GG-15 : યજ્ઞોપવિત, -૨૫ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
યજ્ઞોપવિત, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
બીજા દિવસે ગુરુદેવે અમને પૂછ્યું, “કશું સમજમાં આવ્યું કે દરેક સમયે ગાયત્રી માતાની સામે મસ્તક નમાવતા રહેવાનો શું રસ્તો છે. ”
“ગુરુદેવ આપ જ બતાવો” અમે નિવેદન કર્યું. “બેટા એ તો તું સમજી જ ગયો કે આપણે દરેક સમયે, દરેક સ્થિતિમાં, વિષમથી વિષમ પરિસ્થિતિમાં પણ ગાયત્રી માતાને ન ભૂલવા જોઈએ. આ મંત્રના અનુસાર કાર્ય કરવાથી સર્વત્ર સફળતા મળે છે. આનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે આપણે ગાયત્રી માતાની સમક્ષ પૂર્ણ રૂપથી પોતાનું સમર્પણ કરી દેવું જોઈએ. પોતાને એની સાથે બાંધી દેવા જોઈએ જેથી ક્યારેય પણ મા સાથેના સંબંધમાં વિચ્છેદ થવાની સંભાવના ના રહે. અને આ બંધન ક્યારેય પણ લોખંડની સાંકળોથી નથી થતું. કાયમી બંધન તો સદાય કાચા દોરાનું હોય છે. જે યજ્ઞોપવિતના દોરા તારા શરીર પર બાંધ્યા છે એનું આ તાત્પર્ય છે. આ જ ગાયત્રી માતાની મૂર્તિ છે જે દરેક સમયે તારી સાથે રહે છે. ગરદન પર, પીઠ પર, છાતી પર દરેક સમયે માની મૂર્તિ તારી સાથે છે. તારું માર્ગદર્શન પણ કરે છે અને સમય આપવા પર રક્ષણ પણ.
યજ્ઞોપવિતમાં એક બ્રહ્મગ્રંથિ છે અને ત્રણ દેવગ્રંથિઓ હોય છે. ગાયત્રી મંત્રના ત્રણ ચરણ યજ્ઞોપવિતના ત્રણ દોરા છે. પ્રત્યેક ચરણમાં ત્રણ શબ્દ છે તે પ્રમાણે પ્રત્યેક દોરામાં ત્રણ-ત્રણ દોરા હોય છે. કુલ નવ દોરા હોય છે. આ જ ગાયત્રીમાતાની પ્રતિમા છે જેને શરીરરૂપી દેવમંદિરમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવે છે. બીજી પ્રતિમાઓ તો ધાતુ, પથ્થરની બને છે તથા મોંઘી પણ હોય છે. પરંતુ યજ્ઞોપવિતના રૂપમાં ગાયત્રીમાતાની આ સર્વ સુલભ પ્રતિમા અમીર-ગરીબ બધાને પોતાને આશીર્વાદ એક સમાન આપતી રહે છે. આ મૂર્તિને દરેક સમયે છાતી સાથે લગાડી રાખવાથી, પીઠ પર ધારણ કરવાથી અને ખભા પર ઉઠાવી રાખવાથી ગાયત્રીમંત્રમાં સમાયેલું શિક્ષણ તથા પ્રેરણાઓ હૃદયમંગ કરી રાખવાની અને પોતાના કર્તવ્યોનું પાલન કરતા રહેવામાં સહાયતા મળે છે. ગાયત્રીમાતા પોતાના આદર્શો અને મર્યાદામાં આપણા શરીરને બાંધી રાખે છે પકડી રાખે છે. જેવી રીતે માની આંગળી પકડી રાખવાથી બાળકનો આત્મિવિશ્વાસ ટકી રહે છે, એવી રીતે યજ્ઞોપવિતથી આપણા આત્મબળમાં વૃદ્ધિ થાય છે.
યજ્ઞોપવિતનો દરેક દોરો એક આત્મિક ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરવામાં, ધારણ કરવામાં અને નિભાવવાનો એક શપથ સંસ્કાર છે. જીવનમાં નવ ધર્મ-કર્તવ્ય માનવામાં આવે છે. આ સત્પ્રવૃત્તિઓ છે. શ્રમશીલતા, શિષ્ટતા, મિતવ્યષતા, સુવ્યવસ્થા, વિવેકશીલતા, ઇંદ્રિય સંયમ, સમય સંયમ, અર્થ સંયમ અને વિચાર સંયમ. એમને સદાય અપનાવી રાખવાં અત્યંત આવશ્યક છે. સમજદારી, ઇમાનદારી, જવાબદારી અને બહાદુરીને પોતાના સ્વભાવનું અંગ બનાવી લેવાથી એમનું પાલન કરવું સરળ બની જાય છે તથા દરેક જગ્યાએ સન્માન તથા સફળતા મળે છે. મસ્તક જ્ઞાનનો અને શરીર કર્મનો આધાર છે. બંનેય પર શિખા તથા સૂત્રના રૂપમાં ગાયત્રીની પ્રતિષ્ઠાપના કરવામાં આવી છે. તો જોયું બેટા, આ રીતે ગાયત્રીમાતાની મૂર્તિને ચોવીસ કલાક પોતાની સાથે રાખીએ છીએ. આ યજ્ઞોપવિતને પુરુષ તથા મહિલા બંનેય ધારણ કરી શકે છે અને કરવી પણ જોઈએ. કેટલાંક ધર્માચાર્યોએ એ મિથ્યા પ્રચાર કર્યો છે કે સ્ત્રીઓ માટે ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ તથા પાલનનો નિષેધ છે. પરંતુ આ વાતનો કોઈ આધાર નથી. માને માટે તો પુત્ર અને પુત્રી બંનેય બરાબર છે. તો પછી પુત્રીને મા સાથે પ્રેમ કરવાનો નિષેધ કઈ રીતે હોઈ શકે. આ સદ્બુદ્ધિની નહીં, કુબુદ્ધિની વાત છે. સફાઇ તથા સુરક્ષાનું ધ્યાન તો બધાએ રાખવું પડે છે અને સમય-સમય પર યજ્ઞોપવિતને બદલવામાં પણ આવે છે.
“ગુરુદેવ આ તો આપે બહુ જ સરસ વાત બતાવી છે. લોકોએ અકારણ જ એ ભ્રમ ચાલવા દીધો છે કે સ્ત્રીઓએ ગાયત્રીમંત્રના જાપ તથા ઉચ્ચારણ ન કરવું જોઈએ.” અમે કહ્યું. ‘‘સંભવતઃ આ એ સામંતશાહી યુગની ભેટ છે જ્યારે સ્ત્રીઓને ગુલામ બનાવીને રાખવામાં આવતી હતી. લોકોએ વિચાર્યું હશે કે સ્ત્રીઓને જો સત્બુદ્ધિ આવી જશે તો એમનું શોષણ કરવું સરળ નહીં હોય.
પ્રતિભાવો