જ્યોતિર્વિજ્ઞાનની અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
જ્યોતિર્વિજ્ઞાનની અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા, આધ્યાત્મિક ચિકિત્સા
આધ્યાત્મિક ચિકિત્સા માટે જયોતિષ વિજ્ઞાનની ઉપયોગિતા અસંદિગ્ધ છે. જો આધ્યાત્મિક ચિકિત્સકને જયોતિષનું સાચું અને યોગ્ય જ્ઞાન હોય, તો તે દર્દીના જીવનનું ઘણુંખરું મૂલ્યાંકન કરી શકે છે. જો કે આજના સમયમાં જ્યોતિષ વિદ્યાના વિષયમાં અનેક ભ્રાન્તિઓ ફેલાયેલી છે. ઘણી બધી કુરીતિઓ, રૂઢિઓ તથા મૂઢમાન્યતાઓના કલંકે આ મહાન વિદ્યાને જાણે ઢાંકી દીધી છે. જો લોકરિવાજો તથા લોકમાન્યતાઓને કોરાણે મૂકીને તેના વાસ્તવિક સ્વરૂપ અંગે વિચારવામાં આવે, તો તેની ઉપયોગિતાને નકારી શકાય તેમ નથી. વ્યક્તિત્વની કસોટી માટેની આ ખૂબ અસરકારક પદ્ધતિ છે. તેના દ્વારા વ્યક્તિની મૌલિક ક્ષમતાઓ તેમ જ ભાવિ સંભાવનાઓ અંગે સરળતાથી જાણી શકાય છે. સાથે સાથે એ પણ ખબર પડી જાય છે, કે વ્યક્તિના જીવનમાં ક્યા ઘાતક અવરોધો તેના વિકાસના માર્ગને રૂંધી રહ્યા છે અથવા તો ક્યા સમયે ભાગ્યના કયા ખરાબ યોગોને સહન કરવા માટે તેણે લાચાર બનવાનું છે.
પરંતુ તે માટે તેના સાચા સ્વરૂપ તથા પ્રક્રિયા વિશે જાણવું જરૂરી છે. આજનું વિજ્ઞાન અને વૈજ્ઞાનિકતા એ સત્યને સ્વીકારે છે, કે અખિલ બ્રહ્માંડ એ ઊર્જાનો ભંડાર છે. આ સ્વીકૃતિ એટલે સુધી છે, કે આધુનિક ભૌતિકવિજ્ઞાની પદાર્થના સ્થાને ઊર્જા-તરંગોના અસ્તિત્વને સ્વીકારે છે. તેમના માનવા મુજબ પદાર્થ તો માત્ર બાહ્ય દેખાવ જ છે, વાસ્તવિક સત્ય તો ઊર્જા જ છે. આ સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ હોય કે પછી પ્રાણી-વનસ્પતિ હોય, તે જન્મતાં પહેલાં પણ ઊર્જા સ્વરૂપે હતાં અને મૃત્યુ પછી પણ બ્રહ્માંડના ઊર્જા તરંગો નો એક ભાગ બની જશે. વિજ્ઞાનવિદો તથા અધ્યાત્મવેત્તાઓ બંને એ સત્યને સ્વીકારે છે, કે બ્રહ્માંડવ્યાપી આ ઊર્જાના અનેક સ્તર તેમ જ સ્થિતિઓ હોય છે, જે સતત પરિવર્તિત થતાં રહે છે. તેમાં થતું રહેતું આ પરિવર્તન જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ તેમ જ લયનું કારણ છે.
જો કે આ પરિવર્તન કેમ થાય છે, એ બાબતમાં વૈજ્ઞાનિકો અને અધ્યાત્મવેત્તાઓમાં સૈદ્ધાંતિક સહમતી નથી. એક બાજુ વૈજ્ઞાનિક દૃષ્ટિ આ પરિવર્તનનું મૂળ કારણ માત્ર સાંયોગિક પ્રક્રિયા માનીને મૌન ધારણ કરી લે છે, ત્યારે બીજી બાજુ આધ્યાત્મિક દૃષ્ટિકોણ તેને બ્રાહ્મી-ચેતનામાંથી ઊપજેલી સૃષ્ટિ-પ્રક્રિયાની અનિવાર્યતાના રૂપમાં માને છે. તે મુજબ મનુષ્ય જેવા ઉચ્ચસ્તરીય પ્રાણીની સ્થિતિમાં પરિવર્તન તેનાં કર્મો, વિચારો, ભાવો તથા સંકલ્પો અનુસાર થાય છે. જ્યોતિષ વિદ્યાનું આધારભૂત સત્ય આ જ છે. જો કે આ વિદ્યાના નિષ્ણાતો એવું પણ જણાવે છે કે જીવનવ્યાપી પરિવર્તનના આ ક્રમમાં બ્રહ્માંડીય ઊર્જાના વિવિધ સ્તરો પણ કોઈ ને કોઈ રીતે મર્યાદિત હોય છે. ઊર્જાના આ વિભિન્ન સ્તરોને જ્યોતિષ વિશેષજ્ઞોએ પ્રતીકાત્મક સંકેતોમાં વર્ગીકૃત કર્યા છે. નવગ્રહ, બાર રાશિઓ, સત્તાવીસ નક્ષત્રો વગેરે આ ક્રમિક વર્ગીકરણનું જ સ્વરૂપ છે.
