આ ગ્રંથોના મંત્રોમાં છુપાયેલા છે અતિગોપનીય પ્રયોગ, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
આ ગ્રંથોના મંત્રોમાં છુપાયેલા છે અતિગોપનીય પ્રયોગ, આધ્યાત્મિક ચિકિત્સા
આધ્યાત્મિક ચિકિત્સાના ગ્રંથ અગણિત છે. તેનો વિસ્તાર અસીમ છે. પ્રત્યેક ધર્મએ, પંથે આધ્યાત્મિક સાધનાઓની શોધ કરી છે. પોતાના દેશ-કાળને અનુરૂપ આ બધું મહત્ત્વપૂર્ણ છે. તેનો મકસદ પણ એક છે. – સંપૂર્ણ સ્વાસ્થ્ય જીવન અને સમગ્રપણે વિકસિત વ્યક્તિત્વ. આ ઉદ્દેશ્યને લઈને તમામે ઊંડા આધ્યાત્મિક પ્રયોગ કર્યા છે અને પોતાના નિષ્કર્ષોને સૂત્રબદ્ધ, લિપિબદ્ધ કર્યા છે. આ પ્રયોગોની શૃંખલામાં કેટલીય વાર તો એવું થયું કે વિશેષજ્ઞોની ભાવચેતના પોતાની ચરમસીમાએ પહોંચી ગઈ અને ત્યાં સૂત્ર પોતે જ અવતરિત થવા લાગ્યાં. પરાવાણીમાં દૈવી સંદેશ પ્રકટ થયો. ઇસ્લામનો પવિત્ર ગ્રંથ કુરાન એવા જ દેવી સંદેશોનું દિવ્ય સંકલન છે. બાઈબલની પવિત્ર કથાઓ પણ એવી જ ભાવગંગામાં પ્રવાહિત થઈ છે. પ્રાચીન પારસી ઝંદઅવસ્તાથી માંડીને અર્વાચીન શીખ ગુરુઓના ગ્રંથસાહેબ સુધીના તમામ ગ્રંથ દેશ-કાળને અનુરૂપ પોતાનું મહત્ત્વ દર્શાવતા રહ્યા છે. આમાંથી કોઈ આધ્યાત્મિક ગ્રંથને બીજાથી ઊતરતો કહી શકાય નહિ.
પરંતુ વાત જ્યારે પ્રાચીનતાની સાથે પરિપૂર્ણતાની હોય, આ વૈજ્ઞાનિક યુગમાં તેની સામયિકતા અને સાર્વભૌમિકતાની હોય, તો વેદ જ પરમ સત્યરૂપે નજર સામે આવે છે. વેદ બધી રીતે અદ્ભુત અને અપૂર્વ છે. આ સમસ્ત સૃષ્ટિમાં વ્યાપેલી આધ્યાત્મિક દૃષ્ટિ, આધ્યાત્મિક શક્તિ અને આધ્યાત્મિક પ્રયોગોનું પવિત્ર ઉદ્ગમસ્થાન છે. જો આ કથનને અતિશયોક્તિ માનવામાં ન આવે તો અહીં એ કહેવામાં સહેજપણ સંકોચ નથી કે સમસ્ત વિશ્વ-વસુધામાં આધ્યાત્મિક ભાવગંગા ક્યાંય વહી છે, તો તેનું પવિત્ર ઉદ્ગમ દેવોનું ગોમુખ જ છે. વિશ્વના પ્રત્યેક ધર્મ, પંથ અને મતમાં જે કાંઈ પણ કહેવામાં આવ્યું છે, તેના સાર-નિષ્કર્ષને વેદમંત્રોમાં શોધી અને વાંચી શકાય છે. જો ભવિષ્યકથન અને ભવિષ્યદૃષ્ટિ પર કોઈને વિશ્વાસ બેસે તો તે જાણી શકે છે કે ભાવિ વિશ્વની આધ્યાત્મિકતા વેદજ્ઞાન પર જ ટકેલી હશે.
આમ કહેવામાં કોઈ જાતનો પૂર્વાગ્રહ નથી, પરંતુ ગંભીર અને કઠિન આધ્યાત્મિક પ્રયોગોના નિષ્કર્ષ રૂપે આ સત્ય જણાવવામાં આવી રહ્યું છે. હા, એ સાચું છે કે વેદમંત્રોને બરાબર સમજવા મુશ્કેલ છે. કારણ કે એ બહુ કૂટભાષામાં કહેવામાં આવ્યા છે. જે લોકો પોતાને સંસ્કૃત ભાષાના મહાજ્ઞાની બતાવીને તેના શબ્દાર્થોમાં સત્ય શોધવાની કોશિશ કરે છે, તેમણે કેવળ ભ્રમિત થવું પડે છે. પ્રત્યેક વેદમંત્રને પોતાની વિશિષ્ટ સાધના – વિધિ છે, એક સુનિશ્ચિત અનુશાસન છે અને તેના સાર્થક સત્પરિણામ પણ છે.
