અતિ વિલક્ષણ સ્વાધ્યાય ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા

અતિ વિલક્ષણ સ્વાધ્યાય ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા

સ્વાધ્યાય ચિકિત્સાની ઉપયોગિતા અસાધારણ છે. તેના દ્વારા પહેલાં મન સ્વાસ્થ્ય થાય છે, પછી જીવન. ચિકિત્સાના સિદ્ધાંતો તથા પ્રયોગોના જે વિશેષજ્ઞો છે, તે બધાનું એવું કહેવું છે કે રોગી મન જ જીવનને રોગી બનાવે છે. જો કોઈ પણ રીતે મનને નિરોગી બનાવી લેવામાં આવે તો જીવન નિરોગી બની શકે છે. વાત પણ સાચી છે. જે આપણે વિચાર તંત્ર જ દૂષિત હોય તો તેનો પ્રભાવ શારીરિક તેમ જ વ્યાવહારિક અસ્તવ્યસ્તતાના રૂપમાં કેમ ન પેદા થાય ! માનસિક આરોગ્ય તરફ ધ્યાન આપ્યા વગર શરીરને સ્વસ્થ કરવાનું વિચારવું કે વ્યાવહારિક દોષોને સુધારવાનો પ્રયત્ન કરવો એ ઝાડનાં પાંદડાંને કાપીને મૂળિયાં સિંચતા રહેવા બરાબર છે. જ્યાં સુધી ઝાડના મૂળને ખાતર-પાણી મળતું રહેશે, ત્યાં સુધી પાંદડાં આપોઆપ લીલાં રહેશે. એવી જ રીતે જ્યાં સુધી વિચાર-તંત્રમાં વિકૃતિ જળવાઈ રહેશે, ત્યાં સુધી શારીરિક તથા માનસિક તકલીફો જળવાઈ રહેશે.

સમજણ-વિચાર અથવા બોધના તંત્રને નિરોગી બનાવવાની સાર્થક પ્રક્રિયા સ્વાધ્યાયથી વધારે બીજી કોઈ નથી. સ્વાધ્યાયના આ ઊંડા અર્થ અને પ્રભાવથી મોટા ભાગના લોકો અપરિચિત છે. કેટલાક લોકો તો સ્વાધ્યાયને અધ્યયનનો જ પર્યાય માની બેસે છે. તેઓ ભલે ગમે તે વાંચે, તેને સ્વાધ્યાયની સંજ્ઞા આપે છે. આ રીતના વાંચનને માત્ર અધ્યયન જ કહી શકાય, સ્વાધ્યાય નહિ. અધ્યયન માત્ર બૌદ્ધિક વિકાસ સુધી જ સીમિત છે, જ્યારે સ્વાધ્યાય પોતાના કર્તવ્ય બોધને સાવવાની પ્રક્રિયા છે. નિષ્ણાતો આપણા બોધના બે આયામો જણાવે છે. એમાંથી પહેલો છે બાહ્ય બોધ અથવા ઈન્દ્રિયોની મદદથી થતો બોધ. બીજો છે – આંતરિક બોધ એટલે કે વિવેચન, વિશ્લેષણ તથા આંતરિક અનુભૂતિઓથી થતું જ્ઞાન.

બોધના આ બંને આયામો પરસ્પર એકબીજામાં ઊંડે સુધી ગૂંથાયેલા છે. ઈન્દ્રિયો જે અનુભવ કરે છે, તેના પર બુદ્ધિ વિચાર કર્યા વગર રહેતી નથી. એવી જ રીતે આપણી આંતરિક વિચારણામાં જે વિચાર, ભાવનાઓ, વિશ્વાસ, આસ્થાઓ, અપેક્ષાઓ તથા આગ્રહો સમાયેલા રહે છે, તે ઈન્દ્રિયજન્ય અનુભૂતિઓને પોતાના રંગમાં રંગ્યા વગર રહેતા નથી. કહેવત છે કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જો દૃષ્ટિકોણને સ્વસ્થ બનાવી લેવામાં આવે તો જીવનનાં બધાં પાસાં આપોઆપ જ સ્વસ્થ થઈ જાય છે અને સ્વાધ્યાય આ દૃષ્ટિકોણની ચિકિત્સા કરે છે. સ્વાધ્યાયને અંગ્રેજી ભાષામાં કહીએ તો “સેલ્ફ સ્ટડી’ નહિ, પણ “સ્ટડી ઑફ સેલ્ફ’ કહી શકાય. વાસ્તવમાં આ પોતાના સૂક્ષ્મ અધ્યયનની વિધિ છે.

