ચિત્તના સંસ્કારોની ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
ચિત્તના સંસ્કારોની ચિકિત્સા, આધ્યાત્મિક ચિકિત્સા
ચિત્તના સંસ્કાર એટલે કર્મબીજ. વ્યક્તિની મનઃસ્થિતિ તેમજ પરિસ્થિતિનું નિર્માણ આને જ અનુરૂપ થતું હોય છે. જન્મ અને જીવનનાં અગણિત રહસ્યો આ સંસ્કારોમાં જ સમાયેલાં છે. જે ક્રમમાં મનઃસ્થિતિ પરિવર્તિત થતી રહે છે, પરિસ્થિતિઓમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. જન્મના સમયની પરિસ્થિતિઓ, માતા-પિતાની પસંદગી, અમીર-ગરીબની સ્થિતિ જીવાત્માના સંસ્કારોને અનુરૂપ બને છે. સમયની સાથેસાથે આનાં પડળો ખૂલતાં જાય છે. સ્વયંની પરિપકવતાના ક્રમમાં કર્મબીજોનું અંકુરણ થાય છે અને જીવનમાં પરિવર્તન આવતાં રહે છે. કોઈ પણ આધ્યાત્મિક ચિકિત્સક માટે આ સંસ્કારોના વિજ્ઞાનને જાણવું અવશ્યપણે જરૂરી છે. એ એટલું આવશ્યક છે કે આના વગર કોઈ પણ આધ્યાત્મિક ચિકિત્સા સંભવ થઈ શકતી નથી.
કોઈ પણ વ્યક્તિનો પરિચય તેના વ્યવહાર દ્વારા મળે છે. આના જ આધારે તેના ગુણ-દોષ જોઈ-જાણી અને માપી શકાય છે. જો કે વ્યવહારના પ્રેરક વિચાર હોય છે અને વિચારોની પ્રેરક ભાવનાઓ હોય છે અને આ વિચારો અને ભાવનાઓનું સ્વરૂપ વ્યક્તિના સંસ્કાર નક્કી કરે છે. આ પ્રકારનો ઊંડાણપૂર્વકનો વિચાર બહુ જ ઓછા લોકોના ધ્યાનમાં આવે છે. સામાન્ય જન તો ઠીક છે, વિશેષજ્ઞો દ્વારા પણ આ ચૂક થઈ જાય છે. કોઈના પણ જીવનનું આકલન કરતી વખતે લગભગ વ્યવહાર અને વિચારો સુધી જ પોતાને સીમિત કરી દેવામાં આવતા હોય છે. મનોવૈજ્ઞાનિકોની સીમા તો અહીં જ સમાપ્ત થઈ જાય છે, પરંતુ અધ્યાત્મવિજ્ઞાની પોતાનું આકલન સંસ્કારોના આધારે કરે છે, કેમકે આધ્યાત્મિક ચિકિત્સાના આધારભૂત માળખાનો આ જ આધાર છે.
ધ્યાન રહે, વ્યક્તિના આ અતળ ઊંડાણ સુધી પ્રવેશ પણ એવા જ કરી શકે છે, જેમની પાસે આધ્યાત્મિક દૃષ્ટિ અને શક્તિ છે. આધ્યાત્મિક ઊર્જાની પ્રબળતા વગર આ બધું સંભવ થઈ શકતું નથી. ચિત્તના સંસ્કારો તેમ જ તેના દ્વારા થનારાં પરિવર્તનનો અનુભવ કઈ રીતે કરવો? તો આનો જવાબ પોતાના અંગત જીવનની પરિધિ તેમજ પરિદશ્યમાં શોધી શકાય છે. વિચારો કે પોતાનાં બાળપણની ઈચ્છાઓ અથવા તો રુચિઓ કેવી હતી? આકાંક્ષાઓ અને અરમાન ક્યાં હતાં ? પરિસ્થિતિઓ કેવી હતી? આ સવાલોના ઊંડાણમાં ઊતરીશું તો જાણી શકીશું કે પરિસ્થિતિઓના તાણાવાણા લગભગ મનઃસ્થિતિને અનુરૂપ જ વણવામાં આવ્યા હતા. મનની મૂળ પ્રવૃત્તિઓને અનુરૂપ જ પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું અને આ મૂળવૃત્તિઓ આપણા પોતાના સંસ્કારોને અનુરૂપ જ હતી.