આધ્યાત્મિક ચિકિત્સાની જેટલી સૂક્ષ્મતા અને વ્યાપકતા, સૈદ્ધાંતિક સચ્ચાઈ અને પ્રાયોગિક ઊંડાણ વેદોમાં છે, એટલું બીજે ક્યાંય નથી. આ સુદીર્ઘ અનુભવનું સત્ય છે. જેને સમયાંતરે અનેક લોકોએ ખરું જાણ્યું છે. વેદમંત્રોમાં આધ્યાત્મિક ચિકિત્સાના સિદ્ધાંતોનો મહાવિસ્તાર ખૂબ પારદર્શિતાથી કરવામાં આવ્યો છે. એમાં માનવજીવનનાં તમામ ગોપનીય, ગહન અને ગુપ્ત આયામોનું પારદર્શી ઉદ્ઘાટન છે. સાથોસાથ બહુ સૂક્ષ્મ વિવેચન છે. એમાં આધ્યાત્મિક ચિકિત્સાનો સૈદ્ધાંતિક પક્ષ જેટલો ઉન્નત છે, એટલો જ એનો પ્રાયોગિક પક્ષ સમર્થ છે. ઋગ્, યજુષ્ અને સામવેદના મંત્રોની સાથે અથર્વવેદનો પ્રયોગ તો અદ્ભુત અને અપૂર્વ છે. તેના નાનકડા અંશથી પોતાના જીવનમાં મહાનતમ ચમત્કાર કરી શકાય છે. આ વિષય એટલો વિસ્તૃત છે કે એના વિવેચન માટે આ નાનકડા લેખનાં મર્યાદિત પાનાં પૂરતાં નથી. જિજ્ઞાસુ પાઠકોનો જો આગ્રહ હશે તો પછીથી તેનાં વિશિષ્ટ પ્રાયોગિક સૂકતોમાં વર્ણિત ચિકિત્સા-વિધિ બતાવવામાં આવશે.
અત્યારે તો અહીં એટલું જ કહેવું છે કે વેદમાં આધ્યાત્મિક ચિકિત્સાની મુખ્યત્વે બે જ ધારાઓ વહી છે. એમાંથી પહેલી છે યૌગિક અને બીજી છે તાંત્રિક. આ બંનેય ધારાઓ ખૂબ સમર્થ, સબળ અને સફળ છે. તેનો પ્રભાવ ખૂબ આશ્ચર્યજનક અને વિસ્મયજનક છે. પછીથી મહર્ષિઓએ આ બંને વિધિઓના સિદ્ધાંત અને પ્રયોગોને શ્રીમદ્ ભગવદ્ગીતા અને શ્રી દુર્ગાસપ્તશતીમાં સમાવ્યા છે. બની શકે કે અમારા જિજ્ઞાસુ પાઠકોને થોડુંક અચરજ હોય, પરંતુ એ સાચું છે કે આ બંને ગ્રંથોમાંથી દરેકમાં મૂળરૂપે ૭૦૦ મંત્ર છે. આ બાબતમાં આધ્યાત્મિક ચિકિત્સકોનો પ્રાયોગિક અનુભવ કહે છે કે આ બંને પવિત્ર ગ્રંથોમાં કથાભાગથી ક્યાંય વધારે મહત્ત્વપૂર્ણ તેના મંત્ર-પ્રયોગ છે, જેને કોઈ વિધિસર સંપન્ન કરી શકે તો જીવનની દિશાને બદલી શકાય છે.