આ વિધિનાં મુખ્ય ચાર બિંદુઓ છે. તેના પહેલા ક્રમમાં આપણે એવા ગ્રંથો-વિચારોની પસંદગી કરીએ છીએ, જેને “સ્વ”ની અનુભૂતિથી સંપન્ન મહામાનવોએ રચ્યા છે. ધ્યાન રહે કે ગમે તે પુસ્તક અથવા વિચાર સ્વાધ્યાયની સામગ્રી બની ન શકે. તેના માટે જરૂરી છે કે એ પુસ્તક કે વિચાર કોઈ મહાન તપસ્વી અધ્યાત્મવેત્તા દ્વારા સર્જાયેલ હોય. તે માટે શ્રીમદ્ ભગવદ્ગીતા, ઉપનિષદ, સ્વામી વિવેકાનંદ અથવા પરમપૂજ્ય ગુરુદેવ દ્વારા લિખિત ગ્રંથોની પસંદગી કરી શકાય. આ પસંદગી પછી બીજું ચરણ શરૂ થાય છે. આ ક્રમમાં આપણે એ મહાન વિચારોના પરિપ્રેક્ષ્યમાં સ્વયંને જોઈએ છીએ, મૂલ્યાંકન કરીએ છીએ. એ સત્ય પર વિચાર કરીએ છીએ, કે આપણે શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છીએ? શું વિચારવું જોઈએ અને શું વિચારી રહ્યા છીએ?

આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્રમ છે. આ જ સ્તર પર આપણે પોતાના ચિંતન તંત્રની વિકૃતિઓ તથા વિકારોને ઓળખી શકીએ છીએ. તેનું સારી રીતે નિદાન કરી શકીએ છીએ. ક્યાં ખરાબી છે, તેનો પ્રભાવ ક્યાં પડી રહ્યો છે અને આગળ જતાં ક્યાં પડવાની શક્યતા છે, એ બધી બાબતોનો વિચાર કરવામાં આવે છે. એ સાચું છે કે જો સાચું નિદાન થઈ શકે તો ઉપાયની રીત પણ સાચી નક્કી થઈ શકે છે. સ્વાધ્યાય ચિકિત્સાનું ત્રીજું મુખ્ય બિંદુ આ જ છે. વિચાર, ભાવનાઓ, વિશ્વાસ, આસ્થાઓ, માન્યતાઓ તથા આગ્રહોથી સમન્વિત પોતાના દૃષ્ટિકોણને સુધારવાની નીતિ નિર્ધારિત કરવી. ક્યાંથી શરૂઆત કરીએ અને કઈ રીતે આગળ વધીએ તેના સમગ્ર વિધિ-વિધાનને આ ક્રમમાં બનાવવા તેમ જ તૈયાર કરવા પડે છે.

તેના પછી ચોથું બિંદુ છે આ વિધિ-વિધાન પ્રમાણે વ્યવહાર. એટલે કે સ્વાધ્યાયને ઔષધિના રૂપમાં ગ્રહણ કરીને પોતાના પરિષ્કારનું સાહસિક કાર્ય. આ એવું કાર્ય છે, જેને બહાદુર અને સંઘર્ષશીલ લોકો જ કરી શકે છે, કારણ કે કોઈ સત્યની વૈચારિક સ્વીકારોક્તિ કરી લેવી સહેલી છે, પરંતુ તે પ્રમાણે જીવન જીવવું અઘરું છે. તેમાં આદતો અને સંસ્કારોની અનેક મુશ્કેલીઓ આવે છે. અહંકાર અગણિત અવરોધો ઊભા કરે છે. તેને દૂર કરવાનો એક જ ઉપાય છે- આપણી લડાયક અને સાહસિક વૃત્તિ. જેઓ પોતાના અહંકારને પોતાના જ પગ તળે કચડી નાખવાનું સાહસ કરે છે, તેમનાથી વધારે સાહસિક આ સૃષ્ટિમાં બીજું કોઈ નથી. ખરેખર જેઓ પોતાને જીતે છે તેઓ મહાવીર હોય છે. સ્વાધ્યાયની ઔષધિનું સેવન કરનારને આવા સાહસિક બનવું પડે છે.

