GG-15 : ગાયત્રી મંત્ર ફળીભૂત કેવી રીતે થાય છે ? -૨૪ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
ગાયત્રી મંત્ર ફળીભૂત કેવી રીતે થાય છે ? યજ્ઞ પિતા – ગાયત્રી માતા
થોડા દિવસો પછી અમે ગુરુદેવને પૂછ્યું, “પૂજ્યવર ! લાખો વ્યક્તિ ગાયત્રી મંત્રના જાપ કરે છે છતાં પણ સદાય કષ્ટમાં જ જોવા મળે છે. આ મંત્રનું કોઈ પ્રત્યક્ષ ફળ તો દેખાતું જ નથી. આ મંત્ર ફળીભૂત કેવી રીતે થાય છે ? જેવી રીતે આપને ફળીભૂત થયો છે તેવી રીતે બીજા કોઈને પણ ફળીભૂત થયો છે ? કૃપા કરી વિસ્તારથી સમજાવો.”
ગુરુદેવ હસ્યાં, ‘હું તારી પાસેથી આ જ પ્રશ્નની આશા રાખતો હતો. બેટા, તું બરાબર કહે છે. એવાં લાખો લોકો છે ગાયત્રી મંત્રના જાપ કરે છે. એક-ત્રણ-અગિયાર ચોવીસ સુધી માળા રોજ જપે છે. કેટલાંક વધારે પણ જપે છે પરંતુ પરિણામ તો નકામું જ રહે છે. ન તો માયા મરી ન રામ’ વાળી સ્થિતિ થઈ જાય છે. આવું કેમ થાય છે ? બેટા, લોકો એ જાણતા જ નથી કે ગાયત્રી મંત્રના જાપ કેવી રીતે થાય ? ફક્ત બતાવવા માટે જ મંત્ર જાપ થાય છે. બેઠા-બેઠા માળા ફરી રહી છે. લોકો સમજે છે બહુ મોટા ભક્ત છે. પરંતુ સાચું પૂછો તો તેઓ જપ કરતાં જ નથી હોતા. માળા હાથમાં ફરી રહી છે અને હોઠેથી મંત્રનો અવાજ પણ આવી રહ્યો છે. પરંતુ મન ! આ મન તો ક્યાંક બીજા ફરી રહ્યું છે, ક્યારેક દુકાનનો હિસાબ જોઈ રહ્યું છે, તો ક્યારેક તિજોરીમાં સંતાડેલી નોટો ગણી રહ્યું છે. ક્યારેક પોતાની પ્રેમિકાનું ચક્કર કાપી આવે છે તો ક્યારેક પોતાના બૈરી-છોકરાની ચિંતામાં ડૂબેલું છે.
માલા તો કર મેં ફિરૈ, જીભ ફિરૈ મુખ માંહિ । મનીરામ ચહુદિશ ફિરૈ,યહ તો સિમરન નાંહિ ॥
તો આ સ્થિતિ છે, આ રીતે તો પ્રભુનું સ્મરણ ન થાય, ગાયત્રી મંત્રના જાપ ન થાય. જ્યાં સુધી એકાગ્રચિત્ત થઈને જાપ નહીં થાય એનો કશો પણ લાભ નહીં મળે. જાપ એ સમયે થાય કે જ્યારે માળા, હોઠ, જીભ, કંઠ, ચિત્ત અને મન બધા એક સાથે ફરતાં હોય. બધા એક તાલથી, એક સ્વરમાં, એક તરંગથી કામ કરે છે ત્યારે જે જપવામાં આવે છે એનો મન પર પ્રભાવ પડે છે. મન સાત્ત્વિક ગુણોથી ભરપુર થઈ જાય છે. આવી સ્થિતિમાં મન ગાયત્રી મંત્રના આદેશોને, વેદમાતા ગાયત્રીના નિર્દેશોનું પાલન કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે આ ગુરુમંત્રનું ફળ આપણને પ્રાપ્ત થાય છે.
