અથર્વણવિદ્યાની ચમત્કારિક ક્ષમતા, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
અથર્વણવિદ્યાની ચમત્કારિક ક્ષમતા, આધ્યાત્મિક ચિકિત્સા
આધ્યાત્મિક ચિકિત્સાની પુણ્ય પરંપરા વૈદિક ઋચાઓના ગુંજન સાથે જ શરૂ થઈ ગઈ. પોતાના જીવનના ઉષાકાળથી જ માણસે વિકૃતિઓ અને વિરોધો સામે અનેક સંઘર્ષો કરવા પડ્યા. આ સંઘર્ષોમાં ક્યારેક તેનો દેહ ક્ષત-વિક્ષત થયો, તો ક્યારેક અંતર્મન વિદીર્ણ થયું. ભાવનાઓ તાર-તાર થવાના પણ અનેક અવસરો આવ્યા. વિપન્નતા અને ધનહીનતાનું દુઃખ પણ એણે સહ્યું, શત્રુઓએ આપેલી વિષમ પીડા પણ એણે સહી લીધી. તરફડાટભરી આ પીડાઓ વચ્ચે તેણે સમાધાનની શોધમાં કઠિન સાધનાઓ કરી. મહાતપની જ્વાળાઓમાં તેણે પોતાના જીવનને હોમ્યું. પ્રશ્ન એક જ હતો – જીવનની વિકૃતિઓનું નિદાન અને તેનું ચિકિત્સકીય સમાધાન.
આત્મચેતનાના કેન્દ્રમાં-પરમાત્મ ચેતનાના સાંનિધ્યમાં તેને સમાધાનનો સ્વર સંભળાવા લાગ્યો. મહાતપની આ નિરંતરતાએ તેના સામાન્ય વ્યક્તિત્વનો ઋષિકલ્પ કરી નાંખ્યો અને તેણે કહ્યું –
તં પ્રત્નાસ ઋષયો દીધ્યાના: પુરો વિપ્રા દધિરે મંદ્રજિહ્વમ્ | – ઋગ્વેદ (૪/૫૦/ ૧).
આ ઋષિ-અનુભૂતિમાંથી એ સ્પષ્ટ ધ્વનિ નીકળે છે કે પ્રાચીન ઋષિઓ પરબ્રહ્મનું ધ્યાન કરીને તેમને પોતાની સામે પ્રકટ કરી લેતા હતા અને મંત્રજિહ્વ પરમાત્મા દ્વારા તેમને વેદમંત્રોનો ઉપદેશ મળતો હતો. કીથ અને મેક્સમૂલર જેવા પાશ્ચાત્ય વિદ્વાનો આ વેદમંત્રોનો શબ્દાર્થ ગમે તે શોધતા રહે, પરંતુ પોતાના રહસ્યાર્થમાં એ જીવનની આધ્યાત્મિક ચિકિત્સાના મંત્ર છે. આધ્યાત્મિક ચિકિત્સાના આ દિવ્ય કાવ્ય વિશે અથર્વવેદના ઋષિએ કહ્યું –
પશ્ય દેવસ્ય કાવ્યં ન મમાર ન જીર્યતિ | પરમાત્માના કાવ્ય (વેદ)ને જુઓ, તે નાશ પામતું નથી કે મરતું નથી.
ખરેખર જ આ અમૃત કાવ્યમાં જીવનની સંપૂર્ણ અને સર્વવિધ આધ્યાત્મિક ચિકિત્સાનાં અનેક સૂકત, સૂત્ર અને આયામ સમાયેલા છે. પોતાના મહાતપથી અસંખ્ય પીડિતજનોની આધ્યાત્મિક ચિકિત્સા કરનાર બ્રહ્મર્ષિ ગુરુદેવે વર્ષો પૂર્વે આ સત્યને પોતાની કલમથી પ્રકટ કર્યું હતું. તેમણે ઋગ્, યજુષ્, સામ અને અથર્વવેદના કેટલાક વિશિષ્ટ મંત્રોની આધ્યાત્મિક ચિકિત્સાના સંદર્ભમાં તેની મહત્તા તથા તેની પ્રયોગ-વિધિને ઉદ્ઘાટિત કરી હતી. “વૈદિક મંત્રવિદ્યા”ના રૂપમાં આ આશ્ચર્યજનક અને ચમત્કારિક રૂપે સ્વીકાર્ય હતી, પણ આજ અનુપલબ્ધ છે.
