ચિકિત્સક આધ્યાત્મિક તેજનો પ્રજ્વલિત પુંજ હોય છે, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
ચિકિત્સક આધ્યાત્મિક તેજનો પ્રજ્વલિત પુંજ હોય છે, આધ્યાત્મિક ચિકિત્સા
આધ્યાત્મિક ચિકિત્સક કોણ હોઈ શકે છે? આ પંક્તિઓ વાંચનારની ફળદ્રુપ મનોભૂમિમાં અત્યાર સુધીમાં આ પ્રશ્ન બીજ અંકુરિત થઈ ચૂક્યું હશે. આધ્યાત્મિક ચિકિત્સક કોને સમજીએ? કેવી રીતે બનીએ આધ્યાત્મિક ચિકિત્સક? કોઈ ચિંતનશીલ મનમાં આવા સવાલો ઊઠે એ સ્વાભાવિક છે. વાત સાચી પણ છે, આધ્યાત્મિક ચિકિત્સાનો સૈદ્ધાંતિક પક્ષ ગમે તેટલો સંમોહક કેમ ન હોય, પરંતુ તેનો પ્રાયોગિક પ્રભાવ કોઈ આધ્યાત્મિક ચિકિત્સકના માધ્યમથી જ પામી શકાય છે. એ જ એક છે, જે માનવીય જીવનના તમામ દોષો, વિકારોને દૂર કરીને સંપૂર્ણ સ્વાસ્થ્યનું વરદાન આપી શકે છે. તેના અભાવે નથી આધ્યાત્મિક ચિકિત્સા સંભવી શકતી, નથી વ્યક્તિત્વના અભાવ કે અવરોધ દૂર થઈ શકતા.
આધ્યાત્મિક ચિકિત્સક હોવાની જવાબદારી નિસ્સંદેહ ખૂબ મોટી છે. આધ્યાત્મિક ચિકિત્સાના સિદ્ધાંતો અને પ્રયોગો જાણવાનું સામાન્ય ચિકિત્સાશાસ્ત્રથી અનેકગણું દુષ્કર છે. આયુર્વેદ કે હોમિયોપથી, એલોપથી કે પછી સાઈકોથેરેપીના સિદ્ધાંત અને પ્રયોગ પોતાના વ્યક્તિત્વને સુધાર્યા-ઠીક કર્યા વિના પણ સમજી શકાય છે, પરંતુ આધ્યાત્મિક ચિકિત્સાના સિદ્ધાંત અને પ્રયોગ-વિધિ સ્વયં પોતાના વ્યક્તિત્વની પાઠશાળા અને પ્રયોગશાળામાં શીખવા પડે છે. એના માટે કોઈ ગ્રંથનું અવલોકન કે અધ્યયન પૂરતું હોતું નથી. આમાં વ્યક્તિની વ્યાવહારિક કે બૌદ્ધિક યોગ્યતાથી કામ ચાલતું નથી. જે કેવળ શબ્દાળના મહાઅરણ્યમાં ભટકતા રહે છે, તેઓ આ ક્ષેત્રમાં અસફળ અને અયોગ્ય જ સાબિત થાય છે.
જો કે અત્યારના સમયમાં સારી એવી વિપરીતતાઓ જોવા મળી રહી છે. “બરસે કંબલ ભીગે પાની” જેવી વિપરીતતા ચારે બાજુ જોવા મળે છે. આ અવળી રીતિ વિશે ગોસ્વામીજી મહારાજ કહે છે –
મારગ સોઈ જા કહું જોઈ ભાવા | પંડિત સોઈ જો ગાલ બજાવા || મિથ્યારંભ દંભ રત જોઈ | તા કહું સંત કહઈ સબ કોઈ ||
જેને જે સારું લાગી જાય, તે જ તેના માટે આધ્યાત્મિક પથ છે. જે ડિંગ મારે છે, તે જ પંડિત છે. મિથ્યા આડંબર રચે છે અને દંભમાં રચ્યોપચ્યો રહે છે, તેને જ સૌ કોઈ સંત કહે છે.