બેટા ! આ મન બહુ જ ચંચળ હોય છે. આમ-તેમ ભટકતું રહે છે. દરેક સમયે વિષય-વાસનામાં ફસાયેલું રહે છે. કુવિચારોનું ચિંતન કર્યા કરે છે. એટલા માટે તો કહે છે
મન લોભી, મન લાલલી,મન ચંચલ,મન મોર । મન કે મતે ન ચલિએ બિલબ-બિલખ મન રોય ॥
જો મનની આવી અવસ્થા હોય તો પછી એના અનુસાર ચાલવાથી રડવા સિવાય બીજું શું મળે ? સૌથી પહેલાં મનને વશમાં કરવું પડે છે. આ કેવી રીતે થાય છે ? આમ થાય છે ગાયત્રી માતાની કૃપાથી, સદ્ગુદ્ધિથી. સદ્બુદ્ધિથી મન વશમાં થાય છે. અને મન વશ થયા પછી સદ્ગુદ્ધિમાં વધારો થાય છે. ગાયત્રી મંત્રના નિર્દેશોનું પાલન કરવામાં મન લાગે છે ત્યારે મંત્ર ફળીભૂત થાય છે.
મનને વશ કરવા માટે બહુ સંઘર્ષ કરવો પડે છે. સાહસની, પુરુષાર્થની જરૂરત પડે છે. જેટલા પણ મહાપુરુષો થયા તે બધાએ કઠોર સંધર્ષ કરીને મનને વશ કર્યું છે અને સફળતાઓ મેળવી છે. ગીતામાં ભગવાને આ જ સંઘર્ષ માટે અર્જુનને લલકાર્યો હતો. યુદ્ધ ક્ષેત્રમાં અર્જુન મોહગ્રસ્ત થઈ રહ્યો હતો. કૌરવ સૈનામાં એના ભાઈ-બાંધવો, ગુરુ-આચાર્ય બધા જ પોતાના જ તો હતા. પછી એમની સાથે યુદ્ધ કેવું ? એમના ૫૨ શસ્ત્ર કેવી રીતે ઉઠાવાય ? ભગવાન કૃષ્ણએ એને સંઘર્ષ કરવા માટે ઉત્તેજિત કર્યો. સત અને અસતમાં, નીતિ અને અનીતિમાં ભેદ કરીને જે ઉચિત માર્ગ હતો, લોકહિતમાં હતા તેના પર ચાલવા માટેની સદ્ગુદ્ધિ જાગ્રત કરી. એને સમજાવ્યું કે કૌરવ પક્ષના બધા જ યોદ્ધા, દુરાચારી, સ્વાર્થી અને પાખંડી છે. એમની અનીતિથી જનતા પણ દુ:ખી છે. એ બધાને સમાપ્ત કરી દેવા જ જનહિતમાં છે અને પુણ્યકાર્ય છે. જ્યારે અર્જુનને સત્બુદ્ધિ આપી, સાફ્સ તથા પુરુષાર્થ જાગ્યા તો મહાભારતમાં અનીતિનો પરાજય થયો અને ચારેય તરફ સુખ-શાંતિનું વાતાવરણ બન્યું. તો આ પ્રકારે ગાયત્રી મંત્ર ફળીભૂત થયો.
આ ચંચળ મનને વશ કરવા માટે ખૂબ જ કઠોર તથા ક્યારેક-ક્યારેક તો અનોખી સાધના કરવી પડે છે. સ્વામી વિવેકાનંદ એકવાર ધર્મ પ્રચાર માટે વિદેશ પ્રચાર પર હતા. તેઓ જે વ્યક્તિના ઘેર ઉતર્યા હતા તેમની છોકરી એમના તરફ આકર્ષિત થઈ ગઈ. એ વારંવાર સ્વામીજીની આજુબાજુ આંટા મારતી રહેતી અને ઇશારાપૂર્ણ હાવ-ભાવથી પોતાના વિચાર પ્રગટ કરતી જેનાથી સ્વામીજીનું ધ્યાન તેની તરફ આકર્ષિત થતું. એનાથી સ્વામીજી પણ વિચલિત થવા લાગ્યાં અને રાત-દિવસ એના જ વિચારમાં મન ઘૂમવા માંડ્યું. એમણે પોતાના મનને વશ કરવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ જ્યારે સફળતા ન મળી તો એક અનોખો પ્રયોગ કર્યો. એમણે લોખંડનો એક તવો લઈને આગ પર ગરમ કર્યો અને જ્યારે તે લાલ થઈ ગયો તો પોતાના કપડાં ઉતારી એની પર બેસી ગયા. લોકોને ખબર પડી તો એમને તરત જ દવાખાનામાં દાખલ કરાવ્યા જ્યાં કેટલાય દિવસોની સારવાર પછી ઠીક થયા. આ રીતે સ્વામીજીએ પોતાના ચંચળ મનને વશ કરીને એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું.
