આસન, પ્રાણાયામ, બંધ તથા મુદ્રાઓ દ્વારા ઉપચાર, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
આસન, પ્રાણાયામ, બંધ તથા મુદ્રાઓ દ્વારા ઉપચાર, આધ્યાત્મિક ચિકિત્સા
હઠયોગની વિધિઓ જીવનના પ્રાણ-પ્રવાહને સંવર્ધિત, નિયંત્રિત તથા નિયોજિત કરે છે. અધ્યાત્મ ચિકિત્સાના બધા વિશેષજ્ઞો એ બાબતમાં એકમત છે, કે પ્રાણ-પ્રવાહમાં વ્યતિક્રમ કે વ્યતિરેક થવાથી શરીર રોગી અને મન અશાંત બને છે. આ અસંતુલનનાં કારણો શારીરિક પણ હોઈ શકે છે અને માનસિક પણ, પરંતુ પરિણામ એક જ હોય છે, કે વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જા સાથેનો આપણો સંબંધ દુર્બળ અને વિચ્છિન્ન થઈ જાય છે. જો આ બાબતને ફરીથી સુધારી શકીએ અને શરીરમાં પ્રાણ ફરીથી સારી રીતે સંચાલિત થવા લાગે, તો બધા જ રોગોને ભગાડીને સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે. એટલું જ નહિ, પ્રાણ-પ્રવાહના સંવર્ધનથી શરીરને દીર્ઘજીવી તથા વર્જ જેવું મજબૂત બનાવી શકાય છે. નાડીઓ તથા સ્નાયુ-સંસ્થાનનો વિદ્યુત-પ્રવાહ વધારે પ્રબળ બનાવી શકાય છે.
હઠયોગની પ્રક્રિયાઓ આરોગ્ય તથા પ્રાણબળના સંવર્ધનની ચોક્કસ ખાતરી આપે છે, કારણ કે આ વિદ્યાના જાણકારોને એવું જ્ઞાન છે, કે જીવનમાં પ્રાણશક્તિની દીવાલ જ અભેદ્ય હોય તો કોઈ પણ રોગ પ્રવેશી શકતો નથી. આથી આ પ્રક્રિયાઓમાં પ્રાણોના સંવર્ધન, પરિશોધન અને વિકાસ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. આપણા જીવનમાં પ્રાણ-પ્રવાહનું સ્થૂળ રૂપ શ્વાસ છે. શ્વાસના આવાગમનથી શરીરમાં પ્રાણ પ્રવેશ કરે છે અને અંગ પ્રત્યંગમાં વિચરણ કરે છે. આસન, પ્રાણાયામ, બંધ તેમ જ મુદ્રા વગેરે ક્રિયાઓ દ્વારા તેના પર નિયંત્રણ મેળવીને તેના પ્રવાહને પોતાની ઇચ્છિત દિશામાં વાળી શકાય છે. આ જ કારણે હઠયોગી પોતાના સ્વાસ્થ્યનો માલિક હોય છે.
આ પ્રભાવ હઠયોગની વિધિઓનો છે. જેમાં સૌથી પ્રારંભિક વિધિ આસન છે. શરીરનાં જુદાંજુદાં અંગોને વાળી-મરોડીને કરવામાં આવતાં આ આસનો અનેક પ્રકારનાં છે અને પ્રત્યક્ષમાં તો કોઈ વ્યાયામ જેવાં લાગે છે, પરંતુ હકીકત તેનાથી જુદી છે. વ્યાયામની પ્રક્રિયા ગમે તે હોય, ગમે તેવી હોય, તેનો પ્રભાવ માત્ર શરીરના દરેક અવયવમાં પ્રાણને ક્રિયાશીલ બનાવીને તેને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પ્રભાવની દૃષ્ટિએ વિચારીએ તો તેનો પ્રભાવ શારીરિક હોવાની સાથેસાથે માનસિક તથા આધ્યાત્મિક પણ છે.