જ્યોતિષના જાણકારો અને આધ્યાત્મિક જ્ઞાનના વિશેષજ્ઞો બંને એક સ્વરે એ સત્યને સ્વીકારે છે કે મનુષ્યના જન્મની ક્ષણનું વિશેષ મહત્ત્વ છે. આમ તો દરેક ક્ષણનું મહત્ત્વ હોય છે, પરંતુ જન્મની ક્ષણ વ્યક્તિને જીવનભર પ્રભાવિત કરતી રહે છે. આવું કેમ છે? તો તેનો સરળ જવાબ એ છે કે દરેક ક્ષણમાં બ્રહ્માંડીય-ઊર્જાની વિશિષ્ટ શક્તિધારાઓ કોઈક ને કોઈક બિંદુ પર, કોઈ વિશેષ માત્રામાં મળે છે. મિલનની આ ક્ષણોમાં મનુષ્યનો જન્મ થાય છે. આ ક્ષણમાં જ એ નિર્ધારિત થઈ શકે છે કે ઊર્જાની શક્તિધારાઓ ભવિષ્યમાં ક્યા ક્રમમાં મળશે અને જીવનમાં પોતાનો કેવો પ્રભાવ દર્શાવશે.
જ્યોતિષના મર્મજ્ઞો અને વિશેષજ્ઞો દરેક જડ અને ચેતનનું ઊર્જાચક્ર અથવા કુંડલી તૈયાર કરે છે. આ ચક્ર મોટે ભાગે બ્રહ્માંડીય ઊર્જાની નવ મૂળ ધારાઓ અથવા નવગ્રહો તેમ જ બાર વિશિષ્ટ શક્તિધારાઓ એટલે કે રાશિઓનું બનેલું હોય છે. જો ગણતરી સાચી રીતે કરવામાં આવી હોય તો આ ઊર્જાધારાઓનો સાંયોગિક પ્રભાવ તેના પર જોવા મળે છે. મનુષ્યની સ્થિતિ થોડી જુદી છે. તે ન તો જડ પદાર્થોની જેમ એકદમ અચેતન છે, ન વૃક્ષ-વનસ્પતિ કે અન્ય પ્રાણીઓની જેમ અર્ધચેતન. તેને તો આત્મચેતન કહેવામાં આવ્યો છે. તેનામાં દૂરદર્શી વિવેકશીલતાનો ભંડાર છે. આ જ કારણે તે પોતાની ઉપર પડતા બ્રહ્માંડીય ઊર્જા-પ્રવાહો પ્રમાણે પોતાને અનુકૂળ બનાવી લેવામાં સક્ષમ છે.
જ્યાં સુધી જ્યોતિષનો સવાલ છે ત્યાં સુધી જન્મ-ઘડી અનુસાર બનાવવામાં આવેલા ઊર્જાચક્રના ક્રમમાં તે એ નિર્ધારિત કરે છે, કે આ વ્યક્તિ પર ક્યારે, કેવી ઊર્જા -ધારાઓ કેવા પ્રકારનો પ્રભાવ પાડશે. આ ચક્રથી એ પણ ખબર પડે છે, કે ભૂતકાળમાં કરવામાં આવેલાં ક્યાં કર્મો, સંસ્કારો અથવા પ્રારબ્ધના કયા ખરાબ ગ્રહયોગો અથવા સારા યોગોના કારણે તેનો જન્મ એ ક્ષણે થયો. આ જ્ઞાન જ્યોતિષનો એક ભાગ છે. તેની સાથે તેનો બીજો ભાગ પણ જોડાયેલો છે. આ બીજો ભાગ આવી વિશિષ્ટ ઊર્જા-ધારાઓ સાથે સમાયોજનની રીત-રસમો સાથે સંબંધિત છે. અર્થાત્ તેમાં એવા વિધિ-વિધાન છે કે કઈ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? એટલે કે કયો ઉપાય કરીને માણસ પોતાના જીવનમાં આવનારા સુયોગો તથા સૌભાગ્યને વધારી શકે છે અને કયા ઉપાયો અપનાવીને તે પોતાના ખરાબ યોગોને ઓછા અથવા નાબૂદ કરી શકે છે.