‘હા ! ગુરુદેવ આપ ઠીક કહી રહ્યાં છો. મનને વશમાં કરવા માટે સાચે જ બહુ કઠોર સાધના કરવી પડે છે. પહેલા જ્યારે અમે ડબરામાં હતા ત્યાં પણ આવી જ એક ઘટના બની હતી. આજ્ઞા આપો તો સંભળાવું.”
“બા બેટા સંભળાવ કે ગુરુદેવની આજ્ઞા મેળવીને અમે એ ઘટના સંભળાવી, પહેલા અમે જ્યારે ડબરા મિલમાં હતા ત્યાં પણ સવારે ફરવા જતા હતા, પાસે જ એક આશ્રમ હતો જ્યાં બે સંન્યાસી રહેતા હતા. એક વાર એ તરફ ગયો તો ત્યાં નાના સંન્યાસી જ હતા. મોટા સંન્યાસી દેખાયા નહીં. પૂછ્યું તો નાનાએ બતાવ્યું કે તેઓ ઔરડી બંધ કરીને સાધના કરી રહ્યાં છે. ઓરડીના દરવાજા પાસે કાન લગાડીને સાંભળ્યું તો અંદરથી અવાજ આવતો હતો. ખાઈ લે, ખાતો કેમ નથી. ખાઈ લે. ખાતો કેમ નથી. ત્રણ દિવસ સુધી આમ જ ચાલતું રહ્યું. ચોથા દિવસે મોટા સંન્યાસી બહાર બેઠેલા મળ્યા. અમે પૂછ્યું કે આ તમે કેવી સાધના કરી રહ્યાં હતા. ‘ખાતો કેમ નથી, ખાઈ લે ! સ્વામીજી અમને એ ઓરડીમાં લઈ ગયા તો ત્યાં અમે જોયું કે ચારેય તરફ જાત જાતની મીઠાઈઓ રાખી હતી, ઓરડો સ્વાદિષ્ટ પકવાનોની સુગંધથી ભરેલો હતો. અમે પૂછ્યું કે આ બધું શું છે તો એમણે બતાવ્યું, ‘બેટા, અમે તો પોતાના મનને વશમાં કરવાની સાધના કરી રહ્યાં હતાં. જીભ કાબૂમાં જ નોતી રહેતી. મન વારે ઘડીએ મીઠાઈ તથા ચટપટી વસ્તુઓ ખાવા માટે લલચાતું હતું. આ મને અમને પોતાનું ગુલામ બનાવી રાખ્યું હતું. એટલે અમે આ સાધના કરી, ચારેય બાજુ મીઠાઈ-પકવાન રાખી વચમાં હું બેસી ગયો. સાથે એક પ્યાલામાં લીમડાના પાનનો રસ પણ રાખી લીધો. જ્યારે પણ મન આ બધુ ખાવા માટે દોડતું ત્યારે મોંઢામાં બે ઘૂંટડા લીમડાનો રસ નાંખી દેતો, પછી મનને કહેતો ખાઈ લે, ખાતો કેમ નથી.’ આ રીતે ત્રણ દિવસ વીતી ગયા. હવે મન પૂરી રીતે અમારા વશમાં છે, અમારું એ ગુલામ થઈ ગયું છે.’