હવે જો ક્રમિક રૂપે પાંચ-પાંચ કે દસ-દસ વર્ષોના અંતરાલનાં લેખાં જોખાં કરીએ તો આપણને આપણા જીવનમાં વિસ્મયજનક તેમ જ આશ્ચર્યચકિત કરનારા નવા-નવા ઉતાર-ચઢાવ જોવા મળશે. આ અચરજ આપણને ગમે તેટલું કેમ ન ચોંકાવે, પરંતુ આ આપણા જીવનનું અનુભૂત સત્ય છે. થોડું ઝીણવટપૂર્વક જોઈશું તો આ પંક્તિઓના વાચક અનુભવશે કે તેમના જીવનમાં પાંચ અથવા દસ વર્ષોના અંતરાલમાં કશુંક એવું થતું ગયું, જેની તેમણે પોતે કલ્પના પણ કરી ન હતી. મનની કલ્પનાઓ બદલાઈ, ઈચ્છા-આકાંક્ષાઓ બદલાઈ, વૃત્તિઓમાં પરિવર્તન આવ્યું, સાથેસાથે પરિસ્થિતિઓમાં નવા-નવા ઘટનાક્રમોનો ઉદય થયો. કેટલાંય પારકાં પોતાનાં થયાં અને પોતાનાં પારકાપણું દર્શાવી પરાયાં બની ગયાં. આર્થિક-સામાજિક પાસાઓમાં પણ નવા રંગ ઊભર્યા.
આ બધું જ સંયોગના કારણે નહિ, સંસ્કારોનાં કારણે થયું છે. નવા સંસ્કારોના જાગરણ અને નવાં કર્મબીજોના અંકુરણના કારણે આપણા જીવનમાં નવાં-નવાં પરિવર્તન આવતાં ગયાં. એ વાત જુદી છે કે આ પરિવર્તનોમાં કેટલાંક પરિવર્તન આપણે માટે દુઃખદ સાબિત થયાં, તો કેટલાંક દ્વારા આપણને સુખદ અનુભૂતિઓ મળી. ભરોસો કરો, અહીં જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે, તે આધ્યાત્મિક જ્ઞાનનું સત્ય છે. કોઈ પણ સુપાત્ર-સત્પાત્ર આનો અનુભવ કરી શકે છે. જો તેમને આના પર ભરોસો બેસતો હોય તો એ સચ્ચાઈ પર વિશ્વાસ કરો કે સંસ્કારોના મૂળ સુધી પહોંચીને તેનું ખોદકામ કરીને દુ:ખદ સંસ્કારોમાંથી છુટકારો મેળવી શકાય છે અને સુખદ સંસ્કારોને પ્રબળ બનાવી શકાય છે. એટલે કે આધ્યાત્મિક પ્રયોગોની મદદથી ખરાબ મનઃસ્થિતિ અને પરિસ્થિતિમાંથી છુટકારો મેળવી શકાય છે.
વિશ્વાસ રાખો, આ એક પ્રાયોગિક સત્ય છે. અનેક લોકોએ અનેક રીતે આને પોતાના જીવનમાં ખરું થતું અનુભવ્યું છે. બસ, આના માટે તમારે કોઈ આધ્યાત્મિક ચિકિત્સકનો સાથ-સંગાથ જોઈએ. તેની સહાયતાથી જીવનમાં નવા રંગ ભરી શકાય છે. આવું થયાની અનુભૂતિ તો અનેકની છે, પરંતુ અહીં આપણે કેવળ એકનો જ ઉલ્લેખ કરવા ઈચ્છીશું, જેના કારણે એક ભટકતો, આવારા કિશોર મહાન ક્રાંતિકારી ઈતિહાસ પુરુષ બની ગયો. હા ! આ હકીકત પં. રામપ્રસાદ બિસ્મિલના જીવનની છે. “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ” જેવા પ્રેરક શબ્દો આપનારા “બિસ્મિલ’ કિશોરાવસ્થામાં કુસંગ અને કુટેવના કુચક્રમાં ફસાઈ ગયા હતા. ખરાબ લોકોની ખરાબ સોબતના કારણે તેમનામાં અનેક ખરાબ આદતો ઘર કરી ગઈ. સ્થિતિ કંઈક એવી બગડી કે તેમનું વ્યક્તિત્વ જ મુરઝાઈ ગયું.
