૧ આધ્યાત્મિક ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા એક સમગ્ર ઉપચાર પદ્ધતિ
August 9, 2022 Leave a comment
આધ્યાત્મિક ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા એક સમગ્ર ઉપચાર પદ્ધતિ
આધ્યાત્મિક ચિકિત્સા – બોધ, નિદાન અને વિજ્ઞાનનું પૂર્ણતંત્ર છે. એમાં જીવનની દૃશ્ય-અદૃશ્ય સંરચનાનો સંપૂર્ણ બોધ છે. તેની સાથોસાથ તેમાં જીવનના દૈહિક, દૈવિક અને આધ્યાત્મિક રોગોના નિદાનની સૂક્ષ્મ વિધિઓનું સમગ્ર જ્ઞાન છે. એટલું જ નહિ, માનવજીવનની સંપૂર્ણ ચિકિત્સાના ઋષિ સંકલ્પને જે દોહરાવે છે એવા તમામ રોગોના સાર્થક સમાધાનનું પ્રાયોગિક વિજ્ઞાન પણ એમાં સમાવિષ્ટ છે.
એ જ આ મહાસંકલ્પ છે, જે ઋગ્વેદના દસમા મંડળના રોગ નિવારણ સૂકતના ચોથા મંત્રના ઋષિની અંતર્ચેતનામાં ગુંજ્યો હતો. નવયુગની નવીન સૃષ્ટિ રચનાર બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર એ પળે ચિંતનમાં લીન હતા. ત્યારે તેમને એક કરુણ, આર્તસ્વર સંભળાયો. આ કરુણ સ્વર એક દુખિયારી સ્ત્રીનો હતો, જેને લઈને તેમનો શિષ્ય જાબાલિ આવી રહ્યો હતો. આ યુવતીને રોગોએ કસમયે વૃદ્ધ બનાવી દીધી હતી.
પાસે આવતાં જ બ્રહ્મજ્ઞાની મહર્ષિએ તેની વ્યથાનાં સમગ્ર સૂત્રો જાણી લીધાં અને જાબાલિને સંબોધતાં કહ્યું – “વત્સ ! ચિકિત્સાની તમામ પ્રચલિત વિધિઓ અને ઔષધીઓ આના પર અસફળ થઈ ગઈ છે, એમ જ કહેવા માગે છે ને ?” “હા, આચાર્યવર !” એ આગળ કંઈ કહે તે પહેલાં ઋષિ બોલ્યા- “વત્સ! હજી એક ચિકિત્સા વિધિ બાકી છે અને એ છે આધ્યાત્મિક ચિકિત્સા. તારી સામે હું આજે એનો પ્રયોગ કરીશ.”
શિષ્ય જાબાલિ પોતાના આચાર્યની અનંત આધ્યાત્મિક શક્તિઓથી પરિચિત હતો, તેથી તે શાંત રહ્યો. તેમ છતાં તેનામાં જિજ્ઞાસા તો હતી જ. જેનું સમાધાન કરતાં અંતર્યામી બ્રહ્મર્ષિ બોલ્યા – “પુત્ર જાબાલિ ! સફળ ચિકિત્સા માટે જીવનની સમગ્ર જાણકારી જરૂરી છે. જીવન માત્ર દેહ નથી. તેમાં ઈન્દ્રિય, પ્રાણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહં અને અંતરાત્માની અન્ય અદૃશ્ય કડીઓ પણ છે. રોગના ચોકસ નિદાન માટે તેનું પારદર્શી જ્ઞાન હોવું જોઈએ. ત્યારે જ સમાધાનનું વિજ્ઞાન કારગત નીવડે છે.” આમ કહીને મહર્ષિએ તે પીડિત નારીને સામે બેસાડીને તેને પોતાના મહા તપના એક અંશનું અનુદાન આપવાનો સંકલ્પ કરતાં કહ્યું –
“આ ત્યાગમં શંતાતિભિરથો અરિષ્ટાતાતિભિઃ | દક્ષં તે ઉગ્રમાભારિષં પરા યક્ષ્મં સુવામિ તે || ”
અર્થાત્ “તારી પાસે શાંતિ ફેલાવનાર તથા અવિનાશી સાધનો સાથે આવ્યો છું. તારા માટે પ્રચંડ બળ ભરી દઉં છું. તારા રોગને દૂર કરી દઉં છું.” મહર્ષિના આ સંકલ્પ તે પીડિત નારીને સ્વાસ્થ્યનું વરદાન આપવાની સાથે આધ્યાત્મિક ચિકિત્સાની પુણ્ય પરંપરાનો પ્રારંભ પણ કર્યો.
પ્રતિભાવો