શારીરિક દૃષ્ટિએ જોઈએ, તો આસનોથી શરીરની સૌથી મહત્ત્વપૂર્ણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ-પ્રણાલી નિયંત્રિત તેમ જ સુવ્યવસ્થિત થાય છે. પરિણામે બધી ગ્રંથિઓમાંથી યોગ્ય માત્રામાં રસનો સ્રાવ થવા લાગે છે. ધ્યાન આપવા યોગ્ય વાત એ પણ છે, કે માંસપેશીઓ, હાડકાં, સ્નાયુઓ, ગ્રંથિ-પ્રણાલી, શ્વસનતંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર-બધું એકબીજા સાથે જોડાયેલું છે. તે એકબીજાના સહયોગી છે. આસનના અનેક પ્રકારો શરીરને લચીલું તથા બદલાતા વાતાવરણને અનુકૂળ થવા માટે યોગ્ય બનાવે છે. તેના પ્રભાવથી પાચનક્રિયા તીવ્ર થઈ જાય છે. યોગ્ય માત્રામાં પાચક રસો તૈયાર થાય છે. અનુકંપી અને પરાનુકંપી નાડી-પ્રણાલીમાં સંતુલન આવી જાય છે. પરિણામે તેના દ્વારા બાહ્ય તથા આંતરિક અંગોનું કાર્ય વ્યવસ્થિત રીતે થવા લાગે છે.
આસનથી ક્રિયાઓ શરીર સાથે મનને પણ સમર્થ અને શક્તિશાળી બનાવે છે. તેના પ્રભાવથી દઢતા અને એકાગ્રતાની શક્તિ વિકસિત થાય છે. એટલે સુધી કે જીવનમાં આવતી મુશ્કેલીઓ માનસિક શક્તિઓના વિકાસનું માધ્યમ બની જાય છે. વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને તે બીજાઓ માટે પ્રેરણાદાયક બની જાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો આસનોના પ્રભાવથી શરીર શુદ્ધ બનીને ઉચ્ચસ્તરીય આધ્યાત્મિક સાધનાઓ માટે તૈયાર થઈ જાય છે. અહીં સત્યને સ્વીકારવામાં જરા પણ સંકોચ ન થવો જોઈએ, કે આસનોથી કોઈ આધ્યાત્મિક અનુભવો તો થતા નથી, પરંતુ એ આધ્યાત્મિક અનુભવો મેળવવામાં મદદરૂપ જરૂર થાય છે.
પ્રાણાયામ આસનો કરતાં વધારે સૂક્ષ્મ વિધિ છે. આમ તો તેની બધી પ્રક્રિયાઓ શ્વસનના આરોહ-અવરોહ તથા તેના નિયંત્રણ પર ટકેલી છે, પરંતુ વાસ્તવમાં આ વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જા સાથે પોતાનું સામંજસ્ય સ્થાપિત કરવાની વિધિ છે. મોટે ભાગે લોકો તેને માત્ર વધુ ઓક્સિજન મેળવવાની રીત તરીકે જાણે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. શ્વસનના માધ્યમથી તેના દ્વારા નાડીઓ, પ્રાણ-વાહક નળીઓ તથા પ્રાણના પ્રવાહ પર વ્યાપક અસર થાય છે. પરિણામે નાડીઓનું શુદ્ધીકરણ થાય છે તથા મૌલિક અને માનસિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. તેમાં કરવામાં આવતી કુંભક પ્રક્રિયા દ્વારા કેવળ પ્રાણનું નિયંત્રણ જ થતું નથી, પરંતુ માનસિક શક્તિઓનો પણ વિકાસ થાય છે.
પ્રાણાયામ ઉપરાંત બંધ એ હઠયોગની બીજી મહત્ત્વપૂર્ણ વિધિ છે. તેને અંતઃશારીરિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તેના અભ્યાસથી વ્યક્તિ શરીરનાં જુદાં જુદાં અંગો તથા નાડીઓને નિયંત્રિત કરવામાં સક્ષમ બને છે. તેના દ્વારા શરીરનાં આંતરિક અંગોની માલિશ થાય છે. લોહીનો અટકાવ દૂર થાય છે. બંધ આ શારીરિક પ્રભાવોની સાથેસાથે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત વિચારો તેમ જ આત્મિક તરંગોને પ્રભાવિત કરીને ચક્રો પર સૂક્ષ્મ પ્રભાવ પાડે છે. એટલે સુધી કે જો તેનો અભ્યાસ વિધિપૂર્વક જાળવી રાખવામાં આવે તો સુષુમ્ણા નાડીમાં પ્રાણના સ્વતંત્ર પ્રવાહમાં અવરોધ કરનારી બ્રહ્મગ્રંથિ, વિષ્ણુગ્રંથિ તથા રુદ્રગ્રંથિ ખૂલી જાય છે અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ પ્રશસ્ત થાય છે.
