આધ્યાત્મિક ચિકિત્સાની પ્રથમ કક્ષા-રેકી, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
આધ્યાત્મિક ચિકિત્સાની પ્રથમ કક્ષા-રેકી, આધ્યાત્મિક ચિકિત્સા
પ્રાણ-ચિકિત્સા ઋષિભૂમિ ભારતની પ્રાચીન પરંપરા છે. વેદો, ઉપનિષદો તથા પુરાણ કથાઓમાં આ અંગે ઘણા બધા પ્રસંગો વાંચવા મળે છે. તપ અને યોગની એવી અનેક રહસ્યમય પ્રક્રિયાઓ છે, જેના દ્વારા વિશ્વવ્યાપી પ્રાણ ઊર્જા સાથે પોતાનો સંપર્ક જોડી શકાય છે. આ પ્રક્રિયાઓ દ્વારા આ પ્રાણ-ઊર્જાને પહેલાં પોતે ગ્રહણ કરીને પછી ઇચ્છિત વ્યક્તિમાં તેને સંપ્રેષિત કરી શકાય છે. પછી તે વ્યક્તિ દૂર હોય કે પાસે, કોઈ ફરક પડતો નથી. પ્રાણવિદ્યાનું આ સ્વરૂપ આજકાલ “રેકી’ નામથી ઓખળાય છે. રેકી જાપાની ભાષાનો શબ્દ છે. તેનો અર્થ છે – વિશ્વવ્યાપી જીવનશક્તિ. રેકી શબ્દમાં “રે’ અક્ષરનો અર્થ છે- વિશ્વવ્યાપી, “કી’નો અર્થ છે જીવનશક્તિ. આ વિશ્વવ્યાપી જીવનશક્તિ સમગ્ર સૃષ્ટિમાં સમાયેલી છે. સાચી રીતે તેના નિયોજન અને સંપ્રેષણ દ્વારા વિભિન્ન રોગોનો ઉપચાર કરી શકાય છે.
પ્રાણ ચિકિત્સાની પ્રાચીન વિધિને નવજીવિત કરવાનું શ્રેય જાપાનના ડૉ.મેકાઓ ઉસુઈને જાય છે. ડૉ. મેકાઓ ઉસુઈ જાપાનના કયોટો શહેરમાં ઈસાઈ વિદ્યાલયમાં આચાર્ય હતા. એક વાર તેમના વિદ્યાર્થીએ તેમને પ્રશ્ન કર્યો કે ઈસુ ખ્રિસ્ત જે રીતે સ્પર્શ કરીને કોઈ દર્દીને રોગમુક્ત કરી દેતા હતા, એવું આજકાલ કેમ બનતું નથી? શું તમે આવું કરી શકો છો ? ડૉ. ઉસુઈ આ પ્રશ્નનો એ વખતે તો કોઈ જવાબ ન આપી શક્યા, પરંતુ એ વાત તેમના મગજમાં બેસી ગઈ. તેઓ આ વિધિની શોધમાં અમેરિકાના શિકાગો શહેરમાં પહોંચ્યા. ત્યાં તેમણે અધ્યાત્મ વિદ્યામાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી, પરંતુ અનેક ખ્રિસ્તી તેમ જ ચીની ગ્રંથોનાં પાનાં ઉથલાવ્યા પછી પણ આ પ્રશ્નનો કોઈ જવાબ ન મળ્યો. ત્યાર પછી તેઓ ઉત્તર ભારત આવ્યા. અહીં તેમને કેટલાક સંસ્કૃત ગ્રંથોમાં કંઈક સંકેત મળ્યા.
આ સૂત્રો અને સંકેતોના આધારે સાધના કરવા માટે ડૉ. ઉસુઈ તેમના શહેરથી લગભગ ૨૫ કિ.મી. દૂર આવેલા કુરિયામા નામના પહાડ પર ગયા. અહીં તેમણે તેમની આધ્યાત્મિક સાધના શરૂ કરી. આ એકાંત સ્થાન પર ૨૧ દિવસના ઉપવાસ સુધી તેમને કોઈ ખાસ અનુભૂતિ ન થઈ, પરંતુ એકવીસમા દિવસે તેમને એક તેજ પ્રકાશપુંજ તીવ્ર ગતિએ તેમની તરફ આવતો દેખાયો. આ પ્રકાશપુંજ જેમ જેમ તેમની તરફ આવતો ગયો, તેમ તેમ મોટો થતો જતો હતો. છેવટે તે તેમના કપાળની વચ્ચે ટકરાયો. તેમણે વિચાર્યું કે હવે તો મોત નિશ્ચિત છે. પણ અચાનક તેમને વિસ્ફોટકની સાથે આકાશમાં ઘણા રંગોના લાખો ચમકતા તારાઓ દેખાવા લાગ્યા તથા એક શ્વેત પ્રકાશમાં તેમને પેલાં સંસ્કૃત શ્લોક દેખાવા લાગ્યા, જેના તેઓ જપ કરતા હતા. અહીંથી જ તેમને આ વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જાના ઉપયોગની વિધિ પ્રાપ્ત થઈ, જેને તેમણે “રેકી’નું નામ આપ્યું.
