GG-15 : ગાયત્રી માતા-૧૬, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
ગાયત્રી માતા, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
થોડા દિવસ પછી ફરીથી તક મળતાં અમે નિવેદન કર્યું, “ગુરુદેવ, યજ્ઞ પિતા ગાયત્રી માતામાં આપે યજ્ઞની બાબતમાં બહુજ વિસ્તારથી બતાવ્યું હતું અને અમારી શંકાઓનું સમાધાન કરી દીધું હતું, હવે ગાયત્રીની બાબતમાં પણ એવી રીતે સમજાવવાની કૃપા કરો. સૌથી પહેલાં તો એ જ બહુ વિચિત્ર લાગે છે કે આપણે ગાયત્રીને માતા કેમ કહીએ છીએ.” ક્રમ, એમાં વિચિત્ર શું છે ?” ગુરુદેવે પૂછ્યું.
”ગુરુદેવ ! માતા તો એ હોય છે જે આપણને જન્મ આપે છે. તો પછી આ ગાયત્રી કેવી રીતે માતા બની ? એને તો આપણે જોઈ પણ નથી શક્તા અને ગુરુદેવ ! ગાયને પણ માતા કહીએ છીએ, પૃથ્વીને પણ માતા કહીએ છીએ, આખરે આખરે આપણી કેટલી માતાઓ હોય છે ?
સાંભળીને ગુરુદેવ જોરથી હસ્યા અને ઘૂરકીને મને જોવા લાગ્યા. જાણે કે મનની વાતની ઊંડાઈ માપી રહ્યા હોય કે ક્યાંક મજાકમાં તો મેં આવી વાત નથી કરી દીધીને. પરંતુ અમારી ગંભીરતા અને પ્રશ્નની ગૂઢતાને જોતાં તે પણ સતર્ક થઈ ગયા થોડીવાર મૌન રહ્યા પછી એમણે વંદનીય માતાજી ભગવતીદેવીની તરફ ઇશારો કરી પૂછયું, ‘“બેટા બતાવ ! આ કોશ બેઠી છે.” “આ તો અમારી માતાજી છે” અમે તરત જ કહી દીધું.
કેમ ? એ તારી માતા કેવી રીતે થઈ ગઈ ? એમણે તો તને જન્મ આપ્યો જ નથી. વળી એ ઉંમરમાં પણ તારાથી નાની છે, એમને તું માતા શા માટે કહે છે ?’
”જી.જી. ગુરુદેવ…!” અમે અચકાઈને કહેવા લાગ્યા. માતાજી પણ આ જોઈને હસવા લાગ્યા. *“બેટા ! તારા મનમાં જે અટકી રહ્યું છે, શબ્દોમાં વ્યક્ત નથી થઈ રહ્યું, એ જ તારા પ્રશ્નનો ઉત્તર છે. આ નારી તને સ્નેહ કરે છે, તારી સુખ-સુવિધાનો, ખાવા-પીવાનું ધ્યાન રાખે છે. તને કોઈ કષ્ટ થાય, બીમારી હોય તો દરેક પ્રકારે સેવા કરીને દુ:ખ દૂર કરે છે અને ક્યારેક અમે નારાજ થઈ જઈએ છીએ ત્યારે ઢાલ બનીને તારી રક્ષા માટે અમારી સામે પણ ટક્કર લેવા માડે છે. ત્યારે તો તું એમને માતાજી કહે છે.” આટલું કહીને ગુરુદેવ હસવા લાગ્યા, માતાજી પણ આ વાત પર જોરથી હસવા લાગ્યા. અમે તો કશું કહી જ ન શક્યાં. પૂજ્યવરે જ વાત આગળ ચલાવી.
“બેટા ! આપણા ઋષિઓએ ગહન ચિંતન પછી ગાયત્રીને માતાની પદવી પર સુશોભિત કરી છે. ગાયત્રીએ તમને કે મને જ નહીં આખા સંસારને જન્મ આપ્યો છે. આ આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ જ ગાયત્રીથી ઉત્પન્ન થયું છે. એ જ બધાનું પાલન પોષણ કરે છે, અનાજ-પાણીની વ્યવસ્થા કરે છે, ઔષધિઓ આપે છે, કષ્ટ સમયે આપણી રક્ષા કરે છે, કોટિ-કોટિ આશિર્વાદ વરદાનોની આપણા ઉપર સતત વર્ષા કર્યા કરે છે. ત્યારે તો તે આખા સંસારની માતા છે, જગતમાતા છે, વિશ્વમાતા છે.