જો કે ૧૯૮૮ના વર્ષમાં આ દિવ્ય ગ્રંથ એક પરિજન પાસેથી બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાનના શોધકર્તાઓને મળ્યો હતો. ત્યારે તેને આધાર બનાવીને “વેદોમાં માનવજીવનનું સ્વરૂપ અને તેની આધ્યાત્મિક ચિકિત્સાનું રહસ્ય’ના નામથી એક શોધ કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું. જે કાર્ય કરાવવામાં આવ્યું હતું, તેના આધારે ઘણું જ પ્રમાણિકપણે કહી શકાય છે કે વેદ માનવજીવનની આધ્યાત્મિક ચિકિત્સાનો આદિ સ્રોત છે. એમાં કેવળ દેહની પીડાને દૂર કરવાની વિધિ માત્ર નથી, પરંતુ માનસિક રોગોની નિવૃત્તિ, દરિદ્રતા-નિવારણ, બ્રહ્મવર્ચસ અને સ્મરણશક્તિનો વધારો, ઘર-પરિવારની સુખ-શાંતિ અને સામાજિક યશ, સન્માનમાં વધારો કરવાના અનેક પ્રયોગો સમાયેલા છે.
એક નાનકડા લેખમાં એ તમામ પ્રયોગના વિસ્તારની વ્યાખ્યા તો શક્ય નથી. પરંતુ એક સામાન્ય પ્રયોગની ચર્ચા તો કરી જ શકાય છે. આ ચર્ચા ઋગ્વેદના દશમા મંડળના ૧૫૫માં સૂતક વિશેની છે. જો કોઈ વ્યક્તિ ધનલક્ષ્મી વિનાની હોય અને જીવન ગુજારી રહી હોય તો તે આ સૂક્તના તમામ પાંચેય મંત્રોનો દરરોજ સવારે નાહીને ૧૦૧ વાર જપ કરે. આ જપની પહેલાં અને પછી ગાયત્રી મહામંત્રની એક એક માળાનો જપ કરવો જરૂરી છે. વેદમાં અનેક પ્રયોગ અને અસંખ્ય વિધિઓ છે. મહાકાવ્ય અને પુરાણકાળમાં આ વિધિઓ અને પ્રયોગોનો ઉલ્લેખ મહાકાવ્યો અને પુરાણોમાં થયો. વાલ્મીકિ રામાયણ અને મહાભારતમાં જીવનની અગણિત સમસ્યાઓના સમાધાન માટે વિભિન્ન પ્રયોગની સાંકેતિક કે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
આધ્યાત્મિક ચિકિત્સાના આ પ્રસંગ ઐતરેયબ્રાહ્મણ, તૈત્તિરીયબ્રાહ્મણ, શતપથબ્રાહ્મણ, તાણ્ડ્યબ્રાહ્મણ તથા ષડવિંશબ્રાહ્મણમાં પણ પૂરતા મળે છે. દેવી ભાગવત પુરાણ, અગ્નિપુરાણ, નારદાદિપુરાણોમાં તો તે અસંખ્ય છે. આ બાબતમાં સૂત્રગ્રંથો પણ પાછળ નથી. એમાં પણ આધ્યાત્મિક ચિકિત્સા સાથે સંબંધિત અનેક પ્રયોગ-વિધિઓ મળે છે. કલ્પસૂત્ર, શ્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્રમાં આ વિષય પર એટલી વિપુલ સામગ્રી છે, કે જેના આધારે એક શોધગ્રંથ તૈયાર કરી શકાય છે.
એવી અનેક સત્ય ઘટનાઓ છે, જે ઋષિભૂમિ ભારતની આધ્યાત્મિક ચિકિત્સાના પુણ્ય પ્રવાહની સાક્ષી રહી છે. આધુનિક બુદ્ધિ ભલે તેને કાલ્પનિક ગપ માને, પરંતુ જેને ભારતીય ઇતિહાસનું સાચું જ્ઞાન છે, જે ઋત્ પ્રત્યે આસ્થાવાન છે તેઓ તેને સ્વીકારતાં અચકાશે નહિ. જે ઘટનાનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે ઉત્તર વૈદિક કાળની છે. એ દિવસોમાં વેદત્રયીની જ માન્યતા હતી. અથર્વણ વિદ્યાઓ પોતાની પ્રતિષ્ઠા પામવા માટે પ્રયત્નશીલ હતી. એ દિવસોમાં હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનુ બીમાર પડ્યા. એમનું બીજું લગ્ન સત્યવતી સાથે થઈ ચૂક્યું હતું અને કુરુવંશનું ગૌરવ એવા દેવવ્રત યુવરાજપદ ત્યાગીને ભીખ બની ચૂક્યા હતા.
