૧૬૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૯/૬ (૩)/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
August 9, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૯/૬ (૩)/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
એષા વા અતિથિર્યચ્છ્રોત્રિયસ્તસ્માત્ પૂર્વો નાશ્નીયાત્ ॥ (અથર્વવેદ ૯/૬ (૩)/૭)
ભાવાર્થ: હે સદ્ગૃહસ્થ પુરુષો ! ઘરના આંગણે આવેલા અતિથિને પ્રથમ ભોજન કરાવવું અને પછી પોતે જમવું.
સંદેશ : ભારતીય સંસ્કૃતિમાં અતિથિને માતાપિતા અને ગુરુ પછી ચોથા મહાન દેવતા માનવામાં આવ્યા છે. આમ તો છેતરીને આવનારા ચોર, ઠગ અને ગુનાહિત પ્રવૃત્તિના લોકો પણ અતિથિ હોવાનો પ્રયત્ન કરી શકે છે. જેમ કે રાવણે સીતાને અતિથિના રૂપે આવીને જ છેતરી હતી. વાસ્તવમાં અતિથિનો અર્થ એવા ઉદાર આત્માઓ છે કે જેઓ કૃપાપૂર્વક જાતે દુઃખ વેઠીને કોઈને ત્યાં આવે છે અને તેને પોતાના સહયોગ અને કૃપાનો લાભ આપે છે. પ્રાચીનકાળમાં ઉદાર મનના સંતો એવી જ કૃપા કરીને ગૃહસ્થોને ત્યાં પધારતા હતા અને પોતાના પુણ્ય પ્રભાવથી તેમને સુખી અને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. આવા શ્રેષ્ઠ માનવોનો, અતિથિઓનો દેવોની માફક સત્કાર કરવો યોગ્ય અને જરૂરી પણ છે. આથી જ શાસ્ત્રોમાં અતિથિને દેવ માનવાનો અને તેનું યોગ્ય સન્માન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો, ‘અતિથિ દેવો ભવ.’
વૈદિકધર્મમાં પાંચ યજ્ઞોનું ઘણું મહત્ત્વ છે અને અતિથિયજ્ઞ પણ આપણું એક દૈનિક કર્તવ્ય છે. જ્યારે આપણા ઘરે કોઈ એવો માણસ આવી જાય કે જે વેદાદિ શાસ્ત્રોનો વિદ્વાન હોય, જેણે પોતાનું જીવન સંસારના કલ્યાણમાં જોડી દીધું હોય, તો આપણે ભોજન, કપડાં વગેરેથી તેનો સત્કા૨ ક૨વો જોઈએ. વધુમાં જો કોઈ ગરીબ, દુ:ખી, અસહાય અને અનાથ માણસ આપણા આંગણે આવી જાય અથવા કોઈ પણ જગ્યાએ મળી જાય તો દરેક રીતે તેની સહાય કરવી એ પણ અતિથિ સેવા છે.
પ્રાચીનકાળમાં અતિથિને ભોજન કરાવીને જ ગૃહસ્થો ભોજન ગ્રહણ કરતા હતા. જો કોઈ દિવસ અતિથિ ન મળે તો પોતાને કમનસીબ માનતા હતા. આપણે પણ આપણા હૃદયમાં આવી જ ભાવના રાખવી જોઈએ. અતિથિને કરાવેલું ભોજન વ્યર્થ જતું નથી. આપણા અનાજથી શક્તિ મેળવીને કોઈના પ્રાણોનું રક્ષણ થાય એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જે ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો વળે છે તેની અપકીર્તિ થાય છે. કદી પણ અતિથિને નિરાશ કરીને પાછો વાળવો જોઈએ નહિ, પરંતુ દુષ્ટો અને બદમાશોથી સાવધાન રહેવું પણ જરૂરી છે.
આજકાલ તો મિત્રો, મહેમાનો, સરકારી કર્મચારીઓ વગેરેની મહેમાનગીરી કરવામાં આવે છે, કારણ કે એમનાથી લાભ થવાની શક્યતા હોય છે. ગમે તે બહાના હેઠળ, પછી ભલે તે બાળકોનો જન્મદિવસ હોય, લગ્ન હોય કે પરીક્ષામાં પાસ થયા હોય ત્યારે લોકોને આગ્રહપૂર્વક બોલાવીને ખાવાપીવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલું જ નહિ, શરાબ તથા નાચગાનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. શું આને અતિથિસત્કાર કહી શકાય ? શું એ ઉછીનો વ્યવહાર નથી કે અમુકે પોતાના બાળકના જન્મદિવસે મિજબાની ગોઠવી હતી, તો આપણે પણ એનાથી ચઢિયાતું આયોજન કરીએ અને તેમને આમંત્રણ આપીએ ? શું આ વિશુદ્ધ વ્યાપાર નથી કે મિજબાનીમાં થોડુંક ખર્ચીને તેનાથી અનેકગણી ભેટો મેળવવાનો માર્ગ શોધી કાઢ્યો છે ? શું આ ઉચ્ચ અધિકારીઓને લાંચ આપીને પોતાનું કામ કઢાવવાનું સાધન નથી ? આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ રીતે એક માણસનો ભોજન વગેરે પાછળ જે કંઈ ખર્ચ થાય છે, તેટલામાં દસ-વીસ અસહાય માણસોને મદદ કરી શકાય છે. આ જ સાચું પુણ્ય કર્મ છે.
પ્રતિભાવો