ગુરુદેવ આ સાંભળીને બોલ્યા, ‘હા બેટા. અમે એમની બાબતમાં જાણીએ છીએ. તે પેલી ગોળ ખાવાવાળી વાત પણ તો સાંભળી જ હશે, ”
‘ગુરુદેવ ! કશું ધ્યાન નથી આવતું.” અમે નિવેદન કર્યું. એક પહોંચેલા મહાત્મા હતા. એક વખત એક સ્ત્રી પોતાના ૮-૧૦ વર્ષના પુત્રને લઈને એમની પાસે પહોંચી અને કહ્યું કે આ છોકરો ગોળ બહુ ખાય છે એને છોડાવવાની કોઈ રીત બતાવો. મહાત્માજીએ એને બીજા રવિવારે આવવાનું કહી દીધું. ફરી વખત જ્યારે આવી તો ફરી બીજા રવિવારે આવવાનું કહ્યું. ‘આ રીતે ચાર રવિવાર વીતી ગયાં. પાંચમી વાર જ્યારે તે આવી ત્યારે મહાત્માજીએ એના પુત્રને પાસે બેસાડયો, એની આંખોમાં આંખો પરોવીને બોલ્યા, ‘બેટા ગોળ ખાવો સારી વાત નથી. એ તું ખાઇશ નહીં.’ એ સ્ત્રી બહુ જ હેરાન થઈ ગઈ અને બોલી ‘બસ આટલું જ કહેવું હતું તો પહેલા દિવસે જ કહી દેવું હતું ને. કામ વગર મને પાંચ વખત દોડાવી. હવે આટલું કહેવાથી પણ શું થશે. આ તો હું પણ એને કહેતી રહું છું.’ મહાત્માજીએ કહ્યું. બહેન, હું પહેલા દિવસે પણ આ કહી શકતો હતો પરંતુ એનો કોઈ પ્રભાવ ન પડત. કારણ કે હું પોતે જ બહુ ગોળ ખાતો હતો. આટલા દિવસોમાં મેં મારા મન પર કાબૂ મેળવી લીધો છે અને ગોળ ખાવાનો બિલકુલ બંધ કરી દીધો છે. હવે મારું મન મજબુત થઈ ગયું છે એટલે મારા કહેવાનો પ્રભાવ પણ આ બાળક પર પડશે, જોઈ લેજે.’ સાચે જ એમની આ વાતનો પ્રભાવ પડ્યો અને છોકરાએ ગોળ ખાવાનો છોડી દીધો. તેં જોયું બેટા, મનને વશ કરવાથી કેટલો પ્રભાવ વધી જાય છે. આ રીતે ગાયત્રી મંત્ર ફળીભૂત થાય છે. પહેલાં પોતે કરો પછી બીજાને કર્યો.
‘“બેટા સંઘર્ષ વગર, સાહસ અને પુરુષાર્થ વગર જીવનમાં કશું જ થઈ શકતું નથી. ગાયત્રી મંત્રથી આપણને આજ શિક્ષા મળે છે. ‘ભર્ગઃ’આપણને અનિચ્છનીયતાઓ સામે લડવાનું શિખવાડે છે, આપણને એનાથી બચવાની પ્રેરણા આપે છે. આજકાલ જ્યાં જુઓ ત્યાં અનીતિ-અધર્મનું રાજ છે. જુગાર, શરાબની બીમારી ઘર-ઘરમાં ઘુસતી જાય છે. એનાથી છૂટકારો મેળવવા માટે બધાએ સંઘર્ષ કરવો જોઈએ. દહેજની બીમારી તો બહુ જ ખરાબ રીતે ફેલાઈ રહી છે. હવે તો છોકરાઓના ભાવ નક્કી થઈ રહ્યાં છે. ડૉક્ટરના આટલા લાખ, એન્જીનીયરના આટલા લાખ. લગ્ન તો જાણે ઠગવાનો એક ધંધો બની ગયો છે. આપણા સમાજમાં આ કેવી કુરીતિ ઘુસી આવી છે. એનાથી છુટકારો મેળવવા માટે બધાએ એક થઈને સંઘર્ષ કરવો પડશે. નવયુવકોએ તો આમાં વિશેષ ભૂમિકા નિભાવવી પડશે. એમણે એ સમજવું પડશે કે તેઓ વેચાણ યોગ્ય વસ્તુ નથી અને એનો ખુલ્લો વિરોધ કરવો પડશે.
