આધ્યાત્મિક રહસ્યોથી ભરેલું માનવજીવન, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
આધ્યાત્મિક રહસ્યોથી ભરેલું માનવજીવન, આધ્યાત્મિક ચિકિત્સા
માનવજીવનનું આધ્યાત્મિક રહસ્ય અદ્ભુત છે. અનુભવ કહે છે કે એ એટલાં આશ્ચર્યોથી ભરેલું છે કે સામાન્ય બુદ્ધિ તો એના પર ભરોસો કરવામાં અસહાય બને છે. જે દેહથી આપણને જીવનનો પરિચય મળે છે, તેના વિશે આપણી જાણકારી બહુ છીછરી છે. ઉપરથી જોતાં ભલે તે માંસ અને ચામડાંથી મઢેલું હાડકાંનું એવું માળખું દેખાતું હોય જેની અંદર રક્ત અને પ્રાણ ચક્કર મારી રહ્યાં છે, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિ કહે છે કે તેની અંદર અનેક એવી સૂક્ષ્મતાઓ છે, જેના વિશે આધુનિક શોધ પણ કંઈ કહી શકવા અસમર્થ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સંરચનાઓ, માંસપેશીઓમાં લપેટાયેલ તંત્રિકાઓનાં ગુચ્છ, મસ્તિષ્કની અર્ધા ઉપરાંતની કોશિકાઓની નિષ્ક્રિય સ્થિતિએ ત્રીજી સહસ્ત્રાબ્દિના મહાવૈજ્ઞાનિકોને હેરાન કરી મૂક્યા છે.
એમાંથી કેટલાયનું તો એમ માનવું છે કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકતા દેહની જે સૂક્ષ્મ સંરચનાઓને જાણી શકવામાં અક્ષમ છે, તે જ શક્ય છે કે આધ્યાત્મિક રહસ્યોનાં પ્રવેશદ્વાર હોય. થોડાંક વર્ષો પહેલાં જ ત્રીજી સહસ્ત્રાબ્દિના પ્રવેશની શુભ ઘડીએ એક ગ્રંથ પ્રકાશિત થયો છે. પ્રેડિક્શન ફોર ધી નેક્સ્ટ મિલેનિયમ.’ આ ગ્રંથનું સંપાદન ડેવિડ ક્રિસ્ટોફ અને ટોડ ડબલ્યુ નિકરસન નામના વિશેષજ્ઞ વૈજ્ઞાનિકોએ કર્યું છે. આ ગ્રંથમાં ૨૧૭ વિશિષ્ટ વૈજ્ઞાનિકોના વિચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી ભવિષ્યના માનવવિકાસ પર નજર નાંખવામાં આવી છે. ટૂંકમાં આ પુસ્તકોનો સાર કહીએ તો એમાં એવી આશા રાખવામાં આવી છે કે ભવિષ્યનો માનવ પોતાના જીવનનાં આધ્યાત્મિક રહસ્યોને વૈજ્ઞાનિક ઢંગથી જાણવા યોગ્ય બની શકશે.
જ્યાં સુધી વર્તમાનની વાત છે તો કેવળ દેહનાં રહસ્યો જ અણજાણ્યાં નથી, પરંતુ પ્રાણનો પ્રવાહ પણ વણજાયો છે. નાડી સંસ્થાનમાં વહેતો પ્રાણ વિશ્વપ્રાણ સાથે કેવી રીતે સંબંધિત છે? આ પ્રશ્નનો કોઈ સચોટ વૈજ્ઞાનિક ઉત્તર નથી, જ્યારે આધ્યાત્મિકતાના ભવ્ય ભવનનો સંપૂર્ણ પાયો પ્રાણવિદ્યા પર જ ટકેલો છે. પ્રાણના ભેદ, ઉપભેદ, ભાવનાઓ અને વિચારો પર એનો પ્રભાવ એટલો અનોખો છે, જેની અનુભૂતિ થતાં કોઈ પણ વ્યક્તિ જીવનની દોર પોતાના હાથમાં લઈ શકે છે.
