ્ધિ આપે. ફક્ત મને જ નહીં, આપણને બધાને સદ્ગુદ્ધિ આપે જેનાથી બધાનું કલ્યાણ થાય, બધા જ પ્રેમ અને સહયોગની ભાવનાથી રહે. એ પ્રેરણાથી ઉત્સાહિત થઈને આપણે આપણાં અંતઃકરણનું નિર્માણ કરવામાં લાગી જઈએ. આપણી કુબુદ્ધિ સાથે લડીને તેને હરાવી દઈએ અને એની જગ્યાએ સદ્ગુદ્ધિ સ્થાપવાનો પુરુષાર્થ દેખાડીએ.
ભારતીય સંસ્કૃતિ કર્મવાદની સંસ્કૃતિ છે, એમાં પુરુષાર્થ, પ્રયત્ન, સંધર્ષ અને શ્રમ કરીને ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત કરવાનો આદેશ છે. અથર્વવેદમાં બહુ જ સુંદર એક મંત્ર છે. ‘શ્રયેણ તપસા સૃષ્ટ, નૃત્તાય હંસાય ચ’ કોઈ પૂછે કે ઇશ્વરે સંસારની રચના શું કામ કરી છે તો એનો ઉત્તર છે એટલા માટે કે મનુષ્ય શ્રમ કરી શકે અને ધર્મના માર્ગ પર ચાલી શકે. શ્રમ અને તપના આ માર્ગ પર ચાલતાં-ચાલતાં તે નાચે, હસે અને આનંદના સાગરમાં ડૂબકીઓ લગાવે. પરંતુ આ હાસ્ય, આ આનંદ ક્યારે સંભવ છે, જ્યારે સત્બુદ્ધિ આવશે. એટલા માટે ગાયત્રી મંત્રમાં આપણે ભગવાને પ્રાર્થના કરીએ છીએ કે અમારી બુદ્ધિને શ્રેષ્ઠ માર્ગ પર ચલાવાની પ્રેરણા આપો.
તો બેટા ! આ છે ગાયત્રી મહામંત્રનો ભાવાર્થ. આ મંત્ર પોતાનામાં પૂર્ણ ધર્મશાસ્ત્ર છે. એના અર્થનો ગંભીરતાથી વિચાર કરવાથી ત્રણ તથ્ય પ્રગટ થાય છે પહેલું ઇશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન, બીજુ ઇશ્વરના એ ગુણોને પોતાની અંદર ધારણ કરવા અને ત્રીજું સબુદ્ધિની પ્રેરણા માટે પ્રાર્થના કરવી. માનવ જીવન માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સદ્ગુદ્ધિથી, સાત્ત્વિક બુદ્ધિથી આપણા મગજમાં ઘૂસેલા કુવિચારો, કુસંસ્કારો, નીચ વાસનાઓ તથા દુર્ભાવનાઓનો નાશ થાય છે. સતોગુણી ઋતંભરા બુદ્ધિ વડે, વિવેક વડે, સાન વડે જીવનમાં સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ થાય છે.
બેટા ! હવે તો ગાયત્રી મંત્રનો ભાવાર્થ તું સારી રીતે સમજી ગયો હોઈશ.” ગુરુદેવે પોતાની વાત સમાપ્ત કરતાં કહ્યું. “હા ગુરુદેવ ! આ તો આપે બહુ જ સારી રીતે સમજાવી દીધું. આ ગુરુમંત્રનો ભાવાર્થ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયો છે.” “તો હવે એના પર ખૂબ ચિંતન-મનન કરો. જો કોઈ સંદેહ કે શંકા હોય તો પછી અમને પૂછજો.”
પ્રતિભાવો