દરેક સ્થિતિનો સામનો કરવા માટે અનેક વિધિઓ છે અને એ બધી પ્રભાવકારી છે. આધ્યાત્મિક ચિકિત્સક આમાંથી કોઈ પણ વિધિનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. આ બધું તેમની વિશેષજ્ઞતા પર નિર્ભર છે. જો કે આ પંક્તિઓમાં એ સત્યને સ્વીકારવામાં કોઈ સંકોચ થતો નથી કે આજની પરિસ્થિતિમાં એવા જાણકારો અને નિષ્ણાતો નહિવત્ છે, કે જેઓ અધ્યાત્મ-સાધના અને જ્યોતિષ વિદ્યા બંનેમાં પારંગત હોય. કેટલાક દસકાઓ પહેલાં ભારતીય વિદ્યાના મહાપંડિત મહામહોપાધ્યાય ડૉ. ગોપીનાથ કવિરાજના ગુરુ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના જીવનમાં આવો દુર્લભ સુયોગ પેદા થયો હતો. હિમાલયના દિવ્ય ક્ષેત્ર જ્ઞાનગંજના સાધનાકાળ દરમિયાન તેમણે પોતાના ગુરુઓ પાસેથી અધ્યાત્મા ચિકિત્સાની સાથે જયોતિષ વિદ્યામાં પણ મર્મજ્ઞતા પ્રાપ્ત કરી હતી.
તેઓ જ્યોતિષના ત્રણે આયામો- ૧. ગણિત જયોતિષ ર. યોગ, જ્યોતિષ ૩. દેવ જ્યોતિષમાં પારંગત હતા. ગણિત જ્યોતિષને તો બધા જાણે છે. આમાં જન્મ-સમય પ્રમાણે ગણતરી કરીને તેના ફળાદેશનો વિચાર કરવામાં આવે છે. યોગ જ્યોતિષમાં યોગવિદ્યા દ્વારા વ્યક્તિના માતા-પિતાના મિલનની તપાસ કરે છે. તેની ગણતરી ગર્ભાધાનની ક્ષણથી કરવામાં આવે છે, નહિ કે જાતક ધરતી પર આવ્યાની ક્ષણથી. દેવ જ્યોતિષમાં ઘણાંબધાં આશ્ચર્યો જોવા મળે છે. જેમ કે વ્યક્તિના નામથી જ તેની કુંડળી બનાવી દેવી અથવા તેનાં વસ્ત્રો અથવા કોઈ પરિચિત વ્યક્તિને આધાર માનીને તેના જન્મચક્ર તથા ફળાદેશનું ચોક્કસ વિવેચન કરી દેવું. વ્યક્તિને જોઈને તેની જન્મપત્રિકા અથવા કોઈ દૂરનાં સગાં-સંબંધીની જન્મકુંડળી બનાવી દેવી અને તેનો સાચો ફળાદેશ જણાવી દેવો.
સ્વામી વિશુદ્ધાનંદ પોતાની આધ્યાત્મિક ચિકિત્સામાં જ્યોતિષના આ આયામોનો સમયાનુસાર ઉપયોગ કરતા હતા. રોહણીકુમાર ચેલ મહાશયે તેમની સાથે થયેલો પોતાનો એક અનુભવ જણાવતાં કહ્યું છે, કે જ્યારે તેઓ પહેલી વાર તેમને મળવા માટે ગયા, તો તેમની બેગમાં પોતાની તેમ જ પત્નીની કુંડળી લઈ ગયા હતા. તેમનો ઉદેશ્ય જીવનની કેટલીક સમસ્યાઓનું સમાધાન મેળવવાનો હતો. પરંતુ જેવા તેઓ બેઠાં અને કુંડળી કાઢવા લાગ્યા કે તરત જ વિશુદ્ધાનંદજીએ તેમને રોકી દીધા અને કહ્યું- “ઊભા રહો ? આમ કહી તેમણે પુસ્તકમાં મૂકી રાખેલો કાગળ કાઢ્યો. આ કાગળમાં તેમની પત્નીની કુંડળી જ નહિ, ફળાદેશ વગેરે વિવરણ પણ લખેલું હતું. આશ્ચર્યચકિત થયેલા રોહણીકુમાર ચેલે પોતાની પાસે રાખેલી અને વિશુદ્ધાનંદ મહારાજે બનાવેલી કુંડળી મેળવી જોઈ. તેમાં પત્નીની કુંડળી તો એકદમ બરાબર હતી, પરંતુ તેમની કુંડળીમાં જન્મ-લગ્ન જુદાં હતાં.
જિજ્ઞાસા પેદા થતાં તેમણે કહ્યું કે મારી બનાવેલી કુંડળી જ સાચી છે, કારણ કે તારી પાસેની કુંડળી જો સાચી હોત, તો તું સાધારણ માણસના બદલે કોઈ અવતાર હોત અને તું મારી પાસે ન આવત, પરંતુ હું તારી પાસે આવત. કારણ કે તારી પાસે જે કુંડળી છે તેમાં જણાવેલ જન્મ-લગ્ન સાથે બ્રહ્માંડની જે ઊર્જા-ધારાઓ જે રીતે મળી રહી હતી, તે બધું ખરેખર અસાધારણ છે. આવા સમયમાં તો માનવ જન્મ ઘટિત જ ન થાય. તે તો એક અસાધારણ ક્ષણ હતી. વાર્તાલાપની સાથે તેમણે તેમની આધ્યાત્મિક ચિકિત્સાની બધી સામગ્રી પૂરી પાડી. આ સારવારની પ્રક્રિયામાં કેટલીક તંત્રની રીતો પણ સમાયેલી હતી.
પ્રતિભાવો