પ્રાણની જેમ જ મનનાં આધ્યાત્મિક રહસ્યો થી મનોવૈજ્ઞાનિકોનો સમુદાય અપરિચિત છે. મન સોચ-વિચાર સંસ્થાનથી કંઈક વધારે છે. તેવી જ રીતે તેની અવચેતન અચેતનની પરતોનું ઊંડાણ વર્તમાન જીવનથી ક્યાંય વધારે છે. એમાં અસંખ્ય એવા ગૂઢ ભેદ સમાયેલા છે, જેને ફક્ત આધ્યાત્મિક સાધનાઓથી જ ઉભારી, ઉકેલી અને જગાડી શકાય છે. આમ થતાં આ જ મન આપણને અતીન્દ્રિય ઝલક દેખાડવા લાગે છે. કોઈ અજાણ ઝરૂખામાંથી ભવિષ્યની ઝાંખી મળવા લાગે છે. જીવનની પરતો અનેક છે. તેનાં રહસ્યો પણ અસંખ્ય છે, પરંતુ એને એ જ જાણી શકે છે, જે સાચે જ જિજ્ઞાસુ છે. જેનામાં સ્વાસ્થ્ય જીવનનો સાચો અર્થ શોધવાની લાલસા છે. જે એ સત્યને સમજે છે કે આધ્યાત્મિક ચિકિત્સાથી જ સ્વાસ્થ્ય અને સફળ જીવનનું વરદાન મેળવી શકાય છે.
એવા જ એક સાચા જિજ્ઞાસુ ઈ.સ. ૧૯૫૩માં શ્રી અરવિંદ આશ્રમમાં સાધના માટે આવ્યા. જો કે પોંડિચેરી સાથે એમનો જૂનો સંબંધ હતો. તેઓ અહીં ફ્રાંસીસી ઓપનિવેશિક સરકારમાં પહેલાં સેવારત હતા અને ત્યારે તેમનો શ્રી અરવિંદ અને શ્રીમા સાથે ભાવભર્યા સંબંધ બંધાયો હતો “માનવજીવનમાં અનંત આધ્યાત્મિક રહસ્ય સમાયેલા છે’ આ એક વાતે તેમના હૃદયતંત્રના ઊંડાણને સ્પર્શી લીધું. તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું અને ડચ ગયાના જતા રહ્યા. ત્યાં તેમણે એમેઝોનનાં જંગલોમાં પોતાની સાહસિક સાધનામાં એક વર્ષ ગાળ્યું. ત્યારબાદ બ્રાઝીલ થઈને આફ્રિકા પહોંચ્યા. આ સાહસિક શોધમાં તેમને સદ્ગુરુના માર્ગદર્શનની તીવ્ર જરૂરિયાત અનુભવાઈ.
આ ભાવના તેમને શ્રીમાનાં શરણે લઈ આવી. પોતાની ૩૦ વર્ષની ઉંમરે તેઓ શ્રીમાના સમર્પિત શિષ્ય બની ગયા. શ્રીમાએ એમને “સત્પ્રેમ’ કહીને સંબોધ્યા. સાધના માટે સાહસિક સંકલ્પ અને સદ્ગુરુ પ્રતિ સઘન શ્રદ્ધાના સુયોગે તેમને નવો પ્રારંભ આપ્યો. તેઓ પોતાના રસ્તે ચાલી નીકળ્યા. આ રસ્તે ચાલતાં તેમની સામે એક પછી એક નવાં નવાં આધ્યાત્મિક રહસ્ય ઉજાગર થતાં રહ્યાં. સૌથી પહેલાં તેમણે અનુભવ્યું કે સૃષ્ટિ અને માનવ જીવનનું મૂળ ઊર્જા છે. આ ઊર્જા પોતાના નિશ્ચિત ક્રમમાં જુદાજુદા આકારવાળી છે. લોકની સૃષ્ટિ પણ આ રીતે બની છે અને માનવજીવન પણ આની જેમ અસ્તિત્વમાં આવ્યું છે.