આસ્તિક-નાસ્તિક, સાકાર-નિરાકારના ઝઘડામાં ન પડો, પરંતુ એ તો નિશ્ચિત છે કે વિરાટ સૃષ્ટિ-બ્રહ્માંડના નિયંતા પરમેશ્વર અખૂટ શક્તિ સંપન્ન છે, સાર્વ ભૌમિક છે, સાર્વલૌકિક છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશના રૂપમાં સર્જન, અભિવર્ધન અને પરિવર્તનના માધ્યમથી સૃષ્ટિ-સંચાલનનું ચક્ર ચલાવી રહેલ છે. જડ-ચેતન બધામાં એ જ ઇશ્વરીય શક્તિનો વિદ્યુત પ્રવાહ તરંગિત થઈ રહ્યો છે. બ્રહ્મા દ્વારા જ સૃષ્ટિની રચના થઈ છે. ચૌર્યાસી લાખ યોનિઓના ચક્રમાં જીવધારીઓને બાંધવામાં આવેલ છે. વિષ્ણુ એ બધાનું પોષણ કરે છે. મહાકાળ શંકર સંહાર અને પરિવર્તન દ્વારા સૃષ્ટિચક્રને ગતિ પ્રદાન કરે છે. આ બધાની પણ ઉપર ગાયત્રીની મહિમા છે. ગાયત્રી સદ્દબુદ્ધિની, સદ્વિચારોની દેવી છે. એના વિના તો કશું જ સંભવ નથી. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પણ જો સદ્દબુદ્ધિથી કામ ન કરે, પરસ્પર ઉચિત ત્તાલમેલ ન રાખે તો મહાપ્રલયમાં શું વાર લાગશે. એટલા માટે જ કહેવાય છે કે ગાયત્રીથી જ સૃષ્ટિની રચના થઈ છે. એ જ એની પોષક છે, નિયામક છે, નિયંત્રક છે, ત્યારે તો માતાની પદવી પર બિરાજમાન છે.
મા સ્નેહ તથા શ્રદ્ધાનો અતૂટ સંગમ છે. એના હૃદયમાંથી બાળકો માટે પ્રેમ તથા વાત્સલ્યની અજસ્ત્ર ધારા પ્રવાહીત થતી રહે છે. એના માટે તો ‘કુટિલ, કપટી, કપૂત’ પણ આંખોના તારા અને જિગરના ટુકડા સમાન છે, બાળકોને પણ માની ગોદમાં જ આખા સંસારનું સુખ મળે છે. એની ગોદમાં અપૂર્વ આત્મબળ જાગૃત થાય છે. માનું ધ્યાન કરતાં જ મનમાં સ્નેહ, શ્રદ્ધાના ઝરણા ફૂટવા લાગે છે. માની સાથે સ્નેહ-બંધન કેટલું પવિત્ર અને અતૂટ છે એના વખાણ કરવા પણ સંભવ નથી. એને પ્રસન્ન રાખવાની એની ઇચ્છાનુસાર કામ કરવાની પ્રેરણા ઉત્પન્ન થાય છે. એટલા માટે ઋષિઓએ ગાયત્રીને માતા કહી છે જેથી બધાની શ્રદ્ધા એનામાં સ્થાપિત થાય અને બધા સદ્ગુદ્ધિથી કાર્ય કરે. તને અર્જુનના જીવનની એક ઘટના સંભળાવું છું. અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી હતો, બળ તથા પૌરુષમાં એ જમાનામાં કોઈ પણ એની બરાબરીનું હતું નહીં, એ આકર્ષક પુરુષ પર ઉર્વશી નામની અપ્સરા મોહિત થઈ ગઈ. એ પણ સમયની સર્વશ્રેષ્ઠ સુંદરી હતી. એણે અર્જુનને વશ કરવા ઘણાં પ્રયત્નો કર્યો, એણે કહ્યું કે તે એના જેવા જ પુત્રની માતા બનવા માગે છે. અર્જુને કહ્યું, ‘દેવી ! આપ એ ચક્કરમાં ન પડો, એમાં ખૂબ કર ઉઠાવવું પડે છે. પછી એ પણ નિશ્ચિત નથી કે પુત્ર જ થાય કે પુત્રી જે પણ થાય તે મારી માફક ન હોય અને કાયર તથા કુરૂપ પણ હોઈ શકે છે.