રેકીની શક્તિઓ મેળવ્યા પછી તેમણે સૌપ્રથમ તેમના પગના અંગૂઠાના ઘાને ઠીક કર્યો. આ તેમની પ્રથમ ઉપચાર પ્રક્રિયા હતી. એના પછી જ્યારે તે પર્વત પરથી ઊતરીને એક ધર્મશાળામાં ઊતર્યા, તે સમયે ધર્મશાળાના માલિકની પૌત્રીને કેટલાય દિવસથી દાંતમાં સોજો આવ્યો હતો અને દુઃખાવો પણ ખૂબ વધારે હતો. ડૉ. ઉસુઈએ તેને સ્પર્શ કર્યો અને તે જ સમયે તેનો દુઃખાવો અને સોજો દૂર થઈ ગયા. એ પછી ડૉ. ઉસુઈએ રેકીના સિદ્ધાંતો અને પ્રયોગોનો વિધિસર વિકાસ કર્યો અને પોતાના શિષ્યોને તેમાં પ્રશિક્ષિત કર્યા. ડૉ. ચિજિરોહયાશી, હવાયો ટકાટા અને ફિલિપ લી ફૂરો મોતી વગેરે લોકોએ એમના પછી આ રેકી વિદ્યાને વિશ્વવ્યાપી બનાવી.
ડો. મેકાઓ ઉસુઈએ રેકી ચિકિત્સા માટે પાંચ સિદ્ધાંતો નિશ્ચિત કર્યા હતા (૧) ક્રોધ ન કરવો (૨) ચિંતાથી મુક્ત થવું (૩) કર્તવ્ય પ્રત્યે ઈમાનદાર રહેવું (૪) જીવ માત્ર પ્રત્યે પ્રેમ તથા આદર ભાવ રાખવો તથા (પ) ઈશ્વરીય કૃપા પ્રત્યે આભાર માનવો. આ પાંચે નિયમોનો સાર એ છે કે વ્યક્તિ પોતાની નકારાત્મક વિચારસરણી તથા ક્ષુદ્ર ભાવનાઓથી દૂર રહે, કારણ કે નકારાત્મક વિચારણા તથા ક્ષુદ્ર ભાવનાઓથી શરીરમાં રહેલી પ્રાણ-ઊર્જાનું રક્ષણ થતું રહે છે, ઉપરાંત વિશ્વવ્યાપી પ્રાણ-ઊર્જાના જીવનમાં આવવાનાં માર્ગમાં અવરોધ પેદા થાય છે. આ બધા નિયમો રેકીના સાધકને વિધેયાત્મક બનાવે છે, જેનાથી પ્રાણ-પ્રવાહ નિયમિત રહે છે.
પ્રાણ-ચિકિત્સાની આ રેકી પ્રક્રિયામાં અંતરિક્ષમાં સંવ્યાપ્ત પ્રાણશક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. એ સત્ય તો આપણે જાણીએ છીએ કે પ્રાણ-ઊર્જા અંતરિક્ષમાં સંવ્યાપ્ત છે. પૃથ્વી માટે તેનો મુખ્ય સ્રોત સૂર્ય છે. સૂર્યમાંથી જુદાજુદા પ્રકારના ઉષ્મીય અને વિદ્યુત ચુંબકીય તરંગો નીકળીને ધરતી પર જુદીજુદી અસરો પાડે છે. બરાબર આવી જ રીતે પ્રાણશક્તિ પણ એક જૈવ વિદ્યુતીય તરંગ છે, જે ધરતીના બધા જડ ચેતન તથા પ્રાણ-વનસ્પતિમાં પ્રવાહિત થાય છે. તેની જ ઉપસ્થિતિના કારણે બધું ગતિશીલ તથા ક્રિયાશીલ થાય છે. આ જ કારણે ધરતીમાં ઉર્વરતા આવે છે તેમ જ વનસ્પતિ તથા જીવજગત સ્વસ્થ અને સમૃદ્ધ રહે છે. આ બધો પ્રાણશક્તિનો ચમત્કાર છે. મનુષ્ય પણ પોતાની જરૂરિયાત પ્રમાણે આ પ્રાણશક્તિને ગ્રહણ કરે છે. તેમાં અવરોધ કે નડતર આવવાથી જ બીમારીઓ પેદા થાય છે. રેકી ચિકિત્સા દ્વારા આ રુકાવટને દૂર કરવાની સાથેસાથે વ્યક્તિને વધારાની પ્રાણશક્તિ આપવામાં આવે છે. આ પ્રાણશક્તિને ગ્રહણ કરી વ્યક્તિ ફરીથી તેનું ખોવાયેલું સ્વાસ્થ્ય પાછું મેળવી શકે છે.