આ દરમિયાન તેમનામાં થોડાક શુભ સંસ્કાર જાગ્યા, થોડાંક પુણ્ય બીજ અંકુરિત થયાં અને તેમની મુલાકાત એક મહાપુરુષ સાથે થઈ. આ મહાપુરુષ સંન્યાસી હતા અને નામ હતું સ્વામી સોમદેવ. તેમની સાધના અલૌકિક હતી. તેમનું તપબળ પ્રબળ હતું. તે પં.રામપ્રસાદને જોતાં જ ઓળખી ગયા. તેમણે પોતાનાં પરિચિત જનોને કહ્યું કે આ કિશોર એક વિશિષ્ટ આત્મા છે. તેનો જન્મ ભારતમાતાની સેવા માટે થયો છે, પરંતુ વિડંબના એ છે કે આના ઉચ્ચ કોટિના સંસ્કાર હજુ જાગ્રત થયા નથી અને કોઈ જન્મના ખરાબ સંસ્કારોની જાગૃતિએ આને ભ્રમિત કરી નાંખ્યો છે.” “મહારાજ ! આનું શું થશે ?” આ સંન્યાસી મહાત્માના કેટલાક શિષ્યોએ એમને પૂછયું. તે મહાપુરુષ પહેલાં તો મલક્યા, પછી હસી પડ્યા અને બોલ્યા, “આ બાળકની આધ્યાત્મિક ચિકિત્સા કરવી પડશે અને એ હું પોતે જ સંપન્ન કરીશ. બસ, તમે લોકો તેને મારી પાસે લઈ આવો.”
ઈશ્વરીય પ્રેરણાના કારણે આ સુયોગ બન્યો. પં. રામપ્રસાદ આ મહાન યોગીના સંપર્કમાં આવ્યા. આ પવિત્ર સંસર્ગમાં પં. રામપ્રસાદનું જીવન બદલાતું ગયું. આ આમ જ અનાયાસે અથવા તો અચાનક બન્યું ન હતું. ખરેખર તો એ મહાન સંન્યાસીએ પોતાની આધ્યાત્મિક ઊર્જાનો પ્રયોગ કરીને તેના ખરાબ સંસ્કારોનાં પડ દૂર કરવાનું શરૂ કર્યું. એક રીતે તેઓ અદશ્ય રીતથી પોતાની આધ્યાત્મિક શક્તિ અને દષ્ટિનો પ્રયોગ કરતા રહ્યા. તો બીજી તરફ દશ્યરૂપથી તેમણે રામપ્રસાદને ગાયત્રી મહામંત્રનો ઉપદેશ આપ્યો. તેમને શ્રીમદ્ ભગવદ્ગીતાના પાઠ માટે તૈયાર કર્યા. દિવસ-માસ-વર્ષ વીતતાં યુવક રામપ્રસાદમાં નવો નિખાર આવ્યો.
તેમની અંતર્ચેતનામાં પવિત્ર સંસ્કાર જાગૃત થવા લાગ્યા. પવિત્ર સંસ્કારોએ ભાવનાઓને પવિત્ર બનાવી, તદનુરૂપ વિચારોના તાણા વાણા વણાતા ગયા અને એક નવા વ્યક્તિત્વનો ઉદય થયો. એક ભ્રમિત ભટકેલા કિશોરના અંતરાત્મામાં ભારતમાતાના મહાન સપૂત પં. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ થયો. આ નવા જન્મએ તેમનાં જીવનમાં સર્વથા નવા રંગ ભરી દીધા. આ બધું જ ચિત્તના સંસ્કારોની આધ્યાત્મિક ચિકિત્સાની તાકાતના કારણે સંભવ બન્યું, જેણે પૂર્વજન્મના શુભ સંસ્કારોને જાગૃત કરી એક નવો ઈતિહાસ રચ્યો.
પ્રતિભાવો