આ જ છે આજના યુગનું સત્ય. આવા આડંબરથી ભરેલા અને ઘેરાયેલા આધ્યાત્મિક ચિકિત્સકોની અત્યારે ભરતી આવેલી છે. ટી.વી.માં પ્રચાર, અખબારમાં જાહેરાત, મજેદાર પ્રવચનો, વાતવાતમાં પોતાની પ્રશંસા-એવા લોકો બીજું કંઈ ભલે હોય, આધ્યાત્મિક ચિકિત્સક ક્યારેય હોઈ શકતા નથી. કારણ કે તેના માટે બૌદ્ધિક ચતુરાઈ કે ચાલાકી નહિ, કઠિન તપ-સાધનાઓ જોઈએ. વેશ નહિ, આચરણ જોઈએ. લોભામણી વાણીને બદલે ઉદાર હૃદય જોઈએ. દેખાવ અને આડંબરથી અહીં કોઈ કામ ચાલવાનું નથી. એવા લોકો ભલાભોળા લોકોને ઠગીને પોતે માલામાલતો થઈ શકે છે, પણ એમનું કાંઈ હિત સાધી શકતા નથી. આ રીતે પૂર્વોની જાળમાં ફસાનાર મનુષ્ય સ્વાસ્થ્ય લાભ કરવાના બદલે દુઃખ-દારિદ્રય, વિપન્નતા અને વિષાદ જ મેળવે છે
આધ્યાત્મિક ચિકિત્સક માટે તો કઠોર તપકર્મ જ તેના જીવનની પરિભાષા હોય છે. શરીર, મન અને વચનથી તે ક્યારેય પણ તપ સાધનામાંથી ડગતા નથી. તેમનું જીવન જ ઉચ્ચસ્તરીય આધ્યાત્મિક પ્રયોગશાળા હોય છે, જેમાં કઠિન આધ્યાત્મિક પ્રયોગોની શૃંખલા નિરંતર ચાલતી રહે છે. તેમના રોમરોમમાં આધ્યાત્મિક ઊર્જાની સરિતા ઊછળતી રહે છે. તેમનું વ્યક્તિત્વ આધ્યાત્મિક તેજનો પ્રજ્વલિત પુંજ હોય છે. જેમનામાં આવી યોગ્યતા હોય છે, તે જ આધ્યાત્મિક ચિકિત્સક થવા માટે સુપાત્ર-સત્પાત્ર હોય છે.
અધ્યાત્મવિદ્યા અસ્તિત્વના સમગ્ર બોધનું વિજ્ઞાન છે. જે એમાં નિષ્ણાત છે, તેની દૃષ્ટિ પારદર્શી હોય છે. તે વ્યક્તિત્વની સૂક્ષ્મતાઓ, ગહનતાઓ અને ગુહ્યતાઓને સમજવા માટે સક્ષમ હોય છે. તેમના માટે કોઈના અંતરમાં પ્રવેશવાનું, તેની સમસ્યાઓ જાણી લેવાનું અત્યંત આસાન હોય છે. જેવી રીતે આપણે કાચના કબાટમાં શું રાખ્યું છે, કેવી રીતે ગોઠવ્યું છે વગેરે સ્પષ્ટ જોઈ શકીએ છીએ તેવી રીતે તે બીજાને જોવામાં સમર્થ હોય છે. પારદર્શક કાચમાંથી બધું સ્પષ્ટ દેખાય છે તેવી જ રીતે આધ્યાત્મિક ચિકિત્સકને પોતાના રોગીનાં રહસ્ય દેખાય છે. તેના માટે જેટલો પ્રત્યક્ષ વ્યવહાર હોય છે, તેટલો જ પ્રત્યક્ષ સંસ્કાર હોય છે. તે જેટલી આસાનીથી વર્તમાન જીવન જાણી શકે છે, એટલી જ આસાનીથી પૂર્વજન્મોને પણ જાણી શકે છે.
યુગઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ એવા જ આધ્યાત્મિક ચિકિત્સક હતા. માનવીય ચેતનાના તમામ દૃશ્ય-અદૃશ્ય આયામોની મર્મજ્ઞતા એમને મળેલી હતી. જ્યારે કોઈ એમની પાસે આવતું હતું, તેની સમસ્યાઓને તેઓ ખૂબ આસાનીથી સમજી લેતા હતા. સમસ્યાઓની સમજ, તેનાં કારણોની શોધ અને તેના સાર્થક સમાધાનમાં એમને થોડીક મિનિટોનો જ સમય લાગતો હતો. એક વાર વાતચીત દરમિયાન એમણે કહ્યું હતું – “જ્યારે પણ કોઈ મારી પાસે પોતાની સમસ્યા લઈને આવે છે, ત્યારે હું તેની આંખોના માધ્યમથી તેની અંતર્ચેતનામાં પ્રવેશી જાઉં છું. અને તેની સમસ્યાના યથાર્થને જાણી લઉં છું.” તેમની આ વાત પર જિજ્ઞાસા પ્રકટ કરતાં એક શિષ્યએ કહ્યું – “ગુરુદેવ! આવનાર તો પોતાની સમસ્યા પોતે જ જણાવી દે છે. એમાં જાણવાની શું જરૂર છે?”
આ શિષ્યના કથન પર તેઓ કંઈક એવી રીતે હસ્યા જાણે કોઈ પ્રૌઢ સમજદાર વ્યક્તિ કોઈ નાના બાળકની વાત સાંભળીને હસતી હોય. હસતાં હસતાં બોલ્યા – “બેટા ! બહુ ઓછા લોકો મારી પાસે સાચી વાત જણાવે છે. એટલે કે તેઓ જૂઠું બોલે છે અથવા તો પોતાની વાતને વધારીને કહે છે અથવા અધૂરી વાત કહે છે. હવે, એવી વાતોથી તો કામ ચાલતું નથી. એટલાં માટે મારે એમની અંદર પ્રવેશીને સચ્ચાઈ જાણવી પડે છે. આ રીતે સમસ્યાની તમામ સચ્ચાઈની ખબર પડી જાય છે અને એની સાથે સમાધાનનાં સૂત્ર પણ હાથ લાગી જાય છે.” “એ કેવી રીતે?” પૂછનારની આ જિજ્ઞાસા પર તેઓ બોલ્યા- “ભગવાનના બનાવેલા આ માણસનું વ્યક્તિત્વ પણ બહુ અજબગજબ છે. એનાં ગાઢ પડોમાં કેવળ સમસ્યાનું મૂળ જ હોતું નથી, પરંતુ સમાધાનનાં સૂત્ર પણ હોય છે.”
ગુરુદેવની આ વાત ભલે થોડી રહસ્યમય લાગે, પરંતુ તે તેમના જીવનનું રોજનું સત્ય રહ્યું છે. અવારનવાર તેઓ એ પણ કહેતા હતા કે મોટા ભાગની સમસ્યાઓ, વિકૃતિ અને વિકાર આધ્યાત્મિક જીવનદષ્ટિના અભાવે ફૂલેફાલે છે. જો પીડિત વ્યક્તિની જીવનદૃષ્ટિ સુધારી નાંખવામાં આવે તો સમસ્યાનું સમાધાન થઈ જાય છે. આ ક્રમમાં એક વાત મહત્ત્વપૂર્ણ છે. તે એ કે જે પીડિત વ્યક્તિ હોય છે તેના વિચારને સાચી દિશા આપવાનું પણ આસાન કામ નથી, કારણ કે નિરંતર પીડા સહેતા રહેવાના કારણે તેનામાં સંકલ્પ અને સાહસ ઓછાં થઈ જાય છે. આવી હાલતમાં તેને વધારાની ઊર્જાના અનુદાનની જરૂર પડે છે. આમ થવાથી જ તે પોતાના વેરવિખેર જીવનને ફરીથી સજાવી શકે છે.
સ્થિતિ ગમે તે હોય, પરંતુ એટલું સાચું છે કે આધ્યાત્મિક ચિકિત્સકે માનવીય ચેતનાના મર્મજ્ઞ હોવાની સાથે આધ્યાત્મિક ઊર્જાના અજન્ન સ્રોત હોવું જોઈએ. તેની બૌદ્ધિક પારદર્શિતા, સઘન ભાવપ્રવણતા અને અંતરાત્મામાં ઊછળતો આધ્યાત્મિક શક્તિનો મહાસાગર જ તેને સફળ આધ્યાત્મિક ચિકિત્સક બનાવે છે. પોતાના આ સામર્થ્યના બળે જ તે પોતાના રોગીના રોગ-નિદાન અને સમાધાનમાં સક્ષમ બની શકે છે.
પ્રતિભાવો