પોતાની આ અનુભૂતિ પછી એમણે કહ્યું – આઈન્સ્ટાઈનનું સૂત્ર E=mc2 વૈજ્ઞાનિક જ નહિ, આધ્યાત્મિક સૂત્ર પણ છે. આધ્યાત્મિક અનુભવ પણ એમ જ કહે છે કે પદાર્થ અને ઊર્જા પરસ્પરમાં રૂપાંતરિત થાય છે માનવજીવન પણ આ રૂપાંતરણનું પરિણામ છે. જેને આપણે દેહ, પ્રાણ અને મન, અંતઃકરણ અને અંતરાત્માના સંયોગથી બનેલું વ્યક્તિત્વ કહીએ છીએ, તે વાસ્તવમાં કેટલાક વિશિષ્ટ ઊર્જા-તરંગોનો સુખદ સંયોગ છે. કર્મ, ઇચ્છા અને ભાવના અનુસાર આ ઊર્જા તરંગોમાં વધઘટ થતી રહે છે. સ્થિતિમાં થનાર આ પરિવર્તન માટે વર્તમાન જીવનની સાથે ભૂતકાળમાં કરવામાં આવેલાં કર્મ, ઇચ્છાઓ અને ભાવનાઓ જવાબદાર હોય છે.
તેની જ યોગ્ય કે અયોગ્ય સ્થિતિ અનુસાર જીવનમાં સુખદ અને દુઃખદ પરિવર્તન આવે છે. જીવનમાં કોઈ વિશિષ્ટ ઊર્જા તરંગનો જ્યારે ઘટાડો થાય છે ત્યારે સ્વાસ્થ્ય, માનસિક સ્થિતિ, પારિવારિક અને સામાજિક પરિસ્થિતિમાં તદનુરૂપ પરિવર્તન આવી જાય છે. આ સ્થિતિને તપ, યોગ, મંત્રવિદ્યા વગેરે પ્રયાસોથી ઠીક પણ કરી શકાય છે. સત્પ્રેમે આ તમામ પ્રયોગો એક વૈજ્ઞાનિકની જેમ કર્યા. સાથોસાથ તેમણે પોતાના નિષ્કર્માને લિપિબદ્ધ પણ કર્યા. જે કોઈ માનવજીવનના આધ્યાત્મિક રહસ્યોને વિસ્તારથી જાણવા ઇચ્છે છે, તેમના માટે સત્પ્રેમની રચનાઓ માર્ગદર્શક દીપક જેવી છે.
પ્રાયોગિક નિષ્કર્ષના ક્રમમાં એમણે સૌથી પહેલાં “શ્રી અરવિંદ ઓર ધી એડવેન્ચર ઑફ કોન્શસનેસ’ લખ્યું. એ પછી થોડાક સમય બાદ એમણે “ઓન ધી વે ઑફ સુપરમેનહુડ’ પ્રકાશિત કર્યું. શ્રીમાના સંગ-સાથની અનુભૂતિઓને એમણે “મધર્સ એજન્ડા’ના ૧૩ ભાગોમાં લખી. તે પછી “ધી ડિવાઈન મટીરિયાલિઝમ”, “ધી ન્યૂ સ્પેસીઝ’, ધી મ્યુટેશન ઑફ ડેથ’ની એક ગ્રંથત્રયી લખી. તે પછી “ધ માઈન્ડ ઑફ સેલ્સ’ પ્રકાશિત કર્યું. ઈ.સ. ૧૯૮૯માં પોતાની સાધનાકથાને “ધી રિવોલ્ટ ઑફ અર્થ” નામે પ્રકાશિત કરી.
સત્પ્રેમે પોતાનું સંપૂર્ણ જીવન માનવજીવનનાં આધ્યાત્મિક રહસ્યોની શોધમાં વિતાવ્યું. એક ગંભીર વૈજ્ઞાનિકની જેમ તેમણે પોતાના શોધ-નિષ્કર્ષ પ્રસ્તુત કર્યા. સારરૂપે તેમના નિષ્કર્ષો વિશે બે વાત કહી શકાય છે – (૧) આપણે સૌ, સૃષ્ટિ અને સૃષ્ટા સાથે પરસ્પર ગાઢ ગૂંથાયેલા છીએ (૨) કર્મચક્ર જ આપણા સૌના જીવનને ચલાવી રહ્યું છે, પરિવર્તિત કરી રહ્યું છે. આ બે વાતોની સાથે બીજી પણ બે વાતો છે (૧) ઇચ્છા, સંકલ્પ, સાહસ અને શ્રદ્ધા દ્વારા આપણે સૌ આપણી અનંત શક્તિઓને જાગૃત કરી શકીએ છીએ (૨) આધ્યાત્મિક ચિકિત્સા જ માનવીની વિકૃતિઓનું એકમાત્ર સમાધાન છે. એને આસ્તિકતા હોય તો અનુભવી શકાય છે.
પ્રતિભાવો