એટલા માટે દેવી આપ મને જ પોતાનો પુત્ર સમજો. હું તો પહેલેથી જ આપને માતા માનતા આવ્યો છું. માતૃવત પરદા’ અને આમ કહીને તેના ચરણસ્પર્શ કરીને આશીર્વાદની કામના કરી. બીજું સાંભળ, છત્રપતિ શિવાજી વિકટ પરાક્રમી યોદ્ધા હતા, એમની ભવાની નામની તલવાર આગળ શત્રુ સેના ગાજર મૂળાની જેમ કપાઈ જતી હતી. એમણે અનેક યુદ્ધો જીત્યા. એકવાર એમના એક સેનાપતિએ એક વન કન્યાને એમની સમક્ષ રજૂ કરી અને કહ્યું કે યુદ્ધમાં જીતીને આ વિશેષ ભેટ આપના માટે લાવ્યો છું. શિવાજી થોડો સમય એ અપ્રતિમ સુંદરીને જોતા રહ્યા, સેનાપતિએ પૂછ્યું કે તેઓ આ રીતે શું જોઈ રહ્યા છો તો જાણે શિવાજીએ શું કહ્યું ? તેઓ બોલ્યા, ‘કાશ ! મારી મા પણ આના જેવી સુંદર હોત તો હું કેટલો સુંદર હોત.’ એમણે તરત જ આદેશ આપ્યો કે આ કન્યા એમની મા ના બરાબર છે અને આદર સહિત ગૌહરબાનુને એના ઘેર સુરક્ષિત પહોંચાડી દીધી.
તો આ હોય છે માતૃવત દૃષ્ટિ, જે આપણી ભાવનાઓને શ્રદ્ધા અને પવિત્રતાથી ઓતપ્રોત કરી દે છે. ગાયત્રી માતાની મૂર્તિથી આપણે એ પ્રેરણા પણ લેવી જોઈએ કે પ્રત્યેક કન્યાને માતાની સમાન જ સમજીએ જેવી રીતે અર્જુન અને શિવાજીએ સમજ દેખાડી હતી. અમે તો તમારી માતાજીને પણ માતાજી જ કહીએ છીએ.” આમ કહીને ગુરુદેવ હસી પડ્યાં. આ વખતે માતાજીએ તથા અમે વિના સંકોચ એમને સાથ આપ્યો.
ગુરુદેવે આગળ બતાવ્યું, “આ પૃથ્વી પર મહાશક્તિનું અવતરણ વેદમાતાના રૂપમાં જ થયું. મનુષ્યને જે જ્ઞાન અને વિજ્ઞાનની જરૂર હતી એનું પ્રગટીકરણ ચાર વેદોના રૂપમાં આ જ ગાયત્રી મહામંત્ર દ્વારા થયું. આ રીતે વેદમાતાનું પૃથ્વી પર અવતરણ થયું. એની પ્રખરતા અને પરિપક્વતાનો પરિચય દેવમાતાના રૂપમાં સામે આપ્યો. સૃષ્ટિનું, આદિકાળનું વેદમાતા સ્વરૂપ પ્રગતિના મધ્યકાળમાં દેવમાતા બની ગયું. આ કાળને દેવયુગ અને સતયુગના નામથી ગણવામાં આવે છે. એ દિવસોની પરિસ્થિતિઓ એટલી સુસંપન્ન અને સુખદ હતી કે એ સમૃદ્ધિથી લદાયેલી ભારતભૂમિને સંસારભરમાં એકી અવાજે ‘સ્વર્ગાદપિ ગરીયસી’ કહેવામાં આવતી હતી. એણે એની શ્રેષ્ઠતાને સમસ્ત સંસારમાં ફેલાવી હતી અને જગદ્ગુરુ કહેવડાવવાનું શ્રેય મેળવ્યું હતું. ગાયત્રી ભારતીય સંસ્કૃતિની પણ જનની છે. આ દેવ સંસ્કૃતિની ઋતંભરા પ્રજ્ઞાનો ઓજસ-તેજસ-વર્ચસનો સંદેશ ઘેર ઘેર, જન-જન સુધી પહોંચતો હતો. એ સમયે વિચારણાનું સ્તર એટલી ઊંચાઈ સુધી પહોંચતું હતું કે એને બ્રહ્મલોક કહેતા હતા. શ્રેષ્ઠ ચિંતનનો પરિપાક આદર્શ કર્તવ્યરૂપે થતો હતો, ચારે બાજુ સ્વર્ગીય સુખ-શાંતિ દૃષ્ટિગોચર થતી હતી.