પોંડિચેરી આશ્રમના મહર્ષિ શ્રી અરવિંદના શિષ્ય નલિનીકાન્ત ગુપ્ત સ્વાધ્યાય વિશે પોતાનું ઉદાહરણ રજૂ કરતાં કેટલીક માર્મિક વાતો જણાવી છે. અહીં એ ધ્યાન દોરવું જરૂરી છે કે નલિનીકાન્ત તેમની સોળ વર્ષની ઉંમરથી સતત શ્રી અરવિંદની પાસે રહ્યા હતા. શ્રી અરવિંદ તેમને પોતાના અંતરાત્માના સાથી-સહચર જણાવતા હતા. તેઓ લખે છે કે આશ્રમમાં આવનારા બીજાઓની જેમ હું પણ ખૂબ જ વાંચ્યા કરતો હતો. અનેક પ્રકારનાં શાસ્ત્રો તેમ જ અનેક પ્રકારનાં પુસ્તકો વાંચવા એ સ્વભાવ જ બની ગયો હતો. એક દિવસ શ્રી અરવિંદે તેમને બોલાવીને પૂછયું- “આટલું બધું શા માટે વાંચે છે?” તેમના પ્રશ્નનો તાત્કાલિક તો કોઈ જવાબ નલિનીકાન્તને ન સૂઝયો. તેઓ બસ મૌન રહ્યા.

વાતાવરણની આ શાંતિને તોડતાં શ્રી અરવિંદ બોલ્યા- “જો, વાંચવું એ ખરાબ નથી, પરંતુ આ વાંચન બે પ્રકારનું હોય છે. એક બૌદ્ધિક વિકાસ માટે અને બીજું મન-પ્રાણ-અંતર્ચેતનાને સ્વસ્થ કરવા માટે. આ બીજા પ્રકારને સ્વાધ્યાય કહે છે અને પહેલાને અધ્યયન. તું આટલું અધ્યયન કરે છે એ બરાબર છે પરંતુ સ્વાધ્યાય પણ અવશ્ય કર. તેના માટે પોતાની આંતરિક સ્થિતિને અનુરૂપ કોઈ મંત્ર કે વિચારને પસંદ કરી અને પછી તેને અનુરૂપ પોતાને ઘડવાની સાધના કર.’ નલિનીકાન્ત લખે છે – “આ વાત તે સમયની છે, જ્યારે શ્રી અરવિંદ સાવિત્રી પૂરું કરી રહ્યા હતા. મેં તેને જ મારી સ્વાધ્યાય – ચિકિત્સાની ઔષધિ બનાવી લીધી.

પછી મારો નિત્યનો ક્રમ બની ગયો. સાવિત્રીના એક પાઠને ઊંઘમાંથી ઊઠતાં જ પ્રાત:કાળે વાંચવો અને સૂવાના સમય સુધી હરઘડી હરપળ તેના પર મનન કરવું. તે જ પ્રમાણે સાધનાની દિશાધારા નક્કી કરવી. ત્યારબાદ આ નિર્ધારિત ક્રમ અનુસાર જીવનશૈલી-સાધનાશૈલી વિકસિત કરી લેવી.’ તેમનો આ સ્વાધ્યાય ક્રમ એટલો પ્રગાઢ થયો કે પાછળના દિવસોમાં જ્યારે શ્રી અરવિંદને કોઈએ પૂછયું કે તમારા અને માતાજી પછી અહીં સાધનાની દૃષ્ટિએ કોણ આગળ છે? તો તેમણે હસીને કહ્યું નલિની’ આટલું કહીને થોડી વાર મૌન રહ્યા પછી બોલ્યા- નલિની ઈઝ ઈમ્બોડીમેન્ટ ઑફ પ્યોરિટી.” એટલે કે નલિની પવિત્રતાની મૂર્તિ છે. નલિનીએ એ બધું જ મેળવી લીધું છે, જે મેં અને માતાજીએ મેળવ્યું છે. નલિનીકાન્તને આવી ઉપલબ્ધિઓ મળી હતી, સ્વાધ્યાય – ચિકિત્સાથી. જો કે તેઓ કહેતા હતા, કે સ્વસ્થ જીવન માટે શરૂઆત પોતાની સ્થિતિ અનુસાર મનના બદલે તનથી પણ કરી શકાય છે. તેના માટે હઠયોગની વિધિઓ શ્રેષ્ઠ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: