આધ્યાત્મિક ચિકિત્સાનું મૂળ છે આસ્તિકતા, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
આધ્યાત્મિક ચિકિત્સાનું મૂળ છે આસ્તિકતા, આધ્યાત્મિક ચિકિત્સા
અવાસ્તવિકતાના અસ્તિત્વને નકારવાનું શક્ય નથી. એ આપણે પોતે, આપણા પોતાના જીવન જેટલું સ્પષ્ટ છે. જેને જીવનની સંપૂર્ણતાનો અહેસાસ થાય છે તે આસ્તિકતાની અનુભૂતિ કર્યા વગર રહેતો નથી. જે આસ્તિકતાને નકારે છે, તે વાસ્તવમાં જિંદગીને નકારે છે, પોતાનો ખુદનો અસ્વીકાર કરે છે. આસ્તિકતાનો મતલબ છે – જીવન હોવાની સાચી સ્વીકારોક્તિ, જીવન અને જગતના સંબંધોની સૂક્ષ્મ અને સઘન અનુભૂતિ. લોકવ્યવહારમાં ઈશ્વર પ્રત્યે વિશ્વાસ કે આસ્થાને આસ્તિકતાનો પર્યાય માનવામાં આવે છે. વૈદિક વિદ્વાન “નાસ્તિકો વેદ નિંદક” કહીને વેદજ્ઞાન પ્રત્યે આસ્થાને આસ્તિકતારૂપે પરિભાષિત કરે છે.
આપણા સારમર્મમાં, વ્યવહારમાં અને દર્શનમાં આસ્તિકતા વિશે જે કાંઈ પણ કહેવામાં આવ્યું છે, તે એક જ સત્યનાં વિવિધ રૂપ છે. કથન અને પરિભાષાઓ અનેક હોવા છતાં પણ આસ્તિકતાનું સત્ય એક જ છે. જ્યારે આપણે આસ્તિકતાને ઈશ્વર પ્રત્યે આસ્થા કહીએ છીએ તો એનો અર્થ એટલો જ છે કે આપણે સમષ્ટિ જીવન પ્રત્યે, સર્વવ્યાપી અસ્તિત્વ પ્રત્યે આસ્થાવાન હોવું જોઈએ. આ જ વાત દેવજ્ઞાન વિશે છે. વેદનો મતલબ માત્ર ચાર પોથી નથી, પરંતુ એ સત્ય જ્ઞાન અને સત્ય વિદ્યા છે. પરંપરાગત રીતે વિચારીએ તો પ્રાચીન ઋષિઓએ જીવન અને જગતની સૂક્ષ્મતાઓ અને ગહનતાઓનું જે જ્ઞાન મેળવ્યું, એ જ વેદોમાં સંકલિત થયેલું છે. એની અવહેલના કે ઉપેક્ષા કરીને આપણે જીવનના સમગ્ર વિકાસને ક્યારેય પામી શકતા નથી.
વીતેલાં વર્ષોમાં વિજ્ઞાનના નામે આસ્તિકતાને ઇનકારવાની અનેક કોશિષો કરવામાં આવી. કેટલીય જાતના વ્યંગ, કટાક્ષ અને કડવી વાતો કરવામાં આવી. વાત એટલે સુધી વધી કે નાસ્તિકતાને વૈજ્ઞાનિકતાનો પર્યાય માનવામાં આવી. આ અવળી વિચારધારાએ અનેક અવળાં કામ કરાવ્યાં. સમષ્ટિ જીવન ચેતનાને નકારવાથી સ્વાર્થપરાયણતા અને અહંતાને ભારે ઉત્તેજન મળ્યું. પ્રાકૃતિક સંસાધનોનું અધાધૂંધ દોહન થયું. માનવીય અહંતાની લપેટમાં આવીને જીવજંતુઓની અસંખ્ય પ્રજાતિઓ નષ્ટ થઈ. આની સાથોસાથ પ્રાકૃતિક સંકટોનાં વાદળો પણ ઘેરાયા. પર્યાવરણ-સંકટ, ઋતુ-સંકટ, જાતજાતની બીમારીઓ, મહામારીઓ, આપત્તિઓ માનવીય જીવનને ગૂંગળાવવાની તૈયારી કરવા લાગ્યાં. સ્વાર્થલિસાથી ગ્રસાયેલા અહંકારી માનવને મનોરોગોએ પણ ઘેરી લીધો. આ બધું કેમ થયું? કેવી રીતે થયું? આ સવાલોના જવાબ શોધવામાં જ્યારે વેજ્ઞાનિકો લાગી પડ્યા તો એમણે પોતાના પ્રયોગોના નિષ્કર્ષમાં એ જ જાણ્યું કે સમષ્ટિ ચેતનાના અસ્તિત્વને નકારી શકાતું નથી.
વૈજ્ઞાનિક સમુદાયે હાર માનીને એ વાત સ્વીકારવી પડી કે જીવનના તમામ તંતુ એકબીજા સાથે ગાઢ રીતે ગૂંથાયેલા છે. જીવન અને જગત પોતાના ઊંડાણમાં પરસ્પર જોડાયેલા છે. એમને અલગ સમજવા એ મોટી ભૂલ છે. આ વૈજ્ઞાનિક નિષ્કર્ષ જ પ્રકારાંતરે ઈકોલોજી, ઈકોસિસ્ટમ, ડીપ ઈકોલોજી અને એન્વાયરન્મેંટલ સાઈકોલોજી જેવી શબ્દાવલી રૂપે પ્રકાશિત થયા. આ તથ્યોને જો અહંકારી હઠવાદિતાને ત્યાગીને સ્વીકારીએ તો તે આસ્તિકતાના અસ્તિત્વની સ્વીકારોક્તિ જ કહેવાશે. આ વૈજ્ઞાનિક નિષ્કર્ષ વિશે યુગો પૂર્વે શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહેવાયું હતું – “સૂત્રે મણિગણાઈવ’ એટલે કે જીવનનાં તમામ રૂપ એક પરમ દિવ્ય ચેતનાના સૂત્રમાં મણિઓની જેમ ગૂંથાયેલા છે. ઉપનિષદોએ આ સચ્ચાઈને “અયમાત્મા બ્રહ્મ’ કહીને પ્રતિપાદિત કરી. એનો મતલબ એ છે કે આ મારો અંતરાત્મા જ બ્રાહ્મી ચેતનાનો વિસ્તાર છે. એને એમ પણ કહી શકાય કે આપણા જીવનનો ભાવભર્યા વિસ્તાર જ આ જગત છે. આપણા વિસ્તારમાં જ સમષ્ટિ છે.
ઉપનિષદ યુગની આ અનુભૂતિઓને કેટલાય મનીષીઓ આ વૈજ્ઞાનિક યુગમાં પણ મેળવી રહ્યા છે. આ જ કારણે એમણે આસ્તિકતાને આધ્યાત્મિક ચિકિત્સાના સર્વમાન્ય સિદ્ધાંતરૂપે માન્યતા આપી છે. એમાંના એક ટી.એલ. મિશેલનું કહેવું છે કે આસ્તિકતાનો ઇનકાર જીવન ચેતનાને વિખંડિત કરીને તેને અપંગ બનાવી દે છે. આ ઇન્કારથી જીવનમાં અનેક નકારાત્મક ભાવ પેદા થાય છે, જે દૃઢ બનવાથી કેટલીય જાતના રોગો થવાની સંભાવના જન્મે છે. એમનો એવો પણ મત છે કે જે આસ્તિકતાને સાચા અર્થમાં સમજીને આત્મસાત્ કરવામાં આવે તો અંગત જીવનમાં ફૂલતીફાલતી કેટલીય જાતની મનોગ્રંથિઓથી છુટકારો મેળવી શકાય છે.
આ સંદર્ભમાં અંગ્રેજ પત્રકાર અને લેખક પોલ બ્રોન્ટનની અનુભૂતિ ખૂબ મધુર છે. કેટલાય વર્ષોની યાત્રા કર્યા પછી પોલ બ્રોન્ટન ભારત આવ્યા. પોતાના સંશોધક સ્વભાવને કારણે તેઓ અહીં અનેક મહાન વિભૂતિઓને મળ્યા. એમાંના કેટલાક સિદ્ધ અને ચમત્કારી મહાપુરુષ પણ હતા, પરંતુ આ તમામ ચમત્કાર, અચરજભર્યા કાર્યો એમની જિજ્ઞાસાઓનું સમાધાન ન કરી શક્યાં. આ બધી મિલન-મુલાકાતો પછી પણ એમનો પ્રશ્ન અનુત્તરિત રહ્યો. મન એવું ને એવું અશાંત રહ્યું. તેઓ પોતે આધ્યાત્મિક ચિકિત્સાની તીવ્ર જરૂરિયાત અનુભવી રહ્યા હતા, પણ એ શક્ય કેવી રીતે બને? પોતાના વિચાર અને ચિંતન-મનનની આ ક્ષણે એમને રમણ મહર્ષિની જાણકારી મળી.
તામિલનાડુના તિરુવન્નામલાઈ સ્થાન પર સાધના કરનાર યોગીવર રમણ. પવિત્ર પર્વત અરુણાચલમમાં તપ કરી રહેલા સંત રમણ મહર્ષિ આ નામે એમના હ્રદયના તારોમાં એક મધુરઝંકાર ઉત્પન્ન કર્યો. એમને એવું લાગ્યું, જાણે મહર્ષિ પોતાના અદૃશ્ય સ્વરે તેમને આમંત્રિત કરી રહ્યા છે! સ્વર અજાણ્યો હતો, પણ પોકાર આત્મીય હતો. તેઓ ચાલી નીકળ્યા. થોડાક દિવસોમાં પોતાની આ યાત્રા પૂરી કરીને તેઓ પવિત્ર પર્વત અરુણાચલમના પદપ્રાંતમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમને જાણવા મળ્યું કે મહર્ષિ પોતાની ગુફામાં છે. શક્ય છે કે તેઓ સાંજે નીચે ઊતરે. પોલ બ્રોન્ટન માટે એ સાંજની પ્રતીક્ષા ખૂબ કષ્ટપ્રદ હતી. તેમ છતાં તેમણે ધૈર્યપૂર્વક સમય વિતાવ્યો.
પ્રતીક્ષાની ક્ષણો વીતી જતાં મહર્ષિ સાથે તેમની મુલાકાત થઈ. આ મિલનની પ્રથમ ક્ષણે જ તેમણે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી દીધી આસ્તિકતા શું છે? ઈશ્વર છે કે નહિ? તેમના આ પ્રશ્નો પર મહર્ષિ હસી પડ્યા અને બોલ્યા- “પહેલાં એ બતાવો કે તમે છો કે નહિ અને જો તમે છો તો તમે કોણ છો?” તેમના સહજ પ્રશ્નોના જવાબમાં મહર્ષિના અટપટા પ્રશ્ન! પોલ બ્રોન્ટન કંઈ બોલી ન શક્યા, પરંતુ મહર્ષિના વ્યક્તિત્વની પારદર્શક સચ્ચાઈએ તેમને ઊંડે સુધી સ્પર્શી લીધા. મહર્ષિની વાતોમાં તેમને સત્યનું દર્શન થયું અને તેઓ “હું કોણ છું?” આ પ્રશ્નનું સમાધાન મેળવવામાં લાગી પડ્યા.
પોલ બ્રોનની જિજ્ઞાસા તીવ્ર હતી. તેમની ભાવના સાચી હતી, પાછી તેમનામાં લગનની પણ કંઈ કમી ન હતી. મહર્ષિનો પ્રશ્ન જ તેમનું ધ્યાન બની ગયો. તેઓ પોતાના અસ્તિત્વનાં એક એક પડ ભેદતાં ભેદતાં ગહનતામાં ઊતરતા ગયા. જેમજેમ તેઓ પોતાના ઊંડાણમાં ઊતરતા ગયા, તેમતેમ તેમનું અચરજ વધતું ગયું. પરિઘમાં સીમાઓ હતી, પરંતુ કેન્દ્રમાં અસીમતાની અનુભૂતિ હતી. ‘હું’ ની સાચી ઓળખાણમાં તેમને ઈશ્વરની ઓળખાણ પણ મળી ગઈ. આસ્તિકતાના અસ્તિત્વનો બોધ પણ થઈ ગયો. જ્યારે તેઓ ફરી પાછાં મહર્ષિ પાસે પહોંચ્યા તો તેમના હોઠો પર કરુણાપૂર્ણ મલકાટ હતો. પોલ બ્રોન્ટનને જોઈને તેઓ બોલ્યા, “પુત્ર ! આસ્તિકતા આધ્યાત્મિક ચિકિત્સાની એક વિધિ છે. જીવનનું સમગ્ર દુ:ખ તેના અધૂરાપણાની અનુભૂતિમાં છે. જ્યારે કોઈ તેનો સંપૂર્ણતામાં અનુભવ કરે છે તો તેના તમામ સંતાપ શાંત થઈ જાય છે. પોતાના અંતરાત્મામાં જ તેને પરમાત્માની ઝાંખી મળે છે. પોતાના જીવનમાં જ જગતના વિસ્તારનો બોધ થાય છે, જો કે આ અનુભૂતિ માટે નૈતિકતાની નીતિ અનુસરવી જરૂરી છે.
પ્રતિભાવો