આજની મૃતપ્રાય સ્થિતિમાં પણ એ ગૌરવ ભરેલા અતીતની ચર્ચા કરતાં કરતાં અમારી છાતી ગર્વથી ફૂલાઈ જાય છે. એ જ વેદમાતા, દેવમાતા ગાયત્રી મહાશક્તિ વિશ્વમાતાની સુવિસ્તૃત ભૂમિકા પણ નિભાવી રહી છે. સામાજિક પરિસ્થિતિઓની આ ભયજનક વિષમતાને વિશ્વમાતા ગાયત્રી જ સમાપ્ત કરી શકે છે અને કરી પણ રહી છે.
હવે તો તારા એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે ગાયત્રીને માતા શા માટે કહેવામાં આવે છે. તે એ પણ પૂછ્યું હતું કે પૃથ્વી અને ગાયને માતા કેમ કહેવામાં આવે છે. તો સાંભળ, શ્રુતિનું એક વાક્ય છે ‘માતા ભૂમિ: પુત્રોઽહં પૃથિવ્યાં ભૂમિ મારી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું, એના વિરાટ ભાવાર્થને જોઈને મન શ્રદ્ધાથી ભરાઈ જાય છે. આ પૃથ્વી આપને ધારણ કરે છે. આપણુ પાલન-પોષણ કરે છે. આપણે બધા એના દિકરાઓ સમાન છીએ. ત્યાં કોઈ ભેદભાવ નથી. સંસારના બધા પ્રાણી એના આશ્રય, સ્નેહ, દુલારની અજસ્ત્ર ધારામાં ડૂબકીઓ લગાવીને આનંદમય થાય છે. એટલા માટે જ આ ધરતી માતા છે, જન્મભૂમિ છે, માતૃભૂમિ છે. માતૃવત શ્રદ્ધાની અધિકારીણી છે અને ગાય તો સાચે જ ગૌમાતા જ છે અમૃત સમાન દૂધથી આપણું પોષણ કરે છે. ગૌમૂત્ર ગોબર (છાણ) ઔષધિના રૂપમાં ઉપયોગમાં આવે છે. મરણ પછી પોતાની ચામડી પણ આપણા લાભ માટે આપતી જાય છે. આટલું તો આપણી સગી મા, આપણને જન્મ આપનારી મા પણ નથી કરતી. આપણા ઋષિઓએ એટલા માટે જ ગૌમાતાના પવિત્ર સંબોધનથી એની આરાધના કરી છે.
હવે તો તારી બધી શંકાઓનું સમાધાન થઈ ગયું. ગુરુદેવે પોતાની વાતને વિરામ આપ્યો.
‘હા, ગુરુદેવ’અમે કહ્યું.
પરંતુ આજે એ જ તો ક્રમનસીબી છે કે બધુ ઊંધુ ચતું થઈ રહ્યું છે. આપણી દેવ સંસ્કૃતિમાં ગાયત્રી, ગાય અને પૃથ્વીને જ નહીં પરંતુ પ્રત્યેક નારીને માતા કહેવામાં આવે છે. ‘પરદારેષુ માતૃવત’ની પવિત્ર દૃષ્ટિથી એમનું સન્માન થાય છે. પરંતુ વિદેશી સભ્યતા એ નારીને માત્ર ભોગવવાનું સાધન બનાવવાથી વિશેષ મહત્ત્વ નથી આપ્યું. ચારે તરફ નારીને અશ્લિલ રૂપમાં જ જોવામાં અને પ્રસ્તુત કરવામાં આવે છે. જાહેરાતોમાં તો એને અર્ધનગ્ન દેખાડવાની ફેશન નીકળી પડી છે. લોકો ખુલ્લેઆમ એક્બીજાની પત્નીઓની કમરમાં હાથ નાંખીને નાચે છે, ન તો પતિને વાંધો છે અને ન પત્નીને, ન જાણે આ વિદેશી સભ્યતાની નકલ આપણા ભુલા-ભોળા દેશવાસીઓ હજુ કેટલા વધારે ભટકાવશે. મા ગાયત્રી એમને સદ્ગુદ્ધિ પ્રદાન કરે.
સારું હવે આગળની વાત કાલે કરીશું કહીને ગુરુદેવ પોતાના સાધના કક્ષમાં ચાલી ગયા.
પ્રતિભાવો