હઠયોગની અન્ય વિધિઓના રૂપમાં મુદ્રાઓ સૂક્ષ્મ પ્રાણને પ્રેરિત, પ્રભાવિત તથા નિયંત્રિત કરનારી પ્રક્રિયાઓ છે. આમાંથી કેટલીક મુદ્રાઓનો અભ્યાસ સાધકને સૂક્ષ્મ-શરીરમાં રહેલા પ્રાણ-શક્તિ તરંગો પ્રત્યે જાગૃત બનાવે છે. અભ્યાસ કરનાર આ શક્તિઓ પર ચેતન રૂપે નિયંત્રણ મેળવે છે. પરિણામે વ્યક્તિ પોતાના શરીરના કોઈ અંગમાં તેનો પ્રવાહ લઈ જવા માટે અથવા બીજી વ્યક્તિના શરીરમાં પહોંચાડવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
હઠયોગની આ બધી વિધિઓ જીવનવ્યાપી પ્રાણના સ્થળ તથા સૂક્ષ્મરૂપને પ્રેરિત, પ્રભાવિત, પરિશોધિત તથા નિયંત્રિત કરે છે. તેના પ્રભાવથી પ્રાણ-પ્રવાહમાં આવનાર વ્યતિક્રમ અને અવરોધોને દૂર કરી શકાય છે. તેના લાભો અગણિત છે. આવા જ એક લાભનું ઉદાહરણ અહીં આપવામાં આવે છે, જેનાથી વાચકો આ વિધિઓનું મહત્ત્વ જાણી શકશે. એક વાર એક યોગ નિષ્ણાત અહીંથી અમેરિકાના વિશ્વવિદ્યાલયમાં ગયા હતા. ત્યાં તેમનું યોગના વિષય પર એક પ્રવચન હતું. જે વિશ્વવિદ્યાલયમાં તેમને પ્રવચન આપવાનું હતું, ત્યાં એ દિવસોમાં વિદ્યાર્થીઓને ઝડપી શિક્ષણ તથા પ્રશિક્ષણ આપવા અંગે કેટલાક પ્રયોગો કરવામાં આવી રહ્યા હતા. આ પ્રોજેક્ટને સોલ્ટ નામ આપવામાં આવ્યું હતું. સોલ્ટ એટલે કે સિસ્ટમ ઑફ એક્સિલેરેટેડ લર્નિંગ એન્ડ ટ્રેનિંગ.
આ પ્રયોગ દરમિયાન જ્યારે વાત થવા લાગી ત્યારે ત્યાં ગયેલા યોગ વિશેષજ્ઞએ તેમની ચર્ચામાં કહ્યું. “મસ્તિષ્ક અને મનની ગ્રહણશીલતાનો સંબંધ શ્વાસ સાથે હોય છે. યોગ આ વાતનો સ્વીકાર કરે છે. આ વાત સાંભળીને પ્રયોગકર્તા વૈજ્ઞાનિકો ખુશ થઈ ગયા અને તેમણે કહ્યું તમે તો ભારતથી આવ્યા છો. અમારા વિદ્યાર્થીઓ પર પ્રયોગ કેમ નથી કરતા?’ આ વાતથી એક લઘુ-પ્રયોગનો ક્રમ શરૂ થયો. આચાર્યશ્રી દ્વારા બતાવવામાં આવેલો સરળ એવો પ્રાણાકર્ષણ પ્રાણાયામ વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યો અને પ્રયોગ શરૂ થઈ ગયો. એક મહિના સુધી આ ક્રમ ચાલતો રહ્યો. એક મહિના પછી જોવા મળ્યું કે વિદ્યાર્થીઓની ગ્રહણશીલતા ત્રીસથી ચાલીસ ટકા સુધી વધી ગઈ હતી. તેમના તણાવ, ખોટી ચિંતા વગેરે પણ સમાપ્ત થઈ ગયાં હતાં. આ પ્રયોગથી ત્યાંના વૈજ્ઞાનિક સમુદાયને હઠયોગના મહત્ત્વની ખબર પડી. તેમણે અનુભવ કર્યો કે આ વિધિઓનું કેન્દ્રીભૂત તત્ત્વ પ્રાણ-ચિકિત્સા છે.
પ્રતિભાવો