આ બાબતમાં મહર્ષિ અરવિંદના જીવનની એક ઘટના ઉલ્લેખનીય છે. એ દિવસોમાં તેઓ અલીપુર જેલની કાળકોટડીમાં કેદ હતા. પુસ્તકોના નામે એમની પાસે વેદની પોથીઓ, શ્રીમદ્ ભગવદ્ગીતા અને દુર્ગા સપ્તશતી જ હતાં. એ દિવસોમાં એનું જ ચિંતન-મનન એમના જીવનનું સર્વસ્વ હતું. તેઓ લખે છે કે સાધના કરતાં કરતાં એ મહામંત્ર પોતે જ એમની સામે પ્રકટ થવા લાગ્યા. એટલું જ નહિ, આ ગ્રંથોમાં વર્ણવેલ મહામંત્રીએ પોતે પ્રકટ થઈને તેમને અનેક જાતની યોગવિધિઓનો પરિચય કરાવ્યો. ત્રિકાલ સત્ય એ છે કે શ્રીમદ્ ભગવદ્ગીતાનો પ્રયોગ સાધકને યોગનાં ગોપનીય રહસ્યોની અનુભૂતિ આપે છે. તે પોતાની જાતે જ આધ્યાત્મિક ચિકિત્સાના યૌગિક પક્ષમાં નિષ્ણાત બની જાય છે.
દુર્ગાસપ્તશતીની વાત છે, તો આ રહસ્યમય ગ્રંથમાં વેદોમાં વર્ણવેલ તમામ તાંત્રિક પ્રક્રિયાઓ કૂટભાષામાં વર્ણવેલી છે. તેના જુદાજુદા પાઠક્રમ પોતાના અલગ અલગ પ્રભાવો પ્રકટ કરે છે. આમ તો તેના પાઠક્રમ અનેક છે. પણ ઘણુંખરું તેના અગિયાર પાઠક્રમોની ચર્ચા મળે છે. આ અગિયાર પાઠક્રમ આ પ્રમાણે છે. (૧) મહાવિદ્યા ક્રમ (૨) મહામંત્રી ક્રમ (૩) ચંડી ક્રમ (૪) મહાચંડી ક્રમ (૫) સપ્તશતી ક્રમ (૬) મૃત સંજીવની ક્રમ (૭) રૂપદીપિકા ક્રમ (૮) નિકુંભલા ક્રમ (૯) યોગિની ક્રમ (૧૦) સંહાર ક્રમ (૧૧) અક્ષરશઃ વિલોમ ક્રમ. પાઠક્રમની આ તમામ વિધિઓ મહત્ત્વપૂર્ણ છે અને પ્રયોગ પૂરો થતાં જ પોતાનો પ્રભાવ બતાવ્યા વિના રહેતી નથી.
આ પાઠક્રમો ઉપરાંત શ્રી દુર્ગાસપ્તશતીના હજારો પ્રયોગો છે. એમાંના કેટલાક સાધારણ છે તે કેટલાક અતિવિશિષ્ટ. આ બધાની ચર્ચા અહીં શક્ય નથી જણાતી, કારણ કે આ વિષય અતિગોપનીય અને ગંભીર છે. પૃથ્વી પર જ નહિ, સમગ્ર સૃષ્ટિમાં એવું કાંઈ જ નથી, જે દુર્ગાસપ્તશતીના સમર્થ પ્રયોગોથી હાંસલ ન કરી શકાય. જો વાત પોતાના ખુદના વ્યક્તિત્વની ચિકિત્સાની હોય તો દુર્ગાસપ્તશતીની સાથે ગાયત્રી મહામંત્રનો પ્રયોગ શ્રેષ્ઠ જણાવ્યો છે.
વૃંદાવનના ઉડિયા બાબાને દુર્ગાસપ્તશતી પર ભારે શ્રદ્ધા હતી. પોતાની આધ્યાત્મિક સાધના માટે જ્યારે તેમણે ઘર છોડ્યું, તો કોઈ આધાર ન હતો. ક્યાં જવું? ક્યાં રહેવું કંઈ સમજાતું ન હતું. એવામાં એમને જગન્માતાનું સ્મરણ થઈ આવ્યું. પોતાના બાળકની દેખભાળ મા સિવાય બીજું કોણ કરી શકે! બસ, માનું સ્મરણ કરતાં કરતાં તેઓ શતચંડીના અનુષ્ઠાનમાં લાગી ગયા. દુર્ગાસપ્તશતીના આ અનુષ્ઠાને તેમના વ્યક્તિત્વને આધ્યાત્મિક ઐશ્વર્યથી ભરી દીધું. પોતાના આ અનુષ્ઠાન વિશે તેઓ ભક્તોને બતાવ્યા કરતા હતા. ગાયત્રી મહામંત્રની સાથે દુર્ગાસપ્તશતીના પાઠના સંયોગથી પોતાના જીવનની આધ્યાત્મિક ચિકિત્સા કરી શકાય છે. એટલું જ નહિ, પોતે પણ આધ્યાત્મિક ચિકિત્સક હોવાનું ગૌરવ મેળવી શકાય છે.
પ્રતિભાવો