૧૬૩. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૩/૦૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 8, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૩/૦૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉપ નઃ સૂનવો ગિરઃ શૃણ્વન્તવમૃતસ્ય યે । સમૃડીકા ભવન્તુ નઃ ॥ (યજુર્વેદ ૩૩/૦૭)
ભાવાર્થ : સંતાનોના હિત અને કલ્યાણ માટે તેમનાં માતાપિતા તેમને બ્રહ્મવિદ્યા અને ઉત્તમ શિક્ષણ આપીને શરીર અને આત્માથી બળવાન બનાવે.
સંદેશ : જો મનુષ્ય સંતાનને જન્મ આપે તો તેના પાલનપોષણ, શિક્ષણ, દીક્ષા, લગ્ન અને કમાવાની વ્યવસ્થા કરવાની જવાબદારી સ્વાભાવિક રીતે તેની જ બને છે. મનુષ્ય સંતાનોના બાળપણ અને કિશોરાવસ્થામાં ભરણપોષણની, ભોજનવસ્ત્રોની, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરવી જોઈએ અને તેમને શારીરિક અને માનસિક દૃષ્ટિએ સ્વાવલંબી થઈ શકે તે માટે પગભર બનાવવાં જોઈએ. સંતાનો માટે પૌષ્ટિક આહાર, યોગ્ય શિક્ષણ, સ્વસ્થ મનોરંજન તથા યોગ્ય મિત્રો પૂરા પાડવાની જવાબદારી તેમનાં માતાપિતા અને વડીલોની છે. તેમના ગુણ, કર્મ અને સ્વભાવને સુસંસ્કારી બનાવવા માટે એવું વાતાવરણ અને માધ્યમો પૂરાં પાડવાં જોઈએ કે જેનાથી તેમને સભ્ય, સુસંસ્કારી અને સજ્જન બનવાની દિશા મળી જાય. જો કોઈ વડીલ પોતાનું આ કર્તવ્ય પૂરું ન કરે તો તેને કર્તવ્યપાલનમાં આળસ કરવા માટે ગુનેગાર ગણવામાં આવશે. લાડપ્યારના કારણે જો બાળકોને આળસુ, વિલાસી, સ્વાદલોલુપ, અહંકારી, ઉદંડ અને દુર્ગુણી બનાવે તો એમ કહી શકાય કે અહિતકર અને બિનજરૂરી લાડ બતાવીને તેમણે બાળકોની સાથે અન્યાય જ કર્યો છે.
બાળકના જન્મ પછી માતાપિતાની અને ઘરની સમગ્ર પરિસ્થિતિઓ એવી રાખવી જોઈએ કે જેમાં અસ્વચ્છતા, મનની મલિનતા, ઉદ્દંડતા અને અનૈતિકતાની કોઈ શક્યતા ન હોય. બધા લોકો એ વાત ધ્યાનમાં રાખે કે ખૂબ જ કુશળ અને સંવેદનશીલ ગુપ્તચરની માફક આ નવજાત બાળક આપણાં વર્તન અને વ્યવહારને ધ્યાનથી જોતું રહે છે અને ઘણું બધું શીખે છે. એ સમયગાળામાં તેને જે કંઈ શીખવવામાં આવશે તેવો જ તેનો સ્વભાવ બનશે અને મોટો થતાં તેનું ભવિષ્ય તેને અનુરૂપ ઘડાશે. આ હકીકતને સમજનારા લોકોએ પોતાના દુર્ગુણો ૫૨ નિયંત્રણ રાખવું જોઈએ અને ઘરમાં સજ્જનતાની સૌમ્ય પરિસ્થિતિઓનું સર્જન કરવા માટે જે કંઈ ત્યાગ કરવો પડે તે કરવા રાજીખુશીથી તૈયાર રહેવું જોઈએ. માતાપિતાએ પરસ્પર લડાઈઝઘડા ન કરવા જોઈએ અને કામક્રીડા પર વધુ ને વધુ નિયંત્રણ રાખવું જોઈએ કે જેથી બાળકો નાની ઉંમરથી જ બગડી જવાનું દુષ્પરિણામ ન જોવું પડે.
બાળકો ઉપદેશથી નહિ, પરંતુ અનુકરણથી શીખે છે. તેમનું કુમળું મગજ મોટા મોટા ઉપદેશો કે કઠોર સૂચનોને સમજવામાં અસમર્થ હોય છે, પરંતુ જે કંઈ બની રહ્યું હોય છે તેને સમજવામાં અને અપનાવવામાં તેમનું અંતઃકરણ પૂર્ણ રીતે સમર્થ હોય છે. આથી તેમને જે કંઈ શીખવવું હોય તેનું પ્રત્યક્ષ રૂપ તેમની સામે રજૂ કરવું જોઈએ. પહેલાંના જેવી ગુરુકુલ પ્રથા તો હવે રહી નથી. આજકાલ સ્કૂલકોલેજોમાં અને શેરીઓમાં પણ ચારિત્ર્ય અને સુસંસ્કારોનું કોઈ વાતાવરણ નથી. ચારે તરફથી કુવિચારો અને કુસંસ્કારો જ બાળકોને મળે છે. આવી પરિસ્થિતિમાં ઘરનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ, શાંતિદાયક, સદાચારી અને સજ્જનતાપૂર્ણ હોય તે જરૂરી છે, જેથી બાળકોને સદ્ગુણો ગ્રહણ કરવાની પ્રેરણા મળે.
પ્રતિભાવો