તને એક કિસ્સો સંભળાવું છું. હમણાંની પાછલા વર્ષની જ ઘટના છે. એક સુંદર સુશીલ છોકરી હતી. મા-બાપનું એકલું સંતાન. ખૂબ ભણીને સ્કૂલમાં શિક્ષિકા બની ગઈ હતી, એના લગ્ન થતા નહોતા કારણ કે જ્યાં પણ વાત ચાલતી, દહેજની માગ એટલી વધારે થતી કે મન મારીને રહી જવું પડતું. આખરે એના માતા-પિતાએ વિચાર્યું કે મકાન શું કામ વેચી ન દેવું. છોકરીના લગ્ન પછી બંને તો ક્યાંય પણ રહેવા જશે. એમણે આમ જ કર્યું અને એક જગ્યાએ લગ્ન નક્કી કર્યું. કન્યા પધારવાના સમયે જ્યારે છોકરી મંડપમાં આવી રહી હતી ત્યારે છોકરાએ જોયું કે છોકરી રડી રહી છે. એણે કહ્યું લગ્ન તો પછી થશે પહેલાં એ એકાંતમાં છોકરી સાથે વાત કરવા માગે છે. બધાએ બહુ સમજાવ્યો છતાં પણ તે માન્યો નહીં. આખરે બંનેને એક ઓરડામાં બેસાડવામાં આવ્યા. છોકરાએ વારંવાર પૂછ્યું ત્યારે છોકરીએ બતાવ્યું કે કેવી રીતે દહેજના રૂપિયા ચૂકવવા માટે એના પિતાએ આ મકાન વેચી દીધું અને હવે લગ્ન પછી તેઓ આ ઘર ખાલી કરી દેશે પછી તે ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવી શકે. એ છોકરાએ થોડી વાર વિચાર કર્યો પછી મનમાં ને મનમાં કાંઈક નિર્ણય ર્યો તથા એ છોકરીને કહ્યું કે તે ચિતા ન કરે. પછી બંને મંડપમાં આવી ગયા. લગ્નના બધા કર્મકાંડ પૂરા થયા અને અંતમાં વિદાઇની ઘડી પણ આવી. એ સમયે એ છોકરો પોતાના સગા-વહાલાંઓને છોડીને છોકરીવાળાના પક્ષમાં આવી ગયો. એણે બધા જાનૈયાઓ અને સગાઓને નમસ્કાર કર્યા અને બોલ્યો કે આપ લોકો જાઓ હું તો હવે અહીંયા જ રહીશ. બધાએ સમજાવ્યો કે આ શું ગાંડપણ કરે છે, વહુને લઈને ઘેર ચાલ. કેવી રીતે ચાલું, મને તો અહીં વેચી દેવામાં આવ્યો છે. છોકરાના પિતાએ કહ્યું કે ‘ક્યાંય કોઈ પિતા પોતાના પુત્રને વેચે પણ ખરો ?’ એ છોકરાએ કહ્યું ‘પિતાજી આપે તો મને વેચી જ દીધો છે અને મારી કિંમત પણ દહેજના રૂપમાં લઈ લીધી છે. હવે હું અહીંયાથી નથી જઈ શકતો.’ બધાએ સમજાવ્યો ત્યારે અંતમાં એ બોલ્યો કે બધા રૂપિયા પાછા આપી દો અને એમનો જે ખર્ચ થયો તે પાછો આપી દો ત્યારે જ હું અહીંયાથી ચાલીશ. એના પિતાને આ વાત માનવી પડી.
તો જો બેટા, એ છોકરામાં સદ્ગુદ્ધિનું જાગરણ થયું તો પોતાના બાપની અનીતિનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં એને જરાપણ ખચકાટ ન થયો. ખાવા સમાચાર ઓછી વખત આવતા હોય છે. તું સમાચાર પત્ર વાંચે છે. એમાં આવા સમાચાર પર ધ્યાન આપ્યા કરે. જ્યાં ચોરી, ડાકુગીરી, રાજનૈતિક ઉથલ પાથલ વગેરેના સમાચાર છપાય છે. ત્યાં ક્યારેક-ક્યારેક આવા સમાચાર પણ આવે છે કે અમુક છોકરાએ, અમુક છોકરીએ આવું સાહસપૂર્ણ કાર્ય કર્યું. ખેલ-કૂદમાં નામના મેળળવી કે કઠણાઈઓમાં એકબીજાની મદદ કરવી પ્રશંસનીય તો હોય છે જ પણ એનાથી પણ વધારે પ્રશંસનીય છે સમાજમાં ફેલાયેલી કુપ્રથાઓ સામે લડવું, પ્રચલિત કુપ્રથાઓને તોડવી. જે પણ આવું કરવા માંડે છે માનજો એને ગાયત્રી મંત્ર ફળીભૂત થઈ રહ્યો છે. આ મંત્ર ફળીભૂત થાય છે ગાયત્રી માતાના નિર્દેશોનું પાલન કરવાથી, ફક્ત જાપ કરવાથી કશું જ નથી થતું.