તેમની પિતૃભક્તિ, મહાત્યાગ, કર્તવ્યનિષ્ઠા અને નિરંતર સેવા એ બધાં મળીને પણ મહારાજ શાંતનુને રાહત આપી શકતાં ન હતાં. એમનું સ્વાસ્થ્ય નિરંતર બગડી રહ્યું હતું. મનનો થાક અને અશાંતિ વધી રહ્યાં હતાં. મહારાણી સત્યવતી પણ ગભરાયેલી હતી, કારણ કે પ્રાણવાન ઔષધીઓ નિષ્ણાત સાબિત થઈ રહી હતી અને ગુણવાન વૈદ્ય ગુણહીન પ્રમાણિત થઈ રહ્યા હતા. કોઈને આશા ન હતી કે મહારાજ શાંતનુનું જીવન બચી જશે. સત્યવતીએ અંતિમ પ્રયાસરૂપે મહર્ષિ વ્યાસનું સ્મરણ કર્યું. પિતૃભક્ત ભીષ્મ એમને આદરપૂર્વક લઈ આવ્યા.
વ્યાસે સ્થિતિની સંપૂર્ણ જાણકારી મેળવી અને માતા સત્યવતીને કહ્યું – “મા! આ કામ કમ-સે-કમ મારા માટે તો અસાધ્ય છે. હા, પરમ તપસ્વી મહર્ષિ દધ્યંગ ઇચ્છે તો કંઈક કરી શકે તેમ છે.” વ્યાસની વાત સાંભળીને ભીષ્મ તેમને લેવા માટે તેમની પાસે ગયા. પહેલાં તો તેમણે આવવાનો ઇન્કાર કર્યો, પણ પછીથી મહર્ષિ વ્યાસની વિનંતીથી તૈયાર થઈ ગયા. રાજમહેલો, રાજપુરુષો અને રાજનીતિથી સારું એવું અંતર રાખનાર મહર્ષિ અથર્વણનું હસ્તિનાપુર આવવું એ કોઈ ચમત્કારથી ઓછું ન હતું. આવતાં જ એમણે મહારાજ શાંતનુને જોયા અને જોરથી ખડખડાટ હસ્યા. એમનું હસવાનું ખૂબ વાર સુધી ચાલતું રહ્યું. ઉપસ્થિત સૌ ચક્તિ હતાં.
ત્યારે તેમણે થોડા આક્રોશથી કહ્યું – “મહારાજ ! જોવામાં તો આપનો દેહ રોગી છે, પણ વાસ્તવમાં આપ પ્રારબ્ધના કુયોગ અને આપની મનોગ્રંથિથી પીડિત છો. સમગ્ર ઉપચાર માટે આપે જીવનશૈલી અને જીવનક્રમ બદલવા પડશે.” શાંતનુ સંમત થતાં તેમણે પોતાની ચિકિત્સા શરૂ કરી. એમાં ઔષધિઓના કલ્પ હતા, તો મંત્રોના પ્રયોગ પણ હતા. કેટલાય પ્રકારનાં એવા અનુષ્ઠાન હતાં, જેના પ્રભાવથી શાંતનુનો દેહ અને મનઃસ્થિતિ બદલાવા લાગ્યાં. અથર્વણ વિદ્યાનો પ્રભાવ સૌ કોઈ જોઈ રહ્યાં હતાં. આ ઘટનાના સાક્ષી મહર્ષિ વ્યાસે તેમને કહ્યું – “ઋષિવર ! આધ્યાત્મિક ચિકિત્સાની આપની વિધિઓ ચમત્કારિક છે. આ પુણ્ય પ્રક્રિયા ચાલતી રહે તેના માટે અથર્વવેદની રચના જરૂરી છે.” અથર્વણના આશીર્વાદથી અથર્વવેદ રચવામાં આવ્યો અને સૌએ આધ્યાત્મિક ચિકિત્સાના રૂપમાં વેદજ્ઞાની ગુરુના મહત્ત્વને જાણ્યું.
પ્રતિભાવો