પ્રાણ ચિકિત્સાની આ વિધિથી માત્ર મનુષ્યનો જ નહિ, પરંતુ પશુઓનો પણ ઉપચાર કરી શકાય છે. વનસ્પતિઓની પણ પ્રાણ-ઊર્જા વધારી શકાય છે. ભારતવર્ષમાં આજ કાલ રેકીનું પ્રચલન ખૂબ વધી ગયું છે. દરેક શહેરમાં ક્યાંક ને ક્યાંક રેકી માસ્ટર મળી જાય છે. તેમને મળનારનાં દરેકના પોતપોતાના જુદાજુદા અનુભવો છે. તેમાં ઘણા આપણા પરિજનો પણ છે. તેમની અનુભૂતિઓ જણાવે છે, કે ગાયત્રી સાધના કરનાર વધારે સમર્થ રેકી ચિકિત્સક બની શકે છે. તેનું કારણ એ છે કે રેકીમાં આપવામાં આવતી પ્રાણ-ઊર્જાનો સ્રોત સૂર્ય છે, જે ગાયત્રી મંત્રના આરાધ્ય દેવતા છે. ગાયત્રી સાધનામાં સાધકની ભાવનાઓ સ્વતઃ સૂર્ય પર એકાગ્ર થઈ જાય છે અને તેને આપમેળે જ પ્રાણ – ઊર્જાનાં અનુદાનો મળવા લાગે છે.
ગાયત્રી સાધના સાથે રેકીને જોડવાથી એક બીજો લાભ પણ જોવા મળે છે કે ગાયત્રી સાધકનાં બધાં ચક્રો અથવા શક્તિકેન્દ્રો સ્વતઃ ગતિશીલ થઈ જાય છે. તેને કોઈ વધારાની વિધિની જરૂર પડતી નથી. ચક્રોની બાબતમાં અહીં એક વાત જાણી લેવી જોઈએ, કારણ કે મોટા ભાગના રેકી આપનારાઓ આ બાબતમાં ભ્રમિત થયેલા જોવા મળે છે. રેકી વિધિમાં ચક્રોને માત્ર ક્રિયાશીલ બનાવવાની વાત છે, નહિ કે તેના સંપૂર્ણ જાગરણની. ક્રિયાશીલ હોવાનો અર્થ છે કે આપણને જરૂરી પ્રાણઊર્જા બ્રહ્માંડમાંથી મળતી રહે. આ પ્રક્રિયામાં જે અવરોધ આવી રહ્યા છે, તે દૂર થઈ જાય, જ્યારે યોગ-વિધિ દ્વારા જાગરણ થવાથી યોગસાધનો સંબંધચક્રો સાથે જોડાયેલી ચેતનાના બીજા આયામો સાથે થઈ જાય છે અને તેમાં અનેક રહસ્યમયી શક્તિઓ પ્રવાહિત થવા લાગે છે. પ્રાણ-ચિકિત્સાના રૂપમાં રેકી એ આધ્યાત્મિક ચિકિત્સાની પ્રાથમિક કક્ષા છે. તેમાં ગાયત્રી સાધનાના સમન્વયથી તેની ઉચ્ચસ્તરીય કક્ષાઓમાં સ્વતઃ પ્રવેશ થઈ જાય છે. આ બાબતમાં વિશિષ્ટ શક્તિ તથા સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના સમયને વધારે યોગ્ય માનવામાં આવે છે.
પ્રતિભાવો