બેટા, રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠના આશ્રમમાં રહીને ગાયત્રીમંત્રની સાધના કરી હતી. સંદીપની ઋષિએ પણ શ્રીકૃષ્ણજીને આ જ મંત્રની સાધના કરાવી હતી. આ બંનેએ પણ આ મંત્રને પોતાના જીવનમાં ઉતાર્યો હતો. બધા જ કામ એના નિર્દેશો પ્રમાણે કરતા હતા ત્યારે તો મહાપુરુષ બન્યા અને આજે હજારો વર્ષ પછી પણ એમની પૂજા કરવામાં આવે છે, પરંતુ ફક્ત પૂજા જ ન કરો એમની માફક પોતાનું આચરણ પણ બનાવો. ગાંધીજીએ પણ આ જ મંત્રનો જાપ કર્યો હતો તો તેઓ કેટલાં મહાન બની ગયા હતા.
એકવાર ગાંધીજીને દિલ્હીની નિબિયા કૉલેજમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. કૉલેજનો ઉદ્ઘાટન સમારોહ હતો. જ્યાં મોટે ભાગે મુસલમાન જ હતા. ગાંધીજીએ દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું અને પછી ગાયત્રીમંત્રના સિદ્ધાંતો પર પ્રકાશ ફેંકવાનો પ્રારંભ કર્યો. ત્યાં ઉપસ્થિત મુસલમાનોએ એનો વિરોધ કરતાં કહ્યું કે આ તો હિંદુઓનો મંત્ર છે. તેઓ મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધી વાતો જ બતાવે. એના પર ગાંધીજીએ કહ્યું કે ગાયત્રીમંત્ર ફક્ત હિંદુઓનો જ નહીં પરંતુ સંસારની દરેક વ્યક્તિ માટે છે. એનું ચિંતન-મનન તથા ધ્યાન કરવાથી, એના આદેશો તથા નિર્દેશોનું પાલન કરવાથી મનુષ્ય સદા સ્વસ્થ તથા સુખી રહે છે. એનાથી બુદ્ધિ શુદ્ધ થાય છે, જે પણ એને અંતકરણમાં ધારણ કરે છે તે ક્યારેય રોગગ્રસ્ત થઈ જ શકતો નથી. જે પણ રોગી હોય છે તેને દવા આપે છે, પરંતુ જો કોઈ રોગી નિયમ–સંયમનું પાલન ન કરે, ચિત પરેજી ન પાળે તો પછી દવા શું કરશે. રોગ દવાથી તો સારા પણ નથી થતાં. તે ઠીક થાય છે ઉચિત આચરણ અને પરેજીથી, શુદ્ધ આહાર-વિહારથી, દવા તો એમાં થોડો ઘણો સહયોગ જ કરે છે. લોકો મોટે ભાગે પોતાની માનસિક પરેશાનીઓને કારણે જ બીમાર પડે છે. આ મંત્રના પ્રભાવથી એની બધી જ માનસિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.
દવાખાના અને ડૉક્ટરોની વાત નીકળી છે તો બેટા તને એક વાર્તા સંભળાવું છું. એક વખત એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. પાછા ફરતાં મોડું થઈ ગયું તો રસ્તામાં એક ગામમાં રોકાઈ ગયા. ગામવાળાઓએ રાજાની ખૂબ સેવા કરી જેનાથી તે બહુ જ પ્રભાવિત થયા. પાછા ફરીને વિચાર્યું કે ગામવાળા માટે કશું કરવું જોઈએ અને એ ગામમાં એક દવાખાનું બંધાવી દીધું. દવાખાનું બની ગયું તો એમાં કેટલાય યોગ્ય ડૉક્ટર પણ નિયુક્ત કર્યા. દવાખાનું ખોલ્યાને ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું, પરંતુ એ દવાખાનામાં એક પણ રોગી ન આવ્યો. ડૉક્ટરો પણ બેઠાં બેઠાં કંટાળી ગયા, એ લોકોએ રાજાને આવીને વાત જણાવી તો રાજા બહુ ક્રોધિત થયા કે એણે તો ગામવાળાઓના ભલા માટે આ દવાખાનું બનાવ્યું હતું અને તેઓ ત્યાં સારવાર કરાવવા જતાં નથી. તપાસ કરતાં ખબર પડી કે ત્યાં ક્યારેય કોઈ બીમાર જ નથી પડતું. બધા આખો દિવસ મહેનત કરે છે. પુરુષ-સ્ત્રી, બાળકો-વૃદ્ધો બધા શ્રમદેવતાની ઉપાસના કરે છે અને ક્યારેય પણ રોગી નથી થતા. રાજા પણ એ ગામવાળા સમક્ષ નતમસ્તક થઈ ગયો અને કહેવા લાગ્યો કે બધા આ રીતે શ્રમશીલ બની જાય તો દેશની કાયાપલટ જ થઈ જાય.
પરંતુ બેટા આજકાલ તો લોકો પોતાના હાથે તેમનું પોતાનું જ કામ પણ કરવા નથી ઇચ્છતા. દરેક સમયે એમને આરામ જ જોઈએ છે. લોકો જાત-જાતની સુખ-સુવિધાના સાધન એકત્રિત કરી રહ્યાં છે અને તેટલાં પ્રમાણમાં એમના રોગ પણ વધતા જાય છે. દવાખાનાઓમાં એવી ભીડ રહે છે કે જાણે ત્યાં મફતનો માલ વહેંચાઈ રહ્યો હોય. લોકોમાં માંદા પડવાની અને મોઘા મોંઘા ડૉક્ટરોની સારવાર કરાવવાની પણ એક ફેશન ચાલી રહી છે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે લોકો ગાયત્રીમંત્રના નિર્દેશોનું પાલન નથી કરતા, સવિતા સૂર્યની માફક સદાય નિયમપૂર્વક શ્રમ ન કરે તો તેજ અને પ્રકાશ ઉત્પન્ન ન થાય. તો બેટા, તે જોયુંને કે મંત્ર કેવી રીતે ફળીભૂત થાય છે. રાવણે પણ બહુ ઉગ્ર ઉપાસના-સાધાના કરી હતી. સર્વશ્રેષ્ઠ વિદ્વાન હતો. અતુલિત ધનબળ, શરીરબળનો સ્વામી હતો, પરંતુ ગાયત્રીમંત્રના જાપ ન કર્યા. સદ્બુદ્ધિ એનામાં હતી નહીં અને એનું શું પરિણામ આવ્યું ? ભસ્માસુરે કેટલી કઠોર તપસ્યા કરી હતી. ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. પરંતુ એનામાં સદ્ગુદ્ધિનું જાગરણ થયું જ નહીં. સ્વાર્થ અને ઇર્ષ્યાના મોહમાં એણે ભગવાન પાસેથી કેવું વરદાન માગ્યું કે તે પોતે જ એનાથી ભસ્મ બનીને નષ્ટ થઈ ગયો.
ગાયત્રી મંત્રના જાપ પણ કરો, એના અનુસાર પોતાનું આચરણ પણ રાખો, એ ત્યારે ફળીભૂત થાય છે. આજે ચારેય તરફ જે અમાપ-અગાધ વૈચારિક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના ચક્કરમાં પડીને ક્યાંક તું પણ ગાયત્રી માતાને ભૂલી ન જતો. “નહીં ગુરુદેવ ! અમે તો દરરોજ સવાર-સાંજ ગાયત્રીમાતાની મૂર્તિ સામે મસ્તક નમાવીએ છીએ.” અમે આભાસાન આપ્યું.
‘વાહ બેટા, ગાયત્રીની મૂર્તિ સામે ફક્ત સવાર-સાંજ મસ્તક નમાવવાથી શું થશે. એને તો ચોવીસ કલાક સૂતાં-જાગતાં, ઉઠતાં બેસતાં, હરતાં-ફરતાં દરેક સમયે મસ્તક ઝુકાવવું જોઈએ.”
‘ગુરુદેવ તો પછી બીજા કામ ક્યારે કરીશું. ”
‘‘સારું તો એનો ઉપાય કાલે બતાવીશું, તું પણ વિચારજે” અને એ દિવસની ચર્ચા સમાપ્ત થઈ.
પ્રતિભાવો